લજ્જા
અમદાવાદ ગાંધીનગર હાઈવે ધમધમી ઉઠ્યો. કલાકેક પહેલાનું શાંત વાતાવરણ તડકાથી ઝાકળ ઉડી જાય તેમ ઉડી ગયું. ગરમાળાનાં વૃક્ષો પર લચી પડેલાં પીળાં ફૂલોની સેરો રઘવાયાં વાહનોને જોઈ રહી. વૃક્ષો વચ્ચે પ્લાસ્ટિકની આડશમાં બેઠેલાં શ્રમજીવી પરિવારનાં બાળકો ઊંધા પડેલાં વાસણોને જોઈ રહ્યા. હિંમતનગર તરફથી આવતી બસો હવાને ચીરતી ધમધમાટ કરતી પસાર થઈ રહી હતી. રસ્તાની બેય તરફ ખીલેલાં ફૂલો, ફાલેલાં વૃક્ષો, આંખોમાં ન સમાય તેટલી હરિયાળીને જોવાની કોઈને પડી ન હતી. રાતભર મરેલી ઘોની જેમ પડી રહેતી જીપોમાં સવાર પડતાં જ ચેતન આવી જતું. પછી જે રસ્તા પર ગરમાળામાં બેઠેલી કોયલનો ટહૂકો વેરાતો તે રસ્તા રીક્ષા, છકડા, જીપ, અને બસોનાં ટાયરથી કચડાતા રહેતા. ઘોંઘાટ તળે ટહૂકો છુંદાઈ જતો. દુકાળિયા મુલકમાંથી આવનારને રહી જવાનું મન થઈ જાય એવી પાટનગરની સલૂણી સવારનું દ્શ્ય આંખમાં ઠરે ન ઠરે ત્યાં ઘોંઘાટ શરુ થઈ જાય. અને પછી જેમ જેમ દિવસ ચડે તેમ ઘડિયાળ માણસને લાત મારીને દોડાવે.
સેક્ટરનાં સરકારી ક્વાટર્સ તરફથી દોડતી આવતી સૌમ્યાએ પીક અપ પોઈન્ટ પર શ્વાસ ખાધો અને ઘડિયાળ જોઈ. કાન પાછળથી રેલાયેલો પરસેવો ઠેઠ ગળાની હાંસડી સુધી આવી ગયો હતો. જાણે કાળા રંગનો જાડા કાપડનો તાકો પાથર્યો હોય તેમ ચ રોડ લંબાઈને પડ્યો હતો. તેણે ચિલોડા ચોકડી તરફ્થી આવતાં વાહનો સામે નજર નાખી, પરસેવો લુછ્યો. ધીમેધીમે આવતી બસને ઑવરટેઇક કરી એક જીપ પાધરી થઈ. જીપની સ્પીડ જોતાં તે ઊભી નહીં રહે તેવું તેને લાગ્યું. પેસેંજરથી લદાયેલી જીપ સડસડાટ પસાર થઈ ગઈ. સૌમ્યા માટે આ દ્શ્ય નવું ન હતું. છતાં મનોમન ચીડ વ્યક્ત થઈ ગઈ – આને આ લોકો પેસેંજર કહે છે. પેસેંજરની હાલત આવી હોય ? ને લોકોનેય જરા અફસોસ નહીં, ચાર ઈંચ જગ્યા મળે તોય બેસી જાય. ટાયર ઉપર, નટબૉલ્ટ ઉપર અંગુઠો ટેકવવા મળે તોય હાંઉ !
સૌમ્યાને થયું, પોતાને આવું વિચારવાનો કોઈ હક ખરો ? તે પોતેય તે......
તેનાથી ફરી કાંડા ઘડિયાળ સામે જોવાઈ ગયું. તે હંમેશ કરતાં મોડી હતી. રોજના જીપવાળાએ કદાચ વાટ જોઈ હશે. બાઈક ઉપર એક યુગલ પસાર થઈ ગયું. બાઈક ચાલકને વળગીને બેઠેલી યુવતીએ મોં પર બાધેલી ઓઢણીનો લાલ છેડો હવામાં ફરફરતો હતો. સૌમ્યા થોડીવાર બાઈક સામે જોઈ રહી. તેના મનમાં કડવાશ ફેલાઈ ગઈ.
