Editorial - સંપાદકીય
અનેક વાચકોએ પ્રતિભાવ આપ્યો. સરસ મજાની ચર્ચા પણ શરુ થઈ. વર્તમાન ગુજરાતી સાહિત્યની ગતિવિધિ વિશે અનેક જગ્યાએ અનેક રીતે વાત થતી રહેતી હોય છે. આજકાલ સાહિત્યમાં શું ચાલી રહ્યું છે ? તેનું નિદાન વૈવિધ્યસભર રહે જ છે. સામાન્ય વાચક (આ પણ કઇ રીતે નક્કી થાય - એ સમજવા જેવું છે) છાસવારે અને સતત લખતા લેખકોની અપેક્ષાએ ઓછું લખતાં, શાસ્ત્રો અને સાહિત્યિક પરંપરાઓની સાથે સન્ધાન ધરાવતાં સર્જકોનો દૃષ્ટિકોણ હંમેશા અલગ જ રહ્યો છે. કેટલાક દૂધ-દહીંમાં પગ રાખનારાં લેખકો પણ છે. અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, જેવા પોતાને કોમર્સિયલ રાઈટર ગણાવતા લેખકોથી સાવ છેડાના સુરેશ જોશી કે કિશોર જાદવ જેવા લેખો પણ સક્રિય રહ્યાં છે હંમેશા. (અહીં જે નામો છે એ જે તે ધારાઓના પ્રતિનિધિત્વ કરે છે એ રીતે સમજવા વિનંતી.) તો કેટલાય એવા લેખકો પણ છે જે બંને અંતિમો વચ્ચે આવન-જાવન કરતા રહે છે.
તો એની સામે વાચકો વિશે પણ ભેદ રહેવાના. કેટલાક સમય પસાર કરવા વાંચે, કેટલાક ફરજ પડે તો જ વાંચે, કેટલાક ફરજ સમજીને વાંચે, કેટલાકને રસ છે તો કેટલાયને કોઈને કોઈ નિમિત્તે વાંચવું પડતું હોય છે...!
સંસ્થાઓ દ્વારા અપાતા પારિતોષિકો, સરકાર દ્વારા અપાતા ઇનામો, પ્રજા દ્વારા ઓઢાડાતી શાલ કે થેલી અર્પણના કાર્યક્રમો, મેળાવડાઓને સાહિત્યકૃતિ સાથે શી લેવા દેવા છે- એ પણ મોટી સમજ માગી લેતો વિષય છે.
બીજી બાજુ સેમિનાર, વર્કશોપ, કૃતિ પઠનના કાર્યક્રમો- એની પણ વિશિષ્ટ પરંપરાઓ છે- આ બધું જ સાહિત્યપદાર્થ સાથે કઈ રીતે, કેવા કેવા રૂપે અને કેમ સંકળાયેલું છે અને એનું કેટલું ? કોના માટેનું ? કેમ મહત્વ છે ? તે પ્રશ્નો પણ ચિત્તમાં ઉઠ્યા કરે છે.
જાગીને જોઉં તો જગત દિશે નહીં...!
વહેલી સવારે દૂધ આપવા નીકળેલો ગોવાળ અંધારામાં સાયકલ પર મોટેથી ભજન લલકાર તો હોય છે એમાં એનો કૃતિ પ્રેમ ? એનો ગાયન પ્રેમ ? એકલતા ટાળવાની સાહજિક વૃત્તિ ? કે નિજાનંદ...! બધું કંઈ સમજાય એટલું સરળ થોડું છે...?
ડૉ. નરેશ શુક્લ
મુખ્ય સંપાદક