કાવ્યાસ્વાદઃ શમણે આવતી રમણાનું ગીત
એમ થાય નહીં પ્રેમ
એવું લાગે છે રોજ
એવું લાગે છે રોજ હમણે હમણે
કે કો’ક મારું જાણીતું આવે છે શમણે.
એક તો છે મોડેથી સૂવાની ટેવ
અને કરતો નથી હું નિયમિત શેવ.
હા, મંદિરના આંટા હું મારું છું રોજ
તોયે પાંચે આંગળીએ નથી પૂજયા મેં દેવ.
હું તો અટવાતો મનગમતા ભ્રમણે.
એવું લાગે છે રોજ...
મેઇક-અપ કરીને રોજ સૂતો’તો પહેલાં
કોઈ શમણે આવે, કે બોલાવે.
જાણું છું, મોઢું કૈં એવું નથી કે,
કોઈ મળતાંની સાથે મલકાવે.
મારું મનડું ચડ્યું છે આજ રમણે.
એવું લાગે છે રોજ...
શ્વાસોની માળાના મણકા ફરે
ને હું તો ‘એક તું એક તું’ કહેતો.
વહેલી પરોઢ તણાં શમણાં ફળે છે
એવી આશામાં ઊંઘતો રહેતો.
મને ઘેલો બનાવ્યો કોઈ નમણે.
એવું લાગે છે રોજ...
હજી નીંદરમાં ચ્હેરો કળાતો નથી,
નિયમ, ચશ્માં પહેર્યાંનો, પળાતો નથી.
હશે પાડોશીની છોકરી, કે સાથે કરે નોકરી
એનો ભેદ હજી પૂરો સમજાતો નથી.
હું તો શમણાંના શેર વેચું બમણે.
એવું લાગે છે રોજ...
- તુષાર શુક્લ
તુષાર શુક્લનું નામ રેડિયો સાંભળનારાઓ, સંગીતસભાઓમાં જનારાઓ માટે અજાણ્યું નથી. તુષાર શુક્લની એક અચ્છા કાર્યક્રમ-સંચાલક તરીકેની ઇમેજ સર્વત્ર છવાયેલી છે. શબ્દનો આ પરખંદો કવિ પણ છે એની પ્રતીતિ છેલ્લાં થોડાં વરસોમાં જોવા મળી રહી છે. મુશાયરાઓમાં અને સુગમસંધ્યાઓમાં એમનાં ગીતો સાંભળવા મળે જ, એટલી બોલકી એમની કવિતા છે; એ એમનો વિશેષ. ગુજરાતી સુગમ સંગીતનાં લગભગ બધાં જ ગાયકોએ તુષાર શુક્લનાં ગીતોને કંઠનું કામણ ઓઢાડ્યું છે, એટલી ગેયતા એમની રચનાઓમાં છે; એ નાવીન્ય. બાકી ગુજરાતી સાહિત્યમાં ઢગલામોઢે કવિતાઓ લખાય છે, ગઝલો લખાય-વંચાય છે, તરન્નુમમાં ભાગ્યે જ હોય છે વા કવિતા-ગીતનું કમ્પોઝિશન ભાગ્યે જ થઈ શકે છે.
અને જો ગીત કમ્પોઝ કરવું હોય તો ગાયક કલાકારે પોતાની રીતે કેટલાક ફેરફાર કરવા પડે એવી મર્યાદાઓ કવિતાઓમાં ઠેર ઠેર પડી હોય છે. એ બધાંની સામે તુષાર શુક્લની કવિતામાં ઓછા ફેરફાર સાથે ગાયકી રજૂ થઈ શકે છે, એવું આશ્વાસન મળે છે. અને જે ગવાય છે તે, ઝડપથી, ભાવકના હૃદય સુધી પહોંચે છે. લોકગીતો એનું જીવંત દૃષ્ટાંત છે. આજે પણ લોકહૈયાંમાં લોકગીતોનાં સ્પંદનો ઢબૂરાયેલાં પડ્યાં છે જે વાર-પરબે-પ્રસંગે હોઠના ખૂણે લયકારી પ્રગટાવે છે.
કવિ તુષાર શુક્લની કવિતાઓ પ્રણયરંગી છે, એની મજા છે. કવિ હમેશાં તરોતાજા, નવજુવાન રહે એ ઉપકારક પણ ખરું. જોકે, એ રચનામાં આછકલાઈને બદલે પ્રૌઢી હોય એ આવશ્યક ગણાય. તુષાર શુક્લની રચનાઓમાં પ્રૌઢી જોવા મળે છે. પ્રેમ પદારથને, એના સૂક્ષ્મ સ્વરૂપને પામીને, ઓળખીને આ રચનાઓ કે રચના લખાઈ છે એવું કહેવા મન પ્રેરાય છે.
