‘હું માનું છું કે, એક માણસ આધ્યાત્મિકતા પ્રાપ્ત કરે તો તેની સાથે આખી દુનીયાને પણ એ લાભદાયી થાય છે. અને એક માણસનું જો પતન થાય તો એટલા પ્રમાણમાં આખી દુનીયાનું પણ પતન થાય છે.’[1]
સમાજ અને એ દ્વારા દેશનું સમગ્રલક્ષી ઘડતર ઇચ્છતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું આ વિધાન મૂર્તિમંત કરવા ઇચ્છતાં શિક્ષણશાસ્ત્રીઓ અને રાજપુરુષોના સહિયારા પ્રયાસોના પરિપાકરુપે વિશ્વમાં આજે ભારત અને એમાંય ગુજરાતમાં શિક્ષણ લીધેલા વિદ્યાર્થીઓની આગવી ઓળખ બની રહી છે. ગુજરાતમાં વ્યવસ્થિત અને પદ્ધતિસરના એકસૂત્રી શિક્ષણ વ્યવસ્થાનો ઇતિહાસ બહુ મોટો નથી. સદી, સવા સદીના ટૂંકા ગાળામાં અને એ પણ સ્વાતંત્ર્ય પછીના અડધી સદીના સાવ અલ્પ કહી શકાય એટલા વર્ષોમાં આપણે વિશ્વ સામે ગર્વથી માથું ઊંચું કરી શકીએ એવું કાઠું કાઢ્યું છે.
પાયાના શિક્ષણને ફરજિયાત કર્યા પછી સાક્ષરતાનો દર ક્રમશઃ ઝડપથી વધી રહ્યો છે. સમાજના સર્વ ક્ષેત્રોમાં જનજાગૃતિ આવી રહી છે. દેશના ઘડવૈયાઓએ સેવેલા રાષ્ટ્રની કલ્પના મુજબ છેવાડાના માણસો સુધી સર્વાંગી વિકાસ પ્રસરી રહ્યો છે. એની નોંધ વિશ્વના દેશોએ લેવી પડે એવી સ્થિતિ સર્જાઇ રહી છે.
મુંબઇ રાજ્યથી અલગ પડેલું ગુજરાત રાજ્ય પચાસ વર્ષ પૂરા કરવા જઇ રહ્યું છે ત્યારે આ પચાસ વર્ષમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ કેવા કેવા સ્વરુપે વિકસી છે, કેવા કેવા ફેરફારો સાથે વ્યાપક બની રહી છે તે જોવા-સમજવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે કેટલીક ઉપલબ્ધ માહિતીઓ અહીં મુકી રહ્યાં છીએ.
સ્વાતંત્ર્ય પૂર્વે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિઃ
ઇ.સ. 1785થી 1854ના ગાળામાં બ્રિટિશ રાજ્ય દ્વારા શિક્ષણ આપવાની યોજનાની પૂર્વ તૈયારીનો ગાળો ગણી શકાય. એ અરસામાં ભારતની જેમ જ ગુજરાત રાજ્ય અનેક નાનાં મોટાં રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અને દરેક રાજવીઓ પોતાના વિચારો, જરુરુયાતો મુજબ શિક્ષણ લેતા, શિક્ષણ આપવાની વ્યવસ્થા કરતાં. એમાં એક બાબત સર્વ સામાન્ય હતી કે ત્યારે સમાજના નીચલા ગણાતા વર્ગો માટે અને સ્ત્રીઓ માટે શિક્ષણની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવતી નહોતી. એ સમયે જે તૂટી-ફૂટી કે અવ્યવસ્થિત એવી શિક્ષણ વ્યવસ્થા હતી તેની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબની જોવા મળે છે.
- એક બાજુ હિન્દુ –મુસ્લીમો પોતાની પ્રાચીન સંસ્કૃતિઓનું રક્ષણ-સંવર્ધન થાય તેના પ્રયત્નરુપે, તો કેટલોક વર્ગ અંગ્રેજોના સંપર્કથી પ્રેરાઇને પાશ્ચાત્ય સંસ્કૃતિને સ્થાપવા, ફેલાવવા પર ભાર મુકનારો નીવડ્યો. એ વર્ગ દ્વારા યુરોપી વિદ્યાઓ, સાહિત્ય અને વિજ્ઞાનના ફેલાવા પર ભાર મુક્યો. ઇ.સ.1835માં લોર્ડ મેકોલોના લેખપત્રથી પ્રેરાઇને અંગ્રેજી ભાષા દ્વારા યુરોપિયન સાહિત્ય અને વિજ્ઞાનનો ભારતીય પ્રજામાં ફેલાવો શરુ થયો.
- એક બાજુ ગામઠી શાળાઓ ચાલતી, એની સમાન્તરે નવા પ્રકારની શાળામાં અંગ્રેજી શિક્ષણ આપવાનું શરું થયું.
- આ ગાળામાં આ પ્રકારની શાળાઓ હતી. પ્રાથમિક શાળાઓ, ગામઠી શાળાઓ, અંગ્રેજી શાળાઓ અને કોલેજો.
- ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવતી.
- અંગ્રેજી ભાષા અને પશ્ચિમની વિદ્યાઓની કેળવણી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કેળવણીની નીતિ બની. બંગાળ, મદ્રાસ, મુંબઇ અને નોર્થ વેસ્ટ – આ ચારેય પ્રાન્તોમાં એન્જિનિયરીંગ કોલેજો સ્થાપવામાં આવી.
ઇ.સ. 1854થી 1919
1854ના વૂડના વટ હુકમથી વર્તમાન કેળવણી પ્રથાના મંડાણ થયા. પ્રાથમિક, માધ્યમિક અને યુનિવર્સિટી જેવા ક્રમબદ્ધ શિક્ષણ કક્ષાઓનું નિર્માણ કરવામાં આવ્યું. ઉપરાન્ત શિક્ષણના માધ્યમ તરીકે ભારતીય ભાષાઓને સ્થાન મળવા માંડ્યું. તાલીમ, અને ધંધાદારી કેળવણીને સરકારનું પ્રોત્સાહન મળવા માંડ્યું.
થોડા પ્રસરેલા શિક્ષણ અને વિદેશગમન શરુ થવાના કારણે પણ જે જાગૃતિ આવતી ગઇ તેના પરિણામ સ્વરુપ અંગ્રેજો દ્વારા અમલમાં મુકવામાં આવેલી શિક્ષણ વ્યવસ્થા સામે અસંતોષ જાગતો ગયો. ખાસ કરીને સ્વાતંત્ર્યની ચળવળોએ આ વિચારોને વેગ આપ્યો. પરિણામે ગુજરાતમાં અને પછી એ દ્વારા દેશમાં રાષ્ટ્રીય કેળવણીની ભાવના પ્રસરાવવા માટે થઇને પહેલીવાર 1916ના અરસામાં એક પરિષદ ભરાઇ હતી. કેળવણીના પ્રવાહને દેશની સાંસ્કૃતિક અસ્મિતા તરફ વાળવાના પ્રયત્નો ત્યારથી શરુ થયા. એ જ વર્ષોમાં દેશવ્યાપી બનવા લાગેલા ગાંધીજીના નેતૃત્વ અને પ્રેરણાથી 1920માં અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. આ વિદ્યાપીઠના ઉદેશો સ્પષ્ટ હતા- “સ્વરાજ્યની પ્રાપ્તીને સારુ ચાલતી પ્રવૃત્તિઓને અર્થે ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકરો તૈયાર કરવા.”[2] આવા સ્પષ્ટ ઉદેશ સાથે શરુ થયેલી ગૂજરાત વિદ્યાપીઠે અંગ્રેજી કેળવણીને અસહકાર આંદોલન દ્વારા અવરોધીને ક્રાન્તિની જ્યોત જલાવી હતી.
ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં વડોદરામાં સ્થપાયેલી (અગાઉ બરોડા કોલેજ [3] ) ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી’ પોતાની આગવી સુદીર્ઘ પરંપરા, તેજસ્વી અધ્યાપકો, વિદ્યાર્થીઓ વડે વિશ્વ ખ્યાત બની રહી છે. સર પ્રતાપસિંહ ગાયકવાડ દ્વારા શરુ કરાયેલી આ યુનિવર્સિટીમાં તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ જગવિખ્યાત બન્યાં છે. વડોદરા રાજ્યના 1930-31ના સરકારી રિપોર્ટ પ્રમાણે કોલેજમાં શિક્ષણ લેવા માટે શિષ્યવૃત્તિઓ પાછળ ત્યારે રુ.23,607 નો ખર્ચ થયો હોવાનો અહેવાલ મળે છે! આ ઉપરાંત જૂદા જૂદા વિષયોના અભ્યાસ માટે – ખેતી, બાગાયત, સૂપશાસ્ત્ર, ગાયનશાસ્ત્ર, ઘડીયાળકામ, વિદ્યુતશાસ્ત્ર, યંત્ર, મુદ્રણકળા, કેળવણી, કાયદા, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન, વેદાંત અને પુસ્તકાલયવિદ્યાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રાજ્યના ખર્ચે પરદેશ મોકલવાની મહારાજા દ્વારા વ્યવસ્થા કરાતી હોવાના દસ્તાવેજો ઉપલબ્ધ છે !
સૌરાષ્ટ્રમાં ઇ.સ. 1870માં રાજકુમાર કોલેજની સ્થાપના સાથે ઉચ્ચ શિક્ષણનો યુગ શરુ થયો [4]. નામ પ્રમાણે જ આ કોલેજમાં સૌરાષ્ટ્રના અનેક રજવાડાઓના રાજકુમારો અભ્યાસ કરતા હતા. આ કોલેજમાં શિક્ષણ લીધેલા રાજકુમારોને શિક્ષણનું મહત્વ સમજાયું અને એમાંથી જ પ્રગતીવાદી વિચારોનો સંચય થયો. એ રીતે આ કોલેજ સૌરાષ્ટ્રના વિકાસમાં કેન્દ્રરુપ કાર્ય કરે છે. જો કે, આ કોલેજ નામ હોવા છતાં ત્યાં સિનિયર કેમ્બ્રિજ એટલે મેટ્રિક્યુલેશન સમકક્ષ અભ્યાસની જોગવાઇ જ હતી. એટલે કે ખરેખર તો માધ્યમિક શિક્ષણ જ આપવામાં આવતું હતું. કોલેજ શિક્ષણની સાચી શરુઆત છેક 1885માં ભાવનગરમાં સ્થપાયેલી શામળદાસ કોલજની સ્થાપના સાથે જ થઇ ગણાય.
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ‘ગુજરાત યુનિવર્સિટી’ વિસ્તાર અને વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે પણ હજી આજે પણ વિશ્વભરમાં નામ ધરાવે છે. આ યુનિવર્સિટીની સ્થાપના આઝાદી પૂર્વે ઇ.સ. 1949માં થઇ હતી. આ યુનિવર્સિટીમાંથી ક્રમશઃ છૂટા પડીને સ્વતંત્ર અસ્તીત્વ ધરાવતી યુનિવર્સિટીઓની સંખ્યા પણ અડધો ડઝન થવા જાય છે.
પહેલી મે 1960માં મુંબઇ રાજ્યથી અલગ પડ્યા પછી ગુજરાત વિધાનસભા દ્વારા જે યુનિવર્સિટીઓને માન્યતા આપવામાં આવી છે તેની વિગતો નીચે મુજબ છે.[5]
ક્રમ |
યુનિવર્સિટીનું નામ |
વિધાનસભાની મંજૂરી |
રાજ્યપાલશ્રીની મંજૂરી |
નોંધ |
1 |
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ |
તા. 24-03-1961 |
તા. 29-03-1961 |
આઝાદી પહેલા મૂળ સ્થપાયેલ |
2 |
મહારાજા સંયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા |
તા. 26-09-1963 |
તા. 31-10-1963 |
મૂળ સ્થાપના આઝાદી પહેલા |
3 |
સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર |
તા.29-09-1963 |
તા. 31-10-1963 |
|
4 |
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. |
તા. 06-12-1965 |
તા. 30-12-1965 |
- |
5 |
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ |
તા. 10-12-1965 |
તા. 30-12-1965 |
|
6 |
ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર |
તા. 31-03-1978 |
તા. 11-04-1978 |
|
7 |
શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ |
તા. 29-08-1986 |
તા. 10-09-1986 |
|
8 |
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ |
તા. 11-02-1994 |
તા. 10-03-1994 |
|
9 |
શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભૂજ |
તા. 26-02-2003 |
તા.01-03-2003 |
|
10 |
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ |
તા. 17-03-2005 |
તા. 01-03-2005 |
|
આ યુનવર્સિટીઓમાંથી અનેક વિશ્વ વિખ્યાત વિદ્યાર્થીઓ તૈયાર થયા છે. સમાજના વિવિધ સ્તરોએ કામ કરતાં હજ્જારો નાગરિકોમાં જીવનરસ અને જ્ઞાનરસ ભરનારી આ યુનિવર્સિટીઓના પ્રદાનને કોઇ આંકડાઓ કે ચોક્કસ આંગળી ચીંધીને બતાવવા જઇએ તો સ્વભાવિક જ એક લેવા જતાં અગીયાર બાબતો છૂટી જવાનો સંભવ છે. વિદ્યાધામોનું મુલ્ય સમાજની તંદુરસ્તી, એની સંસ્કારીતા, સમાજમાં વ્યાપેલ સુખ-સગવડો અને નીતિમત્તાના આધારે જ થતું હોય છે. ગુજરાતની આ યુનિવર્સિટીઓ એ પ્રકારના નાગરિકોના ઘડતરમાં કેટલી સફળ નીવડી છે એ આપણે ગુજરાતી સમાજના જીવાતા જીવન પર નજર નાંખીએ ત્યારે ખ્યાલ આવતો હોય છે.
ગુજરાત રાજ્યના સ્થાપના પછી તરત જ રચાયેલી સરકારમાં એ વખતના પ્રખર ગાંધીવાદી અને સમાજસેવક બબલભાઇ મહેતાને શિક્ષણ મંત્રી થવાની ઓફર કરવામાં આવી ત્યારે એમણે નમ્રતાથી અસ્વીકાર કરતાં કહેલું કે, મારી દૃષ્ટિ એટલી દીર્ઘ નથી કે આવનારાં પચાસ-સો વર્ષ પછી મળનારાં પરિણામોની કલ્પના હું કરી શકું. હું કૃષિમંત્રી થવાનું પસંદ કરું. કેમકે, મારા વાવેલાને થોડાં જ સમયમાં ઉગેલા જોઇ શકું અને હું કંઇક ભૂલ કરતો હોય તો ભૂલ સુધારી શકું. શિક્ષણમાં પરિણામ બહુ મોડું મળતું હોય છે અને ભૂલ થાય તો સુધારો કરવામાં બીજી બે પેઢી ભૂલનો ભોગ બનતી હોય છે. જે પ્રદેશમાં આવી સમજ વાળા મહાનુભાવો હોય ત્યાં સ્વભાવિક જ ઉજ્જવળ ભાવિની અંધાણી દેખાય.
ગુજરાતમાં પદ્ધતિરસના શિક્ષણને હજી કંઇ વધારે વર્ષો ગયા છે એવું ન કહી શકીએ. સદી- સવા સદીમાં કદાચ માળખાગત સુવિધાઓ પુરતા પ્રમાણમાં ઊભી કરી શક્યા કહેવાય. પરંપરા અને આવનારી જરુરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણનીતિઓમાં સતત સુધારા વધારા કરવામાં આવી રહ્યાં છે. સાંપ્રતની જરુરુયાતો અને વિઝનરી શિક્ષણના સુમેળ વડે રાજ્યના વિદ્યાર્થીઓને કેળવણી આપવાના આ સામુહિક કાર્યમાં રાજનેતાઓ, અધિકારીઓ અને શિક્ષણવિદ્થી માંડીને વિદ્યાર્થીઓ સુધીનાનો પ્રયાસ અવશ્ય આશાસ્પદ રંગ લાવશે. એ નક્કી છે. કેમકે, ઉદેશ ઉમદા છે.
ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે લોકભાગીદારીનો ઉત્તમ નમૂનોઃ-
આગળ જોયું તેમ ગુજરાત કોલજની સ્થાપના અને વિકાસમાં અમદાવાદના નગરશ્રેષ્ઠીઓનું પ્રદાન ન ભૂલી શકાય તેવું છે. વડોદરાના મહારાજા અને ભાવનગરના મહારાજા, જૂનાગઢના નવાબ દ્વારા કોલેજોની સ્થાપના કરવામાં આવેલી તે રાજ્ય પ્રેરીત હતી પણ ગુજરાત કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ, એમ.એન.કોલેજ, ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં પ્રત્યક્ષ લોકભાગીદારી રહેલી છે. સર ચીનુભાઇ અને શેઠ લાલભાઇ દલપતરાય જેવા ગુજરાતના અનેક દાનવીર શ્રેષ્ઠીઓના આર્થિક અને જમીનના દાનરુપી પ્રયત્નોના કારણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનો મજબૂત પાયો નંખાયો છે.
ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને સૌથી વધું મૂર્તિમંત કરતું રાજ્ય ગુજરાત રહ્યું છે. ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સરકારી કોલેજોની સામે ટ્રસ્ટની કોલેજોની સંખ્યા ત્રણ ગણી છે- એનાથી વધારે લોકભાગીદારનો ઉત્તમ નમૂનો ક્યાંય જોવા મળે નહીં. છેલ્લા દાયકામાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અસ્તીત્વમાં આવી તે પહેલા અને પછી પણ સરકારશ્રીએ ઉચ્ચ શિક્ષણના વિકાસમાં લોકભાગીદારીને સાથે રાખીને ઉત્તમ શિક્ષણનો વ્યાપ વધારવા પ્રયત્નો કર્યા છે.
બીજા રાજ્યોમાં સરકારશ્રી દ્વારા સંચાલિત કોલેજોની સંખ્યા 80 ટકા ઉપર હોય છે જ્યારે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સરકારી કોલેજોની સંખ્યા માંડ પાંચ ટકા જેટલી છે, મોટાભાગની કોલેજો વિવિધ ટ્રસ્ટ અને મંડળો દ્વારા સંચાલિત છે.
સરકારી કોલેજોઃ-
ટ્રસ્ટ અને સરકારની સહાયથી ચાલતી કોલેજોની માત્રા મોટા પ્રમાણમાં હોવા છતાં ગુજરાતના પછાત, દૂરવર્તી વિસ્તારો અને શહેરોના સામાન્ય કક્ષાના કુટુંબોને ધ્યાનમાં રાખીને પૂર્ણતઃ સરકારી કોલેજોનું સંચાલન રાજ્ય સરકારે પોતાના હસ્તક રાખ્યું છે. આવી કોલેજોના સ્થાપન, વિકાસ, સ્ટાફની ભરતી પ્રક્રિયા, સંચાલન સરકારશ્રીના શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા સીધી દેખરેખ હેઠળ થાય છે. ગુજરાતના અત્યંત અંતરિયાળ એવા આદિવાસી ક્ષેત્રોથી શરુ કરીને મહાનગરો સુધીના વ્યાપને આવી સરકારી કોલેજોમાં આવરી લેવામાં આવ્યાં છે. ગુજરાત પબ્લીક સર્વીસ કમિશન દ્વારા આકરી તાવણીમાંથી પસાર થયેલા તેજસ્વી અધ્યાપકો દ્વારા છેવાડાના વિદ્યાર્થીઓને પણ ઉત્તમ શિક્ષણ મળી રહે તેવા પ્રયાસ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે.
ગુજરાત કોલેજ, એલિસબ્રિજ, અમદાવાદ- 1860 (મુંબઇ યુનિવર્સિટી સાથે સંલગ્ન, હાલ ગુજ.યુનિ.)
ગુજરાતમાં સૌ પહેલા ઉચ્ચ શિક્ષણની શરુઆત હાલ ‘ગુજરાત કોલજ’ નામે પ્રખ્યાત એવી કોલેજ દ્વારા થઇ હતી. મિ. ટી.સી. હોપે અમદાવાદના તે વખતના શ્રેષ્ઠીઓનો સહકાર લઇને રુ.42,600ના ફંડ વડે ગુજરાત અને અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણનો પાયો નાંખ્યો. ‘ગુજરાત પ્રોવિન્સયલ કોલેજ’- ના નામે ગવર્મેન્ટ હાઇસ્કુલના નાનકડાં રુમમાં સાવ થોડાં વિદ્યાર્થીઓથી 1860માં કોલેજની શરુઆત કરવામાં આવી. ત્યારે લો, તર્કશાસ્ત્ર, ઉપયોગી ગણિત, અને ડ્રોઇંગ વિષય તરીકે રાખવા દેવામાં આવતા હતાં. 1879માં એને મુંબઇ યુનિવર્સિટી દ્વારા એફિલિયેશન મળ્યું ને પ્રથમ વર્ષની પરીક્ષા લેવાની પણ સત્તા આપવામાં આવી. પણ બાકીના વર્ષોની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ મુંબઇ જવાનું ને મૂળભૂત માળખાકીય સુવિધાઓના અભાવે છ વર્ષ માટે કોલેજ બંધ પડી. શ્રેષ્ઠીઓ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલના સહિયારા પ્રયાસોથી કોલેજ પુનઃ શરુ કરવામાં આવી. સાથોસાથ 30 એકરના વિશાળ કેમ્પસ, ભવ્ય બિલ્ડિંગો અને બધી સુવિધાઓ સાથેની કોલેજ ધમધમી ઊઠી.
આ કોલેજ દ્વારા તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ તત્કાલીન ભારતના ઘડતરમાં પોતાનો અમુલ્ય ફાળ્યો આપ્યો છે. રાષ્ટ્રીય ચેતનાના પ્રવર્તનમાં અને રાષ્ટ્રીય ચળવળોમાં નેતૃત્વ લઇને આઝાદીના ઇતિહાસમાં પણ આગવા પ્રકરણો રચ્યાં છે.
શામળદાસ કોલેજ, ભાવનગર- 1886 (મુંબઇ યુનિવર્સિટી સાથે સંલગ્ન હાલ ભાવનગર યુનિ.)
અંગ્રેજોના શાસન વખતે સ્થપાયેલ અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ભાવનગર રાજ્યની ‘શામળદાસ કોલજ’ ની સ્થાપના તત્કાલીન રાજવી તખ્તસિંહજી અને ભાવનગર રાજ્યના રેવન્યુ કમિશ્નર લલ્લુભાઇના પ્રયાસથી અને ત્યારના લોકપ્રિય દિવાન શામળદાસ પરમાનંદદાસની સ્મૃતિમાં આ કોલેજનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ કોલેજનું ઉદ્ઘાટન તા. 16-12-1886ના રોજ મુંબઇના ગવર્નર લોર્ડ રે ના હાથે કરવામાં આવ્યું. મુંબઇ યુનિવર્સિટીની બી.એ.ની 1888ની પરીક્ષામાં પહેલીવાર આ કોલજના વિદ્યાર્થીઓની પહેલી બેચ બેઠી હતી. છ વિદ્યાર્થીઓ જ હતા. તમામ પાસ થયા અને શ્રી કૃ.મ.ઝવેરીએ તો પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થઇને કોલેજનો સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત કર્યો હતો.
બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ (મુંબઇ યુનિવર્સિટી સાથે સંલગ્ન, હાલ-સૌરાષ્ટ્ર યુનિ.)