શું આ રસ્તા ઉપર દોડવામાં, દોડીને પહોંચવામાં, જીપની વાટ જોવામાં, બેસી ગયા પછી ઉતરવાના ઉચાટમાં જ જિંદગી પુરી થઈ જશે ? માને કેટલુંય સમજાવ્યું કે મૂક. મને હવે કોઈ જ ઈચ્છા નથી. તોય એને શી ખબર એવો તે કયો ભય છે કે મારા લગન નહીં થાય તો આભ તૂટી પડશે. માને કેમ સમજાવું કે તું હજી એ દુનિયામાં જીવી રહી છો, જ્યાં છોકરીના મા-બાપ છોકરો પસંદ કરે, છોકરી શરમાતી, મુંઝાતી હા પાડે અને પછી પરણી જાય. માને ખબર નથી કે તેની દીકરી હવે, એ અવસ્થામાંથી બહાર નીકળી ગઈ છે. જ્યારે શરમના શેરડા પડે. ત્રીસવર્ષની છોકરી કુંવારી હોય તોય એ ભાવ ક્યાંથી કાઢે જે સતર અઢાર વર્ષે આવતા હોય છે. તેમાંય સાલ્લી આ રોજની દોડધામ ! પોતાની જાતને હડસેલી દેવી અણગમતી જગ્યાઓ પર. પપ્પાની નોકરીના છેલા દિવસો, ભાઈની બીકારી, મમ્મીની બિમારી. આ સ્થિતિ ન હોત તો ક્યારનુંય પોતમેળે શોધી લીધું હોત. માને કેમ કહેવુંકે તારા શોધેલા મુરતિયાને શું જોઈએ છે.
સૌમ્યાને થૂંકવાનું મન થઈ ગયું. યાદ કરવું ન હતું તોય યાદ આવી ગયું.
ગઈકાલે પેલો ઘોંચુ શું કહેતો હતો ! સૌમ્યા મને આ ગમે, તે ગમે, આ ન ગમે, મને તે ન ગમે. પોતે હાડકાંનો માળો, પાંત્રીસ વર્ષ સુધી મેળ પડ્યો ન હતો. એને કોણ કહે કે, તમને કોઈ ગમી નહીં કે તમે કોઈને ગમ્યા નહી ? મમ્મી છેક છેલ્લી ઘડીએ કહે. ચર્ચા કરવાનો સમય જ ન રહે. બે દિવસ પહેલા જાણ કરેલી – સૌમ્યા એક છોકરો છે. કોમ્પ્યુટર ઈજનેર છે. આંખે નંબર છે પણ સીધો અને સારા ઘરનો છે. ઘરમાં ત્રણ જ જણ છે. નથી પરણવું, નથી પરણવુંની વાતમાં વરસો નીકળી ગયાં છે. બાકી કોઈ એબ નથી. આવું કહીને મમ્મી સામું જોઈ રહેલી. મેં જવાબ ન આપ્યો એટલે કહ્યુ : એક દિવસની રજા મુકી દેજે.
મમ્મીને ના ન પાડી શકાઈ, પણ અંદરથી કોઈ જ ઈચ્છા થતી ન હતી. કોઈ રોમાંચ નહીં કે કોઈ જોવા આવનાર છે. મમ્મીએ કહેલું કે એ લોકો સવારે દસ વાગે આવશે. પણ એમનો ફોન આવ્યો કે કોઈ કારણસર બપોરે આવશે. તે આવ્યા !
જોતાંવેંત જ ધક્કો વાગ્યો. આ મને જોવા આવ્યો ? એના પોતામાં જોવા જેવું કંઈ નથી ને એ કોઈ છોકરીને જોવા નીકળ્યો છે ! એક તો સાવ સાંઠીકડા જેવું શરીર, તેમા વળી છ ફૂટની ઊચાઈ. આંખે જાડા કાચના ચશ્મા, ચેક્સના લાંબી બાંયના શર્ટમાં ડાગલા જેવો લાગતો હતો. આવો તે મને જુએ ? હું એના પ્રશ્નોનાં જવાબ આપું ? પણ થાય શું ! મમ્મી ઈચ્છે છે કે મારું જલ્દી ગોઠવાઈ જાય. મમ્મીએ જ કહેલું : સૌમ્યા બેટા ફરી આવો બેય જણ ક્યાક બહાર. મમ્મી મારી આંખો જોઈને સમજી તો ગઈ જ હતી. પણ એની ઈચ્છા ખાતર મારે જવું પડ્યું. જવું પડ્યું એટલું જ નહીં, એ જોકરની બાજુમાં બેસવું પડ્યું.
