માસ્ટર ઝચારીઅસ
(વિજ્ઞાનના અતિરેકના માઠા પરિણામોની કલ્પના કરતી વિશિષ્ટ નવલકથા)
લે. જૂલે વર્ન
અનુવાદ- જીગર શાહ
(વિજ્ઞાનને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની બધું દાવ પર લગાડી દેનારા જૂલે વર્નની વાર્તાઓના પાત્રો અદભુત રોમાંચ આપનારાં છે. માસ્ટર ઝચારીઅસ – આવું જ એક ધૂનિ પાત્ર છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આસપાસની દુનીયાને પણ ભૂલાવી દેનારી નીવડે છે. આ મૂળ ફ્રેંચ કથા Maitre Zacharius ઈ.સ. 1854માં જૂલેવર્ને લખી હતી. લાંબો સમય અપ્રકાશિત રહ્યાં પછી તેનો સમાવેશ 1874માં પ્રકાશિત થયેલા Dr. OX Experiments નામના કથાસંગ્રહમાં થયો હતો. આ કથામાં જૂલે વર્ને વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી પર્યાવર્ણીય સમસ્યાઓને જોતાં સાચી પડતી જણાય છે. આ રીતે પણ આ કથાનું અનેરું મહત્વ છે. એમાં અનુભવાતો કથા વેગ તો અદ્વિતીય છે જ આપને એ અનોખા આનંદની અનુભૂતિ કરાવનારી નીવડશે એવી શ્રદ્ધા છે. હવે પછીના હપ્તાઓમાં આ કથા પ્રકાશિત થવાની હોવાથી જલ્દીથી આપ સામયિકમાં રજિસ્ટર્ડ થાવ અને નવા અંકને પોતાના જ ઇ-મેઈલ પર મેળવી વાંચો.....) ન.શુ.
પ્રકરણ – ૧
શિયાળાની રાત્રી
માસ્ટર ઝચારીઅસ
સ્વિટ્ઝર્લેન્ડનું જીનીવા નગર. આ નગર જીનીવા નામના જ સરોવરને પશ્ચિમ છેડે વસેલું છે. સરોવરમાંથી ઉદભવતી અને નગરને બે ભાગમાં વહેંચતી રહોન નદી આ નગરની વચ્ચેથી પસાર થાય છે. રહોન નદીની વચ્ચે એક નાનકડો ટાપુ છે. વેપારધંધાના વિકાસ માટે આવી વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ખૂબ જ ઉપયોગી હતી. આ નદીનો ઉપયોગ જૂના જમાનાથી પરિવહન માટે થતો આવેલો. રહોન નદીનું ઝડપી વહેણ અને ઊંડું તળીયું જહાજોની અવરજવર માટે પણ અનુકૂળ હતું. એક સમયે પાસ્કલે પણ આ નદી માટે કહ્યું હતું કે- નદીનો આ માર્ગ જ નગરનો વિકાસપથ છે.
નદીની વચ્ચે આવેલા એ ટાપુ ઊપર જૂનાં-નવાં મકાનોની હારમાળા હતી. અસ્તવ્યસ્ત રીતે બાંધવામાં આવેલા ઘણાં મકાનો તો ટાપુને કાંઠે એવી રીતે બાંધવામાં આવ્યાં હતાં કે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં તેના પાયા નદીના પાણીમાં ડૂબી જતાં. લાંબો સમય પાણીમાં ડૂબેલા રહેવાના કારણે તેનાં પાયાના લાકડાં પણ કોહવાઈ ગયાં હતાં. કાળા પડી ગયેલાં ઑકના લાકડાના બનેલા આ ઘરોમાં ઘણાંખરાં ઘરો ખાલી હતાં. સમયના વહેણ સાથે ખાલી પડી રહેલાં ઘરો, જૂના ખંડયેરો જેવા લાગતાં હતાં. કાળાં પડી ગયેલાં અનેક મકાનોને લીધે વિશ્વના કોઈ અગોચર ખૂણામાં, સમુદ્રની વચ્ચે આવેલા ટાપુ પર વૃક્ષોનું ગાઢ જંગલ હોય તેવો ટાપુનો દેખાવ લાગતો હતો.
