અગન પિપાસા: આગમાંથી તાવીને મૂળને પામવાની કથા
‘સ્નેહઘન’ ઉપનામધારી કુન્દનિકા કાપડીઆ ગુજરાતી લેખિકાઓમાં મુખ્યત્વે વાર્તાકાર અને નવલકથાકાર તરીકે વધુ પ્રતિષ્ઠિત છે.
આ કથામાં વાયોલિન પણ લગભગ એક પાત્રરૂપે આવે છે. આ વાદ્યમાંથી પ્રેમના વિવિધ સૂરો ઊઠે છે, તો સાથે આ સનાતન ઝંકાર પણ તેમાં ભળેલા જ છે. એટલે આ પ્રણયકથામાં કેવળ આગ નથી, પ્રકાશ પણ છે.
કથાતંતુ મુખ્યત્વે મુરારિ, મેના અને સોમની આસપાસ ગૂંથાયો છે. મુરારિ પોતાના એકના એક દીકરા સોમને ખૂબ જ ચાહે છે, તો સોમ પણ પિતાને કહેતો, ‘‘તમે મને બહુ ગમો છો.’’ આમ, સોમને પોતે પિતાની સ્નેહછાયામાં તદ્દન સલામત છે, દુનિયામાં જાણે કોઈ તેને કશું જ કરી શકે નહીં તેવી લાગણી અજ્ઞાતપણે થતી, તેથી બાપુ તેને એક ઘટાદાર વૃક્ષ જેવા એક પહાડ જેવા, આકાશ જેવા લાગતા.
મુરારિ દિલરુબા બનાવનાર કારીગર હતો. તેથી લોકો તેને ‘દિલરુબાનો મિસ્ત્રી’ કહીને બોલાવતા પણ તેને પોતાને વાયોલિન વગાડવાનો ઊંડો શોખ હતો. ક્યારેક તે પોતાની મેળે ધૂન પણ રચી લેતો.
મુરારિ અને મેનાની પ્રથમ મુલાકાત નૈનીતાલમાં થાય છે. આ મુલાકાત ચાર જ દિવસમાં ગાઢ અનુરાગમાં પરિણમે છે. મુરારિને કોઈ સ્ત્રીની નિકટતાનો આ પ્રથમ અનુભવ હતો.
સ્વરોની અદ્ભુત દુનિયા મુરારિના પોતાના જ જીવનના ભાગરૂપ હતી. પ્રેમ અને સંગીતની આ સૃષ્ટિ વચ્ચે સોમનો જન્મ થાય છે. તેથી મેનાએ મુરારિને પૂછ્યું, ‘‘હવે તમે શરાબ છોડી દેશો ને?’’ (પૃ. ૮) મુરારિ સાચે જ શરાબ છોડી દેવા માંગે છે પણ કોઈ અજ્ઞાત કારણને લીધે કે પછી ઘણાં વરસોની ટેવને લીધે તેનાથી શરાબ છૂટતો નથી.
સોમ પિતા પર જ ઊતર્યો હતો. પિતાના સંગીતના કારણે સોમનો મુરારિ સાથે એક વિશિષ્ટ સંબંધ બંધાતો જતો હતો. તે ચાર વરસનો થયો ત્યારથી જ મુરારિએ તેને વાયોલિન પર ગજ ફેરવતાં ને સૂર ઓળખતાં શીખવવા માંડ્યું હતું. થોડા વખતમાં જ તે સાધારણ રાગ ઓળખતો થઈ ગયો હતો.
મુરારિની ઇચ્છા સોમને મહાન સંગીતકાર બનાવવાની હતી. ‘‘પિતાનો સ્નેહ તેને માટે જાણે સંગીતનું રૂપ ધારણ કરીને પ્રગટ થતો. એ સ્નેહ ને સંગીત બંને તેને માટે એકરૂપ હતાં. તેના વડે તેનું જીવનતત્ત્વ સિંચાતું હોય, તેમ રોજે રોજ તે ખીલતો જતો હતો. બાપની સાથે આ છોકરો છાયાની જેમ રહેતો.’’ (પૃ. ૧૦)
સોમ કોઈકવાર કશા જ આયાસ વિના સ્વરરચનાના નાના ટુકડા પોતાની મેળે જ વગાડતો. કોઈકવાર વાયોલિનમાંથી સ્વરો એની જાતે જ પ્રગટ થતા અને હવાના દરિયામાં આનંદના નાના નાના ટાપુ રચી દેતો.
