કાવ્યાસ્વાદ - સ્મરણોમાં મન સળગે
જૂનું ઘર ખાલી કરતાં
ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ય ખાસ્સું
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખ કાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જયાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જયાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જયાંથી રે કઠણ હૃદયે અગ્નિ અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે :
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા!
- બાલમુકુન્દ દવે
નગરજીવનની યાતના અને માનવમનની લાગણીની ઉત્કટ અભિવ્યક્તિ આ કવિતામાં ઝિલાઈ છે. કાવ્યનું શીર્ષક અભિધાના અર્થસૂરે કાવ્યમાંનો રહસ્યગર્ભ છતો કરે છે. કાવ્યનો વિષય એના શીર્ષકનામમાં છુપાયો છે એવું ‘જૂનું ઘર ખાલી કરતાં’ અનુભવાતી લાગણીને વાચા આપે છે.
શહેરી સભ્યસંસ્કૃતિમાં ગામડાં ભાંગીને વા ભાગીને શહેર બન્યાં છે, એટલે શહેરોની ગીચતા વધી છે, એમાં ‘ઘરનું ઘર’ તો ક્યાંથી હોય? અથવા નવું ઘર કે ફલેટ ખરીદ્યા પછી જે ઘરમાં રહેતાં હોઈએ ત્યાંથી ઉચાળા ભરવા પડે - તે સ્થિતિ ઘણી ઘણી કરુણ હોય છે. વરસો સુધી એક જ ઘર, દીવાલો, ભૂમિમાં જીવ્યા હોઈએ એટલે એની સાથે એક નાતો બંધાયો હોય. હૃદયની લાગણી એમાં ઓતપ્રોત હોય. કંઈકેટલાંય સ્મરણોનો સંગાથ હોય...
‘જૂનું ઘર ખાલી કરતાં’નો કાવ્યનાયક પણ એક ઘર ખાલી કરીને બીજા નવા ઘરે સામાન ફેરવે છે, એ ક્ષણોને કવિએ કાવ્યવિષય બનાવ્યો છે. ઘર ખાલી કરતી વેળા કશો સર-સામાન ભુલાતો તો નથી ને, એની ચીવટ રખાય છે, એટલે કવિ કાવ્યનો ઉઘાડ જ એ રીતે કરે છે:
- અને હાથ લાગ્યું ય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખ કાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
ઝીણી ઝીણી વસ્તુઓની સાથે કાવ્યનાયક દ્વાર પર ‘લટકતું નામનું પાટિયું’ ય ખેંચી કાઢે છે. શેક્સપિયરે ભલે કહ્યું હોય ‘વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઇમ’. પણ માણસની પહેલી ઓળખ તો એના નામથી જ છે. ‘રામજીભાઈ ક્યાં રહે છે?’ ‘કયા રામજીભાઈ? રામજી સૂરા, રામજી ધના, રામજી છગન કે રામજી ભગત?’ ‘રામજી ભગત’ ‘એ આ લાઇનમાં ડાબી બાજુ ચોથા ઘરે.’ તો જ જોઈતી-જાણીતી વ્યક્તિ મળી શકે, નહીંતર ભળતી વ્યક્તિને ભટકાઈ જઈએ.
ઘર ખાલી કરતાં કાવ્યનાયક નામનું પાટિયું ઉખેડી લે છેઃ એ ઓળખ પણ જાણે ભૂંસી નાખવા માગે છે. ઘર સાથેનો નાતો તો તૂટ્યો છે - ઘરના પાડોશ સાથેય સંબંધ કપાય છે. એ શહેરી સંસ્કૃતિની દેન છે. નવું સ્થળ, નવું સરનામું ને નવી ઓળખ. જૂના સ્થળે જે સ્થળે નામનું પાટિયું ઝૂલતું’તું ત્યાં હવે બીજા કોઈના નામનું પાટિયું ઝૂલશે. નવી ઓળખ મળશેઃ ઘર પહેલાં હતું એના નામે નહીં પણ નવાના નામે ઓળખાશે.
આવી ઝીણી ઝીણી વસ્તુઓની યાદી કરાવીને કવિ આગળ વધે છે. કાવ્યના આ ભાગમાં લાગણીની, સ્મરણોની એક આખી શૃંખલા ઊભી કરવામાં કવિએ બહુ ઓછા શબ્દોનો સહારો લીધો છે, એ એનું કવિકર્મ.
ઘરમાંથી ભૂલી જવાયેલી વસ્તુઓ શોધીને લીધા પછી, બહાર નીકળી, સ્થળ છોડતાં પહેલાં છેલ્લી નજરે જોઈ લેવાની વૃત્તિ કોણ રોકી શકે?! ‘ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો’ની જેમ કાવ્યનાયક સ્મૃતિના સહારે ઘરના સહવાસને સુગંધરૂપે માણી લેવા ઊભે છે અને ત્યાં એને યાદ આવે છે મુગ્ધ પ્રણયઘેલા દામ્પત્યજીવનનો પ્રથમ દશકો. જે ભૂમિ પર, જે ઘરમાં એ વિતાવ્યો તે ઘરને છોડી જતાં મણ મણના નિસ્સાસા હોય જ વળી. છેલ્લી વારના આ દર્શન સમયે ઘર ખાલી કરતાં જૂની સ્મૃતિઓ સળવળી જ ઊઠે.. એટલે કવિ કહે છેઃ
‘જયાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો.’
