રોમીયો અને જુલીયટ
મુખ્ય વાર્તા લેખક- માટ્ટઓ બેન્ડેલા
અંગ્રેજી ભાષાંતર- વિલિયમ પેઇન્ટર
ગુજરાતી અનુવાદ- મહેન્દ્ર ભટ્ટ
એ જમાનાની વાત છે જ્યારે એસ્કેલાના ઉમરાવ વેરોનાના મેયર હતા. વેરોનાં તે સમયે મોન્ટેસ્ચીઝ અને કેપેલેટ્સ નામના બે અતિવિખ્યાત અને સમૃદ્ધ કુટુંબ રહેતા હતા. પરંતુ બન્ને વચ્ચે અણબનાવ હતો. સમય જતાં અણબનાવનું આ બીજ એવું તો પાંગર્યું અને વૃક્ષ બની ફૂલ્યું ફાલ્યું કે નાનાં મોટા બનાવોમાં બંન્ને કુટુંબના ઘણાંએ પોતાનાં જાન ગુમાવ્યાં. એસ્કેલાના ઉમરાવ, બોર્થેલામ્યુને થયું કે, જો આમ જ ચાલ તો વેરોનાના લોકો શાંતિનો શ્વાસ નહીં લઇ શકે. તેમણે બન્ને કુટુંબોને એક કરવા, સલાહ સંપથી રહેવા ઘણીં યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી જોયાં પણ કુસંપના મૂળ એટલા તો ઊંડા હતા કે આવો કોઈ ઉપાય કે યુક્તિ કામ ન લાગ્યાં.
એવામાં એક બનાવ બન્યો. મોન્ટેસ્ચીઝ કુટુંબનો લગભગ વીસ-એકવીસ વર્ષનો એક ફૂટડો યુવાન, નામે રોમીયો, વેરોનાની એક યુવતીના પ્રેમમાં ઓળઘોળ થઈ તમામ કામધંધા છોડી દઈ પ્રેમઘેલો બની ગયો. અને પછી શરું થયો સીલસીલો ભેટ-સોગાદોનો. ઘણાં પત્રો અને ભેટ-સોગાદો તેના ચરણે ધર્યા પછી તેણે નક્કી કર્યું કે, બસ હવે તો પ્રેમનો એકરાર એકમાત્ર ઉપાય. પરંતુ સામે પક્ષે યુવતીએ તેના પ્રેમનો ઉષ્માસભર કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. તેની લાગણીનો પડઘો પડતો નથી તેમ લાગતા રોમીયો આઘાતથી સમસમી ગયો. પરંતુ બન્યું કંઈક ઉલ્ટું જ. યુવતીના મૌનથી રોમીયોની પ્રેમજ્વાળા તો ઉલટાની બમણા જોશથી ભભૂકવા લાગી. તેને થયું. – આવી નિર્દય અને ઘૃણા સભર યુવતીને પ્રેમ કરવાનો અર્થ શો... મેં તો મારું સર્વસ્વ તેના ચરણે ધરી દીધું. છતાં તે તો મારાથી દૂર જ ભાગે છે. મારી લાગણીનો આવો ઠંડો પ્રતિભાવ... તેના વગર હું જીવી શકું તેમ નથી. અને તેને હું દૂર રહું તેથી જ શાંતિ મળતી હોય તેમ લાગે છે. તો હું વેરોના છોડીને ચાલ્યો જઈશ ક્યાંક દૂર. તેની સુંદર આંખો જોઈને જે પ્રેમાગ્નિ મારામાં ભડકે છે તેને ધીરે ધીરે શાંત પાડી દઈશ. ... અને આમ તેણે વેરોના છોડવાનું નક્કી કર્યું. વેરોના છોડ્યા સીવાય તેનો પ્રામાગ્નિ શાંત પડે તેમ હતો નહીં. કદાચ સ્થળ બદલતાં મન શાંત પડે...