એક સાંજે સોમ માને પૂછે છે, ‘‘મા, દારૂડિયો કોને કહેવાય?’’ આ સાંભળી મેના સ્તબ્ધ થઈ ગઈ. તે જે ભયની છાયા હેઠળ જીવતી હતી તે ભય પ્રત્યક્ષ થયો હતો. તે સોમને કહે છે, ‘‘જે માણસ ખૂબ દારૂ પીને સાનભાન ભૂલી જાય ને ગમે તેમ વર્તવા લાગે તેને દારૂડિયો કહેવાય.’’ (પૃ. ૧૨) આ વાત સાંભળી સોમ તરત જ બોલ્યો, ‘‘બાપુ દારૂડિયા છે, મા?’’ (પૃ. ૧૨)
સોમને પોતાના પિતા દારૂડિયા છે તે ખબર પડતાં મેના મુરારિને શરાબ છોડવાની વિનંતી કરે છે અને મુરારિ શરાબ છોડી દે છે. પરંતુ શરાબ વગર તે રહી શકતો નથી.
સોમને ખાતર આ કરવામાં બંને એક વાત ભૂલી જાય છે કે, ‘‘સોમને માટે પિતાનું સંગીત પિતાના સ્નેહ જેટલું જ મહત્ત્વનું હતું.’’ (પૃ. ૧૫) મુરારિ શરાબ છોડવાના પ્રયત્નને કારણે વાયોલિન વગાડવાનું છોડી દે છે. તેથી બાપુની આ સ્થિતિ જોઈને સોમ તેને કહે છે, ‘‘બાપુ! તમે નહીં વગાડો તો પછી હું પણ નહીં વગાડું, કોઈ દિવસ નહીં વગાડું.’’ (પૃ. ૧૫) એના અણધાર્યા કથનથી મુરારિ ચોંકી ઊઠે છે. મેનાનું હૃદય ચિત્કાર કરી રહે છે. સુખ અને સંગીતથી ભરેલા આ ઘરમાં અચાનકજ પ્રશ્નો ને સમસ્યાઓ આવી પડ્યાં.
આમ, શરાબ છોડી દેવાની તેની (મુરારિ) ઇચ્છા પીવાની ઇચ્છા આગળ હારી ગઈ. તેથી તેનું (મુરારિ) અભિમાન ઘવાયું. અતિશય આઘાત સાથે તેણે જાણ્યું કે કાંઈ નહીં તો પોતાના સંગીત માટે પીવાનું અનિવાર્ય બની ગયું હતું. સોમ માટે પણ શું આવું બનશે? તે વિચારે છે કે, ‘‘...સોમને તે મહાન સંગીતકાર થવા માટેની આકાંક્ષા આપે ને શરાબની અનિવાર્યતા વારસામાં ન આપે, તેવું બની શકે?’’
થોડા સમય પછી મુરારિને તાવ આવવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ રવિવાર હોવાથી કોઈ ડોક્ટર હાજર ન હોવાને કારણે મુરારિની સારવાર થઈ શકતી નથી. તેથી સોમનું આખું શરીર તંગ થઈને ખેંચાઈ રહ્યું ને મનમાં બોલ્યો, ‘‘તો હું ડોક્ટરની ડોક મરડી નાંખીશ.’’ આમ, સોમે પોતાની અંદર એક બળતી આગ અનુભવી.
મુરારિએ સોમને નજીક બોલાવી માથે હાથ મૂકતાં બોલ્યો, ‘‘મોટો સંગીતકાર થજે દીકરા, ઈશ્વર આપણું ધ્યાન રાખે છે. તે કદી ભૂલતો નહીં.’’ આમ કહેતાં તેનો અવાજ ધીમો પડતો ગયો અને કાયમ માટે તે મૃત્યુનો આંચળો ઓઢી લે છે.
હજી ગઈકાલ સુધી જે ઘર ઈશ્વરની શીળી ઘટા હેઠળ સુરક્ષિત હતું તેની છત અચાનક જ અદીઠનો કોઈ નિષ્ઠુર વાયરો આવીને ઉડાવી લઈ ગયો. સોમને પ્રચંડ આઘાતે છિન્નભિન્ન કરી નાખ્યો. સમૃદ્ધ પ્રેમ અને સંગીતના ગુંજારવથી ભરેલા આ ઘરમાં તેણે દુઃખ એટલે શું તે જાણ્યું નહોતું. તે છોડની જેમ સિંચાતો ને ફૂલની જેમ ખીલતો હતો. પણ અચાનક જ એક ભીષણ ઘટનામાં દુનિયામાં તેની જે સૌથી પ્રિય વ્યક્તિ હતી તે આંખો સામેથી કાયમ માટે અદૃશ્ય થઈ જાય છે. પિતાની ખાલી ખુરશી જોઈ તેને થતું, ‘‘પોતે એકદમ જ એકલો ને અરક્ષિત બની ગયો છે.’’ (પૃ. ૨૭) મા હતી પણ પાંખ કપાયેલી પંખિણી જેવી બની ગઈ હતી.
