सा मां पातु सरस्वती ! ..
વિશ્વમાં ભારતનો પરિચય અને પ્રતિષ્ઠા સૌથી વધારે જ્ઞાનના ક્ષેત્રમાં તેના વિકાસ અને તેની ઉપલબ્ધિઓના કારણે છે. આપણો આ પરિચય હજારો વર્ષોથી છે અને તેનું કારણ છે, વેદ. વૈદિક ઋષિઓએ પોતાના અનુભવ અને પોતાની દૂરદૃષ્ટિથી એ જાણી લીધું હતું કે વિદ્યા જ જીવનમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે અને વિદ્યા જ મનુષ્યને સમાજમાં વાસ્તવિક પ્રતિષ્ઠા આપે છે. ભારતીય પરંપરામાં અજ્ઞાનને અન્ધકાર અને જ્ઞાનને પ્રકાશ કહેવામાં આવે છે. આ પરંપરા વૈદિકકાળથી ચાલી આવે છે. ઋગ્વેદનું કથન છે કે અજ્ઞાનના અન્ધકારથી મનુષ્યને ત્યારે મુક્તિ મળે છે , જ્યારે તે જ્ઞાનની જ્યોતિ પ્રાપ્ત કરી લે છે. (ज्योतिर्वृणीत तमसो विजानन्नादे स्याम दुरीतादभीके । 3 – 38 – 7)
દરેક સભ્યતામાં જ્ઞાનની કોઇને કોઇ દેવી યા દેવતા અવશ્ય હોય છે. ભારતમાં સરસ્વતીને વિદ્યાની દેવી માનવામાં આવી છે. વેદોમાં પહેલીવાર સરસ્વતીને વિદ્યાની દેવીના રૂપમાં જોવામાં આવી છે તથા નદીના રૂપમાં પણ સ્તુતિ છે. આ રીતે ભારતીય સંસ્કૃતિમાં સરસ્વતીનું સ્થાન અપ્રિતમ છે. આદિથી આજ સુધી સાંસ્કૃતિક ઉન્નતિમાં દેવી સરસ્વતીની સૌમ્ય અને દિવ્ય પ્રેરણા સતત પ્રવાહમાન રહી છે. ઋગ્વેદમાં તેની પ્રશંસા
अम्बितमे नदीतमे देवितमे सरस्वती ।
अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि ।। ऋग्वेद (2-41-2)
(હે अम्बितमे- અતિ ભણાવવાવાળી, देवीतमे-અતિ પંડિત, नदीतमे- અતિ અપ્રગટ વિદ્યાનો ઉપદેશ કરીને सरस्वती- બહુવિજ્ઞાન રાખવાવાળી अम्ब-માતા જે અપ્રશસ્તોની-અજ્ઞાનીઓની સમાન અમે લોકો, स्मसि-છીએ. તે न:-અમને લોકોને, प्रशस्तिम्- પ્રશંસાને પ્રાપ્ત कृधि-કરો.)
ભારતની પ્રાચીન સભ્યતા સરસ્વતીના તટ પર જ વિકસી હતી. આથી સરસ્વતીની ગોદ આદિકાળથી જ ભારતવાસીઓની માતૃભૂમિ, ક્રીડાભૂમિ, પુણ્યભૂમિ, અને પૂજ્યભૂમિ રહી છે. આપણા ઇતિહાસ અને ભૂગોળથી સરસ્વતી જોડાયેલી છે. સરસ્વતીની વ્યાપ્તિથી જ આપણી ચિન્તન પરમ્પરા સારસ્વત પરમ્પરા છે. વૈદિક સરસ્વતી હિમાલય પ્રસૂત છે. આજે પણ જિજ્ઞાસાનો વિષય છે કે સરસ્વતી નદી ક્યારે લુપ્ત થઇ ? સંસોધકોનું માનવું છે કે ઈસુથી 2600 વર્ષ પૂર્વે ભૌગોલિક પરિવર્તનોથી સરસ્વતી સુકાઇ ગઇ. મહાભારત અનુસાર સરસ્વતી ઋષિ ઉતથ્યના શાપથી સુકાઇ ગઇ હતી.
સરસ્વતી શબ્દની નિષ્પતિ 'સર' શબ્દથી થઇ છે. જેનો વાસ્તવિક અર્થ સરણમ્ અથવા પ્રસરણમ્ છે. એટલે કે 'સરકવાવાળી' એવો થાય છે. પ્રકૃતિથી તેનો સમ્બન્ધ જળ અને વાણી બન્નેથી થાય છે; કારણ કે બન્નેમાં ગતિ છે. જળને હંમેશા જીવનના આધારોમાં ગણવામાં આવ્યું છે. એમાં હંમેશા ઉપચારની શક્તિ રહેલી છે. જળ એ જ જીવન છે. આથી જળને પણ દિવ્ય અથવા અલૌકિક શક્તિથી સમ્પન્ન માનવામાં આવ્યું છે. એક અંજલિ જળથી નિષ્પ્રાણ થયેલા વ્યક્તિના પ્રાણ પરત આવે છે. પ્રાચીનકાળમાં આવા અનેક દૃષ્ટાંતો છે કે પાપી પુરોહિત અથવા રાજાની સમક્ષ જળ સુકાઇ જતું હતું. જળના પાપમુક્ત કરવાના ગુણોને કારણે જ પ્રાય: તીર્થ-સ્થળ નદીઓના ઘાટ પર હોય છે. સરસ્વતી પણ એમાં અપવાદ નથી. નદીતમા સરસ્વતીના તટ ઉપર હિમાલયથી કચ્છના રણ સુધી અનેક તીર્થ પ્રતિષ્ઠિત હતા. જળને જ અમ્બ અથવા અમ્બુ પણ કહે છે.