એક વખત તો તેણે તેના નિશ્ચયને અમલમાં મુકવાનું પણ નક્કી કરી નાંખ્યું પરંતુ બીજી જ ક્ષણે તેનું મન પાછું પડ્યું. દ્વિધામાં અટવાતાં તેણે એમને એમ કેટલાય દિવસ-રાત અનિશ્ચિતતામાં અને વિષાદમાં વિતાવ્યાં. પ્રેમની કોમળ લાગણીએ તેને એટલો તો સંતાપ્યો કે સૂર્યના પ્રખર તાપમાં જેમ બરફ પીગળે, તેમ માંગ્યો ઓગળવા. તેના સગાવહાલા, માતા-પિતા અને મિત્રોને આ પરિસ્થિતિ આશ્ચર્યકારક લાગી. તેના એક મિત્રએ તેને પ્રેમમાં ફના થવા બદલ ઠપકો પણ આપ્યો.
રોમિયો, જેમાં તારી લાગણીનો પડઘો જ પડતો નતી એવી નિષ્ઠુર યુવતી પાછળ તું આ યુવાનીનો સુંદર સમય શા માટે વેડફે છે... જેનો કોઈ પ્રતિભાવ જ નથી, તેને પામવાની આ મથામણ શી... મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે, જેને તારા આંસુ પીગળાવી ન શક્યાં તેની પાછળ આ પાગલપણું શા માટે...તારી તંદુરસ્તી ખાતર, આપણી મિત્રતાના સોગંદ ખાઇને કહું છું કે, આટલી કૃતજ્ઞ છોકરીને તારી સ્વતંત્રતા ન સોંપ. મને લાગે છે કે, નક્કી તે કોઈ અન્યના પ્રેમમાં હશે કે કોઈને પ્રેમ ન કરવાનો નિશ્ચય કર્યો હશે. તેને પ્રેમ કરીને તું શું પામીશ ભલા... તું યુવાન છે, સંપત્તિવાન છે અને શહેરના યુવાનોમાં તું સૌથી વદારે સુંદર છે, વળી પાછો વિદ્વાન અને વારસમાં પણ એકનો એક. તારા માતા-પિતાનો તો વિચાર કર. કેટલા અરમાનો બાંધ્યા હશે એમણે તારા પર. તારી આંખો સામેના પ્રેમના પડળ દૂર કર અને પાછો વળ, સુધારી લે તારી ભૂલ. વાંઝણી ધરતીમાં ઝાડ ઉગાડવાના પ્રયત્નો મૂકી દે. શહેરમાં સુંદર યુવતીઓના મેળાવડા તો ફરી પાછા થશે. ત્યારે પસંદ કરજે તને ગમે એવી કોઈને...
મિત્રની સલાહને ધ્યાનમાં લઈ રોમીયોએ પોતાના પ્રેમાગ્નિને કાબુમાં લીધા અને શહેરમાં ગોઠવાતી મિજબાનીઓ, ઉજાણીઓમાં દેખાવા લાગ્યો. પણ મનમાં તેણે એક દૃઢ નિશ્ચય કર્યો કે, કોઈ યુવતી પાછળ પાગલ તો ન જ થવું. દિવસો મહિનાઓ પસાર થવા લાગ્યા ને નાતાલની ઉજવણી આવી પહોંચી. કેપેલેટ કુટુંબના મુખ્ય વડિલ એન્ટોનીઓએ પણ નાતાલની મિજબાની ગોઠવી. શહેરના મુખ્ય મુખ્ય પુરુષો અને સ્ત્રીઓને આમંત્રણ મોકલ્યાં. મિજબાનીમાં રંગ લાવવા યુવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યાં. પરન્તુ મોન્ટેસ્ચીઝ કુટુંબ સાથેના સંબંધો સારા ન હોવાથી તેમને આમંત્રણ અપાયું નહીં. તો પણ રોમિયો તેના મિત્રો સાથે મોડે મોડે ત્યાં જઈ ચડ્યો. સ્વભાવે શરમાળ પ્રકૃતિનો રોમિયો એક ખૂણામાં બેસી ગયો, પણ મશાલના પ્રકાશમાં એની હાજરી છાની રહી નહીં. ખાસ તો સ્ત્રીઓનું ધ્યાન ખેંચાયું. સુંદરતાથી આકર્ષાઈ સ્ત્રીઓ તેને ઘેરી વળી. દુશ્મન કુટુંબમાં આ રીતે તેને આવેલો જોઈ તેની નિડરતા પ્રત્યે તેઓને માન અને આશ્ચર્ય પણ થયું. જો કે કોપેલેટ કુટુંબના કોઈ સભ્યે ન તો તેનું અપમાન કર્યું કે ન તો કોઈને કાંઈ કહ્યું. યુવતીઓમાં અતિપ્રિય રોમિયોની દૃષ્ટિ વાત કરતાં કરતાં એક યુવતી પર પડી અને તે ટકી ગયો. યુવતી એટલી તો સૌંદર્યવંતી હતી કે સુંદરતાની સંપૂર્ણ પ્રતિકૃતિ જેવી લાગતી હતી. રોમિયો એકીટશે એને જોઈ રહ્યો. તે યુવતી પણ રોમિયો તરફ અત્યંત ભાવુક નજરે વારંવાર જોતી હતી. બસ ત્યાં જ ભૂતકાળના પ્રેમનો પ્રસંગ વિસરાયો અને શરુ થયો પ્રેમનો નવો અધ્યાય. પ્રેમનો આ આવેગ એટલો તો બળૂકો હતો કે કોઈ અટકાવી શકે તેમ ન હતું. યુવતીના સૌંદર્યે તેના હ્ય્દય પર પૂરેપૂરો કબજો જમાવ્યો.