જીવનમાં પહેલી વાર થયેલા આઘાતના તીવ્ર અનુભવે સોમની નિજી દુનિયાને પીડાના એક નવા જ પરિમાણમાં વિસ્તરી હતી. તે શૂન્યતા ને એકાકિતાની અજાણ અતલ ખીણને છેક કાંઠે ઊભો છે. તેને થાય છે કે, ‘‘હું એકદમ જ એકલો પડી ગયો છું. મારી અંદર કેટલી વેદના, કેટલી આગ પડી છે, તે બહાર કોઈ જાણતું નથી.’’
પિતાના મૃત્યુ પછી પહેલી વાર આ ઘરમાં વાયોલિનના સ્વર ફરી ગુંજી ઊઠે છે. તેથી માને આશા બંધાય છે કે સોમ પાસે જયાં સુધી સંગીત હશે ત્યાં સુધી તે (સોમ) ભાંગી નહીં પડે. તેને પણ લાગે છે, ‘‘પોતાની પાસે વાયોલિન છે ત્યાં સુધી સૂક્ષ્મ રીતે બાપુ પોતાની સાથે જ છે.’’ (પૃ. ૩૦) આમ, કથામાં પાત્રરૂપે આવતું વાયોલિન સોમને પિતાની યાદ ને હૂંફ આપતું રહે છે. તેથી વાયોલિન મુરારિનું પ્રતીક બની રહે છે.
માએ સ્નેહથી સોમને છાતી સરસો ચાંપ્યો ને કહ્યું, ‘‘સોમ! કોઈક દિવસ તું બહુ જ મોટો સંગીતકાર બની શકીશ. મારા તને આશીર્વાદ છે. મહાન સંગીતકાર બનજે. તારામાં એની શક્તિ છે. વગાડવાનું કોઈ દિવસ છોડી દેતો નહીં. તારા બાપુનો આત્મા જયાં હશે ત્યાંથી તારા પર કલ્યાણ વરસાવશે.’’ (પૃ. ૩૦)
આ સાંભળી સોમ જાણે પોતાની જાતને કહી રહ્યો, ‘‘વગાડીશ મા, જેઓ પોતાના પિતાને ખૂબ ચાહતા હતા અને જેમણે પોતાના પિતાને ગુમાવી દીધા છે, એવા લોકો માટે વગાડીશ; જેમણે પોતાનું પ્રિયમાં પ્રિય સ્વજન ખોયું છે, એવા દુનિયાના સઘળા લોકો માટે હું વગાડીશ.’’ (પૃ. ૩૦)
પતિના મૃત્યુ પછી મેનાનો નાનો ભાઈ માધવ તેને લેવા આવે છે. સોમ સ્કૂલના છેલ્લા વરસમાં હોવાથી તેને તેના કાકા (મુરારિનો સાવકો ભાઈ) પાસે ભણવા માટે મૂકવામાં આવે છે. પિતા મૃત્યુ પામ્યા છે અને મા પણ પોતાનાથી દૂર જઈ રહી છે, જે તેને માટે અસહ્ય થઈ પડે છે. તે સહસા બોલી ઊઠે છે, ‘‘ભગવાન બહુ જ નિષ્ઠુર છે, નહીં મા?’’ (પૃ. ૩૨)
મેનાને પણ દુઃખ તો એ થાય છે કે પિતાથી વંચિત થઈ ગયેલા આ બાળકને જે પળે પોતે ઊલટાની હૂંફ આપવી જોઈતી હતી ત્યારે જ તે તેને પોતાનીથી દૂર કરી રહી હતી. જે બંને માટે અસહ્ય થાય છે. પોતાની પાસે મા-બાપ ન રહેવાથી તે પોતાને ‘‘સીમાહીન રણમાં સાવ એકલો, નિરાધાર અનુભવે છે.’’ (પૃ. ૩૫)
સોમ કાકાને ઘરે રહે છે તે દરમિયાન તેને મંગળ તથા સુહાસી નામની આ બંને વ્યક્તિઓ પાસે મૈત્રીભાવ બંધાય છે. તેને કાકાને ત્યાં વાયોલિન વગાડવા પર પ્રતિબંધ હોય છે, તેમ છતાં એક દિવસ તે વાયોલિન વગાડે છે તેથી કાકા ક્રોધાવેશમાં બોલી રહ્યા, ‘‘તારા બાપુએ આમાં ને આમાં જિંદગી ખોઈ, તારે પણ એવા જ થવું છે? તે શરાબ પીતો તેથી તેને રોગ થયો. પાછળ દેવું મૂકીને તે મરણ પામ્યો. તારે એવા થવું છે?’’(પૃ. ૪૬)
સોમ કાકાના આ શબ્દો સાંભળીને થથરી ઊઠે છે. તેને આ પ્રહાર શારીરિક પ્રહાર કરતાં ઘણો વધારે ક્રૂર લાગે છે. તે કાકાની આંખોમાં વિજયનો ટાઢો ચમકારો જુએ છે. જે તેને આઘાત આપે છે.