પ્રસ્તુત ગીતમાં પ્રેમની પ્રથમ અનુભૂતિને કવિએ વાચા આપી છે. બહુ સહજ બાનીમાં, કશી આળપંપાળ વિના, સીધીસરળ ભાષામાં ભાવની અભિવ્યક્તિ સઘાઈ છે. ‘એક છાકરાના હાથમાંથી રૂમાલ પડે નીચે...’ જેવાં કલ્પનોનો આધાર લીધા વિના જ પ્રેમની પ્રથમ અનુભૂતિ કરનાર ‘છોકરા’ની એકોક્તિરૂપે ગીત લખાયું છેઃ
‘એવું લાગે છે રોજ હમણે હમણે
કે કોક મારું જાણીતું આવે છે શમણે.’
ગીતનું મુખડું, ધ્રુવપંક્તિમાં જ ‘કિશોર’ની કબૂલાત છે, બલકે અસમંજસ છે, દ્વિધા ભાવ છેઃ ‘એવું લાગે છે કે’ રોજ શમણાંમાં કોઈ આવે છે. એ કોઈ પાછું ‘જાણીતું’ છે. પ્રેમનો આ નિયમ છેઃ સામું પાત્ર જાણીતું - ઓળખીતું હોવું જોઈએ. આ નિયમ સર્વસામાન્ય અને સર્વવિદિત છે છતાં સૌ એને અધ્યાહાર રાખતા હોય છે, એટલે અહીં એની ઉપસ્થિતિ કાવ્યને ઉપકારક બનવા સાથે કાવ્ય માણ્યાની મજામાં વધારો કરે છે. પ્રેમની પહેલી પહેલી અનુભૂતિની દુવિધાને કાવ્યમાં પકડવી અને એને શબ્દાકાર કરવી અઘરું તો છે જ. ગીતનો પ્રથમ અંતરો રોજનીશી છેઃ
‘એક તો મોડેથી સૂવાની ટેવ
અને કરતો નથી નિયમિત શેવ.’
અહીં ‘મોડેથી સૂવાની ટેવ’નાં કોઈ કારણોની જરૂર ખરી? કેટકેટલાં કારણો હોય,... મિત્રો તો ખરાં, પણ કાવ્યમાં ‘શમણાં’ની વાત આવે છે - એટલે ‘મોડેથી સૂવાની ટેવ’ સાથે એનોય સંબંધ ખરો. એક ક્રિયા એવી છે જે ‘કુંવારકા’ કરતી હોય છે, અહીં એનો નકારમાં વ્યત્યય થયો છે - કુમાર કહે છે. કિશોર અવસ્થાનું અલગારીપણું પણ આ પંક્તિઓમાં ડોકાય છે. ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજયા...’નો કન્યાભાવ અહીં કિશોરમાં પલટાયો છેઃ
‘હા, મંદિરના આંટા હું મારું છું રોજ
તોયે પાંચે આંગળીએ નથી પૂજયા મેં દેવ.’
કિશાર અવસ્થાની એક સહજ પ્રક્રિયાની રજૂઆત બીજા અંતરામાં આવે છે. નવી નવી જુવાની ખીલતી હોય, મૂછનો દોરો ફૂટતો હોય, શરીરમાં-સૌષ્ઠવમાં કે આંતરિક રાસાયણિક પ્રક્રિયાના બદલાવથી જે પરિવર્તનો થતાં હોય તેની નોંધ સતત લેવાતી હોય છે. એ બધી નોંધ લેવા કિશોરો વારંવાર અરીસા સામે ઊભા રહી કલાકો પોતાને નીરખ્યા કરે, મસલ ફુલાવીને જોયા કરે, અમસ્તાંય રૂપાળા દેખાવા વાળ ઓળ્યા કરે કે પાઉડર છાંટ્યા કરે, કાૅલર ઊંચા કરે, ઇનશર્ટ કે આઉટ શર્ટ, માત્ર ગંજી-પેન્ટ જેવા કંઈકેટલાય નુસખા-નખરા કર્યા કરે. એ બધા ભાવોને કવિએ માત્ર એક પંક્તિમાં કારણ - પરિણામ સાથે ઝીલ્યા છેઃ
‘મેઇક-અપ કરીને રોજ સૂતો’તો પહેલાં,’
કારણ... ‘કોઈ શમણે આવે, કે બોલાવે,’
હવે, મેક-અપ નથી કરતો, કારણ, જાણે છેઃ
‘જાણું છું, મોઢું કૈં એવું નથી કે,
કોઈ મળતાંની સાથે મલકાવે.’
