સાહસકથાઓ, વિજ્ઞાનકથાઓના મહાનસર્જક ફ્રેન્ચ લેખક જૂલે વર્નની કથાઃ બાઉન્ટિનો બળવો
જૂલે વર્ન એટલે અભૂતપૂર્વ-અપૂર્વ અને અદભુત કથાઓના સર્જક. વિશ્વભરની ભાષાઓમાં એમની કેટલીએ કથાઓના અનુવાદો થયાં છે. આપણે ત્યાં પણ ગુજરાતીમાં મુળશંકર મો.ભટ્ટ દ્વારા એમની કેટલીક કથાઓના અનુવાદ થયાં છે. ત્યાર પછી નાયકબંધુઓએ એ અનુવાદની પરંપરા જાળવી રાખી. રહસ્ય-રોમાંચ, સાગરના જહાજી સાહસો, વૈજ્ઞાનિક કથાઓ, ઐતિહાસિક અને ભવ્ય લોકજીવનને આલેખતી ભવ્ય કથાઓના સર્જક જૂલે વર્ન બાળકથી માંડી વૃદ્ધો સુધીના વાચકોને એકી બેઠકે વાંચવા મજબૂર કરે એવું ગતિવંત આલેખન કરનારાં લેખક છે.
મારો સ્વાનુભવ જણાવું તો અગીયાર વર્ષની ઉમરે પહેલી વાર જૂલે વર્નની ‘સાગરસમ્રાટ’ કથા વાંચી...ત્યાર પછી એમની કથાઓનો વ્યસની કહી શકું એટલી હદે પ્રેમમાં પડી ગયો. અનુવાદ દ્વારા એમની કથાઓ વાંચતો ગયો. કેટલીએ વાર એવું બન્યું છે કે, ગ્રંથાલયમાં કોઈ પુસ્તક શોધવા મથતો હોય ને અચાનક જ જૂલે વર્નની કોઈ પણ કથા હાથ લાગી જાય- પછી ભલે ને તે પહેલા વીસ-પચ્ચીસ વાર કેમ ન વાંચી હોય.! છતાં પેલું શોધતો હોય તે પુસ્તક સાઈડમાં રહી જાય, અગત્યનું કામ કરતો હોય તે પણ સાઈડમાં રહી જાય અને ઊંઘ પણ પાછી ઊડી જાય..! એ કથાને ફરી ફરીને વાંચી ન જાઉં ત્યાં સુધી આરામથી સુવાનું હરામ થઈ જાય. આજે તો મારા પર્સનલ સંગ્રહમાં ગુજરાતી-હિન્દી અનુવાદો પડ્યા છે. એટલે ચિત્તને મનગમતો ખોરાક હાથ વગો બની ગયો છે.
મારો આ અનુભવ આપની સમક્ષ મુકવામાં જાતને રોકી નથી શક્યો એટલું ખેંચાણ તો છે જ, સાથે આનંદ એ વાતનો છે કે એ મહાન લેખક જૂલે વર્નની એક નવી જ (આપણા માટે નવી) લઘુકથા કે કથા હપ્તાવાર આ સામયિકમાં પ્રકાશિત કરવા જઈ રહ્યાં છીએ. એના અનુવાદક છે સુરત શહેરના યુવાન અને ઉત્સાહી લેખક શ્રી જીગર શાહ. આ પહેલા તેમણે ‘ડોલ્ફિન’ નામની આ લેખકની રચનાને ગુજરાતીમાં પુસ્તકરૂપે અનુદિત કરીને પ્રકાશિત કરેલ છે. અન્ય ત્રણ લઘુકથાઓ ટૂંક સમયમાં પ્રકાશિત થનાર છે.
આશા છે, ગુજરાતી વાચકોને ખાસ કરીને બાળકો, કિશોરો અને રસિક વાચકોને અમારો આ પ્રયાસ ગમશે.
તમારા અભિપ્રાય-પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ..
નરેશ શુક્લ
અનુવાદકની નોંધ
જૂલે વર્નના લેખનની વાત આવે એટલે સામાન્ય રીતે તેના વાચકોને વિજ્ઞાનની કલ્પનાઓ આધારિત કથાઓ, જહાજી સાહસો, ભૌગોલિક, ઐતિહાસિક અને વિવિધ દેશોના લોકજીવન અને સંસ્કૃતિ સંબંધી સૂક્ષ્મ વર્ણનો જેવી બાબતો યાદ આવે છે. પણ જે બાબતનો ઉલ્લેખ મેં વાચકો-વિવેચકો દ્વારા ભાગ્યે જ થતો જોયો છે તે તેના ધૂની કહી શકાય તેવાં પાત્રોની. તેની મોટાભાગની કથાઓમાં વિજ્ઞાનને કે અન્ય સાહસને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની લીધું દાવ પર લગાડી દેનારાં પાત્રો તેના લેખનની એક આગવી વિશિષ્ટતા ગણાવી શકાય. એની લગભગ દરેક કથાઓમાં આવાં ધૂની પાત્રો એક સામાન્ય બાબત છે. આવાં પાત્રો દુનાયાથી અલિપ્ત થઈ પોતાના વિચારોમાં સતત ડૂબેલાં રહે છે. (પ્રકાશિત થનાર પુસ્તકની પ્રસ્તાવનામાંથી)
આ કથા એક સત્યઘટના પર આધારિત છે. પેસિફિકમાં આવેલા નાનકડા ટાપુ પિટકર્ન પર સૌ પ્રથમ વસાહતીઓ કેવી રીતે પહોંચ્યા એ અંગે બનેલી એક બળવાની ઘટનાને આ કથામાં આવરી લેવાઈ છે.
