‘દલો ઉર્ફે દલસિંહ’ અને ‘તલાશ’ દલિત વાર્તામાં સામાજિક-આર્થિક સંઘર્ષ : એક તુલનાત્મક અધ્યયન
દલિત સાહિત્ય કોણ રચી શકે એ મુદ્દો મહત્ત્વનો જરૂર છે, પણ એથી વિશેષ જરૂરી મુદ્દો દલિત સાહિત્ય આંદોલનને મજબૂત અને આગળ વધારવાનો છે. ડૉ. આંબેડકરની વિચારધારા દલિત સાહિત્ય આંદોલનની આધારશિલા છે. ડૉ. આંબેડકરની વિચારધારાની પૃષ્ઠભૂમિમાં મહાત્મા જ્યોતિબા ફુલે અને તથાગત બુદ્ધ રહેલા છે. આમ, દલિત સાહિત્યની એક સમૃદ્ધ પરંપરા બને છે. આ સમૃદ્ધ પરંપરાને આગળ ધપાવનાર દલિતસાહિત્ય છે. દલિતસાહિત્ય દલિત સમાજની વાસ્તવિક ભૂમિકાને સ્પષ્ટ રૂપે આલેખે છે તો બીજી તરફ અમાનવીય પ્રવૃત્તિને જાકારો પણ આપે છે. દલિત સાહિત્ય કોઈપણ રચે, દલિતસાહિત્યને કોઈ વાંધો નથી પણ દલિત સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવતાં લેખકો કલમ ઉપાડે છે ત્યારે તેનો કોઈક ઉદ્દેશ્ય હોય છે. આ ઉદ્દેશ્ય તે ડૉ. આંબેડકરનો દલિત સમાજને આપેલો આખરી જીવન સંદેશ :
“मैं सारा जीवन अपने विरोधियों और अपने ही उन मुट्ठीभर लोगों से लड़ता रहा हूँ, जिन्होंने अपने स्वार्थी उद्देश्यों के लिए मुझे धोखा दे दिया. मैं बड़ी कठिनाईयों से कारवाँ को वहाँ तक लेकर आया हूँ, जहाँ यह आज दिखाई देता है. कारवाँ को इसकी राह में आने वाली बाधाओं, अप्रत्याशित विपत्तियों और कठिनाईयों के बावजूद चलते रहना चाहिए. अगर वे एक सम्मानजनक और प्रतिष्ठित जीवन जीना चाहते है, तो उन्हें इस अवसर पर अपनी क्षमता दिखानी ही होगी. यदि मेरे लोग, मेरे साथी कारवाँ को आगे ले जाने के योग्य नहीं हैं, तो उन्हें इसे वहीँ छोड़ देना चाहिए, जहाँ यह आज दिखाई दे रहा है, लेकिन उन्हें किसी भी रूप में इस कारवाँ को पीछे नहीं हटने देना चाहिए. मैं पुरी गंभीरता में यह संदेश दे रहा हूँ, जो शायद मेरा अंतिम संदेश हैं और मेरा विश्वाश है कि यह व्यर्थ नहीं जाएगा.”[1]
પોતાનાં અંતિમ શ્વાસ સુધી સમાજની ચિંતા કરનાર બાબાસાહેબ પોતાના સમાજને આ સંદેશ દ્વારા ભવિષ્ય અંગે પણ અંગુલિનિર્દેશ કરતાં જાય છે. તેઓ જાણતા હતા કે દલિતો પર થતાં અન્યાય અને અત્યાચાર આઝાદી પછી પણ ઓછા નથી થવાના માટે તેઓ સતત જાગૃત રહી સમાજનું કાર્ય કરવા માટે આહ્વાન આપતા હતા. તેઓ સ્પષ્ટરૂપે માનતા હતા કે દલિત સમાજમાંથી આગળ આવનાર શિક્ષિત દલિત, સમાજ,સરકાર સામે દેશમાં રહેતા દલિતોની વાસ્તવિક દશા પ્રસ્તુત કરે અને સરકાર પાસેથી મળતી સહાયનો યોગ્ય ઉપાયોગ કરી પોતાનાં સમાજને આગળ લઈ આવે. દલિતોને સંગઠિત કરવા તેમજ તેમને શિક્ષિત બનાવવા માટે ત્રી-સૂત્ર ‘શિક્ષિત બનો, સંગઠિત હો અને સંઘર્ષ કરો’ આપ્યું જે દલિતો માટે આજે પણ પ્રાસંગિક બની રહ્યું છે. પ્રસ્તુત વિષય સંદર્ભે જ્યારે વિચારવામાં આવે ત્યારે સામાજિક-આર્થિક પછી ‘સંઘર્ષ’શબ્દ આવે છે. આઝાદી પછી પણ ગુલામી ભોગવનાર દલિત સમાજ જાગૃત થાય છે અને અવાજ ઉઠાવે છે. જ્યારે તે અવાજ ઉઠાવે અથવા ‘ના’ભણે ત્યારે સવર્ણ અને દલિત સમાજ વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય છે. અહીં ચયનિત વાર્તાઓને સામાજિક-આર્થિક સમસ્યા કે વિષમતા બતાવી અટકી નથી જવાનું પરંતુ સંઘર્ષ સુધી આગળ વધવાનું છે.
ઉપર્યુક્ત વિષય સંદર્ભે દલિત સાહિત્યમાં અનેક વાર્તાઓ મળે છે. પણ અહીં બે વાર્તાઓ લેવામાં આવી છે. સરળ રીતે સમજી શકીએ અને બીજી અન્ય વાર્તાઓના ઉલ્લેખ દ્વારા દલિત સાહિત્યની સમજનો અવકાશ પણ રહે માટે અહીં બે વાર્તાઓને ચયનિત કરી શોધ આલેખ લખવાનો ઉદ્દેશ્ય રહેલો છે. બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે સામાજિક-આર્થિક જ શા માટે ? કારણ કે, એવું પણ બને કે જેમાં આર્થિક સંઘર્ષ ન હોય અને છતાંય તેમાં જાતિવાદી અથવા સામાજિક સંઘર્ષ હોય. તો આવી વાર્તાઓને સ્વાભાવિક રીતે સામાજિક સંઘર્ષ દ્વારા મૂલવવામાં આવે. આ સામાજિક સંઘર્ષની વાત કરતાં એ સ્પષ્ટ કરવામાં આવે કે પ્રસ્તુત વાર્તામાં આર્થિક રીતે સધ્ધર હોવા છાતાં દલિત સમાજની સામાજિક સ્થિતિ બદલાતી નથી અને તેમને આરક્ષણની રૂએ જ જોવામાં અથવા તોલવામાં આવે છે. તેમની પ્રતિભા કરતાં તેમની જાતિ વિશેષની વાત વધુ થાય ત્યારે ‘મનુ’નાશ પામ્યો છે તે કેમ કહી શકાય ?
પ્રસ્તુત વાર્તાઓ ભારતીય દલિત સાહિત્યનાં બે ભાષાનાં પ્રતિનિધિ લેખકોની દલિત વાર્તાઓ છે. ગુજરાતી ભાષાનાં લેખક હરીશ મંગલમ્ અને હિંદી લેખક જય પ્રકાશ કર્દમની વાર્તાઓ ક્રમશઃ ‘દલો ઉર્ફે દલસિંહ’અને ‘તલાશ’છે. ‘દલો ઉર્ફે દલસિંહ’અને ‘તલાશ’વાર્તાઓમાં સામાજિક-આર્થિક સંઘર્ષને કેન્દ્રમાં રાખી આ બંને વાર્તાઓનું તુલનાત્મક અધ્યયન કરવાનો અહીં આશય છે.
