ગઝલ
અહીંથી ઉઠાવીને ઓ’પાર ફેંક્યો,
જણસ રદ્દી જાણી લગાતાર ફેંક્યો
નગર નાગરિકતાનો આચાર ફેંક્યો
ત્વચા જેમ વળગેલ વ્યવહાર ફેંક્યો
કુહાડાનો હાથો બની નમણી શાખે
અરે ! આખા જંગલને પડકાર ફેંક્યો
કલમ નામની કોઈ જાદુઇ છડીથી
સરેઆમ કોણે ચમત્કાર ફેંક્યો ?
નરી ધૂળની એક ઢગલી ઉપર તેં,
વિના કારણે રમ્ય અંબાર ફેંક્યો
હજુ પણ છે ચર્ચામાં મશગૂલ સંતો,
અમે પ્રશ્ન એવો ધૂઆંધાર ફેંક્યો
સંજુ વાળા