સંગીત સોમના સકળ જીવનને પ્રાણબળ સિંચતું તત્ત્વ હતું. સંગીત ન હોત તો પોતે સોમ ન રહે. પરંતુ કાકા તેની આ જરૂરિયાત સહેજે સમજતા નહોતા.
આમ, સોમને કાકાના ત્યાં રહીને એકથી વધુ કડવા અનુભવ થાય છે. જેમ કે, સ્કૂલમાં મનોહરલાલ દ્વારા થયેલ અનુભવ. આ અનુભવથી સોમ દિગ્મૂઢ થઈ જાય છે અને પોતાની અવહેલનાનું કારણ પૂછવા સોમ સુહાસીના (મનોહરલાલ સુહાસીના પિતા) ઘરે જાય છે. સોમને અચાનક આવેલો જોઈને સુહાસી આશ્ચર્યથી કહે છે, ‘‘ના, સોમ અહીં નહીં. અહીં તું કદી આવતો નહીં. કદી નહીં. મારાં મમ્મીને... અમે નાગર છીએ ને.’’ ‘‘એટલે એમ કે... સમજયો. તમે લોકો નાગર છો અને હું - હું મિસ્ત્રીનો છોકરો છું.’’ (પૃ. ૭૬) બોલતાં તેનો અવાજ સજાવેલી ધાર જેવો બની જાય છે.
સોમ ગુસ્સામાં બહાર નીકળી જાય છે ત્યારે સુહાસી કહે છે, ‘‘ગુસ્સો ન કરીશ, સોમ! તને કશી વાતની ખબર નથી. મારા પપ્પા... મારા પપ્પા એક દુઃખી માણસ છે અને એમને તું ખરેખર જ બહુ ગમે છે. તું બધું જાણે તો તારો ગુસ્સો ઓગળી જાય. માણસની કેટલી બધી લાચારી હોય છે એ તું સમજી તો શકે જ, નહીં સોમ? (પૃ. ૭૭) ‘‘મારી મમ્મીને તેં જોઈ નથી, સોમ! ને તું કદી જોઈશ પણ નહીં.એના બધા વાળ અત્યારથી સફેદ થઈ ગયેલા છે. મારાં મમ્મી-પપ્પા એકબીજા સાથે ચાર વર્ષથી કામના બે-ચાર શબ્દો બોલવા સિવાય બીજું બોલ્યાં નથી. મારે એક ભાઈ હતો, બિપિન. તે ઘેરથી ભાગી ગયો છે. મને ઘણીવાર એમ થાય છે, હું પંદર વર્ષની નહીં, ચોવીસ વર્ષની છું. મારી ઉંમર કરતાં હું બહુ મોટી થઈ ગઈ છું. અને એ ભૂલવા માટે જ કદાચ હું ખિસ્સામાં મમરા ભરીને, ચાર વર્ષની નાની છોકરીની જેમ ખાયા કરું છું.’’ (પૃ. ૮૧)
સુહાસીના ઘરેથી નીકળીને સોમ બાવાજીની (મંગળને કારણે સોમ અવારનવાર ત્યાં જાય છે.) ઝૂંપડી તરફ જાય છે. તે બાવાજીને ચૂલો સળગાવી આપે છે. તેથી તેની આંખો લાલ થઈ જાય છે. ઘરે જઈ કાકાને પોતાનું રિઝલ્ટ બતાવે તે પહેલાં જ કાકા તેને જોઈ બોલી ઊઠે છે, ‘‘અરે, અરે સોમ! આ તેં શું કર્યું છે? અરે ભગવાન, આ છોકરો છેવટે એના બાપ પર ગયો જ. કંઈ નહીં તો અહીં છે ત્યાં સુધી તો તારે સરખા રહેવું હતું! ...બાવા-સાધુડાનો સંગ કરવા લાગ્યો છે, એમ ને? સોમ તને ચોખ્ખું કહી દઉં છું. આ ઘરમાં રહેવું હશે તો આ બધું નહીં ચાલે. મને સૌથી વધારે આની જ બીક હતી. ગમે તેમ, બાપનો વારસો છોકરામાં ઊતર્યા વિના ન રહે. મારે આ બધું તારી માને લખવું પડશે.’’ (પૃ. ૯૦)
સોમ કાકાના આ શબ્દો સાંભળીને હતાશ થાય છે. સુંદરતાની એક અનુભૂતિ તેના મનમાં તાજી હતી ત્યાં આ અનુભૂતિથી કાળાશ ઢોળાઈ જવા જેવું લાગે છે. ત્યારે કાકાના શબ્દો તેના કાને પડે છે, ‘‘અત્યારથી શરાબ પીવાનું શરૂ કરીશ તો આગળ જતાં ક્યાં પહોંચીશ?’’ (પૃ. ૯૧)
સોમની મા બીમાર હોવાથી નૈનીતાલથી સોમ પર તેના મામા માધવનો તાર આવે છે. તાર વાંચીને સોમ જવા તૈયાર થાય છે. તેને જતાં જતાં સુહાસીને મળવાની ઇચ્છા થાય છે પરંતુ પોતે સુહાસીને વચન આપેલ હોવાથી સ્વગત બોલે છે, ‘‘સુહાસી, હું જાઉં છું. તને કહેવા માટે આવી શકતો નથી. તે માટે મને માફ કરજે.’’ (પૃ. ૯૩)
નૈનીતાલ પહોંચતાં જ સોમને જોઈ મા બોલી ઊઠે છે, ‘‘આવી ગયો, બેટા સોમ! સોમ, દીકરા તું સાજોસારો છે ને? બેટા! સોમ-’’ આ શબ્દો સાંભળતાં જ સોમને નજીકનો મ્લાન કઠોર ભૂતકાળ અદૃશ્ય થઈ જાય છે અને ફૂલની જેમ ઊગતા દિવસોવાળો, રજનીગંધાની જેમ મહેકતો રાતોવાળો ભૂતકાળ પ્રત્યક્ષ થાય છે.