‘દલો ઉર્ફે દલસિંહ’વાર્તામાં ગુજરાતના અમદાવાદ શહેરમાં બંધ થતી મિલો અને મિલોના બંધ થવાથી દલિતોની થતી દયનીય સ્થિતિનું વર્ણન છે. દલિત વર્ગ ગામડામાંથી શહેર તરફ વળે છે અને શહેરમાં મિલમજૂર બને છે. મિલમજૂર બન્યા પછી તેની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. પરંતુ સમયની માર, મહાજનોની સ્વાર્થવૃત્તિ, મિલમાલીકોની જોહુકમી વગેરેના કારણે મિલો ટપોટપ બંદ પડે છે. જેની અસર સૌથી વધુ દલિતો પર પડે છે. દલિતોની રોજીરોટી છીનવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં કથાનાયક દલો અને તેનો મિત્ર શિવો પણ ભોગ બને છે. બધું થઇ જવા પછી ખોખલા આશ્વાસનો રહે છે. પણ, જાતિભેદના અંધકારમાં કોઈ રોજગારનો રસ્તો જડતો નથી. જે લોકો મિલોમાં ત્રણ હજારથી વધુ કમાતા હતા તે હવે ફેક્ટરીઓમાં સાતસો જેટલા કમાય છે, અન્ય દલિતોને ગામડાનો રસ્તો લેવો પડે છે, કોઈ વળી મ્યુનિસિપાલિટીમાં સફાઈ કામદાર તરીકે જોડાય છે. દલો આવી દારુણ પરિસ્થિતિમાં પગીની નોકરી શોધે છે પણ દલિત હોવાના નાતે નોકરી મળતી નથી. પત્ની અને બાળકોનું ભરણપોષણ અમદાવાદ જેવા શહેરમાં કેમ થાય ? તેણે મોટી મૂછો રાખી તે દલામાંથી બન્યો ‘દલસિંહ’ અને તેને ફટ દઈને નોકરી મળી. દલસિંહ પોતાની નોકરી ખંતથી કરે છે. પગીની નોકરી હોવા છતાં, તેમજ અન્ય પ્રલોભનો મળવા છતાં દલો ઈમાનદારી અને નિષ્ઠાથી નોકરી કરે છે. પોતાની નોકરી દરમ્યાન તે દશ જેટલા મજૂરોને પણ પકડે છે જેના પરિણામે તેને જૈન મંદિરમાં પગીની નોકરી મળે છે. પણ સંજોગવશાત્ એક દિવસ દલાના વેવાઈ મંગળદાસ દ્વારા જાતિભેદ ખુલ્લો પડે છે. ઈમાનદાર અને પોતાના કામ પ્રત્યે સમર્પિત દલાને નોકરી છોડી ભાગવું પડે છે.
‘તલાશ’વાર્તા આર્થિક રીતે સધ્ધર એવા દલિત અધિકારી રામવીર સિંહની વાર્તા છે. નાયક ‘કર અધિકારી’છે. તે એક અધિકારી તેમજ નામથી રામવીર સિંહ (આર. પી. સિંહ) હોવાથી તેની જાતિ આપોઆપ છુપાઈ જાય છે. તે પ્રથમ ગેસ્ટહાઉસમાં રહી પોતાને રહેવા માટે મકાન શોધે છે. એક ગુપ્તાનું મકાન તેને અનુકૂળ આવે છે. તે મકાનના ૩૦૦૦ રૂ. (વધુ) હોવા છતાં નાયકને તેમાં રહેવું પડે છે. તે અધિકારીની સાથે એક સારા સમાજસેવક અને લેખક પણ છે. પોતાની રચનાત્મકવૃત્તિને વધુ સમય આપવા માટે એક દલિત સ્ત્રીને તે ભાડે રાખેલા મકાનમાં ઘરકામ તેમજ ભોજન બનાવવા માટે રાખે છે. જેની જાણ મકાનમાલિક ગુપ્તાને થતા અધિકારી રામવીર સિંહને બીજું મકાન શોધવાનું સ્પષ્ટ કહી દે છે. નાયકની મકાનની તલાશ ફરી આરંભાઈ જાય છે.
પ્રસ્તુત બંને વાર્તાઓની કથાવસ્તુને જોઈ. હવે તેમાં રહેલાં સામાજિક-આર્થિક સંઘર્ષની વિશદ ચર્ચા કરીએ.
‘દલો ઉર્ફે દલસિંહ’વાર્તામાં ‘દલો’શહેરમાં રહેતી દલિત જાતિનું પ્રતિનિધિત્ત્વ કરે છે. દલો ખૂબ મહેનતુ, ઈમાનદાર, સજાગ અને નીડર વ્યક્તિ છે. મિલો બંધ થવાની માહિતી તેને પહેલાથી જ મળી જાય છે. તે મહાજનને તેની જાણ કરે છે. પણ મહાજન-માલિક એક થઇ ગયા હોય ત્યાં દલાનું કોણ સંભાળે ? દલો અન્ય મીલકામદારોને પણ જણાવે છે. મીલકામદારો નોકરી જવાના ભયે દલાનો સાથ આપી શકતા નથી. આખરે મિલો બંધ પડે છે. દલિત સમાજ પાયમાલ થઇ જાય છે. જેની સ્થિતિનું વર્ણન વાર્તામાં કરવામાં આવ્યું છે –
“ગામડાંઓમાં ખેત-મજૂરીની લોહી-પસીનો એક કરતી વેઠમાંથી માંડ છુટકારો થયો હતો, ત્યાં વળી, પાછો આ કારમો આઘાત સૌના દિલને દઝાડી ગયો. બેરોજગારીના ખપ્પરમાં મજૂરવર્ગ રહેંસાયો. આપઘાત કરવાના બનાવોના સમાચારોની છાપામાં પ્રગટ થવાની ઘટના રોજિંદી બની ગઈ. શહેરની જાહોજલાલીના ખરા ટાણે ઇતિહાસે પડખું ફેરવ્યું હતું. એક પછી એક પછી બીજી ને પછી પથરા મિલ પણ બંધ પડી.”[2]
મિલો બંધ થવાથી અન્ય જાતિ-સમાજ કરતા વધુ બદહાલ દલિત સમાજ બન્યો. દલિત સમાજ શહેરમાં પણ જાતિભેદનો ભોગ બન્યો અને બેરોજગારીના ખપ્પરમાં વધુ ખૂંચતો ગયો. અહીં તેની ભયાનક વિષમ આર્થિક પરિસ્થિતિના કારણે દલિત સમાજ આર્થિક સંઘર્ષ અનુભવે છે. તે આવી દારુણ આર્થિક ભીંસમાં પણ ગામડાઓમાં જાતિ ભેદનો શિકાર થવા નહોતા માંગતા, તેઓ માટે આત્મહત્યા અથવા બીજા કાર્ય કરવા સિવાય અન્ય રસ્તો ન હતો. શહેરની બંધ પડેલી મિલો તેમના જીવનને સ્થગિત કરી જાય છે. બંધ ચીમનીને કારણે તેમનો સમય અસ્તવ્યસ્ત થઇ જાય છે –
“અચાનક ક્યાક્થીં વિકરાળ સમયનો પંજો ફરી વળ્યો ને જાણે સર્વનાશ નોતરી ગયો ! ચીમનીઓની તીણી ચીસો ને ભૂંગળાંથી જાગતું શહેર ઠરીને ઠીકરું થઇ ગયું.”[3]
મિલોમાં સાંધ્ય સ્કૂલો પણ ચાલતી હતી, જેના કારણે દલિતો અક્ષરજ્ઞાન પણ મેળવતા હતા, હવે સમયની થપાટને કારણે તે અજ્ઞાનતાના અંધકારમાં ફંગોળાય રહ્યા હતાં. તેમના જીવન જાણે બહેરાં-મૂંગા થઇ ગયા હતાં. અમુક દલિતો મ્યુનિસિપાલિટીમાં સફાઈ કર્મચારી બની જીવનને ઢસડવા લાગ્યા, કોઈ અનિચ્છાએ ગામડાંઓ તરફ વળે છે, તો અન્ય દલિતો ફૅક્ટરીમાં જોડાય છે. જ્યાં દલિતો માટે મિલો એક આશાનું કિરણ હતી તે બંધ પડી જવાથી ફરી જાતિભેદના અંધકારમાં ગરક થવા લાગે છે. જ્યાં મિલોમાં ત્રણ હજાર કમાતા હતાં હવે ફૅક્ટરીમાં હાડમાર મજૂરીમાં પણ સાત સો કમાય છે જેમાં માંડ પરિવારનું પૂરું થાય છે, અક્ષરજ્ઞાનની વાત હવે વીસરાય જવા પામી છે, બાળકોનું જીવન ઉકરડા ફેંદવામાં પસાર થવા લાગ્યું હતું. દલો આ પરિસ્થિતિ નથી જોઈ શકતો, તે પણ આખરે શું કરે ? અન્ય મજૂરની જેમ તે પણ લાચાર