મીશેલ ફૂકો, સમાજવિજ્ઞાનો અને સાહિત્ય
યુર્ગેન હાબેરમાસ (Jurgen Habermas) અનુસાર મીશેલ ફૂકો (Michel Foucault) એ મારી પેઢીનો ચિંતક છે. જેની વ્યાપક અસર લેખકો અને લોકો ઉપર રહેશે. ફૂકો આપણી જ્ઞાન વ્યવસ્થાની સમજણ આપતો ચિંતક છે. જ્ઞાનવ્યવસ્થાની રચના કઈ રીતે થઈ, તેની બાંધણી કઈ રીતે થઈ, અને આ જ્ઞાન વ્યવસ્થાએ કઈ રીતે સત્તા માળખા દ્વારા વ્યક્તિને નિયંત્રિત કર્યો એ એના ચિંતનનો વ્યાપક પ્રકલ્પ છે. પરંતુ આ પ્રકલ્પ દ્વારા વ્યક્તિ સત્તા માળખામાં કઈ રીતે શાસિત થાય છે તે કરતાં ફૂકો પાતાના જીવનના અંત ભાગમાં “Technologies of the Self” (Foucault, 1988) માં આ શાસિતપણામાંથી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તેની શોધ કરે છે. અહીં મુખ્ય પ્રશ્ન ‘સ્વ’ ને સર્વઘેરણમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન છે. આ પ્રયત્ન સમાજવિજ્ઞાનોએ, માનવવિદ્યાઓએ અને સાહિત્યએ કરવો જોઈએ. આમ માનવ અસ્તિત્વના લોપની વ્યવસ્થા દર્શાવવાની સાથોસાથ સ્વસર્જનની પ્રક્રિયા એ ફૂકોના ચિંતનનું હાર્દ છે.
ફૂકો અનુક્રાંતિયુગ કે અનુજ્ઞાનપ્રકાશયુગનો ચિંતક છે. જ્ઞાનપ્રકાશયુગીન પાયાના આદર્શો પ્રગતિ, ન્યાય, સમાનતા, સામુહિકતા અને સ્વતંત્રતા એ અનુજ્ઞાનપ્રકાશ યુગમાં પ્રશ્નરૂપ બન્યા છે. કારણ કે અનુજ્ઞાનપ્રકાશયુગમાં જ્ઞાનસમ્પન્ન અને પ્રગતિશીલ વાર્તાલાપો લોપાતા જાય છે. વ્યક્તિ તંત્રો અને જ્ઞાનવ્યવસ્થામાં કચડાય છે અથવા તે કેવળ મૂકશાક્ષી બને છે. જ્ઞાનપ્રકાશયુગીન આદર્શો આ પરિસ્થિતિથી તદ્દન અવળાં છે આથી જ ફૂકો પ્રશ્ન કરે છે કે આવું શા માટે થઈ રહ્યું છે ? જેના તે બે કારણો આપે છે.
૧. જ્ઞાનપ્રકાશયુગના ન્યાય અને સમાનતાના આદર્શો વ્યક્તિ અને સમુહની જરૂરીયાતો અને આકાંક્ષાઓ સાથેનો સંપર્ક ગુમાવે છે.
૨. સામાજીક શાસન એટલે કે વ્યવસ્થા અને તેના સ્થાપિત તંત્રોએ ક્રાંતિકાળની સંવેદનાથી પોતાને અલિપ્ત બનાવ્યા છે. સત્તા અને રાજકારણ અદૃશ્ય રીતે બાધક બન્યાં છે.
જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં રાજકારણના પ્રવેશને કારણે માનવવિદ્યાઓએ તેમનું પ્રામાણ્ય અને વિશ્વાસ ગુમાવ્યો છે. માનવવિદ્યાઓના અભ્યાસનો હેતુ સંસ્કૃત, ડહાપણયુક્ત, તટસ્થતાવાળા વ્યક્તિઓને ઉત્પન્ન કરવાની અને આવી વ્યક્તિઓ ઇતિહાસનું મૂલ્ય, સમજ, વિવેચન અને સંરક્ષણ કરી શકે એવી ક્ષમતા આપવાની છે. આવી વ્યક્તિઓ ભેદભાવ કે સ્વાર્થ વગર સંસ્કૃતિના વલણો અને તેની અમૂલ્ય વિરાસતનું જતન કરી શકે. યુનિર્વિસટી એ આ પ્રકારના વ્યક્તિ ઘડતરની પાઠશાળા છે. આ સંદર્ભમાં દેરીદા યુનિર્વિસટીને અબાધિત પ્રશ્નર્ધિમતાના સ્થાનક તરીકે સ્વીકારે છે. વાસ્તવિકતા આનાથી વિપરીત છે. માનવવિદ્યાઓ સત્તાથી પર જઈ શકી નથી. માનવવિદ્યાઓ સત્તાની સંવાહક બની છે. માનવવિદ્યાઓ અત્યારે કેવળ તાલીમ કે સાંસ્કૃતિક મુડીનું હસ્તાંતરણ કરતી વ્યવસ્થા માત્ર છે. સાહિત્યના અભ્યાસ પર તેના ઘણા ઘેરા પ્રત્યાઘાતો પડે છે.
