બાઉન્ટિનો બળવો
બચાવનૌકાની સફર
બાઉન્ટિના નિર્વાસિત કેપ્ટન, ઉચ્ચાધિકારીઓ અને નાવિકો એમ કુલ અઢાર જેટલા મુસાફરો અને તેમની સાથે સફર માટે અપૂરતો કહી શકાય તેટલા સાધન-સરંજામ સાથે નૌકા સાગરમાં આગળ વધી રહી. તેના નાવિકો અને સાધન સરંજામનું વજન નૌકા માટે ભારરૂપ બનતું હતું. દરિયાની સપાટીથી નૌકાની ઉપલી કોર માત્ર પંદર ઈંચ જેટલી જ બહાર રહેતી હતી. એકવીસ ફૂટ લાંબી અને છ ફૂટ પહોળી આ નૌકા જહાજની બચાવનૌકા કરીકે ટૂંકા પ્રવાસ માટે પૂરતી ગણી શકાય પરંતુ જે પ્રકારનો પ્રવાસ આ નાવિકોને ખેડવાનો હતો, તે માટે ખરેખર પડકારરૂપ પુરવાર થાય તેમ હતું.
નાવિકોને તેના કેપ્ટનની વડત અને હિંમતમાં પૂરતો વિશ્વાસ હતો. હોડીમાંના દરેકનો એક જ હતુ હતો, બની શકે એટલા જોરથી હલેસાં મારી નૌકાની નજીકના ટાપુ સુધી પહોંચાડવાનો.
જહાજ પર બનેલી ઘટનાનો કેપ્ટન બ્લિઘને કોઈ રંજ નહોતો. શરુઆતમાં થોડા ડરી ગયેલા કેપ્ટને પોતાની હિંમત પાછી મેળવી લીધી હતી. બની શકે તેટલી જડપથી તોફો ટાપુ પર પહોંચી જવાનો તેણે નિર્ધાર કર્યો. ટાપુની થોડા દિવસ પહેલાં જ તેમણે મુલાકાત લીધી હતી. આ ટાપુની મુલાકાત વખતે તેમણે બ્રેડ-ફ્રુટના રોપાઓ બાઉન્ટિ માટે મેળવ્યાં હતા. ત્યાં સરળતાથી ખોરાક અને પીવાના પાણીનો પૂરતો જથ્થો તેઓ મેળવી શકે તેમ હતું. ત્યાંથી જરૂરી પુરવઠો મેળવી તેઓ ટોન્ગા-ટોબાઉ ટાપુ તરફ જવા ઇચ્છતા હતા. તે ટાપુથી તેઓ સારી રીતે પરિચિત હતા. ત્યાંથી ખોરાક-પાણીનો ઘટતો પૂરવઠો મેળવી તિમોર તરફ જવાનો તેમણે નિર્ધાર કર્યો. રસ્તામાં બીજા ઘણાં ટાપુ સમુહો હતા. પણ તે ટાપુઓ પર કોઈ આકસ્મિક જરૂરિયાત સિવાય ન જવાનો કેપ્ટને નિર્ણય લીધો. આ અજાણ્યા ટાપુઓ પર ત્યાંના સ્થાનિક આદિવાસીઓનો ભય હતો. તેમની પાસે નાવિકોનું મોટું સંખ્યાબળ ન હતું કે પૂરતાં શસ્ત્રો પણ ન હતા. કે તેઓ સ્થાનિક રહેવાસીઓ સાથે લડી શકે. આમ, સ્થાનિકો સાથેના સંઘર્ષને ટાળવા આવા અજાણ્યા ટાપુઓ પર નહીં જવાનું જ તેમને માટે વધુ સલાહભર્યું હતું.
પ્રથમ દિવસ કોઈ પણ પ્રકારની નોંધપાત્ર ઘટના વિના પસાર થયો. તોફો ટાપુનો કાંઠો દેખાયો ત્યારે રાતનું અંધારું છવાઈ ગયું હતું. તોપો ટાપુનો કાંઠો ખડકાળ હતો. કાંઠા પર જ વેલી મોટી કરાડોને કારણે રાત્રી દરમિયાન નાની હોડીમાં ત્યાં પહોંચવું જોખમભર્યું હતું તેથી તેમણે દિવસનું અજવાળું ફેલાય ત્યાં સુધી દરિયામાં જ રાત્રી રોકાણ કરવાનું નક્કી કર્યું.
બાઉન્ટિએ લીધેલી આ ટાપુની છેલ્લી મુલાકાત વખતે ટાપુના રહેવાસીઓનો ભેટો થયો ન હતો કે તેઓની કોઈ નિશાનીઓ પણ જણાઈ ન હતી. પણ કેપ્ટન બ્લિઘ દૃઢપણે માનતો હતો કે આ ટાપુ પર તેના આદિ રહેવાસીઓની હાજરી હતી. આ વખતે તેમની મુલાકાત થવાની સંભાવના નકારી શકાય તેમ ન હતું. આ ટાપુ તેમની ખોરાક-પાણીની જરૂરિયાત પૂરી કરી શકે તેમ હતો. છતાં અહીના આદિવાસીઓની મુલાકાત થાય તો તેમનું વર્તન કેવું હોય તેનું અનુમાન કરવું મુશ્કેલ હતું. તેથી નૌકા પરના ખોરાક-પાણીના જથ્થાને આખા દિવસ દરમિયાન નહીં વાપરવાનું જ તેમણે નક્કી કર્યું. ટાપુ પરથી પૂરતો પુરવઠો મળ્યા બાદ ખોરાક-પાણીના જથ્થાનો દૈનિક ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તે નક્કી કરવાનું તેમણે સૂચવ્યું.