બાપુનો અદ્ભુત સાદ ’બેટા સોમ!’ પણ એ સાદ(બાપુ) તો મૃત્યુ પામ્યો હતો અને મા રોગગ્રસ્ત હતી. સોમને થાય છે જે લોકો બીજાઓ માટે જીવે છે તે બીજાઓના ચાલ્યા જતાં નિષ્પ્રાણ બની જાય છે. કદાચ બીજાઓ માટે જીવવું એ વાત જ ખોટી હોય. માણસે પોતાને માટે જ જીવવું જોઈએ એમ તે માને છે.
થોડા સમયમાં મા મૃત્યુ પામવાથી પોતાને કોઈએ એક અતલ અંધારા કૂવામાં ફેંકી દઈને ઉપરથી ઢાંકણ બંધ કરી દીધું હોય તેવો ભય તે અનુભવે છે.
મા-બાપના ગયા પછી પોતાની પાસે આધાર તરીકે એક સંગીત જ બાકી રહે છે. તેથી સંગીતને જ પોતાનું જીવન અર્પી દેવાનું સોમ વિચારે છે.
બા-બાપુના જવાથી તથા મામાના સંન્યાસ લેવાની સાથે પાછો સોમ પોતાને એકલો અનુભવે છે. તેને થાય છે, ‘‘પોતાના આ વીખરાઈ ગયેલા, વીંધાઈ ગયેલા જીવન માટે કોણ જવાબદાર હતું! કોણે પોતાના સઢ ચીરીને આમ મધદરિયે વહેતો મૂકી દીધો? કોણે પાંખમાં કાણાં પાડીને પોતાને હવામાં અધ્ધર છોડી દીધો હતો?’’ (પૃ. ૧૪૭)
મામા સંન્યાસનો આંચળો પહેરીને નીકળી પડે છે તેથી સોમ દિલ્હી જાય છે. દિલ્હીમાં સોમને ઘણાં વર્ષો પછી ફરીથી મંગળનો ભેટો થાય છે. મંગળ સોમને ત્યાં સિતાર વગાડવા લઈ જાય છે. અહીં સોમ પ્રથમ વખત અપર્ણાને જુએ છે.
એક સાંજે સોમ ફૂટપાથ પરથી પસાર થતાં દુકાનમાંથી એક યુવતીને હાથમાં સામાન સાથે ઊતરતી જુએ છે. તેને થાય છે, અરે! સુહાસી તો નહીં?તેનું લોહી ગરમ થઈ ધડધડાટ કરતું શિરાઓમાં વહેવા લાગ્યું. મગજમાં સ્મરણોનો એકસામટાો કલશોર ઊઠ્યો. ઇન્દ્રિયો સતેજ થઈને પીડા કરવા લાગી.તેને થાય છે આ યુવતી સુહાસી જ છે. પણ એ દિલ્હીમાં ક્યાંથી?
સોમને સુહાસી પોતાના છેક મૂળમાં આટલી બધી સ્થિરપણે બેઠી હશે એવી ખબર જ નહોતી. મનમાં એક ખૂણે સતત એની યાદ ફોર્યા કરતી હતી. મળવાની એક વ્યાકૂળ ઇચ્છા સદાય પાંખો ફફડાવ્યા કરતી હતી. પણ એ ઇચ્છામાં આવી આગ ભરેલી હશે અને તે ભડકી ઊઠીને પોતાને આવી રીતે સળગાવી દેશે એવી તો સહેજે ખબર નહોતી. અરે, હાય, પોતે જેને ઝંખે છે, જેને માટે તલસે છે, ઝૂરે છે, રોમ રોમ રુએ છે, તે તો અહીં જ ક્યાંક છે. ...સુહાસીના સંદર્ભમાં જ એના અસ્તિત્વની સાર્થકતા હતી અને એ સાર્થકતા નષ્ટ થતાં એના જીવનની સંજ્ઞા જ જાણે ખોવાઈ ગઈ.
