Editorial - સંપાદકીય
સાહિત્યસેતુ- સામયિકના વાચકોની સંખ્યા દોઢ હજાર ઉપર જઈ છે, એ અમારા માટે ઉત્સાહજનક બાબત છે. ટૂંકા સમયગાળામાં વાચકો વધી રહ્યાં છે, એમના પ્રતિભાવો અને સૂચનોએ અમને દિશા આપી છે. ઓન-લાઈન સામયિકોમાં સાહિત્યસેતુ ક્રમશઃ વિસ્તરતું જાય છે એનો આનંદ વ્યક્ત કરું છું.
સાહિત્યને કેન્દ્રમાં રાખીને એના વિવિધ સ્વરૂપો, સાહિત્યજગતમાં ચાલતી વિવિધ ગતિવિધિઓ, એમાં થતાં સંશોધનો, સેમિનાર, વગેરેની માહિતીઓ આપ સુધી પહોંચાડવાની દિશામાં પ્રયત્નશીલ છે. ખાસ કરીને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં સક્રિય અન્ય ઓનલાઈન સામયિકો, વેબસાઈટ અને બ્લોગની માહિતી પણ અહીંથી મળે એ માટે અમારે ઓનલાઈન સાહિત્યમાં રસ ધરાવતાં લેખક-મિત્રોને આમંત્રિત કરીએ છીએ.
આ અંકથી વિશ્વ પ્રસિદ્ધ ફ્રેન્ચ લેખક- જૂલે વર્ન-ની એક કથા- ‘બાઉન્ટિનો બળવો’ અનુવાદ પ્રકાશિત કરવા જઈ રહ્યાં છીએ. સુરતના યુવા અનુવાદક જીગર શાહ દ્વારા જૂલેવર્નની આ બીજી રચનાનો અનુવાદ છે. ખાસ કરીને યુવાનો અને કિશોરો માટે આ રચના અત્યંત મજેદાર નીવડશે એવી અમને ખાત્રી છે. આ સીવાય દર અંકમાં ‘વાર્તાવૈભવ’ નામે ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં માઈલ સ્ટોનરૂપ નિવડેલી પાણીદાર રચનાઓ પૈકી એક રચના પણ પ્રકાશિત કરવાના છીએ. એટલે ક્રમશઃ તમે ગુજરાતીની નીવડેલી, વિવેચકો, વાચકો અને કાળ દ્વારા પોંખાયેલી પ્રશિષ્ટ વાર્તાઓ અહીં વાંચી શકશો. આ અંકથી દર વખતે ચાર નવા પ્રકાશિત પુસ્તકોનો ટૂંકો સમીક્ષાલક્ષી પરિચય મળી રહે તે માટે ‘આ પુસ્તક વાંચ્યું..?’- નામનો વિભાગ પણ શરૂ કરી રહ્યાં છીએ.
આ ઉપરાન્ત તમારામાંથી ઉત્સાહ પ્રેરક મદદ કરશે તો હજી – બાળસાહિત્યનો વિભાગ, ગુજરાતી સાહિત્યકાર પરિચય અને સંપર્કસૂત્ર ધરાવતી ડિરેક્ટરી, વિદ્યાર્થીઓ અને ઇચ્છુકોને સદ્ય રસ પડે એવી માહિતીઓ સમાવતો હેતુલક્ષી વિભાગ, સાહિત્યકારોની તસવીરો, મુલાકાતો, વિવાદો- જેવા વિભાગો પણ શરૂ કરવા ઈચ્છીએ છીએ. આપ પણ સૂચનો મોકલી શકો, આપ પણ લખી શકો.
આ અંકથી સાહિત્યસેતુને આઈ.એસ.એસ.એન. નંબર મળી ગયેલ છે, એટલે અધ્યાપકોને પણ એમના માટે અત્યંત જરૂરી એવો પ્રશ્ન ઉકેલાઈ ગયેલ છે. એટલે સંશોધનપત્રો, વિવેચન લેખો દ્વારા સક્રિયતા દાખવી શકશે.
આપના પ્રતિભાવોની રાહ જોઈએ છીએ.
ડૉ. નરેશ શુક્લ
મુખ્ય સંપાદક