મિથ અને મનોવિજ્ઞાનનો સંબંધ-યયાતિ વિષયક વિવિધ સર્જનોને આધારે
આધુનિક સમયમાં મનુષ્ય જીવન દિવસે ને દિવસે વધુ ને વધુ સંકુલ થતું જાય છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલાં માણસની ભીતર હતાશા ઘર કરી ગઈ છે. એની પાસે અનેક સમસ્યા છે, પ્રશ્નો છે,જેનો ઉકેલ શોધવા માટે એ અથાક પ્રયત્નો કરે છે. પણ એને હંમેશા સફળતા પ્રાપ્ત થતી નથી, નિષ્ફળતા એ જીરવી શકતો નથી. પરિણામે, એ પોતાના સંકુલ જીવનને ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે. આ મુદ્દે આપણી શિક્ષણવ્યવસ્થા સામે પણ પ્રશ્ન થાય એમ છે. જ્ઞાન અને શિક્ષણની આટલી સમૃદ્ધ પરંપરા હોવા છતાં મનુષ્ય જીવન શું કામ ટૂંકાવે છે? એનો જવાબ કંઇક એમ આપી શકાય કે,આપણે શિક્ષણને આપણી સમજશક્તિ વિકસાવવાના એક માધ્યમને બદલે આર્થિક સ્થિતિ મજબૂત કરવાના એક સાધન તરીકે સ્વીકાર્યું છે. એટલે, આપણી આર્થિક સધ્ધરતા ભલે વધી હોય પણ સમજ છેક તળિયે પહોચી ગઈ છે અને જ્યાં સમજનો અભાવ હોય ત્યાં સમસ્યાઓનું વર્તુળ વિસ્તરતું જવાનું, જીવન વધુ ને વધુ સંકુલ થતું જવાનું. આ વર્તુળમાં ઘેરાયેલો માણસ બહાર નીકળવા ફાંફા મારે છે અને જયારે હારી-થાકી જાય છે ત્યારે એ ફરી પોતાના આદિસ્રોતો તરફ મીટ માંડે છે, કે કોઈક ચમત્કાર થશે અને આ વર્તુળમાંથી એ મુક્ત થશે.
મિથનો પ્રદેશ આવા જ ચમત્કારોથી ભરપૂર છે. મિથ વિશે એક સાદી વ્યાખ્યા આપવી અઘરી છે એટલે હું એવો પ્રયત્ન પણ કરવાનો નથી પણ અનેક શાખાઓનાં સમૂહથી આખરે મિથ બને છે. પુરાકથા, દંતકથા, રહસ્યકથા, આદિકથા, ઐતિહાસિકકથા, સામાજિકકથા, ધાર્મિકકથા, મનોવૈજ્ઞાનિકકથા વગેરેના સમૂહથી મિથ બને છે. આ શાખાઓ એકબીજાથી ભિન્ન છે પણ કોઈ એક સંવેદનબિંદુએ એમની વચ્ચે સંબંધ સ્થપાયેલો જોવા મળે છે. જેમ જેમ એને મુલવતાં જઈએ તેમ તેમ એનો વિકાસ થતો રહે છે. આ પુરાકથાનાં મૂળ અને કુળ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. કારણ કે મિથ લોકસાહિત્યનો એક ભાગ છે અને લોકોના સામૂહિક અનુભવમાંથી નિષ્પન્ન થાય છે.