કેપ્ટન બ્લિઘના અનુભવ અને કાબેલિયત ને લીધે જ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ચોક્કસ નિર્ણય લેવાનું શક્ય બન્યું હતું. ત્યાંના રહેવાસીઓ સાથે મુલાકાત થાય તો સુમેળભર્યો સંબંધ બાંધવા કેપ્ટન બ્લિઘે દરેક નાવિકને સૂચના આપી. તે માટે તેઓ અહીં કેવી રહીત આવ્યા તે તેમને જણાવવું પણ જરૂરી હતું. પણ સાચું કારણ તેઓ જણાવી શકે તેમ નહોતા. અજાણ્યાઓ જોડે તેમને હાંકી કાઢવાની વાત તેમનામાં અવિશ્વાસ પેદા કરે અને તેના વિપરિત પરિણામના ભયે કેપ્ટને સાચું કારણ નહીં જણાવવાનું નક્કી કર્યું. બાઉન્ટિ જહાજ માટે જરૂરી ખોરાક-પાણીનો પુરવઠો લેવા આવ્યા હોવાનું, અને તેમનું જહાજ ટાપુથી દૂર તેમની રાહ જોઈ રહ્યું છે તેવું બહાનું સુઝાડ્યું.
પણ જ્યારે ટાપુથી દૂર-દૂર સુધી ક્યાંય બાઉન્ટિ જહાજ દેખાતું ન હોય, ત્યારે આવું બહાનું ચાલી શકે તેમ નહોતું. તેમની વાત પર ત્યાંના સ્થાનિક રહેવાસીઓને શંકા જાય તે તેમને માટે બહુ જોખમી હતું. તેથી તે બહાનું તેમણે પડતું મુક્યું. ‘બાઉન્ટિ જહાજ મધદરિયે ડૂબી ગયું છે અને તેના થોડા નાવિકો બચાવનૌકામાં બચી અહીં સુધી આવી શક્યાં છે’- તેવું બહાનું કાઢવાનું કેપ્ટને નક્કી કર્યું. કેપ્ટનને મન જહાજ ડૂબી જવાની ઘટના સ્થાનિક રહેવાસીઓના હ્ય્દયમાં આશ્વાસનની લાગણી જન્માવી, તેમની મદદ માટે તૈયાર પણ થાય અને જરૂરી પુરવઠો પૂરો પાડે તેવી હતી. પોતાના બધા નાવિકોને આ બહાનું જણાવી આ જ ખોટી કહાનીને વળગી રહેવા કેપ્ટન બ્લિઘે જણાવ્યું. જેથી ટાપુ પર આવવા બાબતે દરેક નાવિકો દ્વારા થતી જુદી જુદી વાત તેમના પર શંકા ન જન્માવે. કેપ્ટનની વાતથી નાવિકો પણ સંમત થયા હતાં.
દિવસનું અજવાળું પથરાયું. તોફોના ખડકાળ કિનારે નૌકા લાંગરવામાં આવી. જે બાબતનો કેપ્ટનને ભય હતો તેવું જ બન્યું. ટાપુની આગલી મુલાકાત વખતે નહીં દેખાયેલા સ્થાનિક રહેવાસીઓનો આ વખતે તેમને ભેટો થયો. સ્થાનિકોની સંખ્યા ઓછી હતી. તેમની ભાષા નહીં સમજી શકતા કેપ્ટને ઇશારાઓ દ્વારા બાઉન્ટિ જહાજના મધદરિયે ડૂબી જવા અને તેના માત્ર અઢાર જેટલા નાવિકો બચીને અહીં સુધી પહોંચી શક્યાની ખોટી કહાની સમજાવવાનો પ્રયાસ કર્યો. કેપ્ટનની આ કહાનીથી સ્થાનિક ટાપુવાસીઓના હ્ય્દયમાં કેવી લાગણી જન્મી હતી, તે તેમના હાવભાવ પરથી સમજી શકાયું નહીં. તેમના મોઢા પર ગૂઢ રહસ્યભાવ હતા. કેપ્ટનને સ્થિતિ તેમની તરફેણમાં ન જણાઈ. ટાપુ પર ઉતરતાં જ તેમણે તેમના કેટલાક સાથીઓને ટાપુના અંદરના ભાગમાં જઈ ખોરાક અને પાણીનો પુરવઠો એકઠો કરવાની સૂચના આપી દીધી હતી.
ટાપુના બીજા ભાગમાંથી પણ સ્થાનિક આદિવાસીઓ આ તરફ આવવા લાગ્યા. તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો. તેમના અંદરો-અંદરના વર્તન પરથી કેપ્ટને તેમની વૃત્તિ આક્રમક જણાઈ. તેમાંના કેટલાક કેપ્ટનની નૌકા પર પણ કબજો જમાવવાની ફિરાકમાં જણાઈ રહ્યાં હતા. કેપ્ટન પાસે લડવા બીજા શસ્ત્રો તો ન હતાં પણ તેમની પાસેથી જૂની નાનકડી તલવાર દ્વારા તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો. એટલા સમયમાં ટાપુના આંતરિયાળ વિસ્તારમાં શોધખોળ માટે ગયેલા તેમના સાથીઓ પણ આવી પહોંચ્યા. તેઓ પીવાના પાણીનો ત્રણ ગૅલન જેટલો પુરવઠો સાથે લાવ્યા હતા.