આ બાઉન્ટિનો બળવોની ઘટના આધારિત એક ફિલ્મ પણ હોલિવૂડમાં –મ્યુટિની ઓફ બાઉન્ટિ-નામે બની છે. બાઉન્ટિના કેપ્ટન બ્લિઘે આ ઘટના આધારિત પુસ્તક મ્યુટિની ઓફ બાઉન્ટિ પણ લખ્યું હતું. જે જૂની ક્લાસિક સાહસકથાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. કથા અંગે વધુ રસભંગ ન કરતાં આપ એને વાંચી લેશો. (પત્રમાંથી)
જીગર શાહ
બાઉન્ટિનો બળવો
પ્રકરણ-1
પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધની રાતનો સમય હતો. દરિયો શાંત હતો. પવનની એક લહેરખી પણ અનુભવાતી ન હતી. આકાશ પણ સ્વચ્છ હતું. આસમાનમાં તારાઓ ઝગમગી રહ્યાં હતાં. રાત્રી હવે પૂરી થવા આવી હતી. ચંદ્રનો પ્રકાશ પણ નવા દિલના આગમન સાથે ઝાંખો થઈ રહ્યો હતો. ખુલ્લા શાંત દરિયાની વચ્ચે બાઉન્ટિ જહાજ મધ્યમ ગતિએ પોતાની મંજીલ તરફ આગળ વધી રહ્યું હતું.
બાઉન્ટિ બસો પંદર ટન વજનનું બ્રિટીશ જહાજ હતું. 23 ડિસેમ્બર 1887ના રાજ તેના છેંતાલીસ નાવિકો સાથે એ પોતાની સફરે નીકળ્યું હતું. એનો કેપ્ટન બ્લિઘ અનુભવી નાવિક હતો. કેપ્ટન કૂકની છેલ્લી સફરના સાથી તરીકે તેણે ફરજ બજાવી હતી. સ્વભાવે તે તોછડો, અતિશય જિદ્દી તેમજ ગરમ મિજાજનો માણસ હતો.
બાઉન્ટિની સફરનો મુખ્ય ઉદ્દેશ તાહિનીના ટાપુ સમુહમાં થતાં, નવા પ્રકારના બ્રેડ-ફ્રૂટ[1] ના રોપાઓ એકઠા કરી, તેને અન્ય બ્રિટીશ સંસ્થાનોમાં પહોંચાડવાનો હતો. ત્યાંના ગુલામ મજૂરોના ખોરાક માટે આવાં ફળોનો ઉપયોગ થતો હતો.
માતાવાઈની ખાડીમાં લાંબા સમયના રોકાણ દરમિયાન કેપ્ટન બ્લિદો આસપાસના ટાપુઓ પરતી આવા ફળોના વૃક્ષોના રોપાઓ મોટી સંખ્યામાં એકઠાં કર્યાં હતા. તે લઈ હવે તેઓ મધ્ય એટલાન્ટિકના વેસ્ટ ઈન્ડિઝના સંસ્થાનો તરફ ઉપડવાના હતા. એ સફર ઘણી લાંબી હતી. સફર દરમિયાન વચ્ચે વતા એક નાનકડા ટાપુ પર તેમણે રોકાવાનું નક્કી કર્યું હતું. ત્યાંથી પ્રસ્થાન બાદ હાલમાં તેઓ ખૂલ્લા દરિયામાં હતા.
શંકાશીલ અને ક્રોધી સ્વભાવનો કેપ્ટન બ્લિઘ એના હાથ નીચેના તમામ અધિકારીઓ અને નાવિકો સાથે અત્યંત નિષ્ઠુર અને અમાનુષિ વર્તન કરતો હતો. પ્રથમ અદિકારી સાથે પણ તેનો વર્તાવ જોહુકમીભર્યો હતો. જહાજમાં તેમની વચ્ચે નાની-નાની બાબતોમાં મતભેદો સર્જાતા. મોટાભાગના અધિકારીઓ અને નાવિકો એની વિરૂદ્ધ થઈ ગયા હતા. બધા એનાથી એટલા ત્રાસી ગયા હતા કે, બળવાનું જોખમ લઈને પણ એના શાસનનો અંત લાવવા આતુર હતા.