ફૂકોને માનવવિદ્યાના આ બદલાવમાં રસ છે. અને તે દ્વારા તેની નિસ્બત વ્યક્તિ પોતે પોતાને કઈ રીતે રચી શકે તે છે. આધુનિક વ્યક્તિતા કઈ રીતે ઘડાઈ અને આ ઘડાયેલા રૂપ (ર્હ્લદ્બિ) માંથી સ્વસર્જનની Space (Creative Space) કેવી રીતે પ્રાપ્ત કરવી એ ફૂકોના મતે એક ક્રાંતિ છે. અને ક્રાંતિ માટેનું આવાહન પણ છે.
ફૂકોના મતે લખવું એટલે આપણી પૂર્વ ઉપસ્થિતિને ઓલવી નાખવી. તે કહે છે કે It is to be self distructed after use, life fireworks. નવસર્જન આત્મવિલોપન વગર શક્ય નથી. ભૂતકાળને ઓલવ્યા વગર કયારેય પ્રભાત અસ્તિત્વમાં ન આવે. બ્રૃહદસિદ્ધાંતો, બૌદ્ધિકોના પૂરાકલ્પનો, પયગંબરી અને વિશેષાધિકારવાળા સામુહિક અવાજો જ્ઞાનના સામાજિક ઉત્પાદન અને નિયંત્રણ પર કઈ રીતે પ્રભાવ પાડે છે તે માનવવિજ્ઞાનો અને સાહિત્યનું સહિયારું ક્ષેત્ર છે. સામાન્ય રીતે જગત અંગેનો આપણો અભિગમ કાંતો અનુરૂપતાવાદી કે સુસંગતતાવાદી હોય છે. અનુરૂપતાવાદીઓ ભાષાનું યોગ્ય વિશ્લેષણ તેની જગત સાથેની અનુરૂપતા - Mirroring માં રહેલું છે એમ માને છે. જયારે સુસંગતતાવાદીઓ ભાષાના રૂપો (Forms) એ આંતરિક રીતે સુસંગત વ્યવસ્થા છે જે જગતને પકડી શકે છે – Hook on to the world એમ માને છે.
સિમોલ્લંગન કરતી (Transgressive Writing ) ભાષા આ બંને સંકલ્પનાના લીરેલીરા ઉડાડે છે પણ સ્પષ્ટ આદર્શ સ્પેસ રચે છે. આ આદર્શ સ્પેસ એ કાર્ય, પ્રયોગ, શક્યતા, સ્વતંત્રતા અને ગતિશિલતાની સ્પેસ છે. લેખન એ એક જ સરળ સ્વની નિપજ છે એવું ફૂકો સ્વીકારતાં નથી. કારણ સિમોલ્લંગન વાળુ લેખન સ્વને વિખેરી નાંખે છે અથવા વિખેરી શકે છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે ફૂકો અંગત સ્વાતંત્ર્યની સ્પેસ શોધે છે. વ્યક્તિની સ્વતંત્રતા કોઈક ઘડે તે કરતાં પોતે પોતાનો અવકાશ અને સ્વશાસન કઈ રીતે પ્રાપ્ત કરવું તે ફૂકોના સંશોધનનો વિષય છે. સાહિત્ય એ વિધાનોનો એકમ છે કે અર્થઘટનક્ષમ વિષય છે એવા સંરચનાવાદી અભિગમ અંગે ફૂકો શંકા કરે છે. આ સંદર્ભમાં તે અનુસંરચનાવાદી છે. અહીં અનુસંરચનાવાદ એટલે સંરચનાવાદથી વિચ્છેદ એવો અર્થ છે.