આ ટાપુ પર હવે વધુ સમય રોકાવું સલામત નહોતું. સૂર્યાસ્તનો સમય પણ થઈ ગયો હતો. પણ ખડકાળ કિનારાથી થોડા ફેધમ[1] જેટલી દૂર લાંગરવામાં આવેલી નૌકા સુધી પહોંચવું સરળ ન હતું. કિનારે સ્થાનિક રહેવાસીઓનો મોટો જમાવડો થઈ ગયો હતો. બધા ગુસ્સામાં પોતાના હાથમાંના પથ્થરો એકબીજા સાથે અફળાવી રહ્યાં હતા. તેઓ ક્યારે પથ્થરો વડે હુમલો કરશે તે કહી શકાય તેમ ન હતું.
કાંઠા પરના બસ્સો જેટલા સ્થાનિકો વચ્ચેથી આ અંગ્રેજ નાવિકોની ટુકડી ધીમે ધીમે પોતાની નૌકા તરફ આગળ વધી. બધા સ્થાનિકો તેના નેતાના આક્રમણ કરવાના આદેશની રાહ જોઈને જ ઊભા હતા. મહા મુશ્કેલીએ એ લોકો નૌકા સુધી પહોંચ્યા. બધા જડપથી નૌકામાં સવાર થઈ ગયા. ઈશ્વરની કૃપાથી સ્થાનિક લોકોએ હજી સુધી આક્રમણ કર્યું ન હતું. ત્યાં જ તેઓમાંથી એક મૂર્ખ નાવિક બેનક્રોફ્ટે અવિચારી પગલું ભર્યું. કાંઠા પર ભૂલાઈ ગયેલી તેની કેટલી વસ્તુઓ પાછી લઇ આવવા નૌકા પરથી ઉતરી તે કિનારા તરફ દોડ્યો. તેનું આ પગલું તેના સહિત બધા માટે જોખમી પુરવાર થવાનું હતું. થોડી જ વારમાં સ્થાનિકોએ તેને ઘેરી લીધો અને પથ્થરોના તેના પર છુટ્ટા ઘા કર્યા. નૌકામાં બેઠેલા તેના સાથીઓ પણ તેની મદદ માટે કંઈ જ કરી શકે તેમ ન હતું. શસ્ત્ર તરીકે તેમની પાસે એક પણ પિસ્તોલ કે ફેંકી શકાય તેવા હથિયારો પણ ન હતાં. તેઓ તેની સામે લાચાર બની જોઈ રહ્યાં. ત્યારે જ સ્થાનિક આદિવાસીઓએ તેમના પર પણ પથ્થરોનો વરસાદ વરસાવ્યો.
-‘ચાલો સાથીઓ...તમારા હલેસા સંભાળી લ્યો...બને તેટલી ઝડપથી દરિયામાં આગળ વધો...’
સ્થાનિક રહેવાસીઓએ સાગરકાંઠા પર બની શકે એટલા આગળ વધી નાવિકો પર એક સામટો પથ્થરમારો કર્યો. પથ્થરોથી થયેલા આક્રમણમાં મોટાભાગના નાવિકો ઘાયલ થયા. તેમ છતાં તેમણે નૌકાનાં હલેસાં મારવાનું ચાલું રાખ્યું. તેમના એક સાહસી નાવિક-થોમસ હાવર્ડે નૌકામાં આવી પડેલા પથ્થરોમાંથી એક પથ્થર લઈ કાંઠા પરના આદિવાસીનું નિશાન તાકી ઘા કર્યો. પથ્થર સીધો એક આદિવાસીની બે આંખની વચ્ચે વાગ્યો. પથ્થરના જોરદાર ઘાથી આદિવાસી ઉછળીને પટકાયો. દર્દનો માર્યો તે કણસી રહ્યો હતો. આખી અંગ્રેજ નાવિકે આનંદના પોકારો કર્યા. તેમના કમનસીબ સાથી બેનક્રોફ્ટના મોતનો બદલો તેમણે વાળ્યો હતો.
