સાધુ અને રણ
સાધુજીનાં અંગેઅંગ કાંપતાં,
શ્વાસના ઊંટોના ઊંટો હાંફતા.
નજર નીચી રાખીને સાધુ પૂછે સવારમાં
કોણ અહીં હાજર અને કોણ થયું છે લા-પતા.
કણેકણ બોલી ઊઠ્યાઃ હા, અમે હાજર છીએ,
સાધુ બધુંયે સાંભળે, ઉત્તર કશો ના આપતા.
ભરબપ્પોરે રણ વચાળે સાધુ બહુ શાંત છે,
અંગેઅંગમાં શાતા રાખી એ નામ કોનું જાપતા?
સાંજના સાધુ પૂછે, એ પંખીઓ ક્યાં જાવ છો?
ને ભીતર એક ટહુકો થયો, ક્યા પતા, ક્યા પતા.
રાત્રીના ત્રીજા પહોરે સાધુ બહુ બેચેન છે
ઘડીએ ઘડીએ જાગવાનાં સપનાંઓ કેમ આવતાં!
સૂર્યના ઊગવાની પહેલાં એક ઘટના એ ઘટી
કંઈ સાધુ સૂઈ ગયા ને કંઈ થયા જાગતા.
સ્વપ્નિલ મહેતા, 950, શિવશક્તિ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સેક્ટર નં. 27, ગાંધીનગર, મો. 9824006514