મિથની નિર્માણ પ્રક્રિયા વિશે રમેશ ગૌતમ કહે છે, "મિથ ખરેખર તો એ વિજ્ઞાન છે, જેના દ્વારા આદિમાનવે પ્રકૃતિના રહસ્યોનું ઉદઘાટન કર્યું. એટલે મિથની કલ્પના આદિમાનવ સાથે જોડાયેલી છે આદિયુગમાં મનુષ્યે પ્રકૃતિનાં સર્જન અને વિસર્જન સંબંધી પરિવર્તિત દૃશ્યો જોઇને, એના સૌન્દર્યથી મુગ્ધ અને વિકરાળ સ્વરૂપથી દુખી થઈને પોતાની સંપૂર્ણ ભાવનાત્મક અને બૌદ્ધિક ક્ષમતા સાથે કુતૂહલપૂર્વક જે શ્રદ્ધા અને ભાવોની અભિવ્યક્તિ કરી હશે , શક્ય છે મિથની નિર્માણ પ્રક્રિયા ત્યાંથી શરૂ થઇ હશે.”.(1)
આધુનિક સાહિત્ય ઉપર મનોવિજ્ઞાનનો પ્રભાવ ખાસ્સો રહ્યો છે. ફ્રોઈડ અને યુંગે આપેલા જુદા જ પ્રકારના મનોદર્શનનો લાભ સાહિત્યને પણ મળ્યો છે. મિથ વિશેની આખી સમજમાં પણ એના કારણે પરિવર્તન આવ્યું છે. મિથને ધાર્મિક પ્રવૃત્તિ તરીકે જોનારાઓની સંખ્યા હજી પણ ઓછી નથી તેમ એને ચૈતસિક પ્રવૃત્તિ તરીકે આલેખનારાઓની સંખ્યા પણ જરાય ઓછી નથી.
વ્યક્તિનું મન પોતાની આસપાસ ચાલતી તમામ ગતિવિધિઓના પ્રતિબિંબ ઝીલતું હોય છે. જે પ્રતિબિંબ એની સંવેદનાને સારી કે માઠી અસર પહોચાડે એ પ્રતિબિંબ એના અજાગ્રત કે અર્ધજાગ્રત મનમાં સ્થાયી થઇ જતું હોય છે. પછી કોઈકને કોઈક રીતે, કોઈકને કોઈક સ્વરૂપે એ અભિવ્યક્ત થયા વિના રહેતું નથી.એ અભિવ્યક્ત થાય છે ત્યારે પણ એની સારી કે માઠી અસર તો નિષ્પન્ન થાય જ છે.આ અભિવ્યક્તિ કોઈ કલાકૃતિ રૂપે પણ થાય છે કે પછી એનું સમાધાન સ્વપ્નમાં પણ થતું હોય છે. તો ક્યારેક મિથ રૂપે પણ એ પ્રતિબિંબનું સમાધાન થતું હોય છે. મિથ સાથે સંકળાયેલાં ઐતિહાસિક કે સાંસ્કૃતિક ખ્યાલનો મનોવિજ્ઞાન છેદ ઉડાડે છે. ક્રિયાકાંડી ધાર્મિક ખ્યાલને પણ પછી અવકાશ રહેતો નથી. એનો સંબંધ કેવળ વ્યક્તિના મન અને એની ચૈતસિક દુનિયા સાથે જ રહી જાય છે.
મનુષ્યજીવન જેમ જેમ વિકસિત થતું ગયું તેમ તેમ એના પ્રશ્નો વધતા ગયા, અત્યાર સુધી તો શ્રદ્ધા - અંધશ્રદ્ધા બળે ધાર્મિક વિધિવિધાનો દ્વારા મનુષ્ય પ્રશ્નોનું સમાધાન શોધી લેતો હતો પણ હવે? હવે પ્રશ્નો જુદા હતા.આ પ્રશ્નો સીધા એના મનને અસર કરતા હતા અને એને કારણે એનો માનસિક સંઘર્ષ પણ વધ્યો હતો. કુદરતથી વિમુખ થવાને કારણે મનુષ્ય માનસિક પ્રશ્નોની સમ્મુખ થયો. આ નવા પ્રશ્નોને કારણે મિથને જોવાનો નવો દૃષ્ટિકોણ પણ આવ્યો કે જેમાં મિથને અજાગ્રત કે અર્ધજાગ્રત મન સાથે સાંકળી લેવામાં આવી. ફ્રોઈડ પણ કંઈક આ જ પ્રકારની વાત કરે છે, " ફ્રોઈડનું કહેવું છે કે, મનુષ્ય જેમ જેમ પ્રકૃતિનો સાથ છોડતો ગયો તેમ તેમ એની જાતીય સ્વતંત્રતા ઉપર અંકુશ આવતો ગયો. ભય, પવિત્રતા વગેરેની લાગણીઓ એમાંથી ઊભી થઇ છે.”(2)
અત્યાર સુધી મિથને ધર્મ પૂરતી સીમિત અને વ્યક્તિ આધારિત માનવામાં આવતી હતી પણ હવે, મિથ ધર્મકેન્દ્રી કે વ્યક્તિકેન્દ્રી નથી પણ મનકેન્દ્રી અને સમૂહકેન્દ્રી છે.કારણ કે યુંગે ફ્રોઈડની માન્યતાના સામે છેડે જઈને પ્રસ્થાપિત કર્યું હતું કે, મિથ એ વ્યક્તિગત પ્રક્રિયા અંતર્ગત નહીં પણ સામૂહિક પ્રક્રિયા અંતર્ગત બનનારી ઘટના છે.