પુત્રેષ્ણા એ ભારતીય દામ્પત્યજીવનની, સમાજજીવનની તાસીર છે. દીકરી ભલે ગમે તેટલી માયાળુ હોય પણ ‘ઘરનો દીપક’ તો જોઈએ જ. પ્રાર્થના-કવિતામાંયે આવે, ‘ખોળાનો ખૂંદનાર દે મા...’ દીકરો મેળવા દંપતી અનેક બાધા-આખડી-માનતા રાખે ને કુદરતી કે વૈજ્ઞાનિક રીતે જ ભલે આવ્યો હોય પણ મનાય તો એમ જ કે ઈશ્વરકૃપાએ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આવો દેવોનો દીધેલો દીકરો આ જ ઘરમાં અને આ જ ઘરમાંથી એને ‘અગ્નિને અંક સોંપ્યો’તો. મૃત્યુની શાશ્વત પળોને, કરુણની પરિસીમાને કવિએ માત્ર એક જ શબ્દમાં આલેખીને સ્મૃતિના વળને વધુ ચઢાવ્યો છે. સ્મૃતિ-સંસ્મૃતિ એના ચરમ શિખરે છે ત્યારે દામ્પત્યજીવનનાં વરસો સાથે એના ફળસ્વરૂપ પ્રાપ્ત થયેલો દીકરોય સ્મરે અને એના મૃત્યુની સ્મૃતિયે હૃદયને વલોવે. દીકરાની સ્મૃતિની સાથે જ કવિકલમે પંક્તિઓ સરી પડે છે, જે આ કાવ્યની પંચલાઇન પણ બને છે. મૃત દીકરો જ જાણે બોલી ઊઠ્યો ને કાવ્યનાયકને એનો કોલ સંભળાયોઃ
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’
અહીં આ પંક્તિમાંથી હૃદયના તારને ઝણઝણાવતી વેદનાનો પડઘો સંભળાય છે. બધું જ શોધી-ખોળી-ફંફોસીને, યાદ કરી કરીને લઈ લીધું પણ એક મને જ ભૂલ્યાં કે? જેવો પ્રશ્ન હૃદય સોંસરવો ઊતરી જાય છે. સ્મૃતિનું આખુંય વન સળગી ઊઠે છે. વન બળવા સાથે મનેય બળે છે. મૃત્યુની સ્મૃતિ સાથે મનમાં એક ચચરાટ જન્મે છે. વળી, ‘બા-બાપુ!’ શબ્દ દ્વારા ગ્રામ્ય સંસ્કારોની છાપ પણ સંભળાય છે, શહેરી સંસ્કૃતિમાં તો મમ્મી-પપ્પા કે મોમ-ડેડ-ડેડી હોય... જયારે, બા-બાપુમાં ગ્રામ્ય સંસ્કારોનો ટહુકો જ સંભળાય, સમજાય.
જોકે કાવ્ય આટલે, આ પંક્તિએ જ અટક્યું હોત તો... ઔચિત્ય-અનૌચિત્યનો વિચાર કરવા જેવો ખરો. કદાચ કાવ્ય સંપૂર્ણ લાગે પણ સોનેટ છે ને, ભલા! ચૌદ પંક્તિ પૂરી થવી ઘટે. ઘટતી પંક્તિઓ ઉમેરવી રહી, એટલે સોનેટની છેલ્લી બે પંક્તિ,
‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા!’
કાવ્યને, એના કાવ્યનાયકના માનસને મુખર કરે છે આ પંક્તિઓ. મૃત પુત્રની યાદ આવતાંની સાથે જ... આંખોમાં જાણે કાચની કણી પડી હોય તેમ અશ્રુઓ ઊમટ્યાં એવો નિર્દેશ કર્યો છે. કવિએ ‘ખૂંચી’, ‘કણી’ જેવા શબ્દોનો પ્રયોગ કરી ભાવને વધુ ઘૂંટ્યો છે. સ્મૃતિ સળવળી. પછી ખૂંચી છે. એની પીડા છે. આંખમાં કસ્તર પડે એ વેળાની જે પીડા છે તેવી અકથ્ય પીડા હૃદયને વહોરે છે. એ ‘ખૂંચવા’ સાથે ‘કણી’નો અનાયાસ શબ્દપ્રયોગ કવિને દાદ અપાવે છે. છેલ્લી પંક્તિમાં પ્રગટતો ‘ભાર’ કાવ્યને હળવું કરે છે તો મનને ભારે...
પિતૃહૃદયમાં સળવળેલી દીકરાની સ્મૃતિથી એનાં ઊપડેલાં ડગ પર મણ મણના ‘મણિકા’ કહેતાં વજનિયાં મુકાઈ ગયાં હોય અને એક ડગલુંય આઘા ન ખસાય તેવી સ્થિતિ થઈ છે, એવો નિર્દેશ છે. આવું મૃત સંતાનનું બીજું કાવ્ય પણ આ કાવ્ય વાંચતાં સ્મરણો ચડે, જોકે એનો ભાવ જુદો છેઃ (ઉમાશંકર જોશી, એક બાળકીને સ્મશાને લઈ જતાં)
‘તને નાની-શીને કશું રડવું ને શું કકળવું?
છતાં સૌએ રોયાં! રડી જ વડમા લોક શરમે..’
તો, કન્યાવિદાયની ક્ષણો પછીની વેળાને વ્યક્ત કરતું જયંત પાઠકનું કાવ્ય દીકરીનાં લગ્ન પછી હૃદયના ભારને આંખોથી વહાવી દે છે. આ કાવ્યમાં છેલ્લી પંક્તિઓ પ્રશ્નરૂપે મુકાઈ છેઃ
‘આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્નઃ
મારી દીકરી ક્યાં?’
અજિત મકવાણા, પ્લોટ નં. ૬૬૨/૨, સેક્ટર નં. ૧૩એ, ગાંધીનગર. મોબાઇલઃ ૦૯૧૩૭૩૩૪૨૪૯