લાંબા સમયથી એક માણસ આ ટાપુ પર રહેતો હતો. તે હતા વૃદ્ધ ઘડિયાળી માસ્ટર ઝચારીઅસ. તે પોતાની એક માત્ર પુત્રી જીરાડ, તેના એક સહાયક ઔબર્ટ થન અને નોકરાણી સ્કોલાસ્ટીક સાથે એવા જ એક જૂનાં ઘરમાં રહેતા હતા.
માસ્ટર ઝચારીઅસ એક પ્રતિષ્ઠિત માણસ હતા. તેમની ઉમરનો તો કોઈને ખ્યાલ ન હતો. પરંતુ તેમનું પાતળું શરીર અને ખભા સુધી આવતા સફેદ વાંકળિયા વાળ પરથી લોકો તેમની ઉમરનો અંદાજ કાઢવા પ્રયત્ન કરતા. પણ કોઈની પાસે પાકી માહિતી ન હતી. તેમનું મડદા જેવું શરીર અને શૂષ્ક ચહેરો જોઈને કોઈ પણ વ્યક્તિ તેને જીવતો છે તેવું પહેલી નજરે ધારી શકે તેમ ન હતું. તેઓ તરંગી હતી. પોતે બનાવેલી ઘડિયાળના ઝૂલતાં લોલકની જેમ જ પોતાનાં વિચારોમાં ઝૂલતા રહેતા. શરીર પર હંમેશા કાળા રંગના કપડાં તેમના મુડદાલ દેખાવને વધું નિરાશાવાદી બનાવતાં હતાં. જાણે લિઓનાર્ડો –દ- વિન્ચીએ દોરેલું કોઈ ઘેરા અંધકારમાંનું શુષ્ક ચહેરાનું ચિત્ર. જે પહેલી નજરે જ નકારાત્મક લાગણીઓ પેદા કરતું હોય.
ઝચારીઅસના ઘરમાં સારામાં સરો ઓરડો તેની પુત્રી જીરાડને ફાળવાયો હતો. મકાનમાં થોડી ઊંચાઈના ભાગે આવેલા આ ઓરડાની નાનકડી બારીમાંથી સ્વિટ્ઝર્લેન્ડની હિમાચ્છાદિત પહાડીઓ જોઈ શકાતી. જીરાડ નવરાશની પળોમાં કલાકો સુધી આ પર્વતોને નિહાળતી રહેતી. મા. ઝચારીઅસનો ઓરડો અને તેમનું વર્કશોપ મકાનના નીચેના ભાગમાં જ હતાં. આખો દિવસ માસ્ટર પોતાના વર્કશોપમાં જ ગાળતા. માત્ર ભોજનનો સમય જ બહાર નીકળતા. પોતે બનાવેલી ઘડિયાળોમાં કી ખામીની ફરિયાદ આ આવી હોય અને તેના સમાર કામ કરવાની જરૂર હોય, ત્યારે જ તે ઘરની બહાર નીકળતા. એમના ઓરડામાં પણ ચારેબાજુ ઘડિયાળના જુદા જુદા ભાગો જ પડ્યા રહેતા. એ બધા તેમણે પોતે જ શોધ્યા હતા. એમાં જણાતી ખામીઓ દૂર કરવામાં કે નવા ભાગોના સંશોધનમાં જ માસ્ટરનો આખો દિવસ પસાર થતો.