કાર અઠ્યાવીસના બગીચે જઈને ઉભી રહી. હું ભગવાનને પ્રાર્થના કરતી રહી કે હોઈ ઓળખીતું ભટકાઈ ન જાય તો સારું. મનોમન શરમ આવતી હતી કે લોકો અમને જોઈને કજોડાનો જ વિચાર કરતા હશે ને ! પુરો દોઢ કલાક એની લપ સાંભળી. સાલ્લાએ જરાય શરમ રાખ્યા વગર કહી નાખ્યું – તમે ગુજરાતી સાથે એમ.એ. કર્યું હોય એવું લાગતું નથી. એમ. એ. વાળા તો બોલવાય ન દે. વાચાળ હોય. તમે કશું બોલતા નથી. જરાય શરમાતા નથી. સહિત્યના માણસો તો શરમાળ હોય !
- લાલ દરવાજા ? ઠાંસોઠાંસ ભરાયેલી જીપ પાછળ ટીંગાતા છોકરાએ પુછ્યુ. પેસેંજરની આંખો વાંચવામાં માહીર થઈ ગયેલા તેણે કહી જ દીધું – આગળ આવી જાવ બેન. એય ભાઈ તમે આમ ખસો બેનને બેસવા દયો. પાછળ બેઠેલા યુવાન છોકરાઓએ આગળ આંખો લંબાવી. સૌમ્યા ઝડપથી આગળની સીટ પર બેસી ગઈ. છેલ્લે બેઠેલા પુરુષે પ્રયત્ન કર્યો ત્યારે થોડીક જગ્યા થઈ. એણે સૌમ્યાના ધ્યાનમાં આવે તે રીતે સ્મિત કર્યું, અને જાણે બેસી શકાતું જ ન હોય તે રીતે ઉંચા થઈ હૂડનો સળિયો પકડ્યો. સૌમ્યાની અડધી પીઠ પેલાની છાતી પર આવી ગઈ.
ચાલો, સાબરમતી, ઈન્કમટેક્ષ, લાલ દરવાજા.... ચોક્કસ લ્હેકાથી જીપ ડ્રાઈવરે બૂમ પાડી. પછી મોંમા ભરેલા માવાની પીચકારી મારી જીપને ગીયરમાં નાખી. જીપે ગતિ પકડી. ખુલ્લી સાઈડમાંથી ધસી આવતો પવન સૌમ્યાના વાળ વિખેરી નાખતો હતો. વાળ સરખા કરવા માટે તેણે ફરજિયાત જમણા હાથને ઉંચે લઈ જવો પડતો હતો. અને તે વખતે કોણી પેલાની છાતી પર રહી જતી હતી. લીસ્સા રોડ પર જીપ ભાગવા માંડી. મણિરાજ બારોટનું લોકગીત શરુ થયું. જાણે ઢોલના તાલે જીપ ચલાવતો હોય તેમ ડ્રાઈવર રંગમાં આવી ગયો. સૌમ્યા વિન્ડ ગ્લાસમાંથી સામે જોઈ રહી હતી. ઉડતા વાળને ઉડવા દીધા. તેની આંખોની પૂતળીમાં બરાબર સમાતું હતું કે અડીને બેઠેલાની આંખો ક્યાં ક્યાં ફરી રહી છે. તેને હવે આ બધું અકળાવતું ન હતું. તેનાથી ટટ્ટાર બેસાતું ન હતું તોય બેસી રહી. એને સમજાયુંકે પડખેવાળાનો પગ અમસ્તો સરી આવ્યો નથી. પણ તેને હવે ગુસ્સો આવતો નથી.