જુનાગઢની ‘બહાઉદ્દીન કોલેજ’[6] નું સર્જન પણ વિશિષ્ટ સંજોગોમાં થયું હતું. જુનાગઢ એ સૌરાષ્ટ્રનું મોટું રાજ્ય હોવા છતાં ત્યાં ઉચ્ચ શિક્ષણની સંસ્થા હતી નહીં. રાજ્યના અને એજન્સીના ઉચ્ચ હોદ્દા પર ઉચ્ચ શિક્ષણ લીધેલા યુવાનોને જ નોકરી આપવાના અંગ્રેજ સરકારના આગ્રહને કારણે પણ આ વિચાર વહેતો થયો હતો. જુનાગઢના યુવાનો ત્યાં જ શિક્ષણ લઇ શકે તે માટે રાજ્યના નાયબ દિવાન પુરુષોત્તમરાય ઝાલાએ પ્રયાસો હાથ ધર્યા ને ઇ.સ.1895માં જૂનાગઢ રાજ્યના વજીર બહાઉદ્દીનભાઇને 60 વર્ષ પૂરા થતાં હતાં. મિત્રો અને શુભેચ્છકોએ 60 હજાર રુપિયા ભેગા કરીને એમને ભેટ આપ્યા. એમાં પોતાના તરફથી 20 હજાર ઉમેરી તે રાજ્યના કલ્યાણ માટે વાપરવાનું નક્કી કર્યું ને એમાં નવાબ રસુલખાને રાજ્ય તરફથી 1 લાખ 50 હજાર ઉમેરી જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો. 1897-98માં રોગચાળો ફાટી નીકળવાના કારણે અને વચ્ચે 1900માં પડેલો છપ્પનિયો દુષ્કાળના કારણે થોડું ધીમું પણ કોલેજનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું. તા.3 નવેમ્બર 1900ના દિવસે ભારતના તત્કાલીન વાઇસરોય અને ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ કોલેજની વિશેષતા એ હતી કે તેની સાથે ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટ પણ શરુ કરવામાં આવી હતી. આ કોલેજમાં એલ.એલ.બી.ના અભ્યાસક્રમની સગવડ હતી. ઇ.સ. 1900માં કોલેજમાં સરેરાશ 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. કુલ સંખ્યાના 20 ટકા જેટલા વિદ્યાર્થીઓ જુનાગઢ રાજ્યના જ હતા. કોલેજની બાજુમાં જ 72 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને પ્રોફેસરો માટે ક્વાટર્સ પણ બાંધવામાં આવ્યા હતાં.
એમ.ટી.બી. કોલેજ, સુરત
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ સ્થપાયેલ કોલેજ એટલે સાર્વજનિક કોલેજ, સુરત. હાલ તે એમ.ટી.બી કોલેજના નામે પ્રચલિત છે. આ કોલેજની સ્થાપના 1918માં કરવામાં આવી હતી. બોમ્બે યુનિવર્સિટીના એ વખના વી.સી. સર ચિમનલાલ શેતલવાડના હસ્તે આ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કુલ 1138750 સ્કેવેર મીટર વિસ્તારમાં પથરાયેલી આ કોલેજના મકાનો ગોથિક શૈલીના અને ભવ્ય છે. સાથો સાથ એ વખતથી જ હોસ્ટેલ્સ,ક્વાટર્સ, રમત માટેના મેદાનો, લોન-બગીચાની સમૃદ્ધ છે. શહેરની મધ્યમાં, તાપી નદીના કિનારે આવેલી આ કોલેજ દક્ષિણ ગુજરાતના ઘરેણા સમાન છે. 1931થી અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ પણ આપવાનું શરું કરવામાં આવ્યું. પહેલા માત્ર આર્ટસ કોલેજ તરીકે મુંબઇ યુનિવર્સિટી સંલગ્ન હતી પણ પછીથી તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ કોલેજના અનેક અધ્યાપકો ખ્યાતનામ રહ્યાં છે.
એમ.એન. કોલેજ, વિસનગર
વિસનગરની ‘એમ.એન. કોલેજ’ [7] (શેઠ માણેકલાલ નાનચંદ દોશી કોલેજ, વિસનગર)ની સ્થાપનામાં મહાત્મા ગાંધીની પ્રેરણા જવાબદાર હોવાનું નોંધાયું છે. કાપડના વેપારી માણેકલાલને એક ટૂંકા ટ્રેન પ્રવાસ દરમિયાન ગાંધીજીએ અર્થના સદ્ઉપયોગ બાબતે કહ્યું ને શેઠે એ વર્ષોમાં માતબર કહી શકાય એવા ચાર લાખ રુપિયાનું દાન આપ્યું. આ કોલેજ તા. 15 જૂન 1946ના દિવસે શરુ કરવામાં આવી. આ કોલેજે ઉત્તર ગુજરાતના પ્રદેશમાં કરેલા પ્રદાનને ભૂલી ન શકાય તેમ છે.
પ્રશિક્ષણની પહેલી સરકારી કોલેજઃ
શ્રી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, પોરબંદર -1955(મુંબઇ યુનિ.સંલગ્ન. હાલ-સૌરાષ્ટ્ર યુનિ.)
ગુજરાત રાજ્યની એકમાત્ર રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એવી ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ પોરબંદર ખાતે આવેલી છે. આ કોલેજ 1955માં શરુ થઇ ત્યારે મુંબઇ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવતા આ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાઇ અને 1961માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થતાં આ કોલેજને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડવામાં આવી છે. પોરબંદરના રાજવી શ્રી નટવરસિંહજીએ 80 એકરમાં પથરાયેલ ભવ્ય રાજમહેલ સરકારશ્રીને અર્પણ કરેલ, સાગરકાંઠે આવેલા આ હવા મહેલને માતા રામબા સાહેબની સ્મૃતિ તરીકે પણ જળવાઇ રહે તેથી –શ્રી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજનું નામિભિધાન કરવામાં આવ્યું છે. આ સંસ્થાના પ્રથમ આચાર્ય શ્રી પ્રભાશંકર ત્રિવેદીનું અમુલ્ય પ્રદાન ગુજરાતના પ્રશિક્ષણક્ષેત્રે બહુ આદરથી લેવામાં આવે છે. એમની નિષ્ઠા અને શિક્ષણ-શિક્ષક પ્રત્યેનો પ્રેમ અનન્ય છે.
ગૂજરાત વિદ્યાપીઠઃ ગુજરાત રાજ્યનું અમુલ્ય ઘરેણુઃ
રાષ્ટ્રની સ્વાતંત્ર્યની ચળવળમાં ગુજરાતનો ફાળો એટલો બધો છે કે એ બધાને અલગ પાડીને ઓળખાવવો સહેલો નથી. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇના નામો આગળ કરીને ગુજરાતીઓની મહાગાથા એમનામાં આરોપિત કરવામાં આવે છે. ગાંધીજીએ વિદ્યાપીઠના સ્થાપના માટે જે ઉદેશ રાખ્યો હતો એ સિદ્ધ કરવમાં અનેક લોકોએ આ વિદ્યાપીઠને પોતાના લોહી-પસીનાથી સિંચી છે. આ વિદ્યાપીઠમાં શરુઆતના વર્ષોમાં જોઇ શકાય છે કે ભારતભરમાંથી અભ્યાસ અર્થે અહીં આવતા હતા. અહીંનો અભ્યાસ એ કોઇ વ્યવસાય માટે જ થઇને ક્યારેય નહોતો સાથોસાથ સમાજ ને દેશના ઘડતરને ધ્યાનમાં રાખીને સારા-અડગ રાષ્ટ્રપ્રેમી નાગરિક ઘડવાનો ઉદેશ પ્રથમ રહ્યો છે. આઝાદી પછી પણ આ કામ અટક્યું નથી. સીધી ચળવળો અને જંગ કદાચ શમી ગયા છે પણ દેશના પાયાના પ્રશ્નો સાથે સંલગ્ન રહીને સમાજના દરેક અંગોમાં નવચેતના ભરવાનું કામ, સમાજના વંચિત, શોષિત વર્ગને કેળવણી દ્વારા વિકાસના પંથે ચડાવવાનું ખુબ જ અગત્યનું કામ વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગાંધીજીના મૂલ્યોની જાળવી, પ્રસરણ કરવાની સાથોસાથ વ્યવસાયકેન્દ્રી,કૃષિકેન્દ્રી, ઉત્તર બુનિયાદી,અને વર્તમાન પ્રચલિત પ્રવાહોનું શિક્ષણ- ઉદ્યોગ,વેપાર, શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ અને એવા અન્ય વિદ્યાઓ વિદ્યાપીઠ અને તેને સંલગ્ન એવી મહાશાળાઓ મારફતે આપવામાં આવે છે. આ ઉપરાન્ત સમાજ, ઇતિહાસ, ભાષા, સંસ્કૃતિ, વિશ્વની સંસ્કૃતિઓને લગતા સંશોધનો પણ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સતત કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં વિદ્યાપીઠને જરા જેટલી પણ અવગણી શકાય નહી.
