પાણીની દીવાલ
ખુશાલિયા ક્યાં ગયો તું ? સાલ્લા હંમેશ સાથે લઈ આવે છે ને પછી હાથ છોડાવીને ચાલ્યો જાશ. તને તો ખબર છે કે હું એકલો રહી શકતો નથી. તેંમાંય આ ગાઢ જંગલ ! બાપ રે! આવડી ઊંડી ખીણ ? આ કોતરો, અને વેલી-વેલાથી છવાયેલાં ઝાડ, છળી ઉઠેલાં પંખીઓંના ચિત્કાર ! દિશા સુઝતી નથી. આ ખુશાલ ક્યાં ગયો હશે ?
- ખુશાલ..લ..લ...લ...લ..લ..
અરે! મારા ગળાને શું થયું ? અટલું બળ કરીને બૂમ પાડું છુ તોય અવાજ કેમ નીકળતો કેમ નથી ? અહીં આવ્યા પછી આ બધું શું થવા માંડ્યું છે ? ખુશાલ ક્યાં છો તું ?
હવે મારું શું થશે ? ક્યાંક્થી કોઈ જંગલી જાનવર આવી ચડશે તો ? મને તો ઝાડ પર ચડતાંય નથી આવડતું. અને આવડા ઉંચા ઝાડ પર તો ચડતાંય બીક લાગે. કેટલા મોટા મધપૂડા લટકે છે. શી ખબર કેવા કેવા ઝેરી સાપ હશે આ જંગલમાં !
સાપ ! ! !
લે યાદ કરતાંની સાથે હાજર ! આ ચાલ્યો આવે કાળોતરો. ભાગું ? ભાગીશને પાછળ દોડશે તો ? ખુશાલ કહેતો હતો કે કેટલાક સાપ ઉડે. આ સાપ ઉડી શકતો હશે ? હાશ ! પાછો વળી ગયો. હું ક્યારેય આ જંગલમાં આવ્યો નથી. આ ખુશાલિયો સાલ્લો સાંઢ, પોતે એકલો ક્યાંય જાય નહીં. મને સાથે લઈ આવે ને પછી પુછાય ન કરે. હવે કદી એની સાથે ન આવું.
- એય નવલા આમ આવ. ત્યાં શું ઊભો છો પાળિયાની જેમ !
કઈ બાજુથી ખુશાલનો અવાજ આવ્યો ? શી ખબર ક્યાં લપાઈને બેઠો હશે. એક તો ધોળા દિવસે અંધારા જેવું લાગે છે. એય ખુશાલ ક્યાં છો તું ?
- ઉપર.. ઉપર જો..
મારો બેટો આ ખુશાલ ઝાડ પર ક્યારે ચડી ગયો ? એની સાથેતો બીજુંય કોઈક છે. આ લાલ ઓઢણી ને લીલો ચણિયો ? અરે ચંદા અહીં ક્યારે આવી ? અમારી સાથે તો ન હતી. સાલ્લી કેવી બેઠી છે હેં ! જાણે ડાળ પર હોલી બેઠી હોય
- ખુશાલ મારાથી એટલે ઉંચે નહીં પહોંચાય.
- તો જા ઘેર.
- પણ તમે નીચે આવો ને. મને બીક લાગે છે.
- ના, નીચે નથી આવવું. પેલું તળાવ હમણાં જ તુટવાનું છે. ઉપર આવી જા તો બચી જઈશ. તણાઈ જઈશ તો લાશ પણ નહી મળે. મળશે તો કોઈ ઓળખી નહીં શકે. કીડા પડશે માંયલી કોર. બચવું હોય તો ઉપર આવી જા.
રડવું આવે છે.આ ઝાડ તો કેવડુંય ઉંચું છે. ચડી નહીં શકાય. ખુશાલિયો ખોટાડો છે. જાણે સહદેવનો દીકરો. તળાવ એમ કંઈ તુટતું હશે. ને તુટે તોય પાણી આ બાજુ થોડું આવે, આ બાજુ તો ઉંચાંણ છે.
- નવલા ઉપર આવવું છે કે મરવું છે ?
- ખુશાલ ટોપા ન દે. તળાવ ભરાયું જ ક્યાં છે તે ફાટે.
- એય,ટેંણી. લપ મૂક ને ઉપર આવી જા. તને ખબર ન પડે. તળાવ તુટશે એટલે તુટશે. હું કહું છું ને બસ.
- પણ વગર પાણીએ?