માસ્ટર ઝચારીઅસે બનાવેલી ઘડિયાળોની માંગ સ્વિટ્ઝર્લેન્ડ પુરતી જ મર્યાદિત ન રહેતાં, ફ્રાંસ અને જર્મનીમાં પણ રહેતી. ઝચારીઅસની ખ્યાતીએ જીનીવા નગરનું નામ આખા યુરોપમાં ઘડિયાળોના નગર તરીકે જાણીતું કરી દીધું હતું. ઘડિયાળ બનાવવાના વિજ્ઞાનને આ વ્યક્તિએ નવાં જ શિખર પર પહોંચાડ્યું હતું. તેમણે શોધેલાં ઘડિયાળના નવા ભાગો અન્ય પ્રતિસ્પર્ધી ઘડિયાળ બનાવનારાઓ માટે માથાનો દુઃખાવો પૂરવાર થતાં. અન્ય પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં માસ્ટર ઝચારીઅસની ઘડિયાળો વધુ સચોટ હતી. અન્યોનું હરિફાઈમાં ટકવું ખુબ જ મુશ્કેલ બન્યું હતું. લોકો વધું કિંમત ચૂકવીને પણ માસ્ટર ઝચારીઅસે બનાવેલી ઘડિયાળો જ ખરીદવાનો આગ્રહ રાખતા હતા. ઘડિયાળ બનાવટની આ ખ્યાતિએ મા. ઝચારીઅસને માત્ર નામના જ નહીં, પણ આર્થિક સદ્ધરતા પણ અપાવી હતી. તેમ છતાં તેમની જીવનશૈલીમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું. તેઓ હજી પણ પોતાના જૂના મકાનમાં સાદગીપૂર્ણ અને ધાર્મિક વિચારોવાળું જીવન જીવતા હતા.
શિયાળાની એક ઠંડી રાતે સ્કોલાસ્ટિક વધાનું જમવાનું પીરસી રહી હતી. માસ્ટરનો યુવાન સહાયક ઔબર્ટ તેને ભોજનનું ટેબલ સજાવવામાં મદદ કરી રહ્યો હતો. માસ્ટરને ભાવતી વાનગીઓ ભૂરા અને સફેદ રંગના ચિનાઈ માટીને વાસણોમાં એમની સામે આવી. પણ તે સ્થિર જ બેઠા રહ્યાં. તેઓ કંઈ જ ખાતા ન હતા. તે કોઈ ગંભીર વિચારોમાં ડૂબેલા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. તેમની આ ભેદી મનોદશાને જીરાડ પણ પામી ગઈ. પણ હંમેશા બોલબોલ કરી વાચાળ સ્કોલાસ્ટીકનું એ તરફ ધ્યાન ન હતું. તે પોતાની મસ્તીમાં જ બોલ્યા કરતી હતી. કોઈનું તેની વાતોમાં ધ્યાન ન હતું. થોડાં જ સમયમાં કંઈ પણ ખાધા વિના માસ્ટર ઝચારીઅસ ઊભા થઈ ચાલ્યા ગયા. દરરોજની માફક આજે તેઓ જીરાડને ભેટ્યા પણ નહીં. નિત્યક્રમ મુજબ બધાને શુભરાત્રી કહેવાની તસ્દી પણ એમણે લીધી ન હતી. પોતાની વર્કશોપનો દરવાજો ખોલી ઝડપથી દદર ઉતરવાનો અવાજ બધા સાંભળી રહ્યાં. માસ્ટર ઝચારીઅસનું આવું વિચિત્ર વર્તન જોઈ જીરાડ ખૂબ જ ચિંતિત થઈ ગઈ હતી.
સ્વિટ્ઝર્લેન્ડમાં કાતિલ શિયાળો ચાલી રહ્યો હતો. તાપમાન ઘણું નીચું હતું. વાતાવરણમાં વિષાદ છવાઈ ગયો હતો. ધૂંધળું અને વાદળછાયું વાતાવરણ, ઠંડી સ્તબ્ધતાના માહૌલને વધું ઘેરું બનાવતું હતું. આલ્પ્સની પર્વતમાળાઓ વદળોમાં ખોવાઈ ગઈ હતી. ક્યારે ધોધમાર વરસાદ તૂટી પડશે એ કહી શકાય તેમ ન હતું. બહારના આવા બેચેનીભર્યા સ્થગિત વાતાવરણ સાથે સાથે માસ્ટર ઝચારીઅસના ઘરનું વાતાવરણ પણ તેમના વિચિત્ર વર્તાવને લીધે ઉદાસીન બની ગયું હતું.
ઝચારીઅસના અચાનક ઊઠીને ચાલ્યા ગયા બાદ બધા ચૂપચાપ એકબીજા સામે તાકી રહ્યાં. એક શબ્દ પણ આ અંગે કોઈ બોલ્યું નહીં. ઘરમાં ઘેરી શાંતિ છવાઈ ગઈ.
‘બેટા જીરાડ’ આખરે સ્કોલાસ્ટીકે મૌન તોડ્યું. ‘’છેલ્લા કેટલાક દિવસોથી માલિક ઝચારીઅસ કોઈ ગંભીર ચિંતામાં હોય તેમ મને લાગે છે. તેમની ભૂખ પણ હમણાં ઓછી થઈ રહી છે. તેનું કારણ મને તો, તેમની વિચારોની કોઈ ધૂન જ લાગી રહી છે. તેમની આ વિમાસણ અંગે તને કંઇ ખ્યાલ છે ? ખરેખર શેના વિચારોમાં ખોવાયેલા છે....? ’’
‘’મારા પિતા ખરેખર કોઈ ભેદી અને ગંભીર ચિંતામાં હોય તેમ મને પણ લાગી રહ્યું છે. પરંતુ આ ચિંતા શેની છે તેની હું કલ્પના પણ કરી શકતી નથી. તે અંગે મને કંઈ જ ખબર નથી.’’
‘’જીરાડ તું ચિંતા ન કરીશ. તું તારા પિતાની વિચિત્ર આદતોને જાણે તો છે. તેમના આંતર-મનમાં રહેલી ગડમથલોને તેમના ચહેરાના ભાવ ઉપરથી આજ સુધી કોણ સમજી શક્યું છે...! હા, એક વાત નક્કી છે કે કોઈ ગંભીર પ્રશ્ન કે ચિંતાએ તેમના મગજનો કબજો લઈ લધો છે. ધીરજ રાખ. થોડા દિવસોમાં તે બધું ભૂલી જશે. ત્યારે તેમની ભૂલ સમજાતા તેમને પોતાની પુત્રીને અજાણતાં પહોંચાડેલી આ ઠેસનો આપોઆપ પ્રશ્ચાતાપ થશે. ત્યારે તેઓ, સામેથી તારી સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરશે. એટલે માસ્ટર ઝયારીઅસની ચિંતામાં તું દુઃખી થઈશ નહીં. યુવાન ઔબર્ટે, જીરાડની આંસુભરી આંખોમાં આંખ પરોવી આશ્વાસન આપ્યું.’’
ઔબર્ટ ઝચારીઅસનો એકમાત્ર સહાયક કામદાર હતો. એ સાફદિલ માણસ હતો. માસ્ટર ઝચારીઅસે શોધેલા ઘડિયાળના વિવિધ ભાગોની રચનાની ગુપ્તતા જળવાઈ રહે તે માટે તેમને એક વિશ્વાસુ વ્યક્તિની જરૂર હતી. આવો વિશ્વાસ તેઓ ઔબર્ટમાં મૂકી શકે તેમ હતું. ઔબર્ટમાં રહેલી પ્રતિભા ઝચારીઅસ પામી ગયા હતા. તે ક્યારેય તેની સાથે કામદાર જેવું વર્તન કરતા ન હતા. તેને પોતાના પુત્રની જેમ જ રાખતા. ઔબર્ટ તેમના ઘરમાં જ રહેતો હતો. ઝચારીઅસ સાથે તે ખૂબ જ ખંતથી ઘડિયાળ બનાવવાના કામમાં વ્યસ્ત રહેતો. ઘરમાં જ રહેતો હોવાના કારણે જીરાડ અને સ્કોલાસ્ટીક સાથે પણ તે હળીમળી ગયો હતો. નવરાશની પળોમાં જીરાડ અને સ્કોલાસ્ટીકના કામમાં પણ તે સહાયરૂપ બનતો.
જીરાડ અઢાર વર્ષની હતી. તેનો સુંદર, લંબગોળ ચહેરો તેના નિષ્કપટ હ્ય્દયના આયનાસમો હતો. તેની આંખોમાં સાદગી છલકતી હતી. કોઈ કવિની કલ્પનાની સ્વપ્નપરી જેવી તે લાગતી હતી. બળપણથી જ તે ધાર્મિક વિચારધારા પ્રમાણેનું જીવન જીવતી. દરરોજ સવાર સાંજ તેની લેટિન પ્રાર્થનાપોથીમાંથી કેથેલિક ચર્ચની પ્રાર્થનાઓનો તે પાઠ કરતી. જીરાડના સદગીભર્યા અને ધાર્મિક જીવને ઔબર્ટના હ્ય્દયમાં પણ તેને માટે આદરભાવ જન્માવ્યો હતો. ઔબર્ટ મનોમન જીરાડને પ્રેમ કરતો હતો, પરંતુ તેનો એકપાપ હજી સુધી જીરાડ સમક્ષ તે કરી શક્યો ન હતો. ઝચારીઅસ સાથેના કામના કલાકો બાદ તેનો ઘણોખરો સમય જીરાડ સાથે જ પસાર થતો. બને તેટલો વધુ સમય તે જીરાડના સંપર્કમાં રહેવા પ્રયત્નશીલ રહેતો.
ઔબર્ટના હ્ય્દયમાં રહેલી જીરાડ પ્રત્યેની પ્રેમભરી લાગણીને વૃદ્ધ સ્કોલાસ્ટીક પામી ગઈ હતી. પણ બંનેની મૈત્રી સામે તેણે વાંધો લીધો ન હતો. મનોમન તેને પણ ઔબર્ટ-જીરાડની જોડી ગમતી હતી. વધુ પડતો વાચાળ સ્વભાવ ધરાવતી સ્કોલાસ્ટીક ઘરના કામકાજમાં જ વ્યસ્ત રહેતી. નવરાશની પળોમાં તે તેનું ગમતું સંગીતનું વાદ્ય વગાડતી. આ વાદ્ય વગાડતી વખતે તે આસપાસની દુનીયાને ભૂલી જતી હતી. એવા સમયે તેનું ધ્યાનભંગ કરનાર પર પોતાનો બધો ગુસ્સો ઉતારી દેતી.
રાત્રી ભોજન પૂરું થયું હતું. ઝચારીઅસ પોતાના વર્કશોપમાં ચાલ્યા ગયા હતા. જીરાડ શાંતિપૂર્વક હજી પોતાની ખુરશીમાં જ બેઠી હતી. સ્કોલાસ્ટીકે મેરીના પૂતળાં પાસેના પથ્થરના ગોખલામાં મીણબત્તી પ્રગટાવવી. રાત્રીના ભોજન બાદ, એ રીતે મીણબત્તી પ્રગટાવવી, પ્રાર્થના કરી ઊંઘી જવાનો તેમનો દૈનિક ક્રમ હતો. પરંતુ આજે જીરાડ ચિંતિત અવસ્થામાં પોતાની ખુરશીમાં જ બેસી રહી હતી. ત્યાંથી ઊભા થવાનું તેને મન થતું ન હતું. પિતા ઝચારીઅસની ચિંતા તેને સતાવી રહી.