વિવિધ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી, ટ્રસ્ટ સંચાલિત અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વિગતો નીચેના કોષ્ટકમાં જણાવવામાં આવી છે. હાલ આ કોલેજો દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં કાર્યરત મુખ્ય યુનિવર્સિટીઓ. [8]
1. ગુજરાત યુનિવર્સિટી [9]
ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 23 નવેમ્બર 1949માં અમદાવાદ ખાતે થઇ હતી. ગુજરાતમાં વિસ્તાર અને વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે સૌથી મોટી એવી આ યુનિવર્સિટી કુલ 260 જેટલા એકરમાં પથરાયેલી છે. અમદાવાદ જેવા ભરચક શહેરની વચ્ચે ગીચ વનરાઇ વચ્ચે શોભતી આ યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક કક્ષાના ભવનો અને નયન રમ્ય એવી બાંધીણી વાળું મુખ્ય કાર્યાલય આકર્ષક છે. આ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોની સંખ્યા 250થી ઉપર છે. આ યુનિવર્સિટીમાંથી નવી બની હોય એવી સ્વતંત્ર યુનિવર્સિટીઓની સંખ્યા પણ અડધા ડઝન જેટલી થવા જાય છે. આ ઉપરાન્ત 20 જેટલા ઇન્ટિટ્યુટ્સ,34 જેટલા કેમ્પસમાં જ આવેલા અનુસ્નાતક વિભાગો, આ ઉપરાન્ત વિવિધ કોલેજોમાં ચાલતા અનુસ્નાતક કક્ષાના સેન્ટરોની સંખ્યા 221 છે. યુનિવર્સિટી કેમ્પસમાં જ ટીચિંગ અને નોનટિચિંગ સ્ટાફની સંખ્યા 1100 જેટલી છે. આ યુનિવર્સિટીમાંથી અડધો ડઝન જેટલી સ્વતંત્ર યુનિવર્સિટીઓ બન્યા પછી પણ દર વર્ષે સ્નાતક કક્ષાએ એનરોલ થતાં વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા 60-65 હજાર ઉપરની છે. તો અનુસ્નાતક કક્ષાએ પાંચથી છ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. કુલ 230 જેટલી તો વિવિધ પ્રકારની પરીક્ષાઓ આ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે લેવામાં આવે છે. આ ઉપરાન્ત ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાતી પરીક્ષાઓમાં 30-40 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેસતા હોય છે. હજી ત્રણ વર્ષ પહેલા જ સ્વતંત્ર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી બની એ પહેલા કચ્છથી વડોદરા, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને ધંધુકા સુધી ફેલાયેલા વ્યાપક ભૌગોલિક ફલક ઉપર આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, અને ત્યાંના પરીક્ષાકેન્દ્રો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટેનું વહિવટી માળખું જ ખુબ જટિલ અને વ્યાપક બની રહે. તે અર્થમાં પણ આ યુનિવર્સિટી દૃષ્ટાંતરુપ છે.
2. મહારાજા સંયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા
ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં વડોદરામાં સ્થપાયેલી (અગાઉ બરોડા કોલેજ [10] ) ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી’ પોતાની આગવી સુદીર્ઘ પરંપરા, તેજસ્વી અધ્યાપકો, વિદ્યાર્થીઓ વડે વિશ્વ ખ્યાત બની રહી છે. સર પ્રતાપસિંહ ગાયકવાડ દ્વારા શરુ કરાયેલી આ યુનિવર્સિટીમાં તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ જગવિખ્યાત બન્યાં છે. વડોદરા રાજ્યના 1930-31ના સરકારી રિપોર્ટ પ્રમાણે કોલેજમાં શિક્ષણ લેવા માટે શિષ્યવૃત્તિઓ પાછળ ત્યારે રુ.23,607 નો ખર્ચ થયો હોવાનો અહેવાલ મળે છે! આ ઉપરાંત જૂદા જૂદા વિષયોના અભ્યાસ માટે – ખેતી, બાગાયત, સૂપશાસ્ત્ર, ગાયનશાસ્ત્ર, ઘડીયાળકામ, વિદ્યુતશાસ્ત્ર, યંત્ર,મુદ્રણકળા, કેળવણી, કાયદા, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન, વેદાંત અને પુસ્તકાલયવિદ્યાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રાજ્યના ખર્ચે પરદેશ મોકલવાની મહારાજા દ્વારા વ્યવસ્થા કરાતી હોવાના દસ્તાવેજો ઉપલબ્ધ છે ! આજે પણ વિવિધ કલાઓ, વિજ્ઞાન, અને પોતાના અત્યંત સમૃદ્ધ ગ્રંથાલય વડે વિશ્વ પ્રસિદ્ધ યુનિર્સિટી તરીકેની નામના ધરાવે છે. આ યુનિવર્સિટી વડોદરા શહેરની સીમામાં ઉચ્ચ શિક્ષણ આપી રહી છે.
3. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
વલ્લભ વિદ્યાનગર આજે ગુજરાતનું સૌથી મોટું વિદ્યાધામ બની રહ્યું છે. આ શહેરમાં દરેક ચોરે ને ચૌટે કોઇને કોઇ શાળા કે કોલેજ આવેલી છે એમ કહી એ તો એ વાસ્તવથી અતિ નજીકની વાત ગણાય. આ આખા વિદ્યાધામના શિલ્પી તરીકે ભાઇલાલભાઇ પટેલ અને ભીખાભાઇના પ્રદાનને ક્યારેય ન ભૂલી શકાય તેમ છે. 1944થી આ શહેરની પરિકલ્પના કરનારાં ભાઇકાકા અને ભીખાભાઇએ અથાગ પ્રયત્નો કરીને, બાકરોલ ગામના ખેડૂતોને જમીન આપવા રાજી કરીને અંતે1947માં વલ્લભભાઇ પટેલના હસ્તે મહાવિદ્યાલયનો પાયો નાંખવામાં આવ્યો. બિરલા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દાન મળ્યા પછી બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી અને લોર્ડ માઉન્ટ બેટનના હાથે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું. 1954માં વલ્લભભાઇ વિદ્યાપીઠની સ્થાપના માટેનો મુસદ્દો તૈયાર કરીને મુંબઇ સરકારમાં રજૂ કરવામાં આવ્યો. ઓકટોબર 1955માં તત્કાલીન મુંબઇ ધારાસભામાં ખરડો પસાર કરવામાં આવ્યો ને પહેલા સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાપીઠના નામે આ યુનિવર્સિટી કાર્યરત થઇ. સ્વતંત્ર ગુજરાતની સરકારે 30 ઓક્ટોબર 1963માં સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી એવા નામને મંજૂર કરીને માન્યતા આપી હતી. આજે આ યુનિવર્સિટી એની અનેક વિદ્યાલક્ષી ને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો તથા વિશ્વવ્યાપી સંશોધનોના કારણે જાણીતી બની છે. હજ્જારો વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં શિક્ષણ લેવા માટે દેશના વિવિધ પ્રાંતમાંથી અહીં આવે છે.
4. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
દક્ષિણ ગુજરાત વિસ્તારની જરુરુયાતને ધ્યાનમાં રાખીને કેટલાય કેળવણીકારો અને નાગરિકોની ઇચ્છા હતી કે સ્વતંત્ર યુનિવર્સિટી હોવી જોઇએ. ખાસ કરીને અતિસુખશંકર ત્રિવેદી જેવાઓએ જાહેર વ્યાખ્યાનો અને લેખો દ્વારા આ મત ઊભો કરવાનું વાતાવરણ રચી આપ્યું હતું. એજ્યુકેશન સોસાયટી, સુરત અને નવસારીનો તો પૂરો સહયોગ હતો જ. આ ઉપરાન્ત મુંબઇ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન એવી આ વિસ્તારની કોલેજો પણ આવું ઇચ્છતી હતી. 38 મેમ્બરની કમિટિએ 1960માં યુનિવર્સિટીના સિદ્ધાંતો, માળખાને લગતો આખરી ડ્રાફ્ટ તૈયાર કરીને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્યને આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર 1965માં આ યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી હતી. ત્રીજી પંચવર્ષિય યોજના દરમિયાન મંજૂરી તો મળી પણ યુનિવર્સટીને પોતાના મકાનો અને ભૌતિક સગવડો માટે ખાસ્સી રાહ જોવી પડી. ચોથી પંચવર્ષિય યોજનાના સમયગાળામાં આ યુનિવર્સિટીના મકાનો બંધાવા શરુ થયા. મુખ્ય વહિવટી કાર્યાલય, લાઇબ્રેરી 1976માં વર્તમાન કેમ્પસમાં ફેરવાયા અને 1977થી 1981 દમિયાન વિવિધ શૈક્ષણિક વિભાગો અત્યારના કેમ્પસમાં ખસેડવામાં આવ્યા હતાં.
દક્ષિણ ગુજરાતની ભૂગોળ અને ઔદ્યોગિક વિસ્તારોને અનુકૂળ એવા અભ્યાસક્રમો આ યુનિવર્સિટીમાં આપવામાં આવે છે. ખાસ કરીને ઇન્ટર ડિસિપ્લીનરી અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ, સમુદ્ર વિજ્ઞાન અને વહાણવટાને લગતા અભ્યાસક્રમ પણ આ યુનિવર્સિટીમાં વિશેષરુપે આપવામાં આવે છે. આર્ટસ,કોમર્સ, સાયન્સ અને શિક્ષણવિદ્યા,મેડિકલ, એન્જિનિયરિગ, વ્યવસાયલક્ષી શિક્ષણના સર્વસામાન્ય વિષયોના સ્નાતક અનુસ્નાતક કેન્દ્રો યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ ઉપરાન્ત અંકલેશ્વરથી શરુ કરીને મહારાષ્ટ્ર સરહદના સરીગામ સુધીના ફલક પર વ્યાપેલી અનેક કોલેજો આ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.
5. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
તા. ૨૩ મે ૧૯૬૭ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના કરવામાં આવી. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ઔદ્યોગિક પાટનગર ગણાતા રાજકોટમાં આ યુનિવર્સિટી આવેલી છે. ૪૧૦ એકરમાં પથરાયેલી આ યુનિવર્સિટીનો વ્યાપ અમરેલી, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપેલો છે. આ યુનિવર્સિટી સાથે ૩૦૦ કોલેજો સંકળાયેલી છે. એમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. આ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર શ્રી ડોલરરાય માંકડ ગુજરાતના નામી શિક્ષણ શાસ્ત્રી તરીકે વિખ્યાત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ૨૬ જેટલા ડિપાર્ટમેન્ટ આવેલા છે. એમાં વિવિધ વિષયોનું અનુસ્નાતક કક્ષાનું અને બિઝનેસ તથા કારકીર્દિલક્ષી શિક્ષણ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેમ્પસનું નવસંસ્કરણ કરવામાં આવ્યું ને હાલ રાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ધરાવતી લાઇબ્રેરી, કેરિયર કાઉન્સલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર, સેન્ટર ફોર વુમન સ્ટડીઝ, બેન્ક, પોસ્ટ ઓફિસ, કેન્ટિન, જિમ્નેશિયમ, પ્રોફેસર્સ ક્વાટર્સ, ક્વાટર્સ ફોર એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, સુંદર ચેક ડેમ, બોટનિકલ ગાર્ડન, આર્ટ ગેલેરી, એડલ્ટ એજ્યુકેશન સેન્ટર, એકેડેમિક સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગેસ્ટ હાઉસ, આયુર્વૈદીક દવાઓના પ્લાન્ટસ, રેડિયો સ્ટેશન અને જ્ઞાનવાણી, વેધર સ્ટેશન, ઇગ્નુનું પ્રાદેશિક સેન્ટર, બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનું પ્રાદેશિક સેન્ટર, વાચનાલયો, વિશાળ વર્ગખંડો, રમતગમતના મેદાનો, હોસ્ટેલ્સ, અત્યાધુનિક સગવડો વાળા મકાનોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
6. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
આ યુનિવર્સિટીની સ્થાપના 1978માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું કેમ્પસ જુદા જુદા ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. ભાવનગર યુનિવર્સિટીમાં વિજ્ઞાન, વિનયન, વાણિજ્ય,એન્જીનિયરીંગ, મેડિસિન, મેનેજમેન્ટ,ગ્રામ્ય શિક્ષણ અને કાયદા વિષયક સંશોધનો અને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં 20 અનુસ્નાતક વિભાગો અને ચાર રેકોગ્નાઇઝ્ડ ઇન્ટિટ્યુટ કાર્યરત છે.
આ ઉપરાન્ત ત્રણ કોલેજો આ યુનિવર્સિટી સાથે જોડાઇને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વિવિધ ફેકલ્ટીઓનું શિક્ષણ આપી રહી છે. એમાંથી સુપ્રસિદ્ધ શામળદાસ કોલેજ એક સો જેટલા વર્ષથી વિનયન શાખાના શિક્ષણ માટે ગુજરાત અને દેશભરમાં વિખ્યાત છે.
શ્રી પી.પી. ઇન્ટિટ્યુટ ઓફ સાયન્સમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ અને સંશોધનકાર્યમાં જોડાયેલી છે.
એમ.જે. કોલેજ ઓફ કોમર્સમાં વાણિજ્ય અને બિઝનેસ એડમિનિસ્ટેશનને લગતું ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક તથા પીએચ.ડી. સુધીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
7. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા – એમ કુલ ત્રણ જિલ્લાઓમાં પથરાયેલી આ યુનિવર્સિટીનું વડુ મથક ગુજરાતના અત્યંત વિખ્યાત એવી મધ્યકાલીન સોલંકી વંશની રાજધાની એવા પાટણમાં આવેલું છે. આ પાટણ જૈન ધર્મ અને ફિલોસોફીનું પણ સદીઓથી કેન્દ્ર રહ્યું છે. ગુજરાતી ભાષાના પહેલા ગણાયેલા સર્જક, વ્યાકરણશાસ્ત્રી હેમચંદ્રાચાર્યજીની કાર્યભૂમિ એવી પાટણ નગરીમાં તા. 11-09-86ના વિધાનસભાના ઠરાવથી આ યુનિવર્સિટી અસ્તીત્વમાં આવી હતી. આ પહેલા આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હતું. શરુઆતમાં 41 કોલેજો આ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. આજે 150થી વધારે કોલેજો અને ઇન્ટિટ્યુટ આ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. પાટણ શહેરના પાદરમાં કુલ 212.50 એકર જેટલી જમીનમાં યુનિવર્સિટીની ઓફિસ, વિવિધ ભવનો, લાઇબ્રેરી, હોલ, હોસ્ટેલ્સના બિલ્ડીંગો તૈયાર થઇ ગયા છે. તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ એવી આ યુનિવર્સિટીનાંથી દર વર્ષે હજ્જારો વિદ્યાર્થીઓ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને સમાજોત્થાનમાં જોડાઇ રહ્યાં છે.
8. ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
1994ના વર્ષમાં સ્થપાયેલી ગુજરાતની પહેલી ઓપન યુનિવર્સિટી આજે દેશભરમાં પ્રચલિત થઇ રહી છે. દૂરવર્તિ શિક્ષણ પ્રણાલીના વિચારને મૂર્તિમંત કરતી આ યુનિવર્સિટી સમાજના એવા કેટલાય વિદ્યાર્થીઓને જ્ઞાનપિપાસુઓ માટે આશીર્વાદ સમી નિવડી છે જે નિયમિત રીતે પ્રત્યક્ષ શિક્ષણ લેવા જવા માટે અસમર્થ છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેનારાં, વ્યવસાય કે અન્ય કોઇપણ કારણસર જે કોલેજોમાં નિયમિત પ્રત્યક્ષ શિક્ષણ લેવા માટે જઇ શકે તેમ નથી. એવા વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી, અને પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ આપવાના વિચાર સાથે શરુ કરવામાં આવેલી આ યુનિવર્સિટી થોડા જ સમયમાં ખુબ લોકપ્રિયતા મેળવી શકી છે. કેમકે, એ વિદ્યાર્થીના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં એના સેન્ટરો બનાવીને આ યુનિવર્સિટી કાર્યરત છે.
9. ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભૂજ
પોતાના આગવા સાંસ્કૃતિક અને ભૌગોલિક વારસાના કારણે દેશ અને દુનિયામાં આગવી ઓળખ ધરાવતો ગુજરાતનો કચ્છ જિલ્લો કુદરતી આફતોની સામે સતત ઝઝૂમીને પણ અડિખમ રહ્યો છે. શિક્ષણ વિના સર્વાંગી વિકાસ શક્ય ન હોવાનું સમજતી ગુજરાત સરકારે કચ્છની પ્રજાની માંગણીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાને સ્વતંત્ર યુનિવર્સિટી આપવા વિધાનસભામાં ઠરાવ પસાર કરીને માર્ચ 2003માં આ યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી હતી. 205 એકરના વિશાળ કેમ્પસની પણ ફાળવણી કરવામાં આવી. કચ્છની ધરતી પર જન્મેલા અને સ્વાતંત્ર્યની ચળવળમાં જેમણે વિદેશમાં રહીને મોટું પ્રદાન આપ્યું હતું એવા ક્રાન્તિગુરુ શ્રી શ્યામજી કૃષ્ણવર્માની સ્મૃતિને કાયમ કરવા આ યુનિવર્સિટીને તેમના નામ સાથે જોડવામાં આવી છે. આધુનિક સગવડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ આ યુનિવર્સિટીના મકાનનો શિલાન્યાસ ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. માત્ર 10 કોલેજો શરુઆતમાં આ યુનિવર્સિટી સંલગ્ન હતી. થોડાં જ વર્ષોમાં આજે 26 જેટલી કોલેજો અને 15000 કરતા વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. આ ઉપરાન્ત 200 કરતા વધારે અધ્યાપકો આર્ટસ, કોમર્સ, સાયન્સ,એજ્યુકેશન, લો, ટેકનોલોજી શિક્ષણ સાથે સંકળાયેલા છે. આ ઉપરાન્ત છ જેટલા વિષયોના પી.જી સેન્ટર યુનિવર્સિટી ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે. ચાર-પાંચ વર્ષના ટૂંકા ગાળામાં આ યુનિવર્સિટીએ વિવિધ આધુનિક સુવિધાઓ ઉપરાન્ત વિદ્યાર્થીઓને વૈવિધ્યસભર કેળવણી મળી રહે તે માટે ટૂંકા ગાળાના કોર્ષ પણ અમલમા મુકીને કચ્છ જિલ્લામાં જ્ઞાન જ્યોતને પ્રજ્જવલિત કરી છે.
10. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
વર્ષોથી સંસ્કૃત યુનિવર્સિટીની ઇચ્છાઓ વિવિધ અગ્રણી વિદ્વાનો દ્વારા કરવામાં આવતી હતી. ખાસ કરીને વલભી જેવી પ્રાચીન સંસ્કૃત વિદ્યાપીઠ જે વિસ્તારમાં હોય ને વચ્ચેના મધ્યકાળમાં એ અસ્ત પામી હોય ત્યારે એવી મહાન પરંપરાને પુનર્ જિવીત કરવાની ઇચ્છા સ્વભાવિક જ પ્રજાને હોય. આવી ઇચ્છાનો પડઘો પાડતી યુનિવર્સિટી એટલે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ. 2005માં આ યુનિવર્સિટી અંગેનો ઠરાવ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો ને આ યુનિવર્સિટીના મંડાણ થયા. ભગવાન સોમનાથની નિશ્રામાં સંસ્કૃતાચાર્યોની પરંપરા પુનઃ જીવિત થાય, સંસ્કૃત ભાષાનું સંવર્ધન, સંશોધન થાય તેવા હેતુથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ,અને સંશોધન અંગેના કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ ઉપરાન્ત એને સંલગ્ન એવા અન્ય પ્રદેશોમાં ચાલતી કોલેજોના અભ્યાસક્રમો ઘડવાથી માંડીને સંચાલનની જવાબદારી આ યુનિવર્સિટી વહન કરી રહી છે. જ્યોતિષ, કર્મકાંડ જેવા ટૂંકા ગાળાના અને રોજગારલક્ષી અભ્યાસક્રમો પણ આ યુનિવર્સિટી દ્વારા મુકવામાં આવ્યાં છે.
વ્યક્તિ વિશેષ
ડોલરરાય માંકડ
ગુજરાતમાં કેળવણીનો પ્રકાશ ફેલાવવામાં ડોલરરાય માંકડનું નામ અગ્ર હરોળમાં લેવાય છે. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1902ના રોજ કચ્છના નાના બંદર એવા જંગી ગામમાં થયો હતો. પિતાનું મૂળ વતન તો જામનગ જિલ્લાનું જોડિયા ગામ. જોડીયામાં પ્રાથમિક અને મિડલ શિક્ષણ આલ્ફ્રેડ હાઇસ્કુલ, રાજકોટમાં લીધા પછી ઉચ્ચ શિક્ષણ તેમણે જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ઇન્ટર બી.એ. સુધીનો અભ્યાસ કરીને કરાચી ગયા. ત્યાં તેમણે મુખ્ય વિષય ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. અને એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
કરાચીની શારદા મંદિરમાં શિક્ષક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યા પછી ત્યાંની જ ડી.જે.સિંઘ કોલેજમાં તેઓ સંસ્કૃત અને ગુજરાતીના લેકચરર તરીકે જોડાયા. 1947 સુધી ત્યાં અધ્યાપન કર્યા પછી ભારત-પાકિસ્તાનના ભગલા થતાં તેઓ ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઇ પટેલ મહાવિદ્યાલયમાં જોડાયા હતા.
1953માં ડોલરરાયે જામનગર જિલ્લાના અલિયાબાડા ખાતે શૈક્ષણિક સંકુલના સર્જન માટે પ્રવૃત્ત થયા. આ સંકુલમાં સ્કુલથી શરુ કરીને દરબાર ગોપાલદાસ વિનયન કોલેજની સ્થાપના કરી. આ કોલેજના સર્જક, પોષક અને આચાર્ય તરીકે તેમણે ઘણાં વર્ષો સુધી ફરજ બજાવી. ઓગષ્ટ,1966માં તેઓ નવનિર્મિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમાયા. 1970માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મજબૂત સ્થાપન અને વિકાસ માટે પરિશ્રમ કરતાં રહ્યાં. આજીવન વિવિધ ભૂમિકાએ રહીને તેમણે ગુજરાત અને વિદ્યાર્થીના ભવિષ્યની ખબર રાખી છે, ગુજરાતી કેળવણીમાં તેમણે આપેલું યોગદાન અનન્ય છે. ઉમાશંકર જોશીએ તેમને તપસ્વી લોકસેવક વિદ્વાન કહ્યાં છે.