છેલ્લાં પાંચ વર્ષથી તે આ રીતે ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર આવે - જાય છે. શરુ શરુમાં તેને જીપમાં કોઈને ભીંસાઈને બેસવાનો તીવ્ર અણગમો થતો. એને ખ્યાલ આવતો કે પડખે બેઠેલો ઈરાદા પુર્વક અડી રહ્યો છે, ત્યારે શરીર સંકોચાઈ જતું. આક્રોશ જાગતો. આંખોમાં ગુસ્સો તરી આવતો. પણ પછી સમજાયું કે એવું કરવાથી તો ઉલ્ટાનું સામેવાળાને મજા પડે છે. ધીમેધીમે તેણે અવગણવા માંડ્યું. મન પરનાં આવરણો આપોઆપ ઉતરવા લાગ્યા. નઘરોળ વાસ્તવ સામે શરમ નામની ચીજ સાતમે પાતાળ ભંડારાઈ ગઈ. શરીરનું રણઝણવું, શરમથી લાલ થઈ જવું, છાતી ધડકી ઉઠવી, પરપુરુષ, આ બધા શબ્દો અર્થ વગરનાં થઈ ગયા. એટલું જ યાદરહ્યું કે જગ્યા છે, બેસવાનું છે, પહોંચવાનું છે. પડખે કોણ બેઠું છે, તે કેવો છે, શું હરકતો કરે છે, એ બધું મહીને મળતા આઠ હજાર સામે ગૌણ બની ગયું.
હા, ક્યારેક મુર્છીત કરી દીધેલી સ્ત્રી અચાનક ભાનમાં આવી ને સવાલો કરવા લાગતી. - કોઈ તારા શરીરને અડીને આનંદ મેળવે ને તું કશું ન કરે ? નોકરી મૂકી કાં નથી દેતી ? છાતીમાં બંડ જાગતોય ખરો.પણ પપ્પા,મમ્મી, ભાઈ, પગાર, ભણતર, દવા, એ બધું એકઠું થઈને એવી તો ભીંસ દેતું કે વિદ્રોહ ઠરી જતો. રાતે ઘેર પહોંચી બાથરૂમમાં કપડાં કાઢતાંની સાથે વિતેલો દિવસ દેખાઈ જતો. અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ કોલેજકાળ યાદઆવતો. ક્યારેક થતુંય ખરું કે, જે શરીરની સુડોળતા માટે, અંગ ઉપાંગના ઉભાર માટે છાને ખૂણે ગર્વ અનુભવ્યો તે હવે ભીડનો ભાગ બની ગયા ? અફસોસ પર પાણી રેડાઈ જતું અને તે સાથે એક દિવસ પણ પાણી સાથે વહી જતો. બીજા દિવસે ફરી એજ સુંદર દેખાતા શરીરમાં બરછટ જાત લઈને ઉઠવું, લુસ લુસ નાસ્તો કરવો, જેમ તેમ શરીર પર પાણી નાખી લેવું, ભીનાવાળની પરવા કર્યા વગર કપડાં પહેરી લેવા. પછી ઘરમાં અરીસા નામની કોઈ ચીજ છે તે યાદ કર્યા વગર પર્સ અને ટિફીન લઈને દોટ મુકવી. જીપની વાટ જોવી, પરસેવાથી ગંધાતા શરીરોને સહન કરવા, અને બધુંય ઉપરથી જવા દેવું. ન કોઈ રોમાંચ કે ન પ્રેમાલાપની ઈચ્છા. આંખો જુએ કેવળ ઘડિયાળનાં કાંટા અને ગાંધીનગર અને અમદાવાદવચ્ચે ખોડાયેલા માઈલ સ્ટોન !
ચાલો.. વા… ડ...જ.... ડ્રાઈવરે બૂમ પાડી. વિચારોમાંથી ઝબકી ને જાગેલી સૌમ્યાને જાણે રહી રહીને ખ્યાલ આવ્યો કે જે જાય છે તે દિવ્યા જ છે. જો જરા દૂર નીકળી ગઈ તો પછી સાંભળશે નહીં. કેટલા દિવસે એને જોઈ. લગ્ન કરી લીધા પછી એણે નોકરી છોડી દીધી છે. જીવનનાં કડવા સ્ત્યોને સ્વિકારવાની સમજ આ દિવ્યાએ જ તો આપી છે.. તેનાથી જોરથી બૂમ પડાઈ ગઈ. દિવ્યાએ પરિચીત સ્વર સાંભળી ચમકી ને જીપ તરફ જોયું.
