કવિને..
કવિ તમે બંધ કરો લખવાનું
સર્જન કેરા શેર બજારે કંઈ નથી વળવાનું.
કવિ તમે બંધ કરો લખવાનું...
કવિ તમારી અકળ કવિતા ક્યાંય નથી સમજાતી,
જેને માટે લખો તમે, એ ક્યાંય નથી વંચાતી,
લખવાનો વાવર છોડીને રાખો મંદિર મળવાનું.
કવિ તમે બંધ કરો લખવાનું...
કવિ તમોને એમ હશે, કે હરખાશે ગુજરાતી,
મંદાક્રાંતા હરિગીત જે તમે લખ્યાં ઉપજાતિ,
આડું અવળું લખવું છોડી ભક્તિમાં રાખો ભળવાનું.
કવિ તમે બંધ કરો લખવાનું...
2
ઓછુંય પણ ના ચાલે, વધતુંય ન તો ચાલે,
જીવવું હશે જો અહીં તો, સદ્તું જે, એટલું જ ચાલે.
ના માગણીથી માનીશ, ના લાગણીથી ચાલીશ,
સરખાં ભરીશ પગલાં, વહેવાર સરખો ચાલે.
સાકર થઈને મીઠો, વ્હાલો કદી ન થાતો,
તું ઝેર પીધે રાખીશ, શંકર બને ન ચાલે.
થાશે તને કે એવું, તો જીવવું કઈ પેરે?
જો આમ પણ ન ચાલે, ને તેમ પણ ન ચાલે.
આમ જ ચાલતી આવી દુનિયા યુગોથી એવી,
સત્યુગમાં જે ચાલ્યું, કળિયુગમાંય ચાલે.
તેથી જ કહું છું ‘ભાનુ’, વ્યાકુળ શીદને થાતો,
આમ જ સઘળું ચાલે, તેમ જ સઘળું ચાલે.
ભાનુપ્રસાદ પુરાણી, સેક્ટર નં. ૨-એ, પ્લોટ નં. ૧૦૩/૨, ગાંધીનગર. ફોન નં. ૨૩૨૨૫૦૨૬