ઘંટડી
એક કલ્પિત પુરાણકથા પ્રમાણે ઘંટ અને ઘંટડી વચ્ચે પતિ-પત્નીનો સંબંધ છે. ઘંટ બહાર રહે છે અને ઘંટડી અંદર. ઘંટનો અવાજ મોટો હોય છે અને ઘંટડીનો અવાજ નાનો. ઘંટ કરતાં ઘંટડીનું માન વધારે હોય. ઘંટનો અવાજ જેટલો મોટો છે એટલું મોટું એનું મહત્ત્વ નથી.
પણ ઘંટડીની તો વાત જ નિરાળી છે. ‘મૃત્યુઘંટ’ વગાડી શકાય પણ એની ઘંટડી કોઈ વગાડતું નથી. ઘંટડીને એવું કામ ફાવતું નથી. એની પાસે અદ્ભુત અદૃશ્ય શક્તિ છે. એનાથી ભલભલાને સીધા કરી શકાય છે. આખેઆખી બસ એના ઇશારે ચાલે છે. ગમે તેવા ગુમાની પટ્ટાવાળાને એનો અવાજ સાંભળીને એક વાર તો ઊભા થવું જ પડે છે. રૂપાના ઘંટડી જેવા નાદ વાળી નાયિકા ભલભલા નાયકોને વશ કરી લે છે. કોલેજોમાં એટલે જ તો ઘંટને બદલે ઘંટડી રાખવાનો ચાલ વધતો જાય છે. ઘંટડી વગાડવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય. ઘંટડી આપણને અને ભગવાનને બધાને સમયસર જગાડે. ફોનમાં પણ ઘંટડી વગાડીને જ સામી વ્યક્તિને સૂચિત કરી શકાય છે. દરવાજો ખોલવાનું કોઈને કહેવું હોય તો ઘંટડી દ્વારા જ કહી શકાય. ગામડાંમાં ગાય-ભેંસના ગળામાં ઘંટડી પહેરાવવામાં આવે છે. ઘંટને ઉદ્દેશીને ગાળો આપી શકાય, પણ ઘંટડી માટે એટલી બધી ગાળોનું નિર્માણ થયું નથી.
દેશી ભાષામાં ઘંટડી માટે ટોકરી કે ટંકોરી અને ઘંટ માટે ટોકરો કે ટંકોરો એવા શબ્દ પ્રચલિત છે. એનો ટન ટન એવો અવાજ કદાચ એના માટે જવાબદાર હશે. ઘંટડીમાં જાત જાતના અવાજ છે. ઘંટમાં એટલા બધા અવાજનું વૈવિધ્ય નથી. ઘંટડીના અવાજથી રડતું બાળક છાનું રહી જાય, પણ ઘંટનો અવાજ સૂતેલા બાળકને સફાળું જગાડી દે. પાવલો નામના એક મનોવૈજ્ઞાનિકે કૂતરા પાસે ઘંટડીની મદદથી લાળ પડાવી હતી. ઘંટડી ધીમા અવાજે પોતાનું ધાર્યું કામ કઢાવી લે છે. આ રીતે લાંબો વિચાર કરીએ તો એની જે લોક ઉપયોગિતા છે એની સાહિત્યએ ઝાઝી નોંધ લીધી નથી. એથી કંઈ એનું મહત્ત્વ ઘટી જતું નથી. વિજ્ઞાને તો એની નોંધ લીધી જ છે. એટલે તો થિયેટરો અને ટાઉન હોલ પર લાઇટથી ચાલતી ઘંટડી મૂકવામાં આવે છે. મોટી ઓફિસોમાં ઘંટડીના બદલે પક્ષીઓનો અવાજ અને મોબાઇલ ફોનમાં જાત જાતનાં ગીતો, વાદ્યો એ બધું આપણને ગળે ઊતરતું નથી. ઘંટડી વાગે તો જ ફોન આવ્યો એવું વાતાવરણ બંધાય છે.
‘દિમાગમેં ઘંટી બજ ગઈ’ એવા પ્રયોગોએ હિન્દી સિનેમાવાળાઓ પાસે એનો સ્વીકાર કરાવ્યો છે. એનું આધ્યાત્મિક મહત્ત્વ પણ છે. ઘંટડીનો અવાજ આપણા મનમાં ગજબની અનુભૂતિ જન્માવે છે. એના અવાજની અદામાં એક સ્ત્રીની કુશળતા, મૃદુતા અને સૌષ્ઠવ છે. હવે પછી ચિંતકોને વિનંતી કે આવા હાસ્યસભર અને આધ્યાત્મિક વિષય પર વધુ વિચારે અને એને સાહિત્યિક દરજજો અપાવે...
લાભુ લાવરિયા, જવાહર નવોદય વિદ્યાલય, ક્વાર્ટર નં. ૭, ઇશાદરા રોડ, ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર પીન કોડ નં. ૩૬ ૩૩ ૧૦. મોબાઇલ નં. ૯૪૨૭૫ ૫૦૨૮૮