આદિવાસીઓ હજી તેમનો પીછો છોડવા તૈયાર ન હતા. ઘણીબધી નાનકડી હોડીઓ દરિયાના પાણીમાં ઉતારવામાં આવી. જે જડપથી કેપ્ટનની ટુકડીનો પીછો કરી રહી હતી. આ સંગ્રામ વધુ ભયજનક રૂપ પકડી રહ્યો હતો. હથિયાર વગરની નાવિક ટૂકડી માટે તેમની સામે લડવું પડકારરૂપ હતું. ત્યાં કેપ્ટન બ્લિઘે એક યુક્તિ લડાવી. તેમણે પોતાનું જેકેટ ઉતાર્યું અને દરિયાના પાણીમાં તરતું મુકી દીધું. પીછો કરતાં મોટાભાગના આદિવાસીઓ તેને કોઈ નાવિક દરિયામાં પડી ગયો છે તેવું સમજી, તેને ઘેરી પકડવા ગયા. તેનો ફાયદો ઉઠાવી કેપ્ટને નૌકાને ઝડપથી દરિયાના પાણીમાં આગળ વધારી. દરેક નાવિક બને તેટલી તાકાતથી હલેસા મારી રહ્યો હતો. દરિયામાં પડેલા જેકેટને લેવામાં સમય બગડવાના કારણે કેપ્ટનની નૌકા આદિવાસીઓ કરતા ઘણી આગળ નીકળી ગઈ. સૂર્યાસ્ત થઈ ગયો હતો. અંધારું થવા લાગ્યું. હોડી પણ ઘણી આગળ નીકળી ગઈ. એવી સ્થિતીમાં આદિવાસીઓ માટે પીછો કરવાનું મુશ્કેલ બની ગયું. તેમણે કેપ્ટન અને તેના સાથીઓનો પીછો પડતો મુક્યો. કેપ્ટન બ્લિઘે લડાવેલી જેકેટની યુક્તિ કામિયાબ નીવડી હતી. તેમણે ભૂતકાળમાં એટલાન્ટા નામના જહાજ સાથે થયેલી સ્પર્ધામાં પણ આવી જ યુક્તિ લડાવી કામયાબી મેળવી હતી. આ અનુભવ જ કેપ્ટન અને તેના સાથી નાવિકોનો જીવ બચાવવા ઉપયોગી નીવડ્યો હતો.
બાઉન્ટિના નિર્વાસિતોની સફરનો પહેલો પડાવ તેમને માટે કમનસીબ પુરવાર થયો હતો. જરૂરી ખોરાકનો જથ્થો તેઓ મેળવી શક્યા ન હતા. પણ તેમના એક સાથે બેનક્રોફ્ટને પણ તેમણે ગુમાવ્યો પડ્યો હતો.
‘આ ઘટના પરથી આપણે ચોક્કસ તારણ પર આવવું પડશે.’- પોતાના સાથીઓને સંબોધતા કેપ્ટન બ્લિઘે કહ્યું.- ‘તોફો ટાપુ પર બનેલી ઘટના આપણી સામે ફરી પાછી બનશે. હવે આપણે જે ટોન્ગા-ટોબાઉ ટાપુઓ તરફ જઈ રહ્યાં છે તે ટાપુ પર પમ ત્યાંના સ્થાનિક રહેવાસીઓનો ભેટો આપણને થશે.એવું મારું ચોક્કસપણે માનવું છે. આપણી સંખ્યા ખુબ ઓછી છે. આપણી પાસે લડવા માટે શસ્ત્રો પણ નથી. સ્થિતિમાં ત્યાંના આદિવાસીઓની સામે આપણે લાચાર પુરવાર થઈશું. તેમનું આપણા પ્રત્યેનું વર્તન મૈત્રીપૂર્ણ હોય તેવી આશા રાખવી યોગ્ય જણાતી નથી. આપણી પાસેના થોડાં ઘણાં બ્રિટિશ ચલણી નાણાં દ્વારા પણ આપણે એ ટાપુના રહેવાસીઓને આકર્ષી, કંઇ ખરીદી શકીએ તેમ નથી. જેને વિનિમય તરીકે ટાપુવાસીઓને આપી, આપણી જરૂરીયાતના ખોરાક-પાણીનો પુરવઠો આપણે મેળવી શકીએ. તેમની પાસેથી જબરદસ્તીથી કંઈ છીનવી લેવાનું તો આપણા માટે શક્ય જ નથી. આ સ્થિતિમાં આપણી પાસે ખોરાક અને પાણી માટે ખૂબ મર્યાદિત જથ્થો છે. તેનાથી જ આપણે ચલાવવું પડશે. આપણી જરૂરિયાતોને જ આપણે ઘટાડવી પડશે. રસ્તામાં ઘણા ટાપુઓ આવે છે, પણ એવા અજાણ્યા ટાપુઓ પર ઉતરાણ કરી હું આપણા બધાના જીવને જોખમમાં મુકવા નથી ઈચ્છતો. આપણા સાથી બેનક્રોફ્ટને આપણે હમણાં જ ગુમાવ્યો છે. અત્યારે આપણે સૌથી વધુ કઠિન પરિસ્થિતીમાં ફસાયા છીએ. અને તેની ગંભીરતાનો સંપુર્ણ ચીતાર હું તમને આપી દેવા માગું છું. ખોટા આશ્વાસનો આપી હું તમને ભ્રમિત કરવા નથી માગતો. સ્થિતિ સમજી, તમે બધા સહકારથી વર્તો એવી મારી તમને દરગુજર છે. અહીંથી તિમોર પહોંચવું આપણે માટે જરૂરી છે. તે માટે લગભગ બારસો લીગ[2] જેટલું અંતર આપણે આ જ નૌકામાં કાપવું પડશે. આ લાંબી યાત્રા દરમિયાન આપણે દરેકે દૈનિક એક ઔંસ[3] જેટલા જ બિસ્કિટ અને એક ક્વાર્ટ જેટલા પાણી વડે ચલાવવું પડશે...! આ સફરમાં એકતાથી આગળ વધીશું તો જ આપણે બચી શકીશું. આ સીવાય પણ આખી સફરમાં તમારે મારા હુકમો અને મારા સૂચનોનો કડકપણે અમલ કરવો પડશે. તો સાથીઓ જણાવો, તમે ગમે તે ભોગે મને સાથ આપવા અને મારા હુકમોનો અમલ કરવા પ્રતિજ્ઞાબદ્ધ છો....? શું આ જોખમમાં તમે પ્રમાણિક રીતે પોતાના સ્વાર્થને નેવે મુકી આપણી ટુકડીના હિતને ધ્યાનમાં લેવાના સોગંદ લો છો...? કોઈ પણ મુશ્કેલીમાં એકબીજાનો સાથ જ આ હાલાકીમાંથી આપણને બચાવી શકશે...?