છે. આર્થિક-સામાજિક સંઘર્ષની વચ્ચે દલિત સમાજ પીસાય છે. યોગ્યતા હોવા છતાં સવર્ણ સમાજ દલિત સમાજના વ્યક્તિઓને જાતિભેદના કારણે નોકરી પર રાખતા નથી. દલો પણ જાતિભેદનો ભોગ બને છે. તે પગીની નોકરી માટે દર-દર ભટકે છે. આખરે કથાનાયક પોતાનું નામ અને ચહેરો બદલાવી મોટી મૂછો રાખી પોતાની જાતિ છુપાવી દલામાંથી ‘દલસિંહ’ બને છે (‘જીવ્હા મી જાત ચોરલી’, બાબુરાવ બાગુલ). નામ-જાતિ બદલવાથી દલાને ફટ દઈને નોકરી મળે છે. નિષ્ઠા, ઈમાનદારીથી કામ કરતા દલાને બઢતી મળે છે. તેને જૈનોના મંદિરમાં પગી તારીખે રાખવામાં આવે છે. દલો પોતાની શાખ જમાવી ‘શિવા’ને પણ સાથે જોડે છે. પૂર્વ પગીના કાવતરાને ભાંપી તેની ચોરીને રંગે હાથ પકડે છે. પરંતુ આ બધાની વચ્ચે પણ દલો પોતાની ઓળખ છતી થઇ જવાની બીકને કારણે સામાજિક આંતરિક સંઘર્ષ અનુભવે છે -
“ગામના લોકો તેમજ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો દલસિંહની પ્રમાણિકતા અને ફરજ નિષ્ઠા પર વારી ગયા. આમેય, દલસિંહ વાતોડીયો ને સ્વભાવે સરળ, ઘણા બધા ભાઈબંધ થઇ ગયા.કો’ક્વાર જમવા જવાનું થતું. ‘આપણે તો ભાયાત કે’વાઈએ !’ કહીને હોંશે હોંશે આવકારતાં. દલસિંહનો એક્કો સર થઇ ગયો ! પગાર પણ બે હજાર મળતો. ખુશ થતો, પણ કો’ક વાર ઢીલોઢફ થઇ જતો. વિચારતો-દલસિંહ તું ધ્યાન રાખજે. અહીં કોઈ ભાયાત-બાયાત નથી. કોઈ તારાં નાતીલાં નથી. કોઈ દા’ડો ભઈની ભઈયારિ નહિ ને તર્કની સહિયારી નહિ, સમજ્યો ! તું જાતનો દલિત. એ લોકોની નજરમાં હડધૂત થયેલો અભાગિયો...એક અછૂત. જે દિવસે બધાને ખબર પડશે કે તું દલિત છે, તે દિવસે તારી બોટી પણ હાથ નહિ આવે ! – થોડી વાર અટક્યો. ઉદાસી ખંખેરતાં મનોમન બબડ્યો – દલા જા તું ભાડમાં ... ને મૂછને વળ દેતાં દેતાં મંદિર તરફ પગ વાળ્યા.”[4]
પોતાની જાત છુપાયેલી હોવા છતાં એક દલિત અંદરથી પોતાની ઓળખ માટે ભય અનુભવે છે. પ્રવર્તમાન સામાજિક વિષમતા વાસ્તવિક રૂપે નિરૂપાય છે. દલાને નોકરી જવાની અને આર્થિક ભીંસમાં ફરી ભીંસાઈ જવાની બીક તો છે જ પણ જો ઉજળિયાત વર્ગને ખબર પડી જાય તો જાનનું જોખમ પણ રહેલું છે. દલો પરિસ્થિતિનો સામનો કરે છે, તે બહાદુર હોવા છતાં આંતરિક રીતે જાતિ ભેદની સામે હારી જાય છે. આખરે મંગળદાસ વેવાઈ દ્વારા તેની જાતિની ઓળખ છતી થાય છે. તેની ફરજનિષ્ઠા, ઈમાનદારી, બહાદુરી, મળતાવડો અને સરળ સ્વભાવ પણ તેને બચાવી નથી શકતા. તેને મંદિર અને ગામ છોડી ભાગવું પડે છે. દલો આખરે દલો જ રહે છે. તેનું કોઈ પરિવર્તન ઉજળિયાતોને મંજૂર નથી, માટે પોતાનો લાગતો દલસિંહ પરાયો, પાપી, અસ્પૃશ્ય બની જાય છે. આર્થિક પરિસ્થિતિને કારણે દલો સામાજિક સંઘર્ષનો ભોગ બને છે.