સરસ્વતીમાં નદી અને જ્ઞાન બન્નેનું વ્યક્તિત્વ અને પ્રતિકત્વ છે. શ્રી અરવિન્દ અનુસાર સરસ્વતી ગતિવાન છે. આથી તેની મનોવૈજ્ઞાનિક પ્રતિકાત્મકતા છે કારણ કે સ્વભાવત: આ નદી પણ છે અને પ્રેરિત કરવાવાળી દેવી પણ છે. બ્રહ્મવિદ્યારૂપી નદીનારૂપમાં પણ આ બધા અજ્ઞાનને વહાવી જાય છે. દેવી સરસ્વતીની સ્તુતિ જ્યારે............
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ।
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवै: सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती नि:शेषजाड्यापहा ।।
(જે મોગરાનાં પુષ્પ, ચન્દ્ર અને ઝાકળરૂપી મોતીના હાર જેવી શુભ્ર છે, જેણે સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, જેનો હાથ વીણાના ઉત્તમ દણ્ડથી શોભી રહ્યો છે, જે સફેદ કમળ પર બિરાજમાન છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવો જેને સદૈવ વન્દન કરે છે. તે સમ્પૂર્ણ જડતાને હરી લેનાર ભગવતી સરસ્વતી મારું રક્ષણ કરો.)
કહીને કરીએ છીએ ત્યારે સ્પષ્ટત: દેવીના નદીતમા રૂપનું દેવીતમામાં રૂપાન્તરણ દેખાય છે.
સરસ્વતીનું ઉદગમસ્થાન માન સરોવર છે જ્યાં શ્વેત કમળ ખીલે છે અને શ્વેત હંસ તરતા રહે છે. આથી દેવી કમળો ઉપર બેઠેલી બતાવવામાં આવી. આ પર્વત સ્વયં સફેદ બરફની ચાદર ઓઢે છે. આથી દેવીનાં વસ્ત્ર પણ સફેદ જ કલ્પવામાં આવ્યાં. શ્વેત હિમકણોને ચમેલીની માળાથી યુક્ત કરવામાં આવ્યા. નદીના કલકલ સ્વરને જ સામસંગીતની ઓળખાણ મળી. વેદોની રચના સરસ્વતીના તટ પર જ થઇ હતી. આથી તેની સ્મૃતિ બનાવી રાખવા માટે દેવીને વીણા અને પુસ્તક અર્પણ કરવામાં આવ્યાં. વીણા એટલા માટે કે વેદોની ભાષા છન્દસ્ (પદ્યમય) હતી. આ પ્રકારે નદીરૂપી સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી બની ગઇ.
ઋગ્વેદમાં કહ્યું છે કે સરસ્વતી અમારી બુદ્ધિને ઉત્તમ માર્ગમાં પ્રેરિત કરે છે, તે સત્યના માર્ગ પર ચાલવાની મનુષ્યને પ્રેરણા આપે છે અને અન્ન તથા બળથી યુક્ત કરે છે. વેદોમાં સરસ્વતીની સાથે સાથે બે અન્ય દેવીઓનો ઉલ્લેખ વારંવાર મળે છે – ઈળા અને મહી. ઋગ્વેદમાં કહ્યું છે કે ઈળા, મહી અને સરસ્વતી – આ ત્રણ દેવીઓ સુખ આપવાવાળી છે અને તેનો ક્ષય ન થવો જોઇએ. યજ્ઞ દ્વારા અર્થાત્ વિશેષ પ્રયાસ દ્વારા તેની રક્ષા થવી જોઇએ. પ્રસિદ્ધ વૈદિક વિદ્વાન સાતવળેકરજીએ ઈળાને માતૃભૂમિ, મહીને માતૃભાષા અને સરસ્વતીને માતૃ સંસ્કૃતિ કહી છે.
ઋગ્વેદમાં સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવી છે કે તે પોતાના દૂધ પ્રવાહને રોકી ન લે. તેને સન્તતિની પાલિકા કહી છે. સન્તતિને સંસ્કારિત કરવામાં માતાનો સર્વાધિક ફાળો હોય છે. સરસ્વતી વાણી વિદ્યા,જ્ઞાન, કવિત્વ અને સંગીતની અધિષ્ઠાત્રી છે. માતાના આ રૂપમાં જ ભારતીય સંસ્કૃતિની ઉન્નતિની ચાવી છુપાયેલી છે. જે આપણા ઉચ્ચ જીવન લક્ષ્યને સમ્ભવ બનાવે છે.
आ भारती भारतीभि: सजोषा इळा देवैर्मनुष्येभिरग्नि: ।
सरस्वती सारस्वतेभिरर्वाक् तिस्रो देवीर्बहिरेदं सदन्तु ।। ऋग्वेद (3-4-8)
(અમારી વાણી અન્ય લોકોની વાણી સાથે મળે, સાધારણ મનુષ્યો અને વિદ્વાનોની બુદ્ધિ અને તેજમાં અંતર મટી જાય. અમારું જ્ઞાન બીજાના જ્ઞાનને અનુકૂળ થાય. આ પ્રકારે વાણી, બુદ્ધિ અને જ્ઞાન ત્રણેયની દેવીઓ બધાને અનુકૂળ રહે.)
પ્રા. નરેન્દ્ર બી. રાવલ, સરકારી વિનયન કૉલેજ,અમીરગઢ