સંરચનાવાદ જગતને વ્યાપક એકમમાં કોતરે છે. આ એકમો છે text, jener, language, kinsystem વગેરે. આ એકમો પૂર્ણ, વિશિષ્ટ અને સ્વારૂપિક રીતે જ્ઞેય છે એમ સંરચનાવાદી માને છે. એકમો વચ્ચેના સંબંધો અમૂર્ત છે. સંરચનાવાદ પ્રમાણે જગતની ગોઠવણી દ્વારા સત્ય પ્રાપ્ત થાય છે અથવા આ ગોઠવણી સત્યના હિતમાં છે. અનુસંરચનાવાદના મતે આ દ્વારા જગત અમૂર્ત રચના બને છે. એટલું જ નહીં જગતનું સાતત્ય આ દ્વારા જોખમાય છે.
ફૂકો અનુસાર ઇતિહાસને નૈતિક કે રાજકીય હેતુ છે એવું પ્રસ્થાપવું મુશ્કેલ છે. ઇતિહાસનો કોઈ પરાત્પર સત્યનો દાવો નથી. ફૂકોના પુસ્તક History of Madness and Civilization (Foucault, 1982) માં આધુનિકતા વસ્તુની કે ઘટનાની તાત્ત્વિક અનિશ્ચિતતાઓ સાથેનો સંબંધ કઈ રીતે ખેરવી નાંખે છે તે દર્શાવે છે. એટલે કે આધુનિકતા તેની જ્ઞાનરચના અને તંત્રરચના દ્વારા તાત્ત્વિક શક્યતાઓનો છેદ ઉડાડે છે. જે આધુનિકતાએ સર્જેલી ટેકનોક્રેટીક સોસાયટીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. The Order of Things (Foucault, 1970) માં જ્ઞાનના ઇતિહાસનું લેખન છે. આ જ્ઞાન વ્યવસ્થાની વારસાઈ છે. અને આ વારસાઈ જગતને પ્રભાવિત કરે છે. વિશિષ્ટ સામાજિક રસ કે કાર્યો, સત્તા એ પણ જ્ઞાનને પ્રભાવિત કરે છે. એડવર્ડ સઈદ ફૂકોના the order of things ના પ્રયત્નને secularization of the world તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં ફૂકો દ્વારા રચાયેલો સંસ્થાઓનો ઇતિહાસ એ અનુસંરચનાવાદી તત્ત્વમીમાંસા છે.
અનુસંરચનાવાદ સમગ્રતયા ત્રણ વિચારશાખાઓનો વિરોધ કરે છે. (૧) માનવતાવાદ જે કેવળ વ્યક્તિને જ અત્યંત મહત્ત્વની ગણે છે. (૨) અર્થઘટનશાસ્ત્ર અને ઇતિહાસવાદ જે સમજણ (understanding) ને જ અતિમહત્ત્વ આપે છે. (૩) માર્ક્સવાદ અને મનોવિશ્લેષણવાદ જે હેતુને (eleology) અતિમહત્ત્વ આપે છે.
ફૂકો માનવને કૃતિમાં (text) ઓગાળવા માંગતો નથી. માનવને કેવળ અર્થણાં પણ ઓગાળવા માંગતો નથી. આપણા વિચાર માળખાને પણ તે વિખેરવા માંગતો નથી. ફૂકોના મતે ચિંતકનો ધર્મ એ દર્શાવવાનો છે કે જ્ઞાનનો ઉપયોગ વ્યક્તિ ઘડતરમાં કઈ રીતે થાય છે ? તેના જીવન અને શરીરને જ્ઞાન કઈ રીતે આકાર આપે છે ? આ માટે ફૂકોનો આગ્રહ જ્ઞાનના પ્રાપ્ત અને વિસરાયેલા સર્વશ્રોતાના અભ્યાસનો છે. માનવ અસ્તિત્ત્વને સમજવા-સામ્પ્રત અસ્તિત્વને સમજવા જ્ઞાનની સર્વે પરતોનું ઉત્ખનન જરૂરી છે.