‘’ઓહ, જીરાડ...સ્કોલાસ્ટીક આશ્ચર્ય વ્યક્ત કરતાં બોલી.- આપણું રાત્રીનું ભોજન તો ક્યારનું પૂરું થઈ ગયું છે. ઊંઘી જવાનો સમય થયો છે. મોડી રાત સુધી આ રીતે બેઠા રહી ઉજાગરા કરવાનું ઠીક નથી. તું પણ મીણબત્તી પ્રગટાવી, તારા પિતાની સારી તબીયતની મધર મેરીને પ્રાર્થના કર. તું વહેલી પથારીવશ થાય તેમ હું ઇચ્છું છું. સુંદર મજાનાં સપનાંઓ તારી રાહ જોઈ રહ્યાં છે....આવતી કાલનો નવો દિવસ આપણી માટે નવી આશાઓ લઈને આવશે. માસ્ટરની બધી માનસિક વેદનાઓનો અંત આવશે.’’
‘’મારા પિતાનો ઇલાજ કોઈ સારા ડૉક્ટર પાસે ન કરાવી શકીએ...?’’ જીરાડે પૂછ્યું.
‘’ડૉક્ટર... આશ્ચર્ય સાથે સ્કોલાસ્ટીક બોલી. માસ્ટરને ક્યારેય કોઈ ડૉક્ટર પાસે જતા જોયા છે...? તે કદાચ પોતાની બનાવેલી ઘડિયાળો માટે દવાઓ લઈ શકે. પણ પોતાના શરીર માટે...અશક્ય...!’’
‘’આપણે તેમને માટે હવે શું કરવું જોઈએ...એવું નથી લાગતું કે તે હવે વધુ કામ નહીં કરી શકે. તેમની નિવૃત્તિનો સમય થઈ ગયો છે....’’
‘’જીરાડ, ... ઔબર્ડ ધીમેથી બોલ્યો, હું સ્વીકારું છું કે કોઈ મૂંઝવણ માસ્ટરની માનસિક પજવણી કરી રહી છે. પણ તે માટે ચિંતા કરવાની જરૂર નથી. તેનો ઉકેલ ઝડપથી તેઓ જ શોધી કાઢશે.’’
‘’ઔબર્ટ...તને ખ્યાલ છે...એમની ચિંતાનું કારણ શું છે...?’’
‘’કદાચ...જીરાડ...મારી જાણકારી મુજબ જો તે હોય તો...’’
‘’એવી કોઈ વાત છે જે માસ્ટરને સતાવી રહી છે...સ્કોલાસ્ટીકે આતુરતાથી પોતે પ્રગટાવેલી મિણબત્તી બુઝાવતાં કહ્યું.’’
‘’જીરાડ છેલ્લા ઘણા દિવસોથી હું જોઈ રહ્યો છું...’’ ઝચારીઅસના મદદનીશ ઔબર્ટે રહસ્યસ્ફોટ કરતાં કહ્યું... ‘’કેટલાક અનકલ્પિત ઘટનાઓ બની રહી છે. તારા પિતાએ બનાવેલી અને લોકોને આટલા વર્ષો દરમિયાન વેચેલી ઘડિયાળો રહસ્યમય રીતે બંધ પડી રહી છે. તેમાંની બગડેલી ઘડિયાળો માસ્ટરે પાછી ખરીદી છે. ક્ષતિયુક્ત એ ઘડિયાળના દરેક ભાગોને છૂટા કરી તારા પિતાએ તેની ચકાસણી પણ કરી છે. તે દરેકના બધા જ ભાગો એકદમ સારી સ્થિતીમાં છે. તેના ચક્રોમાં પણ કોઈ ક્ષતિ નથી. તેમ છતાં તેમને ખોલી તેમણે ફરીથી સુનિયંત્રિત રીતે ગોઠવ્યાં છે. જરૂર લાગે ત્યાં કેટલાક ભાગો બદલી નવા પણ નાંખ્યા છે. ઘણી મહેનત કરવા છતાં તે ઘડિયાળો ફરીથી શરૂ થવાની નામ જ નથી લેતી. ઘડિયાળોમાં કોઈ ખામી ન હોવા છતાં આવી ભેદી રીતે અટકી પડવાની ઘટના રહસ્યમય લાગી રહી છે. આ ઘડિયાળો ખોટકાવાનું કોઈ ચોક્કસ કારણ માસ્ટર ઝચારીઅસ જાણી શકતાં નથી, એ જ એમની મૂંઝવણનું કારણ લાગે છે.’’