અરે ! સોમલી તું ? સાલ્લી તેં હજી નોકરી નથી છોડી? ચાલ મારે જવું તો બીજે હતું પણ તને કંપની આપું. આપણે આજે સાથે કૉફી પીશું. વાડજના સ્ટોપ પર ઘણા જણાં ઉતરી ગયા. જીપમાં પાછળ જગ્યા થઈ. બેય જણી પાછળ બેસી ગઈ. સૌમ્યાનો હાથ પકડતાં દિવ્યાએ કહ્યું : કેમ તારો હજી મેળ નથી પડ્યો કે શું ? કરી લે હજી સમય છે. નહીંતર આમ જીપડામાં જ ઘરડી થઈ જઈશ.
-તે ઘરડા થવામાં હવે બાકીય શું છે ? ધોળાતો આવી ગયા, આ જોને. સૌમ્યાએ પવનથી વિખરાયેલા વાળ પકડીને બતાવતા કહ્યું.
-અરે ! યાર, તું તો હજી વીસની લાગે છે. બાય ધ વે, તારું કંઈ ગોઠવાયું નહીં કે તારે કરવું નથી ?
-બેય ! સૌમ્યા પાછળ સરતાં જતાં દ્શ્યોને જોઈ રહી.
- બેય એટલે ? હું કંઈ સમજી નહીં.
- બેય એટલે જ્યારે ગોઠવાય છે ત્યારે કોઈકને હું જાડી લાગું છું. કોઈકને મારી હાઈટ ઓછી લાગે છે. કોઈકને મારી ઉંમર નડે છે. કોઈકને હું ગમું છું પણ મારું ઘર નથી ગમતું. કોઈક્ને હું બરછટ લાગું છું. શરમ વગરની, મતલબ બે શરમ ! બોલ શું કરું ? મેં હવે માંડી વાળ્યું છે. કરવું જ નથી. ગઈકાલે જ એક ઘોંચુએ મારી એક દિવસની રજા બગાડી. મારી મમ્મી હજી મારે છાલ છોડતી નથી. ધરી દીધો એક ઓર નમુનો મારી સામે. સાલ્લાઓને કોઈ બહાનું ન મળ્યું તે શું કહ્યું ખબર છે ? એ ઘોંચુની મમ્મીએ મારી મમ્મીને ફોન કરીને કહ્યુંકે : મને તો તમારી દીકરી ગમી છે, પણ અમારો દીકરો કહે છે કે તમારી સૌમ્યા જરાય શરમાળ નથી. મારા દીકરાને શરમાળ છોકરીઓ ગમે છે. મારી મમ્મી બિચારી કેટલું રડી. મને થયું કે એને ફોન કરીને કહું કે – તારા બાપનું વાણ ! શરમાળ છોકરીઓ જોઈતી હોય તો જા અમદાવાદની લાયબ્રેરીમાં. ગુજરાતી નવલકથાઓમાં શરમાળ છોકરીઓ મળી જશે. તેમ છતાં ક્યાંય શરમાળ છોકરીઓ બનાવવાનું કારખાનું ચાલુ થાય તો લઈ આવજે એક ફ્રેશ પીસ. સાલ્લા આવા પરણવા નીકળી પડે છે. એક મહીનો આ જીપડામાં અપ ડાઉન કરે તો ખબર પડે કે શરમ શું ચીજ છે, અને કેવી રીતે ટકે છે.
સૌમ્યાના દાંત ભીડાઈ ગયા. તેને જોરથી થૂકવાની ઈચ્છા થઈ આવી.
દિવ્યાએ તેનો હાથ દબાવતાં કહ્યું : રીલેક્સ, રીલેક્સ માય ડિયર. ફરગેટ ડ્રીમ, એન્ડ લવ ધ લાઈફ.
ઈન્કમટેક્ષ હજી દૂર હતું. બેયની વાતો સાભળી રહેલો એક યુવાને સૌમ્યા તરફ જોઈ રહ્યો. સૌમ્યાને લાગ્યું કે તેના પગને કંઈક અડી રહ્યું છે. તેણે નીચે જોવાને બદલે સામે જોયું. પેલાએ એક મરકલું ફેંક્યું.
માવજી મહેશ્વરી, 'સારંગ', મહાદેવ નગર ૧૯૯/૬, અંજાર, કચ્છ. મોબાઈલ ફોન નં. ૯૮૨૫૭૨૫૫૯૬ E mail - hemmrug@yahoo.co.in