અપર્ણા સોમ પ્રત્યે લાગણી દર્શાવતાં કહે છે, ‘‘તને પહેલીવાર જોયો ને તારું સંગીત સાંભળ્યું ત્યારે થયું, તું કોઈ જુદો જ માણસ છે. ભૂલથી આ બધાની વચ્ચે આવી ચડ્યો છે... તું એવી રીતે વગાડતો હતો, જાણે કોઈક દિવ્ય વસ્તુ સાથે તારું અનુસંધાન હોય! તારી પાસે હજીયે બધું છે. હજીયે તું સરસ છે, સોમ! તારામાં રૂપ ઉપરાંત સંગીતની અપૂર્વ પ્રતિભા છે. તારા વાદનથી તું સેંકડો માણસોને ભાવના હિલ્લોળમાં તરતા કરી દઈ શકે છે. તદ્દન તુચ્છ જીવનમાંયે દિવ્ય અનુભૂતિની એક પર ક્ષણ ઉતારી શકે છે.’’ (પૃ. ૨૦૯)
જવાબમાં સોમ કહે છે, ‘‘ બધી વાર તો નહીં, પણ ઘણી વાર હું વગાડતો હોઉં ત્યારે મને લાગે છે, જાણે મારા બાપુ ક્યાંક ઊભા રહીને આ સાંભળે છે. મારા બાપુનું અકાળે જ મૃત્યુ થયું. એ જીવતા હોત તો આજે બધું જુદું જ હોત ...તો હું સાવ આવો ન થઈ ગયો હોત! મારામાં કશું જ નથી અપર્ણા, હું તો પીડાયલો, હારેલો, અભાવોથી ભરેલો માણસ છું. મારામાં શક્તિ કદાચ હોય, તોયે તે તૂટેલા નળમાંથી ટીપું ટીપું કરીને વહી જતા પાણીની જેમ વેડફાઈ ગઈ છે.’’ (પૃ. ૨૧૦)
અપર્ણા સોમને પોતાની વીતક-કથા કહે છે. તે મનોમન સોમને ચાહવા લાગે છે. તેથી તે સોમને કહે છે, ‘‘સોમ! સોમ, તને જોયો તે ક્ષણથી જ.. તે ક્ષણથી સોમ! મને થયું કે તું જો મને આધાર આપે.’’(પૃ. ૨૨૪)
આ સાંભળી સોમ આશ્ચર્યથી, અવાક્ થઈને બોલી ઊઠ્યો, ‘‘હું? હું તને આધાર આપું?’’ સોમને મંગળના શબ્દો યાદ આવતાં બોલયો, ‘‘અપર્ણા, હું તો- હું તો વેડફાઈ ગયેલો માણસ છું. હું તો...’’ (પૃ. ૨૨૫)
સોમને અંધારાં આવતાં અપર્ણા ચિંતા વ્યક્ત કરતાં બોલી, ‘‘આ બધું શરાબને કારણે છે. શરાબ છોડી દે સોમ... આપણા માટે હજુ સુખની આશા છે. સોમ, હું તને ચાહું છું. તું મને જરાક... જરાક પણ શું નહીં ચાહી શકે. સોમ?’’ (પૃ. ૨૨૬)
એક સમયે અપર્ણા સોમને ત્યાં આવે છે ત્યારે સોમને નશામાં ચકચૂર જુએ છે. અપર્ણા તેને શરાબ છોડી દેવા ખૂબ સમજાવે છે, પણ સોમ તેની કોઈ વાત સાંભળતો નથી તેથી અપર્ણા પોતાનો કાબુ ખોઈ બેસે છે અને સોમના હાથમાંથી વાયોલિન લઈ તેને જોરથી દીવાલ સાથે અફડાવે છે, તેથી વાયોલિન તૂટી જાય છે. વાયોલિન તૂટવાની સાથે સોમ ચીસ પાડી ઊઠે છે, ‘‘અપર્ણા - તેં, તેં મારું વાયોલિન તોડી નાખ્યું. મારું વાયોલિન, મારા બાપુનું વાયોલિન! તેં એને તોડી નાખ્યું!’’ એમ કહી સોમે ગુસ્સામાં અપર્ણાને ધક્કો માર્યો અને પલંગ સાથે અથડાવાથી, માથામાં વાગવાથી લોહી નીકળે છે.