- એ તળાવ છે ને તે........ ચાલ જવા દે તને ખબર નહીં પડે. તુ ઉપર આવી જા. ભાઈબંધ છો એટલે કહું છું.
આ ખુશાલિયો ઝાડ ઉપર ચડાવ્યા વગર છોડશે નહીં. ચડું બીજું શુ ? ખુશાલ હું ઉપર આવું છું.
- હા. શાબાશ !બરાબર પેલી ડાળખી ને પકડ. અરે પકડ નહીંતર પડી જઈશ. ઉપર તરફ બળ કર. તારા કરતાં તો આ જીગરવાળી છે કે અહીં સુધી પહોંચી આવી.
હાશ ! !
- સાલ્લા આટલે ઉંચે તે ચડાતું હશે ? અરે ! વાહ ! અહીંથી તો બધુંય દેખાય છે.આપણું ગામ, સીમ, ખેતરો, તળાવ બધું જ દેખાય છે. પણ આ ચંદા મોઢું ઢાંકીને કાં બેઠી છે ?
- એના આજે લગ્ન થયા છે એટલે. એણે મોઢું ઢાંક્યું નથી બબુચક, ઘૂંઘટ કાઢ્યો છે. પણ તને ખબર ન પડે.
- એય ચંદા મોઢું બતાવ. હું તો તારો ભાઈ છું ને ?
- એમ ? લે મને ખબરેય નથી. નવલા તેં એને બેન ક્યારે બનાવી હેં ? તો લે જોઈ લે મોં.
- ખુ....શા....લ.... આ ચંદા નથી. આ ચંદા નથી. આ ચંદાની લાશ છે. જો, જો એની ચામડી સાવ સુકાઈ ગઈ છે. લોહી ઉડી ગયું છે. તું આ મરેલીને ઉપર કઈ રીતે લઈ આવ્યો?
- નવીન તું હવે મને ભાભી કહીશ ને ?
- અરે ! આ તો અસ્સલ ચંદાનો અવાજ છે. પણ ચંદા તું.. ચંદાડી તું તો.......
- એય.. ગાંડા, તું મારો લાડલો દિયર છો ને ? આમ તો જો. જો મારું મોં તો જો.
ચંદાનો હાથ એકદમ ઠંડો ! જાણે તાજું તોડેલું ચીભડું. લીસ્સું લીસ્સું. પણ ચંદા આ રીતે હાથ ફેરવે એ મેં આજે જાણ્યું. આવડી મજા આવે ? ચંદાની બંગળી ગળાને અડકેને કંઈક થાય છે. ચંદા આવી ક્યારેય ન્હોતી. શું લગ્ન થઈ ગયા એટલે બદલી ગઈ? એની પાતળી પાતળી આંગળીઓ, કાનમાં ચમકતા કાંપ, ગળાના હાડકા પરનું તલ, ગાલ પર ત્રોફાવેલું છુંદણું ! ચંદા આટલી સરસ છે ! એના ગાલ કેવા લાલ થઈ રહ્યા છે. કદાચ લગ્નને લીધે આવું થતું હશે. પણ ચંદાનું પોલકું તો ફાટેલું છે. બરાબર ત્યાં જ. ગોરો ગોરો વળાંક દેખાઈ રહ્યો છે. જાણે મગની નાની ઢગલી. પાછી હસે છે કેવી ! પેલ્લા આવું ન્હોતી હસતી. આ ખુશાલિયો તળાવને જ જોઈ રહ્યો છે. શું કે’તો તો એ ? તળાવ ફાટશે.બાપાનું વાણ ! તળાવ તે એમ ફાટતું હશે. પીરાણું તળાવ છે.
- ખુશાલ તું કહેતો હતો ને કે તળાવ ફાટશે. પણ વગર વરસાદે ?
- નવલા તને ખબર ન પડે. ચુપ બેસ.
- પણ તું કહે તો ખબર પડે ને.
- એ તળાવમાં ગયા દુકાળ વખતે એક કુકર્મ થયું છે.
- કુકર્મ એટલે ?
- એટલે જ કહું છું તને ખબર ન પડે. તું બેસીને જોયા કર. જોજે હમણાં તળાવનું પાણી ઉપર ચડવા માંડશે.પછી પાળ પરથી છલકાઈને વહેવા માંડશે. પાળ ઝાઝી વાર ટકી નહીં શકે.
- ચંદા આ ખુશાલિયો કેવા ટોપા મારે છે નહી ? અરે ! ચંદા તું રડે છે કાં ? જવાબ દે ને ચંદા તુ શા માટે રડે છે ?
- એને રડવા દે નવલા. એ ભલે રડે.
- ખુશાલ તું મને કે’તો ખરો આ બધું શું છે. સાલ્લા હું હવે તારી સાથે કદી નહીં આવું. તું મને બીવરાવશ. ચંદા તમારા બેય સાથે મારા કીટ્ટા. હું જાઉં છું.
- હવે બેસને જાવાવાળી. નીચે ઉતરીશ તો તણાઈ જઈશ.
- તો મને એ તળાવવાળી વાત કહે.
- એ તળાવમાં છે ને તે એક નાના છોકરાને, મતલબ તાજા જન્મેલા છોકરાને એની માએ જીવતો દાટી દીધો છે. એ છોકરો અત્યારે જાગશે. એ પાતાળ તોડી નાખવાનો છે. પાતાળનું બધું પાણી ઉપર આવશે. આ ગામ, મંદીર, ઘર બધું તણાઈ જશે. આપણને ત્રણને કાંઈ નહીં થાય. આપણને ખબર છે એટલે.
- હેં ? તો મારા બાપા, મા, ભાઈ, બેન એ બધા ?
- બધા મરી જવાના. જો નવલા. પાણી ઉપર ચડી રહ્યું છે. દેખાય છે તને ? જો તો ખરો પાણી કેવું ચમકે છે.
- હેં ! હા મારું બેટું ગજબ કેવાય. ખુશાલ તને ખબર હતી તો તારે બધાને કહી દેવું જોઈએ ને. હાલ આપણે હડી કાઢીને ગામમાં જઈને બધાને કહી દઈએ.
- કોઈને કાંઈ નથી કહેવું. ભલે મરતા બધા. પાણી ઓસરી જશે પછી આપણે ત્યાં જઈશું. નવેસરથી ગામ વસાવશું. હું બે ઝુંપડી બનાવીશ. એકમાં તું રહેજે. એકમાં હું ને ચંદા રહેશું.
પાણી ખરેખર ઉંચે ચડી રહ્યું છે. ચંદાની આંખોમાં બીક દેખાય છે. લે એણે તો મારો હાથ પકડી લીધ. એની બંગળી તડ અવાજ સાથે તુટે છે. ચંદાની આંખો પહોળી થાય છે. ખુશાલિયો રાજી થાય છે. જો નવલા જો. તળાવ છલકાવા માંડ્યું છે. જોજે હમણાં જ પાળ તુટી સમજ. તમે બેય ડરતા નહીં.આપણને કાંઈ નહીં થાય. ખુશાલ રાક્ષસની જેમ હસે છે. આખું ગામ ખલાસ થઈ જવાનું છે ને એને હસવું આવે છે. બિચારી મારી મા... આ ચંદાની વિધવા મા.....
- નવલા તળાવ તુટયું. ખુશાલિયો કિકિયારીઓ પાડે છે.
- ખુશાલ મારી મા મારા નામની ચીસો પાડતી હશે. એ મારા વગર મરી પણ નહીં શકે. મને જાવા દે. ચંદા ચાલ આપણે ભલે તણાઈ જઈએ. ચાલ આપણે હાલ્યા જઈએ. બધા મરી જશે તો આપણે બચીને શું કરશુ ?
ભયંકર વેગથી તળાવનું ડહોળું પાણી ધસ્યે જાય છે. જાણે કોઈ ભેખડ દોડતી જાય છે. મારગમાં જે આવે તેને ઘસડતી જાય છે. તળાવ ખાલી જ થતું નથી. જેટલું પાણી વહી જાય છે, એટલું જ પાતાળમાંથી નીકળી રહ્યું છે. ખુશાલિયો સાચો હતો. પણ એને એવડી ક્યાંથી ખબર ? કોનું હતું એ છોકરુ ? પેલી તરફ ગામમાંથી બુમરાડ ઉઠી છે. પાણી આ તરફ પણ આવી રહ્યું છે. આ ઝાડ ઉખડી પડશે તો ? ખુશાલિયો આવડો રાજી શેનો થાય છે સાલ્લો નમક હરામ. એને ખબર નથી કે આખું ગામ તણાઈ રહ્યું છે. અને આ ચંદા મને શા માટે વળગી પડી છે. એને ઓચિંતું કેવું ગાંડપણ સુઝ્યું છે. એના ગળા પર આછો આછો પરસેવો વળવા લાગ્યો છે. કાન પાસેની રુંવાટી ઊભી થઈ ગઈ છે. એની ઓઢણી ખસી ગઈ છે. ખુલ્લી લીસ્સી પીઠ વચ્ચેથી જાણે સાંકળો ધોરિયો. ઉપરથી છેક નીચે સુધી..... અરે! અરે ! એક તરફ મરવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તને આ શું સુઝ્યું છે ? અને તેય ખુશાલની સામે જ..