‘’જરૂર કોઈ પિશાચી શક્તિએ તેના પર મેલી વિદ્યા કરી હશે. આમ પણ માસ્ટરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. તેમના પ્રતિસ્પર્ધીઓને તેમની ખ્યાતિની ખૂબ જ ઈર્ષ્યા છે. તેમણે જ આવી કોઈ ગંદી ચાલબાજી કરી હશે...’’ .સ્કોલાસ્ટીકે ઝડપથી પોતાનું મંતવ્ય આપ્યું.
‘’ઔબર્ટ, તને ઘટના રહસ્યમય લાગી રહી છે...’ જીરાડે પૂછ્યું...’પરંતુ મને એમાં કશું જ રહસ્યમય નથી લાગતું. મારા મતે તે સામાન્ય કુદરતી ઘટના છે. વિશ્વમાં માનવીએ બનાવેલી દરેક વસ્તુનું એક આયુષ્ય હોય છે. અનંતકાળ સુધી ચાલી શકે એવી કોઈ વસ્તુનું માણસે હજી સર્જન કર્યું નથી. માનવી પોતે જ જ્યારે નાશવંત્ હોય તો તે અવિનાશી વસ્તુનું સર્જન કઈ રીતે કરી શકે...? આ બધી ઘડિયાળોનું આયુષ્ય પૂરું થયું છે. તેથી તે અટકી છે. તેમાં મને કંઈ જ રહસ્યમય લાગતું નથી.’’
‘’તમારી વાત સાથે હું આંશિક સહમત છું.’’ ઔબર્ટે વળતી સ્પષ્ટતા કરતાં કહ્યું...’’પરંતુ આ ઘડિયાળો ખોટકાવાની ઘટનામાં મને ચોક્કસપણે કંઈક રહસ્ય લાગે છે. એમાં કંઈક અજુગતું બની રહ્યાની મને શંકા થાય છે. મેં કલાકો સુધી માસ્ટર સાથે આ ખોટકાયેલી ઘડિયાળોમાં રહેલી ખામીઓ શોધવા પ્રયત્ન કર્યો છે. પરંતુ મને કે માસ્ટરને તેમાં કોઈ પણ પ્રકારની યાંત્રિક ખામી જણાઈ નથી. કેટલીક ઘડિયાળોમાં તો અમુક ભાગો પણ અમે નવા નાંખ્યા છે.’’
‘’બગડેલી ઘડિયાળોમાં ખામી શોધવાની તમે ખોટી મથામણ કરી રહ્યા છો.....’’ સ્કોલાસ્ટીકે પોતાનું વણમાગ્યું મંતવ્ય આપતાં આગળ ચલાવ્યું.... ‘’નાનાં-નાનાં તાંબાના ભાગોની બનેલી આ ઘડિયાળો સમય જતાં ખોટકાય તે સ્વાભાવિક છે. તેથી આપણે સૂર્ય ઘડિયાળો જ બનાવવી જોઈએ. જેથી તેના ભાગો ખોટકાઈ જવાનો કે અટકી પડવાનો પ્રશ્ન જ રહે નહીં....’’
(ક્રમશઃ)
અનુવાદ- જીગર શાહ, સુરત