28મી એપ્રિલ 1789ના મળસ્કે બાઉન્ટિના તૂતક પર ભેદી હિલચાલ થઈ રહી હતી. કેટલાક નાવિકો એકઠા થયા. તેઓ અંદરો-અંદર ગુસપુસ કરી રહ્યાં હતા. બહુ લાંબી ચર્ચા કરવાને બદલે થોડા શબ્દોમાં જ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી બધા છૂટા પડ્યાં. ખરેખર શું બનવા જઈ રહ્યું હતું...?
‘મિત્રો, ધ્યાન રાખજો કે આ કાર્ય આપણે અત્યંત ગુપ્તતાથી પાર પાડવાનું છે.’ બાઉન્ટિના દ્વિતીય અધિકારી ફ્લેચર ક્રિશ્ચિયને કહ્યું- ‘બોબ, તારી પિસ્તોલ લોડ કરી દે. પણ હું આદેશ આપું નહીં ત્યાં સુધી ગોળી ન ચલાવતો. ચર્ચિલ, કેપ્ટનના દરવાજાનું લૉક તોડવા કુહાડી લઈ લે. અને બીજી એક વાત ધ્યાનમાં રાખજે, મને એ જીવતો જોઈએ...’
બારેક જેટલા અન્ય વિદ્રોહી નવિકો સાથે પ્લેચર ક્રિશ્ચિયન ધીમે ધીમે કેપ્ટનની કેબિન તરફ આગળ વધ્યો. કેપ્ટનની કેબિન પહેલાં બોટ્સવાન સ્ટુવર્ટની અને જહાજના અન્ય ઉચ્ચ અધિકારી પિટર હેયવૂડની કેબિનો હતી. બંનેની કેબિનની બહાર ફ્લેચરે બે વિદ્રોહી નાવિકોને સંત્રી તરીકે તહેનાત કર્યાં. જેથી કેપ્ટનને પકડતાં તેઓ મદદે આવી ન શકે. ફ્લેચર કેપ્ટનની કેબિનના દરવાજાની બહાર જઈ ઊભો રહ્યો.
‘ચાલો સાથીઓ... આ દરવાજો તોડી નાંખો...’ બધા નાવિકોના ભેગા પ્રયાસે દરવાજાને પહેલા ધક્કે જ તોડી નાંખ્યો. બધા નાવિકો કેબિનમાં ઘૂસી ગયા.
કેબિનમાં અંધારું હતું. ઝડપથી બધા અંદર ઘૂસી ગયા હતા. પણ કોઈને કંઈ દેખાતું ન હતું. અંધારામાં બધા આમતેમ ફાંફાં મારવા લાગ્યા. કેપ્ટન તેમને ક્યાંય નજરે ચઢતો ન હતો.
‘કોણ છે ? ધમાચકડી શેની મચાવી છે. કોની આટલી હિંમત છે કે મારી કેબિનમાં વગર સંમતિએ ઘૂસી આવે.?’ ઊંઘમાંથી જાગી ગયેલો કેપ્ટન ગુસ્સામાં એના પલંગ પરથી ઊભો થયો.
‘શાંતિ રાખ કેપ્ટન...બ્લિઘ.’ ચર્ચિલ બોલ્યો. ‘ચૂપચાપ તું તારી જાતને અમારે હવાલે કરી દે. કોઈ પણ ચાલાકી કરવાની કોશીશ કરી છે તો મારા હાથમાંની પિસ્તોલની ગોળી તારી સગી નહીં થાય.’
‘કેપ્ટન તારે કપડાં પહેરવાની પણ કોઈ જરૂર નથી.' –બોબે ઉમેર્યું. ‘તને જહાજના કૂવાથંભ પર ફાંસીને માચડે લટકાવશું. ત્યારે તારું આ ઉઘાડું તંદુરસ્ત શરીર વધું શોભશે.’
‘ચર્ચિલ, તેના હાથ પીઠની પાછળ બાંધી દે અને તૂતક પર લઈ આવો.’- ફ્લેચરે આદેશ આપ્યો.
‘આ જુલ્મીને એવી સજા કરો કે તેના અન્ય મળતિયા નાવિકો માટે પણ તે નમૂનારૂપ બની રહે.’- જ્હોન સ્મિથ નામના એક નાવિકે ગુસ્સો ઠાલવ્યો.
જહાજના મોટાભાગના નાવિકો હજી જાગ્યા પણ ન હતા. તેમની કોઈપણ જાતની પરવા કર્યા વિના કેપ્ટનને ઘસડીને તૂતક પર લાવવામાં આવ્યો.
ફ્લેચર ક્રિશ્ચયન તરફી નાવિકો દ્વારા થયેલા બળવાના પહેલા ચરણમાં તેઓ સફળ રહ્યા હતાં. જહાજનો કેપ્ટનનો જીવ તો તેમના કબજામાં આવ્યો હતો.
તૂતક પર થઈ રહેલી ચહલ-પહલના કારણે કેટલાક નાવિકો અને જહાજના ઉચ્ચ અધિકારીઓ જાગીને ત્યાં આવી ગયા હતા. શું બની રહ્યું છે ? તેનો તેમને કંઈ પણ ખ્યાલ આવતો ન હતો. બળવો થયાનું તેમને ભાન થયું તો પણ શસ્ત્રો અને યોગ્ય આગેવાનીના અભાવમાં તેઓ કંઈ પ્રતિકાર કરી શકે તેમ ન હતું. તૂતક પર બની રહેલી ઘટનાના તેઓ માત્ર મૂક પ્રેક્ષક બની રહ્યાં.
અર્ધ નગ્ન અવસ્થામાં, બંધાયેલી સ્થિતિમાં, કેપ્ટન તૂતક પર પડ્યો હતો. બધાની નજર તેના પર હતી. એક સમયે તેના એક અવાજથી બધા કાંપતા હતા. તે જ નાવિકનો અત્યારે તે બંદીવાન હતો.
‘કેપ્ટન બ્લિઘ..’ ફ્લેચરે તુચ્છકારથી કહ્યું.- ‘હું તને કેપ્ટનના હોદ્દા પરથી બેદખલ કરું છું. હવે આ જહાજનો નવો કેપ્ટન હું છું.’
‘હું તારી આવી કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી.’- કેપ્ટને ઉદ્દંડતાથી કહ્યું.
‘નકામો વિરોધ કરી મારો સમય બરબાદ ન કર’ - કેપ્ટનને ઉતારી પાડતાં ફ્લેચર બોલ્યો, ‘મારા એકલાનો નહીં, બાઉન્ટિના તમામ નાવિકોનો નિર્ણય છે. આપણે ઈંગ્લેન્ડથી નીકળ્યાં ત્યારથી અત્યાર સુધી મેં અને બીજા નાવિકોએ ઘણી વખત અમારી તકલીફો બાબતે તને ફરિયાદ કરી. તેનો યોગ્ય જવાબ તો શું, તેં તેને ધ્યાનમાં લેવાની પણ તસ્દી ક્યારેય લીધી નથી. અમારી સાથે તેં હંમેશા હિંસક અને ઘૃણાભર્યું વર્તન કર્યું છે. શું અમે તારા પાલતું કુતરા છીએ કે જ્યારે ઈચ્છે ત્યારે તું અમારું અપમાન કરે...? બદમાસો, દુષ્ટો, જૂઠ્ઠા, ચોર જેવા ઉતરતી કોટીના શબ્દો સિવાય તેં અમને ક્યારેય સંબોધન નથી કર્યું. તેમ છતાં અમે તારું બધું સહી લીધું. અમારી સાથેનું તારું વર્તન ક્યારેય માનવીય કહી શકાય એવું રહ્યું નથી. કઈકાલે તો તેં તારી ક્રૂરતાની હદ કરી. હું તારો સાથી, દેશવાસી, તારી આગેવાની હેઠળ મેં બે દરિયાઈ સફરો ખેડી છે. તારા કુટુંબીઓ સાથે પણ મારા સંબંધ છે. આવા ગાઢ સંબંધ છતતાં કેટલી નાની બાબતમાં કાલે તેં મને ગુનેગાર ઠરાવ્યો. કાદ ટોપલી ફળોની ચોરીનો તેં મારા પર આરોપ મૂક્યો. મારી એક વાત પણ તેં સાંભળી નહીં. નજીવી કિંમતના ફળો માટે તેં મને જહાજના ભંડકીયામાં કેદ કર્યો. અને ત્યારબાદ ચોવીસ કોરડા ફટકારવાની સજા કરી. પણ હવે બહુ થયું. આ દુનિયામાં બધાએ પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે. અમારી સાથે તેં બહુ અમાનવીય વહેવાર કર્યો છે. મિ. બ્લિઘ..હવે અમારો વારો છે...! છેલ્લા દોઢ વર્ષથી વારંવાર થતાં અમારાં અપમાન, અન્યાય, ખોટા આરોપો અને તેની સજારૂપે અમે ભોગવેલા માનસિક અને શારીરિક ત્રાસની ખૂબ મોટી કિંમત તારે ચૂકવવી પડશે. તારા આ ગુનાઓનો ચુકાદો બધા નાવિકોના નિર્ણય ઉપર જ છે. તને તારા અપરાધ બદલ દોષિત ઠરાવવામાં આવે છે...મારા આ નિર્ણય બાબતે તમારું શું માનવું છે, મારા સાથીઓ...?’
‘હા, એ જાલીમને જલદીથી મોતની સજા કરો...હા... એ ગુનેગાર છે આપણો...મૃત્યુદંડ..!.મૃત્યુદંડ..!’ મોટાભાગના નાવિકો એક સાથે કેપ્ટનની વિરૂદ્ધમાં બોલવા લાગ્યા.