પોતાની દેહાકૃતિની અનાકર્ષકતાને પિછાણનાર કિશોરની મનઃસ્થિતિ સાથે પ્રથમ પ્રેમની અનુભૂતિ, અને પ્રેમ જેના માટે જન્મ્યો છે એ પાત્રની અણઓળખ; આટલાં વાનાં ભેગાં થાય પછી.. ‘મારું મનડું ચડ્યું છે આજ રમણે.’ એમ જ કહેવાનું હોય કે બીજું? વળી, એવુંય ખરું કે પ્રેમની અનુભૂતિના શરૂઆતના તબક્કે જયારે પાત્ર શોધાતું હોય ત્યારે આ કે તે કે પેલું એવું મન રમણે-ભ્રમણે ચડતું હોય એ સ્વાભાવિક છે. કવિએ આ પળોને પકડી છે, એટલું જ નહીં, એની રજૂઆત સરળતાથી કરી છે, એટલું કાવ્યત્વ ઝળકે છે.
ત્રીજા અંતરામાં અધ્યાત્મની છાંટ છે. પ્રેમમાં ભક્તિ હોય એવોય ભાવ જાણે-અજાણે પ્રગટી ગયો છે, તો તત્ત્વની ગૂઢ વાણી પણ કવિ દ્વારા સંભળાય છે. ‘શ્વાસોની માળા’નું કલ્પન મજાનું છે, તો તન તંબૂરો બોલે ‘તું હી તું હી’ જેવું ‘એક તું એક તું’ એવી પ્રેમાભિવ્યક્તિ કાવ્યત્વની ઉચ્ચ કક્ષા ને પ્રેમની પરાકાષ્ઠા દર્શાવે છે.
‘શ્વાસોની માળાના મણકા ફરે
ને હું તો ‘એક તું એક તું’ કહેતો.’
પછીની કડીઓમાં શ્રદ્ધા-અંધશ્રદ્ધા બંને એકસાથે મૂકી આપ્યાં છેઃ
‘વહેલી પરોઢ તણાં શમણાં ફળે છે
એવી આશામાં ઊંઘતો રહેતો...’
કારણામાં એટલું જ કે, ‘મને ઘેલો બનાવ્યો કોઈ નમણે...’
આ ‘કોઈ નમણા’ની ઓળખ હજી છતી નથી થઈ. આ અણઓળખની ઓળખ આપવા કવિએ જે રજૂઆત કરી છે તે હાસ્યરસથી ભરપૂર છે, પણ છે કરુણ. વળી, એમાં એક સત્ય પણ છુપાયેલું છે. માણો,
‘હજી નીંદરમાં ચ્હેરો કળાતો નથી,
નિયમ, ચશ્માં પહેર્યાંનો, પળાતો નથી.’
શમણાંમાં ચહેરો તો આવે છે પણ ઝાંખોપાંખો છે. આકાર સ્પષ્ટ નથી. એને જોવા માટે જાણે ચશ્માંની જરૂર પડતી હોય તેવો હાસ્યકટાક્ષનો પ્રયોગ કરી કવિ એક સત્ય નિરૂપે છે.
‘હશે પાડોશી છોકરી કે સાથે કરે નોકરી
એનો ભેદ હજી પૂરો સમજાતો નથી.’
પ્રેમમાં ઓળખ અગત્યની છે. ઓળખ વગરનો પ્રેમ હોઈ શકે કે કેમ એ સવાલ નકામો છે. કોઈ માત્ર નામને પ્રેમ કર એવું સાંભળ્યું નથી. હા, નામ ગમતું હોય એ જુદી વાત, પણ નામને પ્રેમ! વળી, પ્રેમ વર્તુળમાં જ પ્રકટી શકે. પ્રેમમાં સતતપણું આધાર રાખે છે. માત્ર એક વખતનાં દર્શન, એકાદ મુલાકાત નહીં, સતત આંખ સામે તરવર્યા કરતા ચહેરાઓમાંથી જ કોઈ હોઈ શકે, જે પ્રેમર્મૂિત હોય, એ સત્યની અભિવ્યક્તિ આ પંક્તિઓમાં વ્યક્ત થઈ છે. ‘છોકરી’ ‘નોકરી’ શબ્દોનું સહિયારાપણું માણવાની મજા આવે છે.
અજિત મકવાણા, પ્લોટ નં. ૬૬૨/૨, સેક્ટર નં. ૧૩-એ, ગાંધીનગર. સેલ ફોન નં. ૯૩૭૪૬0૬