વાયોલિન તૂટી જવાથી સોમને થાય છે, ‘‘તેના જીવનનો અંત આવી ગયો છે, તેનો સર્વનાશ થઈ ગયો છે, આજે. આજના ભાગ્યશાળી દિવસે!’’ (પૃ. ૨૪૫) આમ, વાયોલિન તૂટવા સાથે, જીવનની બધી સામગ્રી નષ્ટ થતી સોમને લાગે છે. તેને થાય છે કે જાણે પિતા સાથેનો અનુબંધ જ તૂટી ગયો. આ બનાવથી સોમ દુઃખી થાય છે અને તે દિલ્હી છોડી પોતાના વતન પાછો ફરે છે. સોમ નિરાશ થઈ છેવટે આત્મહત્યા કરવા પ્રેરાય છે.
સોમ આત્મહત્યા કરવા નદીનાં પાણીમાં ઊતરે છે. તેને નદીનાં ગાઢ શામળાં પાણી દેખાય છે... તે એક અસીમ વિષાદ અનુભવે છે. સીમાહીન રિક્તતા. અંદર-બહાર અવકાશ અને પછી વિદાય... ‘‘જેને મળવાની ઇચ્છા એક અગનપિપાસા બની જીવનને રાખ કરી રહી, તે સુહાસીની વિદાય, અપર્ણાની વિદાય... બસ, બે ડગલાં અને પછી ચિર વિદાય. પણ તેને પાછળથી કોઈ ખેંચી રહ્યું હોય એમ લાગ્યું. તેણે મરવા માટે પ્રયત્ન કર્યા તેમ થતાં પેલી જારદાર પકડે તેને બહાર ખેંચી કાઢ્યો. તેને બહાર ખેંચીને લાવનાર એક રેંકડીવાળો હતો, જેને લોકો દાદુ કહેતા હતા.
સોમ રેંકડીવાળા તરફ જુએ છે તો રેંકડીવાળાની આંખ તેને તેના પિતા જેવી જ લાગે છે. તેને થાય છે આ તો બાપુની જ આંખો! આમ, સોમને રેંકડીવાળામાં પોતાના બાપુનું પ્રતિબિંબ દેખાય છે.
દાદુ નદીની સામે વસતિ હતી તેમાં રહેતો હતો. સોમને તે પોતાની ઝૂંપડીમાં લઈ જાય છે. દાદુના સાન્નિધ્યમાત્રથી સોમ પોતાની અંદર એક શાંતિ ઊભરતી અનુભવે છે. દાદુ સોમને કહે છે, ‘‘આપણી અંદર પ્રેમ જન્મે તો પછી પ્રેમ આપણને શોધ્યા વિના, આવી જ મળે છે. કદાચ આપણે ધાર્યું હોય તેના કરતાં જુદા રૂપે. જીદ અને ઈશ્વરનો નશો ઊતરી જાય, તો એ જુદા રૂપમાં મૂળ વસ્તુની ઓળખ થાય પણ ખરી. જો મેં તને શોધ્યોયે નહોતો, ને તેં આવીને મને કેટલો સ્નેહ ને વિશ્વાસ આપ્યાં?’’ (પૃ. ૨૬૪)
સોમને આ માણસના મોંએથી નીકળતા શબ્દો જીવંત સત્યોની જેમ પ્રકટ થતા લાગતા હતા.દાદુ સોમને સફળતા વિશે સમજાવતાં કહે છે, ‘‘કોઈ તારા સંગીત દ્વારા તારા અંતરાત્માને ઓળખે, પોતે નુકસાન વેઠીનેય એ અંતરાત્માને એના સાચા સ્વરૂપમાં સ્થિર કરવા મથે, આ દુનિયામાં એવું એક માણસ પણ મળી આવે , તો જીવનની એ બહુ અમૂલ્ય પ્રાપ્તિ નથી, સોમ! વાહ વાહ, ધન અને નામનાવાળી સફળતા તો માણસને ઘણીવાર બહુ નીચે લઈ જતી હોય છે.’’ (પૃ. ૨૬૮) ‘‘તને તો ઈશ્વર તરફથી બહુ મોટું વરદાન મળ્યું છે સોમ!સંગીતનો આવો વારસો બધાને તો મળતો નથી.’’(પૃ. ૨૬૯)
જવાબમાં સોમ કહે છે, ‘‘મારા જીવનમાં એક પછી એક એવા સંજોગો આવતા ગયા કે હું આખેઆખો કડવો થઈ ગયો છું. વારંવાર મળેલી નિષ્ફળતાએ મને ઉગ્ર અને આગથી સળગતો રાખ્યો છે. હું અફળ, ખોવાયેલો, કોઈને કહી ન શકાય તેવા દુઃખથી સતત પીડાયેલો રહ્યો છું. મારી નિરાશા મને બેહદ શરાબ પીવા તરફ ઘસડી ગઈ છે.’’ (પૃ. ૨૬૯)