‘કેપ્ટન બ્લિઘ..’ ક્શ્ચિયન ફ્લેચરે કહ્યુઃ ‘ઘણા નાવિકોએ તને આગળના કૂવાથંભ પર સમુદ્ર અને આકાશની વચ્ચે ફાંસી આપવાનું સૂચવ્યું છે. જ્યારે કેટલાક તેને ચાબૂકના એટલા ફટકા મારવા ઇચ્છે છે કે જ્યાં સુધી તારો દુષ્ટ આત્મા તારા શરીરને છોડી જતો ન રહે. પણ તને ત્રાસદાયક મોત આપવા માટે મેં જૂદી જ સજા વિચારી છે. અને આ ગુનામાં તું એકલો જ ગુનેગાર નથી. તારા આદેશોનો અમલ કરનાર અને તારી હા માં હા પૂરાવી તારી ચાંપલૂસી કરનાર તારા સાથીઓ પણ એટલા જ ગુનેગાર છે. તારી સાથે એમને પણ સજા મળવી જ જોઈએ. હું તને આ અફાટ સમુદ્રમાં, એક નાનકડી નૌકામાં, તારા પાલતુ કૂતરાઓ સાથે છોડી દેવા માગું છું. આ વિશાળ સમુદ્રમાં ભૂખે અને તરસથી તડપી-તડપીને મોતને ભેટે એ જ તારે માટે યોગ્ય સજા છે. હવે પવનની દિશા જ તમારા જીવનની ગતિ નક્કી કરશે. જહાજ ઉપરની મોટી બચાવનૌકાને દરિયામાં ઉતારવામાં આવે.’
ક્રિશ્ચિયન ફ્લેચરના નિર્ણયથી વિદ્રોહી નાવિકોમાં ગણગણાટ થવા લાગ્યો. તો ફ્લેચરના નિર્ણયથી નાખુશ હતા. કોઈ પણ ભોગે નાવિકો કેપ્ટનને જીવતો છોડવા ઈચ્છતા ન હતા. ફ્લેચરની ઇચ્છા કેપ્ટનને વધુ તડપાવીને દર્દનાક મોત આપવાની હતી. પણ કેપ્ટનનો અંત પોતાની નજર સમક્ષ જ આવે તેવું નાવિકો ઈચ્છતા હતા. ફ્લેચરના નિર્ણયનો કેપ્ટનના ચહેરા પર કોઈ ભય દેખાયો ન હતો. તે બોલ્યો-
‘નાવિકો અને જહાજના ઉચ્ચાધિકારીઓ..!’ હજી પણ તેના અવાજમાં કેપ્ટનના રૂઆબનો પડઘો હતો.- ‘રોયલ નૌકાદળના એક ઉચ્ચ અધિકારી અને આ જહાજના કેપ્ટન તરીકે તમારા આ વર્તાવની હું સખત ટીકા કરું છું. જહાજ પરની કોઈ પણ તકલીફોની ફરિયાદ માટેનો આ રસ્તો અયોગ્ય છે. જો સાચા અર્થમાં તમને જહાજ પર કોઈપણ તકલીફ હોય કે મારા નિર્ણયો સામે વાંધો હોય તો તેની ફરિયાદ તમો સફરના અંતે લશ્કરી ન્યાયાલયમાં કરી શકો છો. પણ મારી સામે વિરોધનું આ કૃત્ય અવિચારી અને મૂર્ખતાભર્યું છે. આ રીતે કેપ્ટન પર હુમલો કરી જહાજ પર કબજો મેળવવો એ કાયદાની ભાષામાં બળવો છે. જહાજ પર બળવો કરવો એ રાજદ્રોહ છે. રીતે તમે પોતાને વતન ક્યારેય પરત ફરી શકશો નહીં. કાયદાની નજરમાં તમે ગુનેગાર પૂરવાર થશો. તમારી સાતે દરિયાય ચાંચીયાઓ જેવો વ્યવહાર થશે. તેમને કરાતી સજા તમને પણ થશે. આ માર્ગે હાલમાં કે પછી અપમાનજનક મોત સીવાય બીજું કંઈ હાંસિલ નહીં થાય. ઈતિહાસમાં પણ તમે વિશ્વાસઘાતીઓ અને બળવાખોરો તરીકે જ ઓળખાશો. તમારા કેપ્ટન તરીકે, તમારું કર્તવ્ય ફરી યાદ કરાવતાં તમને હુકમ આપું છું કે, તમારી ફરજ પર પાછો ફરો...’
‘અમને ખબર છે કે અમે શું કરી રહ્યાં છીએ...અને આ માર્ગ અમને ક્યાં લઈ જશે.’ ચર્ચિલે કહ્યું.
‘કેપ્ટનને સજા કરો....સજા કરો...’નકામી ચર્ચામાં વેડફાતો સમય બળવાખોર નાવિકોને પસંદ ન હતો. કેપ્ટનની સજાનો જડપથી અમલ કરવા માટે બધાએ એકસાથે નારા લગાવ્યાં.
‘તમારી નજરોમાં હું તમારો ગુનેગાર છું તો જેવી તમારી ઈચ્છા...પણ મારા ગુનાઓની સજા માત્ર મને કરો...મારા અન્ય સાથીઓને નહીં. તેઓએ મારા હુકમોનો અમલ માત્ર ફરજના ભાગરૂપે કર્યો હતો...તેઓ મારાં કૃત્યો માટે ગુનેગાર નથી.’
અન્ય સાથીઓને સજામાંથી મુક્તિ આપવાની કેપ્ટનની આજીજી બળવાખોરોના હ્યદયમાં કોઈ દયા જન્માવી શકી નહીં.
ક્રિશ્ચિયનના હુકમનો અમલ કરવામાં આવ્યો. જહાજની સૌથી મોટી બચાવનૌકાને પાણીમાં ઉતરવા માટે તૈયારી શરુ કરવામાં આવી.
બળવાખોરો વચ્ચે એક બાબતનો વિવાદ હજી ચાલુ જ હતો. કેટલાક, કેપ્ટન અને તેના સાથીઓને જહાજ પર જ મોતને ઘાટ ઉતારવાના પક્ષમાં હતા તો કેટલાક તેમને ખોરાક પાણી વગર મધ્ય સાગરમાં ભૂખ્યા તરસ્યા છોડી દેવા ઈચ્છતા હતા. જ્યારે કેટલાકે તેમને થોડો ઘણો ખોરાકનો જથ્થો આપવાની તરફેણ કરી.
જે નાવિકોએ બળવામાં સાથ આપ્યો ન હોય અને તટસ્થ રહ્યાં હોય તેવા નાવિકોને પણ ચર્ચિલ અને અન્ય કેટલાક તેના સાથીઓને કેપ્ટન સાથે મધ્ય દરિયે છોડી દેવા ઈચ્છતા હતા. બળવામાં સાથ નહીં આપનારને પણ ચર્ચિલ ગુનેગાર સમજતો હતો. ચર્ચિલ પણ કેપ્ટનના જુલ્મોથી પીડીત હતો. તાહિનીમાં તેને ફટકારવામાં આવેલા ચાબૂકના ફટકાઓનું દર્દ તેની પીઠ પર હજી શમ્યું ન હતું. તે ફ્લેચર કરતાં પણ વધારે ગુસ્સામાં લાગતો હતો.
‘હાવર્ડ, હાલેટ, ’ ચર્ચિલના મત તરફ ધ્યાન આપવાના બદલે પોતાનો નિર્ણય લેતા ફ્લેચર આગળ બોલ્યો. ‘નૌકામાં ચાલ્યા જાવ’
‘મેં તારું શું બગાડ્યું છે કે, તું મારી જોડે આવું વર્તન કરી રહ્યો છે. મહેરબાની કરી મને આવા કરૂણ મોતના મુખમાં ન ધકેલ’ હાવર્ડે આજીજી કરતા કહ્યું.
‘હવે આવા પસ્તાવાનો કોઈ અર્થ નથી. તને ક્હ્યું તેમ કર. નહીં તો મારે તારી સાથે બળજબરી કરવી પડશે. હાવર્ડ, તેની સાથે ફ્રેયર તું પણ...’
નાવિકો નૌકા તરફ જવાના બદલે કેપ્ટન બ્લિઘ તરફ આગળ વધ્યા. બધામાં સૌથી આત્મ વિશ્વાસમાં જણાતો ફ્રેયર ધીમેથી બોલ્યો.
‘કેપ્ટન, તમે જહાજ પર પુનઃ કબજો મેળવવા પ્રયત્ન કરવા માગો છો...., મને ખબર છે કે, બળવાખોરોનો સામનો કરવા આપણી પાસે શસ્ત્રો નથી. પણ તેના સીવાય મને બીજો કોઈ ઉપાય દેખાતો નથી. તેમનો સામનો કરવામાં આપણામાંથી કેટલાક માર્યા પણ જાય...પણ તેનાથી શું ફેર પડે છે..? તેમને તાબે થવામાં પણ આપણે મરવાનું જ છે. આપણે આ રીતે હાર માની લેવા કરતાં એક પ્રયત્ન તો કરી શકીએને... આ બાબતે તમારું શું માનવું છે...?’
બચાવ નૌકાને દરિયામાં ઉતારવાની તૈયારીમાં વ્યસ્ત બળવાખોરો સામે બાથ ભીડવાની કેપ્ટન અને તેના સાથીઓ તૈયારી કરી રહ્યાં હોવાની ગંધ ચર્ચિલને આવી ગઈ. તેણે કેટલાક વધુ સશસ્ત્ર બળવાખોરોને કેપ્ટન અને તેના સાથીઓ સામે તૈનાત કરી દીધા. અને જડપથી તેમને નૌકામાં ઉતારવા હુકમ કર્યો. સામો પ્રતિકાર થવાની શક્યતા જણાતાં એક પછી એક નાવિકોને બળજબરીથી નૌકામાં ઉતારવામાં આવ્યાં.