‘હા, અમે પ્રતિજ્ઞા લઈએ છીએ...તમારા હુકમોનું પાલન કરવાની...’ નૌકામાં બેઠેલા બધા જ સાથી નાવિકોએ એકસૂરે સંમતિસૂચક પોકારો કર્યા.
‘મિત્રો, સ્થિતિમાં આપણે એકબીજાની ભૂલો, ખામીઓ, આંતરિક વેરભાવના, વિખવાદો પણ ભૂલી જવા પડશે. એકબીજા પ્રત્યેનો પ્રેમભર્યો વ્યવહાર જ આપણને આ વિકટ સ્થિતિમાંથી ઉગારી શકશે. આંતરિક કલહથી ઉદ્ભવેલા ઘર્ષણથી આપણી જ શક્તિનો દુર્વ્યય થશે. વ્યક્તિગત અણબનાવો ત્યજવાની પણ તમે પ્રતિજ્ઞા લો... તો જ આપણે ટકી શકીશું.’
બધા નાવિકોએ કેપ્ટનની આ વાતમાં પણ સંમતિ પૂરાવી.
‘જો તમે બધા તમારી પ્રતિજ્ઞા પર અડગ રહેશો તો હું તમારે માટે ગમે તેટલું મોટું જોખમ ખેડવા તૈયાર રહીશ. તમારી સલામતી માટે મારા જીવનું પણ જોખમ લેતા હું નહીં અચકાઉં. તેવું હું વચન આપું છું. મારા સાથીઓ.’
નૌકાને પવનની દિશાનો લાભ મળી રહ્યો હતો. નાવિકોને હલેસા મારવામાં સરળતા રહેતી હતી. ખુલ્લા સમુદ્રમાં આ નૌકા આમ જ આગળ વધતી રહી.
4થી મેની સાંજે પણ નાવિકો પોતાની ફરજ બજાવી રહ્યાં હતા. નૌકા ઘડીમાં મોજાની ઉંચાઈ ઉપર તો બીજી પળે બે મોજા વચ્ચેની ગર્તામાં ઊંડી ઉતરતી જતી હતી. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારોથી દરેક ઘડીએ ભયમાં વધારો થઈ રહ્યો હતો. ઊંચા ઉછળતા મોજાંઓની છાલકોથી ભીજાયેલા નાવિકો માટે ઠંડીને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની. તેમની પાસે અન્ય કોઈ રસ્તો પણ નહોતો. ઠંડીથી રક્ષણ મેળવવા એક ગ્લાસ રસ અને થોડાં અર્ધ પાકેલાં ફળોથી જ તેમણે ચલાવી લીધું.
ત્યાર પછીના થોડા દિવસો સુધી પણ પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. સફરમાં આગળ વધી રહેલી નૌકાને વચ્ચે ઘણા નાનકડા ટાપુઓના કિનારા દેખાયા, પણ કેપ્ટને ત્યાંના સ્થાનિક લોકોના ભયે ટાપુ પર ઉતરાણ કરવાનું ટાળ્યું અને પોતાને માર્ગે આગળ વધતા રહ્યાં.
9મેનો દિવસ તેમને માટે વધું મુશ્કેલીઓ લઈને આવ્યો. સમુદ્રમાં ઉછળતાં ઊંચા મોજા અને ભારે વરસાદમાં આગળ વધવું ખુબ જ મુશ્કેલ બન્યું હતું. કેટલાય દિવસોથી અપૂરતા ખોરાક અને સખત મહેનતને કારણે નાવિકો દુર્બળ બન્યા હતા. અસહ્ય ઠંડી તેમની મુશ્કેલીમાં વધારો કરતી હતી. સતત વરસતા વરસાદને કારણે તેઓ ભીના રહેતા હતા અને ઠંડા પવનો તેમાં સજારૂપ હતા. ઠંડી સામે રક્ષણ મેળવવા કેપ્ટને એક યુક્તિ કરી. પોતાના કપડાં તેમણે દરિયાના ખારા પાણીમાં ભીંજવ્યાં. મીઠાયુક્ત સમુદ્રના પાણીનું તાપમાન બહારના વાતાવરણથી વધુ ગરમ હતું. આમ, આવા મીઠાયુક્ત પાણીના ભેગવાળા કપડાં વરસાદના પાણી અને ઠંડી સામે થોડી રાહત આપતાં હતાં. ભારે વરસાદ, ઠંડા પવનો અને ઊંચા ઉછળતા મોજાએ તો કેપ્ટન અને તેના સાથી નાવિકોની હિંમત જ તોડી નાંખી હતી. પણ હજી તેમણે મહામુશ્કેલીનો સામનો કરવાનો તો બાકી જ હતો. જેની સામે આ બધી તકલીફો કંઈ જ ન હતી. એ હતી પાણીની તરસ. અફાટ દરિયાની વચ્ચે પીવાના પાણીનો પુરવઠો ખુબ જ સીમિત હતો. તેમને દૈનિક એકાદ લિટર જેટલા પાણી પર જ ચલાવવું પડતું. તેથી શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું રહેતું હતું.