મિથનું વિશાળ જગત કે પછી એની અંદર બનનારી કોઈ એક ઘટનાની નિર્મિતિ કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. વ્યક્તિએ વ્યક્તિએ ઝીલાતાં સંસ્કારોના સમન્વયરૂપે મિથ પ્રગટ થાય છે.દરેક વ્યક્તિની સંવેદના પણ અલગ હોય છે અને આ સંવેદનાઓ એકસૂત્રે ગોઠવાઈને જે ચમત્કારિક કથારૂપનું સર્જન કરે એ મિથ તરીકે ઓળખાય છે.ખરા અર્થમાં તો વ્યક્તિનું ચેતન મન મિથની રચના કરવા સક્ષમ નથી. વ્યક્તિગત અચેતનમાં પણ એ ક્ષમતા નથી.માત્ર સામૂહિક અચેતન જ મિથની સૃષ્ટિ ઊભી કરી શકે. વ્યક્તિનું ચેતન મન કેવળ પ્રકલ્પોનું નિર્માણ કરી શકે છે, વ્યક્તિનું અચેતન મન સ્વપ્નકથા વગેરેની સૃષ્ટિ ઊભી કરી શકે છે જે મિથ નથી પણ મિથનો આભાસ હોય છે, જ્યારે સામૂહિક અચેતન જ ખરા અર્થમાં મિથની સૃષ્ટિ ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે,જેનું સ્વરૂપ સાર્વભૌમ તથા સર્વકાલીન હોય છે. સામૂહિક અચેતન દ્વારા ઊભી થયેલી મિથની સૃષ્ટિને યુંગ સાર્વભૌમ અને સર્વકાલીન ગણાવે છે.જેમકે, યયાતિના કથાઘટકો અને એ ઉપરથી થયેલા વિવિધ સર્જનો.
મનોવિજ્ઞાને મિથને ધાર્મિક પ્રવૃત્તિ પૂરતી સીમિત ન રાખીને વ્યક્તિના મન સાથે જોડી આપી. આમ કરીને, " મનોવિજ્ઞાને મિથને નવું જીવન આપ્યું છે. માનસિક જીવનના ઊંડાણમાં પ્રવેશવાનો પ્રયાસ મનોવિજ્ઞાન દ્વારા જેટલો વધારે થાય છે એટલો એ પુરાકથાઓની નજીક લઇ જાય છે. મનોવૈજ્ઞાનિકો મિથને અજ્ઞાત મનની પ્રતીકાત્મક ભાષા સાથે જોડીને કહે છે કે, મિથમાં મનુષ્યના ચિરસ્થાયી ભાવો. આકાંક્ષાઓ તથા કાર્ય પદ્ધતિઓ પ્રકાશિત થાય છે. એમનો અભ્યાસ માનવપ્રકૃતિનો અભ્યાસ છે.”(3)
મહાભારત ઉપાખ્યાનોનો ભંડાર છે અને એમાં કેટલાક ઉપાખ્યાનો અતિખ્યાત છે તો કેટલાક અલ્પખ્યાત છે. એમાં પણ યયાતિની કથા ભારતવર્ષમાં જાણીતી છે અને આ કથા સાહિત્યકારોએ જુદા જુદા સ્વરૂપોમાં જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રયોજી છે. યૌવનને ભોગવવાની લાલસાના કથાઘટકને કારણે યયાતિનું પાત્ર વધુ સંકુલ બને છે અને એમાંથી પેદા થતા તરંગો માત્ર મહાભારત પૂરતા સીમિત રહેતા નથી. એ સાંપ્રત સુધી વિસ્તરે છે અને હજી વિસ્તરતાં રહેશે. આ મિથને પ્રયોજતાં નાટકો, નવલકથાઓ લખાતાં જ રહે છે જે દર્શાવે છે કે આ કથાનું આકર્ષણ હજી જરાય ઓછું થયું નથી. અહીં 'યયાતિ'(વિ.સ.ખાંડેકર-નવલકથા), 'પૂરુ અને પૌષ્ટી'(વીરુ પુરોહિત-નાટક),'યયાતિ'(ગિરીશ કારનાડ-નાટક),અને 'દેહાંતર'(નંદકિશોર આચાર્ય-નાટક)-સર્જનોનો આધાર અભ્યાસ માટે લીધો છે.