- નવલા પકડજે આ પાણી આવ્યુ.
- ચંદા પકડજે.ચંદા સંભાળ ઝાડ નમે છે.
- નવીન, મારા નવીન તું.....
- ઓહ ! ચંદા તેં આ શું કર્યું ? તેં ખુશાલને ધક્કો મારી પાડી દીધો ? હવે ખુશાલ બચશે નહીં.
- નવીન, એય ગાંડા. આખો તો ખોલ. ક્યાં છે પાણી? બધું એમને એમ જ છે. જો પેલું આપણું તળાવ, આપણું ગામ, આપણાં ઘર. કોઈ તળાવ નથી તુટ્યું. ચાલ હું તો નાનપણ થી તારી વાટ જોઉં છુ.
ઓહ ! નો.
બારીમાંથી તડકો આવે છે. આ ભાદરવોય કાંઈ તપ્યો છે ને. સાલ્લું ગળામાં તિરાડ પડી જાય તેવી તરસ લાગી છે. પાણી ! ક્યાં છે પાણી ? ઓહ ! આ ભીંતો પરથી હવે પોપડા ખરવા માંડ્યા છે. મકાન મરામત માગે છે. વર્ષો જૂની ખુરશીઓ, સનમાયકા ઉખડી ગયેલું ટેબલ, પાછળ રહી જતું ઘડિયાળ, આઉટ ઓફ ડેટ થઈ ગયેલી ચીજ વસ્તુઓ... ઝાંખો થઈ ગયેલો ફોટો... રોજ નાં આ દ્શ્યો !
આંખો કેમ ફાટી ગઈ છે ? કોઈ બિહામણું સપનું નથી જોયું ને !
- ચંદા ક્યાં ગઈ ?
- હેં ? કોણ ચંદા ? ઊંઘમાં તો નથી ને ?
- ચંદા.. ઓહ નીપા... નીપા ક્યાં ગઈ ? પાણી આપ. ગળુ સુકાઈ રહ્યું છે. એક માટલું ઉપર રાખતાં શું થાય છે ?
- તે માણસ પંખો તો ચાલુ કરે. આ પંખો શું શોભા સારું રાખ્યો છે ! તમારા સાહેબનો ફોન હતો. હમણાં જ બોલાવ્યા છે.
-હા પણ નીપા ક્યાં ગઈ ? તને કેટલીય વાર કહેલું છે કે, એ ક્યાં જાય છે એનું ધ્યાન રાખતી જા. અને સાહેબને એમ ન કહી દેવાય કે બહારગામ ગયા છે.
- મને શું ખબર કે એવું કહેવાનું હશે. ઠીક છે, પગાર થયો ?
- તું ચા બનાવ એટલામાં કદાચ થઈ જશે.
- જાઉં છું.એમા વડચકા શેને ભરો છો ?
- આ સાહેબ,જાડિયો સાલ્લો !
કરે એક ને ભરે બીજો. ઉપરથી રોજની ધમકીઓ. આમ કરો, તેમ કરો. રાતે દિવસે ગમે ત્યારે હાજર થાવ. થાકી જતા હો તો નોકરી મુકી દયો. સરકાર મફતનો પગાર નથી આપવાની સમજ્યા ? બીપી વધી જતું હોય એનું આ ખાતામાં કામ નથી. આ સહી તમારી જ છે ને ? આ રીપોર્ટ તમારો જ છે ને ? હવે દેજો જવાબ !
- પણ સાહેબ કોઈ મારી સહી કરી નાખે તો મારે શું કરવું ?
- એ બધું સાબિત કરવું પડે, કાયદા અને સજાઓની તમને ખબર જ હશે. કે એય મારે કહેવું પડશે ?
ઓહ ! આ બધું !ચંદા.. ચંદા.. ક્યાં છો તું ? અને ક્યાં છે આપણું ઝુંપડું ? આપણું ગામ ?
માવજી માહેશ્વરી, સારંગ, મહાદેવ નગર ૧૯૯/૬, અંજાર, કચ્છ. મોબાઈલ ફોન નં. ૯૮૨૫૭૨૫૫૯૬ E mail - hemmrug@yahoo.co.in