તેના હ્દયમાં એક સામુદ્રિક તોફાન ઉઠ્યું. શું કરવું અને શું ન કરવું તેનું ભાન તેને ન રહ્યું. તે સુધબુધ ગુમાવી બેઠો. થોડી પળો પહેલાની તેની નિડરતા, પ્રેમાગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ. યુવતીનું નામ શુદ્ધાં પુછવાની તેનામાં હિંમત ન રહી. અનિમેષ નયને તે યુવતીને જોઈ રહ્યો.
જેણે રોમિયોની આવી દશા કરી તેનું નામ હતું જુલિયેટ. કેપેલેટ કુટુંબની દીકરી ફરતા ફરતાં તેની નજર પણ રોમિયો પર પડી. અને હાજર રહેલા તમામ મહેમાનોમાં તેનું વ્યક્તિત્વ એટલું તો મોહક હતું કે નજર પડતાં જ તે તેની તરફ ખેંચાઈ. રોમિયોને જોતાં જ તેનાં હ્દયને શાતા વળતી હોય તેમ લાગતું હતું.
બન્ને એકબીજાની સામે વાત કરવાં અધીરા બન્યાં. પણ બન્યું એવું કે કોઈએ જુલિયેટને નૃત્ય કરવા કહ્યું. તેણે એવું તો લાસ્ય નૃત્ય કર્યું કે હાજર રહેલા તમામના દિલ જીતી લીધા. નૃત્ય પૂરું કરી જુલિયેટ માર્કુશીયો નામના એક દરબારી સદગૃહસ્થ બેઠા હતા તેની પાસે જઈને બેસી ગઈ. રોમિયો પણ ઠાવકાઈથી જઈને તેની બાજુમાં બેસી ગયો. માર્કુશીયો પણ હતો આનંદી સ્વભાવનો, ઘેટાના ટોળા પર જેમ સિંહ છવાઈ જાય તેમ એ સ્ત્રીઓમાં છવાઈ જતો. વાત-વાતમાં માર્કુશીઓએ જુલિયેટનો જમણો હાથ પોતાના હાથમાં લીધો. આ જોઈને રોમિયોથી ન રહેવાયું. તેણે જુલિયેટનો ડાબો હાથ પોતાના હાથમાં લીધો. હાથ પકડતાં જ રોમિયોને ખ્યાલ આવ્યો કે જુલિયેટનો હાથ હુંફાળો હતો. કેમ જાણે તેના પ્રેમનો પ્રતિભાવ ન આપતો હોય... પરંતુ તે મૌન રહ્યો. શબ્દો તેના હોઠ પર આવીને થીઝી ગયાં. તે બોલી શક્યો નહીં. જુલિયેટથી આ છાનું ન રહ્યું. તેના ચહેરાના બદલાતાં રંગને જોઈ તેને કંઈક કહેવાની ઇચ્છા થઈ અને તે તેના તરફ ફરી પણ ખરી. પરંતુ કુમારિકાની શરમ તેને નડી. તે ભક્ત એટલું જ બોલી – તારી સાથેની આ પળો અત્યંત મધુર છે.-
(વધુ આવતા અંકે...)
અનુવાદ- મહેન્દ્ર ભટ્ટ