ફૂકો આ ઉત્ખનન બે તબક્કામાં કરે છે. પ્રથમ તબક્કામાં વ્યક્તિ સત્તા દ્વારા કઈ રીતે અસર પામે છે તે દર્શાવે છે. બીજા તબક્કામાં વ્યક્તિ પોતે જ્ઞાતા કે સર્જક કઈ રીતે બની શકે છે, સ્વસર્જન કઈ રીતે કરી શકે છે તે દર્શાવે છે. પ્રથમ તબક્કામાં વ્યક્તિની પોતીકી ઓળખ ર્ગિભત કે સહજ છે એ વિચારનો ઇન્કાર કરે છે. અર્થાત્ સ્વતંત્ર અને સ્વાયત્ત રીતે વ્યક્તિ કઈ રીતે કાર્ય કરે છે તેની સમજૂતી આ તબક્કામાં મળતી નથી. શાસિત કે શિસ્તમાં રાખતી સત્તાનો પ્રતિકાર કઈ રીતે થાય તેનો ઉત્તર વ્યક્તિ જયારે સત્તા દ્વારા અસર પામતો હોય, શાસિત થતો હોય ત્યારે થઈ શકે નહી.
બીજા તબક્કામાં વ્યક્તિ પોતે જ્ઞાતા કે સર્જક કઈ રીતે બને ? વ્યક્તિ પોતાને સર્જી શકે છે. સ્વ-ઉછેર શક્ય છે. વ્યક્તિ પોત પોતાની ર્નિિમતિ કરી શકે છે. સત્તા માળખાઓનો પ્રતિકાર કે પડકાર કરી શકે છે. જે ફૂકોના ચિંતનનું મહત્ત્વનું પરિવર્તન છે. કારણ આ તબક્કે તેઓ વ્યક્તિને કહ્યાગરા શરીર તરીકે - પ્રભાવક વાર્તાલાપો દ્વારા અને સંસ્થાઓ દ્વારા સર્જાતા વ્યક્તિ તરીકે - સ્વીકારતા નથી. પ્રભાવક અને પ્રભાવિ વાર્તાલાપો વ્યક્તિની સૌંદર્યદૃષ્ટિ, રસવૃત્તિ અને શૈલીને નિયત કરી વ્યક્તિ સર્જન કરે છે એમ ફૂકો માનતા નથી. આધુનિકતાએ રચેલું વ્યક્તિનું ચિત્ર તેમને સ્વીકાર્ય નથી. ફૂકો આ તબક્કે સંસ્થીકૃત સ્વ ને પડકારે છે. આ સંદર્ભમાં ફૂકોના ચિંતનને સંકલ્પસ્વાતંત્ર્ય અને સ્વ-ચિંતનક્ષમતાની પુનઃપ્રાપ્તિની શક્યતાના ચિંતક તરીકે આપણે સ્વીકારી શકીએ. જો કે અહીં આપણે એ સ્વીકારવું જોઈએ કે આ સર્વસંભવસ્થિતિ નથી. આમ છતાં વ્યક્તિ સ્વને કોતરી શકે એવી શક્યતા છે. સ્વલેખન શક્ય છે. કલા અભિવ્યક્તિ, કલા વાર્તાલાપોના સ્થાપત્યની રચના, તેનું સ્વાભાવિકીકરણ કઈ રીતે થાય છે તે ફૂકો દર્શાવે છે. વ્યક્તિ એ દ્રવ્ય કે પદાર્થ નથી પણ સ્વરૂપ છે, આકાર છે અને એક આકાર તરીકે તેનું શિલ્પ શક્ય છે. આ શિલ્પને વિશિષ્ટ સામાજિક સંદર્ભો, ચોક્કસ સંકેતલિપિ અને સત્યનો સંદર્ભો હોય છે. વ્યક્તિ પોતાની અને અન્ય સાથે અનેક પ્રકારના સમજણના માર્ગો વિકસાવે છે. નીતિ, ઇશ્વર, સામાજિક શુભ, આત્મસમ્માન આ દ્વારા વ્યક્તિ પોતાની સાથે અને અન્ય સાથે સમજણ અને વ્યવહાર નક્કી કરતો હોય છે. અલબત્ત ફૂકોના મતે આમાં કોઈ પ્રકારની સુસંગતતા કે સાર્વત્રિકતા નથી. સમજણ અને વ્યવહારમાં પણ કોઈ પ્રકારની સર્વદેશિતા નથી. આ દ્વારા મુખ્યત્વે બે મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. (૧) વ્યક્તિ સમાજ અને ઇતિહાસમાં છે. પરંતુ કશું જન્મજાત નથી. (૨) સામાજિક અને ઐતિહાસિક મર્યાદાઓ છતાં વ્યક્તિના તફાવતોની નિષ્પત્તિ થઈ શકે છે. પરિવર્તન પણ શક્ય છે. સ્વતંત્રતાના આયામનું નિદર્શન પણ શક્ય છે.
