Editorial - સંપાદકીય
વિક્રમ સંવત્ 2068નું વર્ષ આપણા સૌ માટે, સમસ્ત જીવસૃષ્ટિ માટે મંગલમય નીવડે એવી કામના વ્યક્ત કરવા સાથે સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
સાહિત્યસેતુ- ઓન લાઈન મેગેઝિન એના છ અંકો સાથે એનું પ્રથમ વર્ષ પૂર્ણ કરે છે, કાળખંડની રીતે એક નાનકડી, ભૂલી જવાય એવી ઘટનાથી વિશેષ કંઈ ન ગણાય. પણ એવું નથી. વર્ષ પહેલાના કોઈ એક દિવસે, કોઈ એક પળે સૂઝેલું આ નામ ક્રમશઃ કશીક ઘટનારૂપ બને, બીજી એનેક ઘટનાઓના નિર્માણને પ્રેરે, ગુજરાતના નામી, અનામી લેખકોના ચિત્તમાં એ કશાક સ્પંદનો સર્જે ને પરિણામરૂપ કશુંક સર્જન નીપજી આવે..., કોઈ વાચકના ચિત્તમાં એ રચના ક્લિક કરી જાય, એની થોડી પળોને આનંદમય બનાવી દે, કશીક અવર્ણનિય અનુભૂતિ કરાવવામાં નિમિત્ત બને એનાથી મોટી ખુશી કઈ હોઈ શકે....?
અહીં પ્રકાશિત થયેલી સર્જનાત્મક રચનાઓ ઉપરાન્ત અનુદિત રચનાઓએ વાચકોને મજા કરાવી છે. ગુજરાતના અગ્રણી સર્જક અને એવા જ પ્રસિદ્ધ વિવેચક ડૉ. સુમન શાહ રોજનીશી, આત્મકથા, રેખાચિત્રો જેવા સાહિત્યની સીમાઓ પાસે બેઠેલા સ્વરૂપોમાં કળાસ્વરૂપોના મુકાબલે ઓછા પસંદ કરતા હોવા છતાં સાહિત્યસેતુના આગ્રહને ધ્યાનમાં લઈને નિયમિત રીતે પોતાની રોજનીશીના પાનાંઓ પ્રકાશિત કરવાની અનુમતિ આપી, - જાત સાથે વાત- કરતા રહ્યાં ને વાચકો એમને પસંદ કરતાં રહ્યાં એ અમારા માટે આનંદની ઘટના છે. ઘણાં યુવા પેઢીના ગઝલકારો, વાર્તાકારોએ આ વર્ષે અમારા અંકને શોભાવ્યાં છે.
ખાસ કરીને આસ્વાદ લેખો, સમીક્ષાલેખો, વિવેચન અને સંશોધન વિભાગમાં પણ ઘણાં અધ્યાપકો, સંશોધકો, અને વિદ્યાર્થીઓએએ એમના અમુલ્ય યોગદાન દ્વારા સાહિત્યસેતુને વિદ્યાજગનમાં સ્થાન અપાવ્યું છે. સમયની સાથે એનો વ્યાપ વધતો જાય છે. વિદ્યાર્થીઓ અને અધ્યાપન સાથે સંકળાયેલ સૌને એ વિભાગમાંથી ઉપયોગી નીવડે તેવા લેખો પ્રકાશિત કરવાનો પ્રયાસ અમારો રહેશે. નવા પ્રકાશિત થતાં પુસ્તકો વિશેની માહિતી ઉપરાન્ત એનો ટૂંકો પરીચય આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે. વિવિધ પ્રકાશકોને પણ વિનંતી કરીએ છીએ કે આપના નવા પ્રકાશનોની માહિતી અમને પહોંચાડશો તો અમે વાચકો વચ્ચે સેતુ રચી આપવા પ્રયત્ન કરીશું. ગુજરાતી વાર્તાઓની આખી પરંપરામાંથી નીવડી આવેલી, વાચકો દ્વારા પોંખાયેલી અને કાળને વટોળીને લોકચિત્તમાં છાપ છોડનારી રચનાઓ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને અહીંથી ઉપલબ્ધ થાય એ માટે પણ અમે પ્રયાસ કરી રહ્યાં છીએ. એ અંગેના સૂચનો, વાર્તાઓના નામ, પ્રકાશન વિશેની વિગતો આપની પસંદગી મોકલશો તો અમે એ પૂરી કરવાનો પ્રયાસ કરીશું. આપને ગમતા લેખક, કવિ, કવિતાઓ, વાર્તાઓ, નિબંધની પસંદગી પણ અમને મોકલી શકો છો. એ ઉપરાન્ત આપ ઇચ્છો તો પસંદગીની રચનાઓ શ્રૃતિ ફોન્ટમાં ટાઈપ કરીને મોકલી આપશો તો એ એમના નામોલ્લેખ સાથે અહીં પ્રકાશિત કરવાનું આયોજન પણ વિચારી શકાય.
ગુજરાતી, હિન્દી શુદ્ધ સાહિત્યિક રચનાઓને પ્રકાશિત કરતાં ઈ-મેગેઝિનોની લિન્ક અહીંથી મળી શકે, ઇ-ગૃપ બની શકે તે માટે સક્રિય એવા નેટ-સેવી સાહિત્ય-કલા પ્રેમીઓને અમે આમંત્રિત કરીએ છીએ. આવો અને આપના જ્ઞાનનો લાભ વિશાળ વાચક વર્ગને આપો તેવી ઇચ્છા વ્યક્ત કરીએ છે.
આગામી સાહિત્યસેતુનો અંક- જાન્યુઆરી-ફેબ્રુઆરી 2012ને વિશેષાંકરૂપે પ્રકાશિત કરવાનું આયોજન છે. એ વિશેષાંકનો વિષય થોડાં સમયમાં અહીં પ્રગટ કરવામાં આવશે. ઉત્સુક લેખકો, કવિઓ, ચિત્રકારો, સમીક્ષકોને એ દિશામાં સક્રિય થવાની હાકલ કરીએ છીએ. આપ એને અનુરૂપ રચના મોકલી આપશો તેવી આશા રાખીએ છીએ.
ડૉ. નરેશ શુક્લ
મુખ્ય સંપાદક