17મી મેનો દિવસ ઉગ્યો. નાવિકોની તકલીફમાં કોઈ ઘટાડો થયો ન હતો. કાતિલ પવનો અને વારંવાર આવતો વરસાદ, ભૂખ, તરસ સામે તેઓ સતત ઝઝૂમી રહ્યાં હતાં.
-‘હવે, અમારામાં આગળ વધવાની જરા પણ શક્તિ નથી.’
શારીરિક અને માનસિક બંને રીતે ત્રસ્ત એક નાવિકે આજીજી કરતાં કહ્યું,- ‘અમે વરસતા વરસાદ અને ઉછળતાં મોજાંઓ વચ્ચે સતત કામ કરીને થાકી ગયા છીએ. અમે એક ઘટી જેટલો પણ આરામ કર્યો નથી...ભૂખ અને તરસના માર્યા અમારી હાલત અડધા મરેલા જેવી થઈ ગઈ છે. અમે આ સ્થિતિમાં હવે કામ નહીં કરી શકીએ... શું અમારો ખોરાક-પાણીનો નવો પુરવઠો તમે વધારી ન શકો... આપણો ખોરાક-પાણીનો પુરવઠો પૂરો થઈ જાય તો પણ શું ફેર પડે છે... આપણે ખોરાક-પાણીનો પુરવઠો ન્યુ હોલેન્ડ[4]માં ફરી મેળવી લઈશુ... તે હવે બહુ દૂર નથી જણાતું.’
‘હું તમારી સાથે બિલકુલ સહમત નથી.’-કેપ્ટન બ્લિઘે જણાવ્યું. ‘એવું મૂર્ખીમીભર્યું પગલું હું ક્યારેય ન ભરું... હજી આપણે અડધી સફર પણ પૂરી નથી કરી ને તમે બધા આમ હિંમત હારી ગયા છો...? શું તમને એમ લાગે છે કે તમે ન્યુ હોલેન્ડનાં સંસ્થાનોમાંથી સરળતાથી ખોરાક-પાણીનો પુરવઠો મેળવી શકશો...? શું તમે એ દેશના શાસકો અને તેના સ્થાનિક રહેવાસીઓને નથી જાણતા...? મેં શરુઆતથી જ ખોરાક-પાણીના પુરવઠાની વહેંચણી તિમોર સુધીની સફરને ધ્યાનમાં રાખીને કરી છે. અવિચારી રીતે ઉપયોગ કરી, તેને હું પુરો નહીં થવા દઉં. ન્યું હોલેન્ડ સુધી પહોંચતા પહેલા જ ખોરાક-પાણીનો પુરવઠો વાપરી નાંખવામાં આવે તો ન્યુ હોલેન્ડમાં તે મેળવવો ફરજિયાત બને. હું ત્યાંના સ્થાનિકો કે શાસકો સાથે સંઘર્ષમાં ઉતરવા નથી ઇચ્છતો...વગર શસ્ત્રોએ તેમની સાથે યુદ્ધમાં ઉતરવું એ આપણા માટે મોતને આમંત્રણ આપવા સમાન રહેશે. માટે, ખોરાક-પાણીનો કરકસરભર્યો ઉપયોગ જરૂરી છે.’
ન્યુ હોલેન્ડના શાસકો અને ત્યાંના સ્થાનિકોના ભૂતકાળમાં કેપ્ટન બ્લિઘને થયેલા દુઃખદ અનુભવો વર્ણવી તેણે નાવિકોને માહિતગાર કર્યા. જે કેપ્ટન કૂક તેમની સાથેની કેપ્ટન બ્લિઘે ખેડેલી સફર દરમિયાન તેમને થયાં હતાં. આ સમયે બધા નાવિકો કેપ્ટનને શાન્ત ચિત્તે સાંભળી રહ્યાં. કોઈએ એનો વિરોધ ન કર્યો. કેપ્ટનનના અંતિમ નિર્ણયને શિરોમાન્ય રાખ્યો.
થોડા વધુ દિવસો સુધી નૌકા સમુદ્રમાં આગળ વધતી રહી. વરસાદ બંધ થયો હતો. સૂર્ય તપી રહ્યો હતો. ભીના કપડાના ત્રાસમાંથી બધાને મુક્તિ મળી હતી. દરિયો પણ શાંત હતો. 27મી મેને દિવસે પરવાળાના નાના નાના ટાપુઓની હારમાળા પસાર કરી તેઓ આગળ વધ્યા. જે ન્યુ હોલેન્ડ ટાપૂઓની પૂર્વીય સીમા જેવા હતા. સુંદર અને સ્વચ્છ દરિયાનું પાણી અને પરવાળાના ટાપુઓના સૌંદર્યથી નાવિકોએ તાજગી અનુભવી. શાંત દરિયામાં વધુ આગળ વધતાં લીલી વનસ્પતિથી છવાયેલા કેટલાય ટાપુઓની વણઝાર તેમની નજરે પડી.