આધુનિક માનવ એ સ્વઆવિષ્કરણ કરતો માનવ છે. પરંતુ આધુનિકતા માનવના સ્વને મુક્ત કરતી નથી. સ્વ-પ્રગટીકરણમાં આધુનિકતા વ્યવધાનરૂપ છે. સાચી હકીકત તો એ છે આપણે વાર્તાલાપો અને સંસ્થાની જ પેદાશ નથી. મર્યાદાઓ છતાં વ્યક્તિ પોતાનો ચીલો ચાતરી શકે છે. પોતીકી ઓળખને સમજવા, કલાકારના વિશ્વને સમજવા ફૂકો પ્રયત્ન કરે છે. લેખક એ એક નક્કર વ્યક્તિ નથી. પરંતુ એક કોટી છે. સર્જક પોતે લેખક હોઈ શકે. ચિત્રકાર, ચિત્રપટ બનાવનાર, સિદ્ધાંતકાર, વૈજ્ઞાનિક પણ હોય શકે. જે વ્યક્તિ પોતાની ઓળખ પોતાના ચોક્કસ અને વિશિષ્ટ મૂલ્યો, વિચારો અને જગતદૃષ્ટિના પ્રત્યાયન દ્વારા કરાવી શકે. કોઈ તાલીમ કે અભ્યાસ વગર પણ આપણે સમજી શકીએ કે પ્લેટો અને માર્ક્સ અલગ વિચારો ધરાવે છે. અલગ વ્યક્તિઓ છે. રવિવર્મા અને રઝાની કૃતિ વચ્ચેની લાક્ષણિકતા, મૂલ્યો અને દૃષ્ટિના તફાવત અંગે આપણે થોડી સમજ પ્રાપ્ત કરી શકીએ. મહત્વની વાત એ છે કે લેખક, ચિત્રકાર, શિલ્પી, વૈજ્ઞાનિક સંશોધક કાલના સંદર્ભમાંથી છટકી જાય છે. કાલીદાસ અને રવિન્દ્રનાથની કૃતિઓમાં તેમનો સ્વ અનુસ્યુત છે. પોતીકા અસ્તિત્વની હયાતીની મહેક તેમાં છે. તેથી તે કાલજયી છે. આ સંદર્ભમાં લેખક વિરલ, સુસંગત અને જીવંત અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. અન્ય સર્વ વ્યક્તિઓથી આ સંદર્ભમાં તે ભિન્ન છે. સાહિત્ય, સમાજ અને ઇતિહાસ આ સ્વ-સર્જનની પ્રક્રિયાને વ્યક્ત કરે તો સાહિત્યનું, સમાજનું ડી-પોલીટાઈઝેશન શક્ય બને અને તેનું કેન્દ્ર એ અંગત ‘સ્વ’ (Private self) છે. આ અસ્તિત્વનું સૌંદર્ય છે. સ્વસર્જનની કલા છે અને સ્વસંસ્કૃતિ છે. આ દ્વારા આત્મસર્જનની પ્રવિધિ અને પોતાના જીવન અને કાર્યની ગુંથણી થતી હોય છે. આ પણ સ્વતંત્રતા અને સત્તાનો જ સંબંધ છે. ફૂકો સૌંદર્યને આત્માના પૂરાકલ્પન તરીકે પ્રયોજે છે. આપણે જ આપણી પટકથાના નાયક છીએ. આત્માના પોતા સાથેના સંબંધો તે દ્વારા પ્રગટતી કલાકૃતિ, અન્યની જવાબદારી ઉઠાવવા સક્ષમ, સમાજ સાથેના સંવાદી સંબંધોને પણ સૂરક્ષિત રાખે છે. આ જીવનનીતિ છે. માનવમાત્રની આ કલામય પ્રસ્તુતિ છે. જેનો પોતીકો સૂર છે અને પોતીકું સૌંદર્ય છે. આવી જ ક્ષણો વ્યક્તિની અને સમાજની સ્વ-ઓળખની સાહિત્ય સર્જનની અધિકૃત ક્ષણો છે.
Reference
ડૉ. દિલીપ ચારણ, અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ.