સૌંદર્યમીમાંસા – થોડી પ્રાથમિક ચર્ચા
‘એસ્થેટિક’નો ઇતિહાસ
પ્રાગૈતિહાસિક કાળમાં કલાઓ માટે ‘એસ્થેટિક’ શબ્દનો બહુ ઓછો ક્યાંક ક્યાંક ઉપયોગ થયેલો મનાય છે, તેથી તેનું વસ્તુ, ઉપજ અને ઉપયોગિતા સ્પષ્ટ થયા નથી. તેની ઉત્પાદકતા અને આદાનપ્રદાનતા વિશે પણ અસ્પષ્ટતા જ રહી છે. દુનિયાની મુખ્ય આઠ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ – ઇજિપ્ત, મોસેપોટેમિયા, ગ્રીસ, ચીન, રોમ, ભારત, પર્સિયા અને માયન – ગણાય છે. આ પ્રાચીન સંસ્કૃતિઓની નગરવ્યવસ્થાનો (civilization) થયેલો વિકાસ અને એની કલા કારીગરી માટે ‘Aesthetic’ શબ્દ પ્રયોજાયો હશે. ત્યારબાદ આ શબ્દ માણસની શારીરિક શક્તિઓ અને સુંદરતા માટે વપરાયો છે. માણસનું શરીર સૌષ્ઠવ (શારીરિક બાંધો), તેના વાળ અને આકર્ષક દેખાવ જેવા તત્વો શારીરિક સુંદરતામાં વધારો કરતા હોઇ તેને માટે પણ ‘એસ્થેટિક’ (Aesthetic) શબ્દ ઉપયોગમાં લેવાયો છે.
‘સૌંદર્યમીમાંસા’ એ ‘તત્ત્વજ્ઞાન’ એટલે કે ‘દર્શનશાસ્ત્ર’ની એક શાખા છે. જેને પછી કલાનાં મૂલ્યાંકનનાં માનદંડ તરીકે લાગુ કરવામાં આવી. ‘એસ્થેટિક’ને સામાન્ય રીતે સૌંદર્યનાં સિદ્ધાંત તરીકે પરિભાષિત કરવામાં આવે છે, પણ વિશાળ અર્થમાં તો તે કલાનાં ‘તત્ત્વજ્ઞાન’ કે ‘કલામીમાંસા’ તરીકે જ ઓળખાય છે. એને માટે એવું કહેવાય છે કે, “Aesthetics - a branch of Philosophy dealing with beauty and beautiful.” 18મી સદી સુધી પરંપરાગત રૂપે સૌંદર્યતત્ત્વ તરીકે જ એસ્થેટિકને સમજવામાં આવતું. એની પરિભાષામાં દર્શનશાસ્ત્ર પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પારંપરિક સૌંદર્યશાસ્ત્રએ સાર્વભૌમિક અને કાલાતીત માનદંડો દ્વારા કલાત્મક મૂલ્ય પ્રાપ્ત કર્યું છે. પરંતું 1950 પછી એસ્થેટિકની અવધારણાઓ બદલાઇ. સૌંદર્ય અને એને સંબંધિત અવધારણાઓ વિશેનાં વિચારોનાં સર્વેક્ષણ બાદ સૌંદર્યશાસ્ત્રમાં સૌદર્યાનુભવનું મહત્વ વધ્યું અને સૌંદર્યાત્મક દ્ષ્ટિકોણમાં વિવિધતા આવી. સાહિત્ય અને કલાઓમા એની ચર્ચા થવા લાગી. લલિત કલાઓમાં એને પ્રકૃતિ અને અભિવ્યક્તિની સુંદરતા તરીકે લાગુ કરવામાં આવી. સૌંદર્યમીમાંસામાં પ્રકૃતિ અને સૌંદર્યની અભિવ્યક્તિનું આલેખન થવા લાગ્યું. જેને લીધે એને લલિતકલાઓ સાથે સીધો સંબંધ બંધાયો. સૌદર્યમીમાંસા કલાનાં નિયમો અને સિદ્ધાંતોનું અધ્યયન કરે છે. સૌંદર્યમીમાંસા એ કલાત્મક સત્ય અને સૌંદર્ય શું છે ? તેને રજૂ કરતો વિચાર છે. જેથી એસ્થેટિક માત્ર પરંપરિત તત્ત્વજ્ઞાનની એક શાખા જ ન રહેતા કલા માત્રની ચર્ચામાં એને સ્થાન મળ્યું. આમ, એસ્થેટિકને એક વિશાળ મંચ મળ્યો.
‘Aesthetic’ને ગ્રીકમાં ‘aisthetikos’ કહેવાય છે. જેનો અર્થ ‘esthetic’, ‘sensitive’, ‘sentient’ એવો થાય છે.
જર્મન ચિંતક એલેકઝાન્ડર બુમગાર્ટને (Alexander Baumgarten) 1735માં જર્મનીમાં ‘Asthetik’ એવો ‘aesthetics’ ની સાથે મેળ ખાતો નવો જ અર્થ આપ્યો.
એસ્થેટિકને લગતી કેટલીક વ્યાખ્યાઓ આ પ્રમાણે છે.
“Aesthetics is a branch of philosophy dealing with the nature of beauty, art, and taste, and with the creation and appreciation of beauty.” (Merriam-Webster Dictionary online)
Aesthetics as “critical reflection on art, culture and nature.” (Kelly-P.9, 1998)
ઇમ્મેન્યુએલ કાન્ટે કહ્યું છે, “સૌંદર્ય એ નૈતિકતાનું એક પ્રતિક છે.” (Beauty is a symbol of morality.) એટલું જ નહીં એણે એમ પણ કહ્યું છે, “પ્રકૃતિનો આનંદ લેવો એ સારી આત્માનું નિશાન છે.” (The enjoyment of nature is the mark of a good soul)
ભારતીય સૌંદર્યમીમાંસા
ભારતમાં ‘Aesthetics’ની ચર્ચા ખાસ કરીને તાત્ત્વિક ધોરણે થઇ છે. આપણે ત્યાં ‘Aesthetics’ની વિચારણાનાં મૂળ પ્રાચીન તત્ત્વજ્ઞાનમા રહેલા છે. ત્યારપછી વિવિધ કલાઓ–શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત અને સાહિત્ય-મા આ શબ્દ પ્રયોજાયો છે.
‘Aesthetics’ ને સમજવા માટે આપણો ‘સત્યમ્, શિવમ્ અને સુંદરમ્’નો તાત્ત્વિક વિચાર સર્વશ્રેષ્ઠ છે. ‘સત્યમ્, શિવમ્ અને સુંદરમ્’નું પોતપોતાની રીતે સ્વતંત્ર મૂલ્ય છે. જેમ કે, “ ‘Sat’ is the truth value. ‘Shiv’ is the good value. and ‘Sundram’ is the beauty value.” માણસ શ્રવણ, મનન અને સાધના દ્વારા એ ત્રણેય આદર્શ મૂલ્યોને પ્રાપ્ત કરી ‘મહાન’ કે ‘પરમ’ બને છે. રવીન્દ્રનાથ ટાગોરને આપણે ‘મહાન’ કહી શકીએ. કારણકે એમના સાહિત્યમાં આપણને ‘સત્યમ્, શિવમ્ અને સુંદરમ્’ના દર્શન થાય છે.
ભારતીય નાટ્ય સાહિત્યમાં ‘ભાવ’ અને ‘રસ’ શબ્દ પ્રયોજાયો છે, તે આ ‘Aesthetics’ નાં સંદર્ભમાં જ વપરાયેલો છે. ‘ભાવ’ અને ‘રસ’ ખરેખર તો સૈદ્ધાંતિક સમજ છે. તે આસ્વાદવાની અને અનુભવવાની વસ્તુ છે. એને યોગ્ય રીતે આસ્વાદીને કે અનુભવીને માણી શકાય. એટલા માટે જ રસવિચારણામાં રસમીમાંસકોએ ‘સહ્રદય ભાવક’ને અગત્યનું સ્થાન આપ્યું છે. ભરત મુનિના મત મુજબ ભગવાને નાટકને ‘પાંચમો વેદ’ કહ્યો છે. ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર’માં નાટકને અનુલક્ષીને છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં કરેલી ‘ભાવ’ અને ‘રસ’ની વિચારણા ‘Aesthetic concepts’ ને રજૂ કરે છે. અથવા એમ કહી શકાય કે ‘Aesthetic concepts’ પ્રમાણે ‘ભાવ’ અને ‘રસ’ની વિચારણા પ્રસ્તુત કરી છે. એમણે આઠ રસો અને એની સંલગ્ન ભાવોને ‘આનંદ’ આપનારા ગણાવ્યા છે. રસ દ્વારા માણસને સૌંદર્યાત્મક અનુભૂતિનો આનંદ મળે છે. આ સૌંદર્યાત્મક અનુભૂતિ થવી એ જ રસ, આનંદ કે ‘Aesthetic Experience’ છે. રસપરંપરામાં અનેક મીમાંસકોએ-ભરત, આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ, જગન્નાથ આદિએ- રસની સાત્વિક અને તાત્ત્વિક વિચારણા કરી છે. જેમાંથી આપણને ‘Aesthetic Experience’ અને ‘Aesthetic distance’ની અનુભૂતિ થાય છે.
પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા
પ્રાચીન ગ્રીસમાં ‘Aesthetic’ શબ્દ વધારે વપરાયો છે. ગ્રીક તત્વચિંતક પ્લેટો(Pleto)એ આદર્શ રાજ્યની કલ્પના કરેલી તેમાં તેણે કલ્પેલા એકસૂત્રતા, એકતા અને સમાનતા જેવા તત્ત્વો જાળવવા ‘beautiful object’ નો વિચાર કર્યો હતો. તો એના શિષ્ય એરિસ્ટોટલે ‘beauty’નાં સાર્વત્રિક સિદ્ધાંત માટે પ્રકૃતિગત અને કલાગત સૌંદર્યની કલ્પના કરી.
સેન્ટ થોમસ એક્યુનસ(Saint Thomas Aquinas)નું ‘Aesthetic’ ખૂબ પ્રખ્યાત અને લેખકોને પ્રેરણા આપનારું છે. 19મી અને 20મી સદીમાં થઇ ગયેલા આધુનિક લેખકો એને અનુસર્યા છે. થોમસ એક્યુનસની એસ્થેટિક અંગેની થિયરી સામાન્ય રીતે એરિસ્ટોટલના ‘Aesthetic elements’ના મોડેલને અનુસરે છે. ઉમ્બ્રેતો ઇકોએ ‘The Aesthetics of Thomas Aquinas’ પુસ્તકમાં એક્યુનસની ફિલોસોફીમાંથી સૌંદર્ય(beauty)નાં ત્રણ તત્વો શોધી બતાવ્યા છે.
(1) Integritas sive perfectio. (અખંડતા)
(2) Consonantia sive debita proportio.(સામંજસ્ય)
(3) Claritas sive splendor formae. (શુદ્ધતા)
જેમાંથી પહેલા બે એરિસ્ટોટલના અને પછીના એક સેન્ટ થોમસના વિચારને પછીના ચિંતકો અનુસર્યા છે.
