રહ્યો-ના દેહ નિવાસી
અવનિ પર કાયા મળી, માનવઘાટવાળી,
ધીમે પગલે ભૂંડે કરી, શિશ પર કરી સવારી,
ઘટ વિશે ફણિધર વસે, દંત વિષધારી
ફણિધરની ફૂંકે, રોમે રોમ ચીનગારી.
રગે રગે વહે લાવા ને જાંગે જાગે જ્વાલા,
આંખ થકી અંગારા ને ઉરે વધે ધબકારાં.
શ્રૃંગ ડોલાવી, ડોક ધૂણાવી, પગ પછાડી, પૂચ્છ ઉછાળી,
મહિષે આવી પીઠ બતાવી, તો કાયા કંપી સારી.
ઘટા-ઘનઘોર આભે છાયી, રાત કાજલ શી આઈ,
ત્યાં શ્વાન થયો સફાળો, ને પૂચ્છ પટપટાઈ.
જીહ્વાયે જડતા ધરી, ધરી ઈપ્સાએ ફીકાશ.
ચંદ્રએ ચંચલતા ત્યજી, ત્યજી મણિએ જ્યોત.
તન મહિ તૂટી નાડી, મહિષ પર પલાઠી વાળી,
હતો શ્વાન સંગાથી, રહ્યો -ના દેહ નિવાસી.
પ્રવીણ બી. રાઠોડ, અમદાવાદ