મનુભાઇ પંચોળી
દર્શકનું નામ ગુજરાતમાં મુખ્યત્વે નવલકથાકાર અને સમર્થ કેળવળીકાર તરીકે જાણીતું છે. તેમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે 15મી ઓક્ટોબર 1914ના રોજ થયો હતો. દર્શકનું કાર્યક્ષેત્ર ભાવનગર જિલ્લાનું સણોસરા ગામ રહ્યું છે. દર્શકે વિધિવત્ રીતે તો ધોરણ-9 સુધીનું જ શિક્ષણ લીધું હતું. મીઠાના સત્યાગ્રહમાં જોડાયા પછી તેમણે અભ્યાસ છોડી દીધો. ગાંધીજીના વિચારોથી પ્રેરાઇને તેમણે સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી અને આઝાદી પછીના ગાળામાં ગાંધીજીના વિચારોને કેન્દ્રમાં રાખતી બૂનિયાદી કેળવણીનો પ્રત્યક્ષ પ્રયોગ કરવા જાણીતા શિક્ષણશાસ્ત્રી નાનાભાઇ ભટ્ટ સાથે તેમણે અંબ્ભા અને સણોસરામાં નોંધપાત્ર કામગીરી આજીવન બજાવી. એમને અનેક રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના સન્માનોથી સન્માનવામાં આવ્યાં હતા. વિધિવત ઓછું શિક્ષણ લીધેલા આ શિક્ષણશાસ્ત્રીને યુનિવર્સિટી દ્વારા ડિ.લિટ્ની ઉપાધિ પણ એનાયત કરવામાં આવી હતી. અધ્યાપનથી માંડીને અનેક સંસ્થાઓના સ્થાપન, વિકાસ, પ્રેરક તરીકે ભૂમિકા ભજવનાર દર્શક ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. વિચાર અને એના અમલ માટે સદૈવ તત્પર એવા કર્મઠ શિક્ષણવિદ્ દર્શકનું પ્રદાન ક્યારેય ભૂલી ન શકાય તેવું છે.
છગનભા અને દાસકાકા
ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામમાં જન્મેલા શ્રી છગનલાલ પીતાંબરદાસ પટેલ સમગ્ર ઉત્તર ગુજરાતમાં છગનભાના નામે પ્રસિદ્ધ છે. એક બાજુ ભારત આખામાં સ્વાતંત્ર્યની ચળવળો ચાલતી હતી ત્યારે એ માટેની ભૂમિકા ઘડવા લોકોને વધુને વધુ શિક્ષિત કરવા જરુરી હતા. એ કામ ઉપાડ્યું આ છગનલાલ પટેલે. ખાસ કરીને ગુજરાતમાં પાટિદાર કોમ અનેક કુરિવાજો અને અજ્ઞાનતામાં સપડાયેલી એમને દીશા આપવાનું કામ છગનભાને ફાળે જાય છે. 1918માં સરઢવ ગામે મહેસાણા જિલ્લાના આગવાનોની સભા થઇ અને એમાં કેળવણીની સંસ્થા સ્થાપવાનો ઠરાવ થયો. પછીના સાત આઠ મહિનામાં જ એમણે કડી ખાતે સર્વ વિદ્યાલયનો આરંભ કર્યો. અદમ્ય ઉત્સાહ અને હિંમતપૂર્વક ગામડા ખૂંદી ખૂંદીને બાળકોને ભણવા માટે મનાવ્યા. ફંડ મેળવવા કેટલાય અપમાનો સહન કર્યા પછીએ હિંમત ન હાર્યા. પાંચ બાળકોથી શરુ કરેલી આ સંસ્થામાં આજે હજ્જારો બાળકો અભ્યાસ કરે છે. આ સંસ્થા કડી છોડીને ગાંધીનગરમાં પણ વિસ્તરી છે ને 2007થી સર્વવિદ્યાલય યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. આજે આ સંસ્થા અનેક વિષયો, અનેક શિક્ષકો,મકાનો,મેદાનોથી માંડીને લાખોની સંખ્યામાં પહોંચે એટલા વિદ્યાર્થીઓની જનની બની ચૂકી છે.- કર ભલા, હો ભલાનું સૂત્ર એમની સાથે વણાઇ ગયું છે.
પુરુષોત્તમદાસ પટેલ –દાસકાકા-નો જન્મ કડીમાં છટ્ઠી સપ્ટેમ્બર 1899ના રોજ થયો હતો. એમના પિતાનું નામ રણછોડદાસ અને માતાનું નામ કાશીબા હતું. પ્રાથમિક શિક્ષણ કડીમાં લીધા પછી અમદાવાદની આર.સી. હાઇસ્કુલ અને ગુજરાત કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ લઇને વકીલાત શરુ કરી. આર્થિક સ્થિતી પહેલેથી જ નબળી, વળી વકીલાત પણ બરાબર ચાલી નહી, પણ એ સમયે એમનો ભેટો થઇ ગયો છગનભા સાથે. જાણ જીવનની દીશા જ બદલાઇ ગઇ. સમાજસુધારણા, પત્રકારત્વ,રાજકારણ, ખેતી અને કેળવણી સાથે એ જીવનભર સંકળાયેલા રહ્યાં. ખાસ કરીને ગાંધીનગર શાખાને મજબૂત કરવામાં એમણે ખૂબ જહેમત ઊઠાવી હતી. છગનભાઇ જોયેલ સ્વપ્નને વાસ્તવમાં સિદ્ધ કર્યું હોય તો આ દાસકાકાએ. આજે ગાંધીનગરની સર્વવિદ્યાલય કેમ્પસમાં જ 21000 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યાં છે
શ્રી ભાઇલાલભાઇ અને ભીખાભાઇ
વલ્લભવિદ્યાનગર જેવા વિદ્યાધામના શિલ્પી એવા આ બંને સાચા અર્થમાં વિશાળ સ્વપ્રનો જોનારાં, ભાવિ પેઢીઓ માટે મથાનારા કર્મશીલ મહાપુરુષો હતા. 1946ની સાલમાં ભાઇકાકા અને ભીખાભાઇએ વલ્લભ વિદ્યાનગરની સ્થાપના માટે જમીન શોધવા બાકરોલ ગામે ગયા ને ખેડૂતોને જમીન દાનમાં આપવા રાજી કર્યાં. ત્યાં જ એક ઝૂંપડી બનાવીને બંને રહ્યાને સૌથી પહેલું કામ તેમણે વિઠ્ઠલભાઇ પટેલ મહાવિદ્યાલય બાંધવાની યોજના હાથ ધરી. બિરલા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી 25 લાખ રુપિયાનું દાન મળતા એમણે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની સ્થાપના કરી. 16-6-1948ના રોજ આઝાદ ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટનના હસ્તે તે કોલેજનું ઉદઘાટન કરવામાં આવ્યું. આમ આ બંનેએ સેવેલ સ્વપ્ન આજે તો જગવિખ્યાત વિદ્યાધામ તરીકે જાણીતું છે.
સંદર્ભ :
- મહાત્મા ગાંધીજી, યંગ ઇન્ડિયા-4-12-64
- વિઠ્ઠલદાસ ન. કોઠારી., કેળવણી વડે ક્રાન્તિ, નિવેદન, પૃ-4
- વડોદરા પ્રાન્ત સર્વસંગ્રહ
- ઇતિવૃત પૃ.30-32
- વિધાનસભાના રજિસ્ટરની નોંધ પ્રમાણે.
- ઇતિવૃત. પૃ-32
- એમ.એન.કોલેજની સ્થાપના અને વિકાસ. લે. રાજેન્દ્ર આઇ.ઓઝા. પૃ. 1-5.
- અહીં, મુખ્યનો અર્થ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ તેમજ મેડિકલ,એન્જીનિયરિંગની પરંપરાગત યુનિવર્સિટીઓ અભિપ્રેત છે. નિરમા યુનિ. કે પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રેટ્રોલિયમ યુનિ. વગેરે વિશેની વાત આ લેખના કાર્યક્ષેત્રમાં લીધેલ નથી.
- વિવિધ યુનિવર્સિટીઓની વેબ સાઇટ પર ડિસેમ્બર-2008 સુધીમાં મુકાયેલી માહિતીઓ અનુસાર.
- વડોદરા પ્રાન્ત સર્વસંગ્રહ