પશ્ચિમમાં 17મી સદીથી 20 સદી સુધીમાં આધુનિકતાવાદને કારણે સૌંદર્યમીમાંસાક્ષેત્રે ક્રાંતિ થઇ. જર્મન અને બ્રિટિશ ચિંતકોએ કલામાં સૌંદર્યને અને સૌંદર્યાત્મક અનુભવને મહત્વનું સ્થાન આપ્યું. કલામાં સૌંદર્યની મીમાંસા થવા લાગી. એલેકઝાન્ડર બુમગાર્ટને જ્ઞાન, વિજ્ઞાન અને તર્ક દ્વારા તો ઇમ્મેન્યુએલ કાન્ટે માનવીય સત્ય અને ન્યાય દ્વ્રારા સૌંદર્યાનુભવની વાત કરી. ફ્રેન્ડરિચ સ્કીલરે માનવીય પ્રકૃતિના એક ભાગ તરીકે સૌંદર્યને સ્વીકાર્યું છે. આમ, પશ્ચિમમાં ફ્રેન્ડરિચ વિલિયમ જોસેફ સ્કેલીંગ, ફ્રેન્ડરિચ વોન સ્લેગલ, ઓગષ્ટ વિલ્હેમ સ્લેગલ, જ્યોર્જ વિલ્હેમ ફ્રેન્ડરિચ હેગલ વગેરેએ ઇ.સ.1800માં ‘Philosophy of Art’માં પોતાનાં વ્યાખ્યાનો દ્વારા ‘Modern Aesthetic’ ની ચર્ચા કરી છે.
હેગલ, આર્થર શોપનહોવર, એન્થોની એસ્લે કૂપર, જેમ્સ જોયસ, ઓસ્કર વાઇલ્ડ આદિએ પણ તત્ત્વજ્ઞાન, કલા અને સૌંદર્યમીમાંસાની વિસ્તારથી ચર્ચા કરી છે. હેગલે જણાવ્યું છે કે, “Art is the first stage in which the absolute spirit is manifest immediately to sense-perception, and is thus an objective rather than subjective revelation of beauty.” (Aesthetics-wikipedia-p.6)
1904માં જેમ્સ જોયસે ‘પ્રોટ્રેટ ઓફ ધ આર્ટીસ્ટ’મા પ્રગટ કરેલા નિબંધો અને વાર્તાઓ દ્વારા એસ્થેટિકની વાત કરી છે, તો ઓસ્કર વાઇલ્ડે કહ્યું છે, “ Aestheticism is a search after the signs of the beautiful. It is the science of the beautiful through which men seek the correlation of the arts. It is, to speak more exactly, the search after the secret of life. (Oscar wilde, By Richard Ellman P-159, Pub. Alfred A Knopf, INC,1988)
વિલિયમ હોગાર્થે (William Hogarth) ‘Beauty Consists’ માટે છ બાબતો મહત્વની ગણાવી છે.
(1) Fitness of the parts to some design.
(2) Variety in as many ways as possible.
(3) Uniformity, regularity or symmetry, which is only beautiful when it helps to preserve the character of fitness;
(4) Simplicity or distinctness, which gives pleasure not in itself, but through its enabling the eye to enjoy variety with ease;
(5) Intricacy, which provides employment for our active energies, leading the eye on “a wanton kind of chase”;
(6) Quantity or magnitude, which draws our attention and produces admiration and awe.(Aesthetics-Wikipedia, the free encyclopedia-P.7)
તત્ત્વજ્ઞાની ડેનીશ ડ્યુટને(Danis Dutton) ‘Human Aesthetics’ની છ ‘Universal Signatures’ (વૈશ્વિક ઓળખ) શોધી બતાવી છે.
(1) Expertise or Virtuosity
(2) Non utilitarian pleasure
(3) Style
(4) Criticism
(5) Imitation
(6) Special focus of Experience (Denis Dutton’s ‘Aesthetic Universals’, summarized by Steven pinker in ‘the blank slate’)
આમ, પ્રાચીનકાળથી આજ સુધી સૌંદર્યમીમાંસાએ -પહેલા તત્ત્વજ્ઞાનની એક શાખા તરીકે અને ત્યારબાદ કલા-સાહિત્યક્ષેત્રે -સારી એવી પકડ મેળવી છે. આધુનિક અને અનુ-આધુનિક યુગમાં તો અનેક સર્જકો-ચિંતકો-મીમાંસકોએ સૌંદર્યમીમાંસાની વ્યાપકપણે ચર્ચા-વિચારણા કરી છે.
સંદર્ભ :-
ડૉ. હિમ્મત ભાલોડિયા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી આર્ટસ્ એન્ડ કોમર્સ કૉલેજ, કડોલી, હિમ્મતનગર. જિ. સા.કાં.