દાદુએ સોમ પ્રત્યે અત્યંત વત્સલભાવે જોઈ , ડોકું હલાવતાં જાણે કહી રહ્યા, ‘‘સંજોગોએ નહીં, તેં! તેં તારા દુઃખને ઘૂંટી ઘૂંટીને બહુ ઘેરું બનાવી મૂક્યું છે. કોઈ એક વસ્તુ પામવાની અંધ ઇચ્છા આડે, જે તને સહેજે આવી મળ્યું તેનો આનંદ તેં ઓળખ્યો નથી... તારી સૌથી મોટી ભૂલ એ છે કે તું ક્યારેય તારી જાતથી અળગો નથી થયો. તેં હેમેશાં તારી જાતને જ કેન્દ્ર બનાવીને વિચાર કર્યો છે... આપણે આપણી જાતને પણ બીજા લોકો ભણી સ્નેહમાં વહી જવા દેવી જોઈએ... તેં તો સદાય, જે નહોતું દેખાતું તેના પર જ નજર માંડી રાખી હતી. તું સદાય ભૂતકાળ ભણી મોં કરીને ચાલ્યો છે, સોમ! ભૂતકાળ ભણી નાખેલી નજર તો જીવતી વસ્તુનેય મૃતમાં ફેરવી નાખે છે...’’ (પૃ. ૨૬૯-૭૦)
આ સાંભળીને સોમ આક્રોશથી બોલી ઊઠ્યો, ‘‘દાદુ, દાદુ, મારું જીવન તો સાવ ધૂળમાં મળી ગયું છે. હું તો બળી-જળી ગયેલી ધૂળ છું.’’ દાદુ જાણે આંખોથી કહી રહ્યા, ‘‘ધૂળ પણ કીમતી વસ્તુ છે, સોમ! ...સોમ, તું પૂછતો હતો ને કે માણસ શું સંજોગોના હાથનું રમકડું હોય છે? તને એનો ઉત્તર મળી ગયો ને? માણસને જેટલું પોતાની પર સ્વામીત્વ એટલો તે સ્વતંત્ર!’’ (પૃ. ૨૭૪)
દાદુ સોમને સંગીત સંભળાવવાનું કહે છે. તેને ભૂતકાળમાં માને કહેલાં વચનો યાદ આવે છે, ‘‘જે લોકોએ પ્રિય સ્વજનોને ગુમાવ્યા છે, જેમણે પોતાનું સઘળું ખોયું છે, તે દુનિયાના સઘળા લોકો માટે હું વગાડીશ.’’ (પૃ. ૨૭૬) સોમ અત્યાર સુધી પોતાની પ્રતિભાની કદર થાય એ માટે તેણે બીજાઓને સંભળાવ્યું હતું, આજે પોતે સામે ચાલીને, પ્રેમને ખાતર વગાડવા તૈયાર થાય છે.
દાદુએ ધીમા અવાજે સ્વગત બોલતો હોય તેમ કહ્યું, ‘‘માણસ પ્રેમ ઇચ્છે છે અને ન મળે ત્યારે ફરિયાદ કરે છે. પણ માણસે પ્રેમની ઇચ્છાઓ વડે નહીં, પ્રેમ વડે જ પોતાનું હૃદય ભરી લેવું જોઈએ. હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે દુઃખો બધાં વેઠી શકાય તેવાં બની જાય છે અને સુખો બધાં બીજાને વહેંચવાનો આનંદ.’’ (પૃ. ૨૭૮)
દાદુના સાન્નિધ્યથી સોમ પોતાના ભૂતકાળ તરફ નજર કરીને જુએ છે તો તેને ખ્યાલ આવે છે કે, ‘‘આખી માંડણી જ ખોટી થઈ હતી... પોતાનું મૂળ સ્વરૂપ જાણે તે ફરીથી પામ્યો.’’(પૃ. ૨૮૦) આમ, સોમને જાણે આખું વિશ્વ એક વિરાટ વાયોલિન લાગે છે.
અપર્ણા સોમને શોધતી શોધતી છેક દાદુની ઝૂંપડી સુધી આવી પહોંચે છે અને સોમને જોઈને બોલે છે, ‘‘સોમ!’’ સોમને અપર્ણાને જોઈને આશ્ચર્ય થાય છે અને આ અવાજ પોતાના વાયોલિનનો જ સ્વર હતો... તો, વાયોલિન તૂટ્યું નહોતું. (પૃ. ૨૮૪)
આમ, ‘અગનપિપાસા’ એ મર્મ માટેની તરસ લઈને મનોમય આકારોની આગમાંથી પસાર થતા અને છેવટે મૂળને પામતા જીવનની કથા છે.
ડો. શિવાંગી પંડ્યા, પ્લોટ નં. ૧૦૦૦/૧, સેક્ટર નં. ૨/ડી, ગાંધીનગર પિન કોડ નં. ૩૮૨૦૦૭ મોબાઇલ નં. ૯૪૨૭૦ ૨૬૯૭૯