ચરિત્રકોશ અનુસાર યયાતિની છબિ એક ભોગવિલાસ પ્રિય રાજા તરીકેની છે.એના ચરિત્રને લગતો એક શ્લોક આવો મળે છે,
"न जातु काम: कामनामुपभोगेन शाम्यति|
हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते ||"
કામોપભોગથી કામની તૃષ્ણા ઓછી થતી નથી , પણ વધે છે. જેમ કે, અગ્નિમાં હવિર્ભાગ નાખવાથી એ વધારે જોરથી ભડકી ઉઠે છે." (4)યજ્ઞકુંડના અગ્નિમાં હવિ નાખવાથી એ ભડભડ બળે એવી જ કામવાસનાથી યયાતિ ભડભડ બળી રહ્યો હતો. એક પરાક્રમી રાજા - યયાતિ અને એની યૌવનને ભોગવવાની લાલસાને કારણે પ્રગટતાં અટપટાં આંતરસંબંધોને કારનાડે પોતાના આ નાટક'યયાતિ'માં પ્રગટ કર્યા છે. નાટકમાં સ્વર્ણલતાનો એક સંવાદ આવે છે , "ભોગની જેમ વેદના પણ એક વ્યસન હોય છે , દેવી"(5) યયાતિના ભોગનું વ્યસન બીજા માટે વેદના બની રહે છે.
વિ.સ.ખાંડેકરે પોતાની નવલકથા 'યયાતિ'માં ક્રમશ: યયાતિ લંપટ,વિલાસી રાજામાં કેવી રીતે ફેરવાતો જાય છે એની વાત વિગતે કરી છે. આમ, જેની વ્યભિચારી રાજા તરીકેની ઓળખ છે, એના એવા હોવા પાછળની એક સબળ ભૂમિકા અહીં રજૂ થઇ છે. પણ સાથે એ પ્રશ્ન થાય કે, પિતા સામે ફરિયાદ કરનાર યયાતિ એ કેમ ભૂલી જાય છે કે એ જે કરી રહ્યો છે, એના કર્મોની સજા એના સંતાનો ભોગવી રહ્યા છે કે ભોગવશે. પિતાના અપરાધની સજા પુત્રોએ ભોગવવાની એક પરંપરા ઊભી થઇ હોય એવું લાગે છે.
વ્યક્તિની કામવૃત્તિ, એની પાસે કેવાં કર્મો કરાવે છે-એક પરાક્રમી રાજા એક વ્યભિચારી રાજા બની જાય છે, એના ઉદાહરણ તરીકે પણ 'યયાતિ' વિષયક આ સર્જનોને જોઈ શકાય. આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક શોધખોળને કારણે ભોંતિક સાધનોનું ઉત્પાદન ઝડપથી થવા લાગ્યું અને એનો પ્રભાવ પણ ઝડપથી પડવા લાગ્યો. જીવન બદલાયું તેમ મિથમાથી પણ નવાં અર્થઘટનો પ્રાપ્ત થવા લાગ્યા. આધુનિક મનુષ્યની કામવૃત્તિના વિપરીત પરિણામો આજે સમાજમાં ઠેરઠેર જોવા મળે છે અને યયાતિની મિથ દ્વારા સર્જક તે તરફ અંગુલિનિર્દેશ કરે છે.