લાંબા સમય બાદ લીલાંછમ ટાપુઓને જોઈ તેમની આંખોને ઠંડક મળી હતી. ટાપુઓ પર ઉતરવાના મોહમાંથી તેઓ છૂટી ન શક્યાં. નૌકાને તેમણે એક ટાપુને કાંઠે લાંગરી. સાવચેતીપૂર્વક ટાપુ પર ઉતરી આગળ વધ્યા. સદનસીબે ટાપુ પરના સ્થાનિક રહેવાસીઓ સાથે તેમનો ભેટો થયો ન હતો. પણ ઠેર ઠેર બુઝાયેલાં તાપણાંની નિશાનીઓ ત્યાંના સ્થાનિકોની હાજરીની ચાડી ખાતી હતી. તેથી બદાને સાવચેત રહેવાનું કેપ્ટને સૂચન કર્યું. રાત થવા આવી હતી. ટાપુની વધુ અંદર તરફ જવાનું તેમને જોખમી લાગ્યું. રાત કાંઠા પર વિતાવવાનું તેમણે નક્કી કર્યું. કાંઠે છીપલાઓનાં મોટા ઢગલાને એક નાવિકે શોધી કાઢ્યો. ઘણાં દિવસો પછી તેમને માટે આ ઉજાણીની રાત હતી. પોચી છીપોને કાચી જ ખાઈને પેટભરીને લિજ્જત માણી.
બીજા દિવસે સવારે કેપ્ટને નૌકામાંથી બિલોરી કાચ અને અગ્નિ પેટાવવા માટેની પેટી (જેમાં ચકમક પથ્થર અને લોખંડના ટૂકડા હતા.) શોધી કાઢી. જેથી શિકાર કરેલાં પક્ષીઓ કે પ્રાણીઓ અથવા દરિયાઈ માછલીઓને રાંધવા માટે આગ પેટાવવામાં તેમને સફળતા મળી.
કેપ્ટન બ્લિઘે નાવિકોને ત્રણ ટૂકડીઓમાં વહેંચી દીધા. તેમાંથી એક ટૂકડીએ કાંઠા પર જ રોકાઈને નૌકાનું ધ્યાન રાખવાનું હતું. જ્યારે બીજી બે ટૂકડીઓને ટાપુના આંતરિયાળ ભાગો તરફ ખોરાકની શોધમાં જવાનું નક્કી થયું. કેપ્ટને પ્રથમ ટુકડી સાથે કાંઠા પર જ રહેવાનું નક્કી કર્યું. ખોરાકની શોધમાં ટાપુના અંદરના ભાગમાં જવા માટે કેટલાક નાવિકોએ વિરોધ નોંધાવ્યો.
તેમાંનો એક નાવિક વધારે ગુસ્સે ભરાયો હતો. તે હિંમતભેર કેપ્ટન સામે જઈ વિરોધ કરતા બોલ્યો,- ‘અમારા જાનની કિંમત પણ તમારા જીવ જેટલી જ છે. હંમેશા હું જોઉં છું કે સુવિધાસભર, સરળ અને ઓછી જોખમી કામગીરી તમે તમારે પોતાને ભાગે રાખો છો. જો તમને ભૂખ લાગી હોય તો, તમે પોતે ટાપુના અંદરના ભાગમાં શિકાર કરવા જાવ.. તમે જે કામ અમને સોંપી રહ્યાં છો તે તમે પણ કરી શકો છો...’
કેપ્ટનને આ બળવાખોર પર ખૂબ ગુસ્સો આવ્યો. આ બળવાખોર પર ખૂબ ગુસ્સો આવ્યો. આ અવાજને અહીં જ દબાવી દેવો આવશ્યક હતો. નહીં તો બીજા નાવિકો પણ તેની વિરૂદ્ધ થતાં તેની કેપ્ટન તરીકેની સર્વોપરિતા માટે જોખમરૂપ બને તેમ હતું. તેણે આ બળવાખોર અવાજને દબાવી દેવા પોતાની પાસેની નાનકડી તલવાર કાઢી. બીજી તલવાર તેણે વિદ્રોહી તરફ ફેંકી અને ગુસ્સામાં બોલ્યો.
-‘તારો બચાવ કર...હું તને કુતરાને મોત મારી નાંખીશ.’
કેપ્ટનના આવા આક્રમક વલણથી બળવાખોર નાવિક ઠંડો પડી ગયો. કેપ્ટન પ્રત્યે અસંતોષ ધરાવતા અન્ય નાવિકોની પણ તેની સામે વધુ બોલવાની હિંમત ન થઈ.
કેપ્ટન સામે તલવાર ઉઠાવવાની હિંમત ન કરી શકનારા નાવિકને, કેપ્ટને તેને સોંપવામાં આવેલી ફરજ પર લાગી જવા કહ્યું. નાવિકોના અવાજને, કેપ્ટન બ્લિઘ કોઈપણ ભોગે દબાવી દેવા માંગતો હતો. બંને ટુકડી પોતાને સોંપાયેલી ફરજ પર જતી રહી.
આ સમય દરમિયાન કાંઠે રોકાનાર ટુકડીએ કાંઠે ખેંચાઈ આવતા દરિયાઈ જીવોનો ઢગલો એકઠો કરી લીધો. પીવાના પાણીના પુરવઠાને પણ શોધી, તેમની પાસે રહેલા પીપડાં ભરી લીધાં.
શિકાર માટે ગયેલી બંને ટુકડીમાંથી એક ટુકડી પાછી ફરી હતી. તેઓ માત્ર છ જેટલા દરિયાઈ પક્ષીઓનો શિકાર કરી શક્યા હતા. જ્યારે બીજી ટુકડી ખાલી હાથે પાછી ફરી હતી. તેમને હાથ એકેય પક્ષી, પ્રાણી કે ટાપુ પર થતાં કાચબા હાથ લાગ્યા ન હતા. તેમણએ બંદૂક ન હોવાનું બહાનું કાઢ્યું હતું. પણ પાછળથી ટૂકડીના એક સભ્યએ કબુલ્યું હતું કે તેમને નવ જેટલાં પક્ષીઓનો શિકાર કરવામાં સફળતા મળી હતી, પણ તેઓ તેમને ત્યાં જ કાચા જ આરોગી ગયા હતા.