‘મિલવર્ડ, મુસપ્રાટ્ટ, બિરકેટ અને તમે બધા પણ...’ બળવામાં ભાગ નહીં લેનારા કેટલાક નાવિકોને ઉદ્દેશીને ક્રિશ્ચિયન બોલ્યો. ‘પેલી નૌકામાં લઈ લો. મોરીસન આ બધા પર નજર રાખ આ લોકો કંઈ ચાલાકી ન કરે. પરસેલ તું પણ...તને હું તારા સુથારી કામનો સામાન સાથે લઈ જવાની છૂટ આપું છું. તેને હું તારા સુથારી કામનો સામાન સાથે લઈ જવાની છૂટ આપું છું...તેને ઉઠાવ અને નૌકામાં જા.’
બે ધ્વજથંભો તેમના સઢ સાથે, તેને ખોડવાના ખીલા, કરવત, સઢ માટે વપરાતા કાપડના ટૂકડા, ચાર નાના પીપડા (જે દરેકમાં ચોવીસ ક્વોર્ટ[2] પાણીના હતા.), એકસો પચાસ પાઉન્ડ[3] બિસ્કીટ, બત્રિસ પાઉન્ડ મીઠાંમાં સૂકવેલું ડુક્કરનું માંસ, છ બોટલ વાઈન, છ બોટલ રમ, કેપ્ટનની વાઈન પેટી વગેરે જેવા સાધન સરંજામ અને ખોરાકી પૂરવઠો પણ તેમને લઈ જવા દેવામાં આવ્યો.
તેમને બે-ત્રણ જૂની તલવારો પણ આપવામાં આવી. પરંતુ કોઈપણ પ્રકારનો દારુગોળો કે અગ્નિસામક વસ્તુઓ આપવામાં ન આવી.
‘પિટર હોયવૂડ અને સ્ટુવર્ડ ક્યાં છે... ?’ કેપ્ટન બ્લિઘે નૌકામાં જતાં પૂછ્યું. ‘શું તેઓએ પણ મારી સાથે દગો કરી બળવાખોરોનો સાથ આપ્યો છે...’
કેપ્ટનના માનીતા બંને સાથીઓએ તેની સાથે દગો કર્યો ન હતો. પણ તેમને કેપ્ટન સાથે નહીં મોકલવાનો ફ્લેચરે નિર્ણય લીધો હતો. તે તેમને જહાજ પર સાથે જ રાખવા માગતો હતો.
નિર્વાસનનો સમય આવી ગયો. કેપ્ટન બ્લિઘના ચહેરા પર ભય સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. અફાટ સમુદ્રમાં નાનકડી નૌકા સાથે જીવતા બચવાની કોઈ સંભાવના જણાતી ન હતી.
‘ક્રિશ્ચિયન..’ કેપ્ટન નિરાશ થઈ બોલ્યો. ‘ હું તને ભૂતકાળમાં બનેલી ઘણી દુઃખદ ઘટનાઓ ભૂલી જવા અને અમને આવી ભયાનક સજામાંથી મુક્તિ આપવા આજીજી કરું છું...! મારું નહીં તો મારી પત્ની અને પરિવારનું તો તું વિચાર... જો હું આવા કરુણ મોતને ભેટીશ તો તેમનું શું થશે...? હું તારી સામે દયાની ભીખ માગું છું..’
‘તારામાં દયા જેવી કી લાગણી હોય તો તારે આ દિવસ ક્યારેય ન જોવો પડેત. તેં માત્ર તારી પત્ની અને તારા પરિવારથી આગળ વધી બીજાની પત્ની અને પરિવારો વિશે વિચાર્યું હોત તો તેં ક્યારેય અમારી સાથે આવું અમાનવીય વર્તન ન કર્યું હોત. તું આવા અકાળ અને ભયાનક મોતને જ લાયક છે.’
કેપ્ટન સાથે અન્ય નાવિકે પણ ક્રિશ્ચિયન ફ્લેચર સમક્ષ દયાની ભીખ માંગી. તેમને માફી આપવા આજીજી કરી પણ તે બધું વ્યર્થ હતું. ફ્લેચર કોઈપણ ભોગે પીગળે તેમ ન હતો.