જેમ કે, 'પૂરુ અને પૌષ્ટિ' નાટકમાં એક જુદા દૃષ્ટિકોણથી વાત થઇ છે. યયાતિના પૂરુના યૌવનને ભોગવવાનો નિર્ણય સંબંધોને ઉલટસૂલટ કરી નાખે છે. પૂરુ અને દેવયાની વચ્ચે આમ તો માં-દીકરાનો સંબંધ છે પણ આ નાટકમાં જુદી રીતે પ્રગટ થાય છે. પૂરુ દેવયાનીને કહે છે,"કેમ કે આપ અતિ સુંદર છો" દેવયાનીની આ વખતની માનસિક સ્થિતિ જુદી છે. કાચથી અવગણાયેલી દેવયાની પૂરુના આ શબ્દોથી મોહિત થઇ હોય એવું લાગે છે. દેવયાનીનો પૂરુ પ્રત્યેનો આ ભાવ નાટકમાં રજૂ થયેલો નવો દૃષ્ટિકોણ છે. માતાનો પુત્ર પ્રત્યેનો આ ભાવ ઈડિપસ ગ્રંથિ તરફ પણ ઈંગિત કરે છે. નાટ્યકારે પ્રથમ અંકમાં ખ્યાત કથાવસ્તુની સાથે બાળ પૂરું અને દેવયાનીનાં પ્રસંગની માવજતથી દેવયાનીનાં પૂરુ પ્રત્યેના આકર્ષણની વાત રજૂ કરી છે અહીં એક સ્ત્રીનું મનોજગત પ્રગટ થાય છે.
યયાતિ કથાની દોરી જેવી સરળ જણાતી વાત અંદરથી એટલી જ વળ ચઢાવેલી છે.વિલાસી યયાતિ યૌવનને ભોગવવા માગે છે પણ પોતાના પુત્રના યૌવનને ભોગે! હવે કયો પુરુષ પોતાના યૌવનને ભોગવવા તત્પર નથી હોતો?
આજના ભોંતિક યુગમાં આપણે 'આત્મા અમર છે'ની વાતો વારંવાર સાંભળ્યા કરીએ છીએ નાટ્યકાર નંદકિશોર આચાર્યે 'દેહાંતર'ની પ્રસ્તાવનામાં જણાવ્યું છે,"જીવનના પૂર્ણ ઉપભોગમાં વિશ્વાસ રાખનાર યયાતિ હંમેશા વિડમ્બનાપૂર્ણ સ્થિતિનો જ સામનો કરતો રહ્યો છે."એક નિર્ણયને કારણે સંબંધો વધુ ને વધુ ગૂંચવાતા જાય છે. શુક્રાચાર્યે બતાવેલું શાપનું નિવારણ શાપ કરતાયે વધારે દાહક સાબિત થાય છે. 'દેહાંતર' નાટકમાં નાટ્યકાર બિંદુમતિનું પાત્ર વિકસાવે છે. બિંદુમતિ યયાતિને એ બાબતનું ભાન કરાવતા જણાવે છે,"શુક્રાચાર્યનો શાપ વાળી દેવો શાપ આપવા કરતા પણ ભારી પડ્યું છે, ચક્રવર્તી! આખો ક્રમ ઉલટો થઇ ગયો." (6)પણ યયાતિની કથાના વિનિયોગ દ્વારા આ સર્જકોએ શરીરનો મહિમા કરીને 'આત્મા અમર છે'ની વાતનો છેદ ઉડાડ્યો છે.આજે જ્યાં કેવળ શરીરનો જ મહિમા થતો હોય છે એવા સમયમાં આપણે જીવીએ છીએ અને એટલે જ યયાતિની કથા આજે અનેક અર્થમાં અનેક સ્તરે પ્રસ્તુત બની રહે એમ છે. મારી આ વાતને દૃઢાવવા છેલ્લે મુકુલ ચોક્સીનો એક શેર કહી મારી વાત પૂરી કરીશ-
"પૂછ્યું મેં, કોણ છે? ઉત્તર મળ્યો યયાતિ છે,
બહાર જઈને જોઉં તો આખી મનુષ્યજાતિ છે." (7)
સંદર્ભ નોંધ
ધ્વનિલ પારેખ, ૪૨,આનંદનગર સોસાયટી, સેક્ટર-૨૭, ગાંધીનગર-૩૮૨૦૨૭. મો.-૯૪૨૬૨૮૬૨૬૧, ઈ-મેલ dhwani24in@yahoo.com, parekhdhwanil@gmail.com