ન્યુ હોલેન્ડના આ ટાપુને કાંઠે કેપ્ટન અને તેના સાથીઓને ખોરાક-પાણીનો પુરવઠો પ્રાપ્ત થયો ન થયો હોત તો, તેમની સ્થિતિ ખુબ જ દયનિય બની હોત. એકાદ મહિનાની ભૂખ અને તરસ તેમને દરરોજના સખત પરિશ્રમને લીધે તેમના શરીર હાડપિંજર જેવાં બની ગયાં હતાં. આ ટાપું પરના રોકાણને લીધે તેમને પોતાની ગુમાવેલી શક્તિ પાછી મળી. સૌને બચવાની નવી આશા બંધાઈ.
હવે પછીની તિમોર સુધીની યાત્રા તેમને માટે સરળ બનવાની હતી. વિસ્તારના દરિયાથી તેઓ પરિચિત પણ હતા. કેપ્ટન બ્લિઘ અગાઉ પણ કેપ્ટન કૂક સાથે આ વિસ્તારમાં ફરી ચૂક્યો હતો. તેમની પાસે ખોરાક પાણીનો પુરવઠો પણ હવે પુરતા પ્રમાણમાં હતો. ટાપુ પરના ઉતરાણ સમયે મળેલા આરામને કારણે મોટાભાગના નાવિકો પણ થાકથી મુક્ત બની સ્વસ્થ થયા હતા. પણ ન્યુ હોલેન્ડ સુધીની તેમની સફર ખરેખર જીવનના અસ્તિત્વના સંઘર્ષની કસોટી મિસાલરૂપ હતી. તેમણે વેઠેલી તકલીફો દર્દનાક અને કદી ન ભૂલાય એવી હતી. નાવિકોની માનસિક સ્વસ્થતા જાળવી રાખવા કેપ્ટન બ્લિઘે પણ બનતા તમામ પ્રયત્નો કર્યા હતા. તેની આગેવાની જ તેમને અહીં સુધી જીવતા લાવી શકી હતી. થોડા દિવસના આરામમાં સ્વસ્થ થઈ આ ટાપુ પરથી તેમણે વિદાય લીધી. તેમની દિશા તિમોર તરફની હતી.
12મી જૂનની સવારે તિમોરનો કાંઠો દેખાયો. નાવિકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. ત્રણ હજાર છસ્સો માઈલ લાંબી, અનેક કષ્ટોથી ભરેલી સફર ખેડી તેઓ અહીં પહોંચ્યા હતા.
કુપાન્ગના કાંઠે અંગ્રેજ ટુકડીને આશ્વાસન સાથે આવકારવામાં આવી. કેપ્ટન અને તેના સાથીઓએ વેઠેલી યાતનાઓના દુઃખદ વર્ણનોથી ત્યાંના લોકોને તેઓ પ્રત્યે સહાનુભૂતિ જન્મી. તેમણે બે મહિના ત્યાં જ રોકાણ કર્યું. બે મહિનાના આરામ બાદ બધાએ પોતાની તંદુરસ્તી પાછી મેળવી. કેપ્ટન બ્લિઘે અહીં એક નાનકડું જહાજ ખરીદ્યું અને નજીક આવેલા બાટાવીયાની પણ મુલાકાત લીધી. ત્યાંથી જ તેઓ ઈંગ્લેન્ડ જવા માટે જહાજ પર ચડ્યાં.
14મી માર્ચ 1790ના દિવસે બાઉન્ટિના નિર્વાસિત નાવિકો પોતાને વતન પહોંચ્યાં. તેમણે ભોગવેલી માનસિક અને શારીરિક યાતના બદલ સમગ્ર દેશમાંથી સહાનુભૂતિ દાખવવામાં આવી. આખા દેશમાં બાઉન્ટિના બળવાખોરો પ્રત્યે રોષ ભરાયો હતો. બ્રિટિશ નૌકાદળે ચોવીસ તોપો ધરાવતી ફ્રિગેટ પેન્ડોરાને એકસો ને સાઠ નાવિકો સાથે બાઉન્ટિના બળવાખોરોની તપાસ માટે રવાના કરી.
બીજી બાજુ બાઉન્ટિ અને તેના બળવાખોર નાવિકોનું શું થયું તે જોઈએ...!
(વધુ આવતા અંકે...)
(પ્રકરણ ત્રણ- પિટકર્ન ટાપુઓના વસાહતીઓ)
[1] ફેધમ- 1 ફેધમ બરાબર છ ફૂટનું માપ.
[2] એક લીગ બરાબર 5.55 કિ.મી.
[3] એક ઔંસ બરાબર 28.34 ગ્રામ.
[4] ન્યુ હોલેન્ડ- ત્યારે પૂર્વ ઓસ્ટ્રેલિયાના કેટલાક ટાપુઓ ન્યુ હોલેન્ડ તરીકે ઓળખાતા હતા. તેના પર હોલેન્ડનું શાસન હતું.
અનુ. જીગર શાહ, સુરત