‘મેં પણ તમારા જુલ્મો બહુ સહ્યા છે.’ ફ્લેચર નિષ્ઠુરતાથી બોલ્યો.. ‘મારા પર વીતાવવામાં આવેલ અસહ્ય ત્રાસને તમે ક્યાંથી સમજી શકશો. આખા પ્રવાસ દરમિયાન મારા પર ગુજારાયેલા અત્યાચારના તમે બધા પણ ગવાહ છો. ..ત્યારે તમે ક્યારેય મારે પક્ષે સહાનુભૂતિ નથી દાખવી. આ જહાજનો હું દ્વિતીય અધિકારી ! તમે મારી સાથે કૂતરા જેવું વર્તન કરતા હતા. પણ મને તેમાંથી મુક્તિનો મોકો મળી ગયો છે. આ ધિક્કારપાત્ર કેપ્ટનનું મોઢું હું ક્યારેય જોવા નથી ઈચ્છતો...પણ હું તમારા પર એક દયા કરું છું. તમને બચવા માટે એક તક આપવા માંગું છું...સ્મિથ, કેપ્ટનની કેબિનમાં જા. તેનાં કપડાં, તેની કેપ્ટન તરીકેની સનદ્, તેની જર્નલ, તેની અન્ય નોંધપોથીઓ વગેરે વસ્તુઓ લઈ આવ. તેમને મારી સમુદ્રી નકશાપોથી અને મારું સેક્સ્ટન્ટ[4]’ પણ આપી દે. કેપ્ટનને પોતાને અને તેના સાથીઓને આ ગોઝારી સ્થિતિમાંથી બચવાની હું એક તક આપું છું.’
બળવાખોર નાવિકોની ઈચ્છા ન હોવા છતાં ક્રિશ્ચિયનના આ હુકમનો પણ અમલ કરવામાં આવ્યો.
‘મોરીસન...નૌકાને પાણીમાં ઉતાર..’ બાઉન્ટિના નવા કેપ્ટને હુકમ કરતાં કહ્યું. ‘તેઓ હવે, ભગવાન ભરોસે છે.’
કેપ્ટન બ્લિઘ અને તેના બદકિસ્મત સાથીઓને બળવાખોર નાવિકોએ વિજયી નારાઓથી વિદાય આપી. બદલાની ભાવનામાં ભભૂકતો ક્રિશ્ચિયન પણ જહાજના કઠેડા પાસે ઊભો ઊભો નીચે ઉતારવામાં આવી રહેલી નૌકાને જોઈ રહ્યો હતો. તેની નજર ક્ષણભર પણ તેના પરથી ખસતી ન હતી.
આ સાહસી અધિકારી, જેમે અનેક કેપ્ટનોની આગેવાનીમાં અત્યાર સુધી ઘણી જહાજી સફરો ખેડી હતી. અને બધા કેપ્ટને તેની પ્રમાણિકતા, શૌર્યની પ્રશંસા કરી હતી. તે ક્રિશ્ચિયન ફ્લેચર જે તેની બદલાની જ્વાળાઓમાં કાર્યનિષ્ઠ નાવિકમાંથી બળવાખોરોનો સરદાર બની ગયો હતો. તેના આ કૃત્યથી તે તેની વૃદ્ધ માતા, તેની પત્ની કે તેના અન્ય સગાસંબંધીઓને ક્યારેય મળી શકવાનો ન હતો. તેના વતનની ભૂમિ પર તે ક્યારેય પગ મુકી શકવાનો ન હતો. હવે તેના રાષ્ટ્ર માટે તે એક દેશદ્રોહી, ચાંચિયો, બળવાખોર હતો. બદલાની ભાવનાના સમુદ્રમાં તે ડૂબી ગયો હતો. અને આખી જિંદગી ભાગેડું જીવન જીવવાનો હતો. એક બહાદુર અને વફાદાર નાવિક તરીકે દરેકની નજરમાં તેના માટે સન્માનની લાગણી હતી, તે બધાની આંખમાં ધિક્કારને પાત્ર બનવાનો માર્ગ તેણે પસંદ કર્યો હતો.
ક્રિશ્ચિયન ફ્લેચરની નજરોમાં ગુનેગાર કેપ્ટન અને તેના સાથીઓને સજા કરવાના ઈરાદાથી તેણે જે માર્ગ પસંદ કર્યો હતો તે તેને અંધકારમય ભવિષ્ય તરફ ઘસડી જવાનો હતો....
(આ રોમાંચક કથાનો વધુ ભાગ આવતા અંકે...)
પ્રકરણ-2. બચાવ નૌકાની સફર.
[1] બ્રેડ-ફ્રૂટઃ ઉષ્ણ કટિબંધના એક ઝાડનું સફેદ ગર વાળું ફળ
[2] ક્વોર્ટઃ આશરે 1 લિટર જેટલું માપ.
[3] પાઉન્ડઃ 1 પાઉન્ડ એટલે 453 ગ્રામ.
[4] સેક્સટન્ટઃ વહાણવટામાં વપરાતું ખૂણા માપવાનું સાધન.
અનુવાદક- જીગર હર્ષદકુમાર શાહ, E-501, સેન્ટપાર્ક સોસાયટી, દેવયશા એપાર્ટમેન્ટ. ગુજરાત ગેસ સર્કલ, અડાજણ, સુરત-395009 ફોન-9426777001 Mail id:- jhs143in@yahoo.co.in