‘તલાશ’ વાર્તામાં આર્થિક સંઘર્ષ કરતા સામાજિક સંઘર્ષ વધુ જોવા મળે છે. કથાનાયક રામવીર સિંહ (આર. પી. સિંહ) પોતાના નામ અને કર અધિકારી હોવાથી તેની જાતીય ઓળખ છુપાઈ જાય છે. કથાનાયક લેખન અને વાચનના શોખીન હોવાથી પોતાને અનુકૂળ આવે અને રચનાત્મક કાર્ય બેરોકટોક રીતે કરી શકે એવા મકાનની તલાશ કરે છે. જેમાં ગુપ્તાનું મકાન તેને પસંદ પડે છે. તેની જાતિ શું છે ? તે જાણવા ગુપ્તા પ્રયાસ કરે છે પણ એક અધિકારી સાથે પોતે વાત કરે છે તે ખ્યાલ આવતા તેનો વ્યવહાર બદલાય જાય છે –
“ ‘आपका नाम क्या है ?’ गुप्ता का पहला सवाल था.
‘मुझे आर. वी. सिंह कहते हैं.’ राम्विअर सिंह ने जवाब दिया.
‘आप कहाँ के रहने वाले है ?’ गुप्ता ने दूसरा सवाल किया.
‘मैं बुलंद शहर का रहने वाला हूँ.’ रामवीर सिंह ने कहा.
‘सिंह साहब, आप क्या करते हैं ?’ गुप्ता ने अगला सवाल किया.
‘मैं व्यापर कर अधिकारी हूँ.’ रामवीर सिंह ने बताया.”[5]
વ્યાપાર કર અધિકારીનું નામ સાંભળતા જ ગુપ્તાની વાતમાં પરિવર્તન આવે છે. એક દલિત અધિકારી હોઈ શકે ? એ વિચારથી જ તે નચિંત બની જાય છે.
કથાનાયક આર્થિક રીતે સધ્ધર છે. માટે તે ૩૦૦૦ જેટલા રૂ. આપીને પણ ગુપ્તાનું મકાન ભાડે રાખે છે. તે દલિત અધિકારી હોવાથી પોતાના દલિત સમાજ પ્રત્યે માનવીય ભાવ ધરાવે છે. તે પોતાના ઘરેલું કામ માટે એક દલિત સ્ત્રીને બોલાવે છે. તેમજ તે દલિત સ્ત્રીને પોતાની રચનાત્મક પ્રવૃત્તિને વધુ સમય આપવા માટે રસોઈનું કામ પણ કોઈ ભેદભાવ વગર આપે છે. ગુપ્તાની પત્નીને આ બાબતની જાણ થતાં ગુપ્તાને રોશ સાથે તે કહે છે કે -
“अब तक तो आर. वी. सिंह केवल सफाई ही करवाता था रामबती से, अब उससे खाना भी बनवाने लगा हैं. किचन में स्लेब, नल हर चीज को हाथ लगाती होगी वह.”[6]
સવર્ણ સમાજના માનસ પર આદિકાળની સત્તાનો અંધકાર હજુ સુધી ગયો નથી. હજુ તે છૂત-અછૂત, પવિત્ર-અપવિત્રમાંથી બહાર નથી નીકળી શક્યો. આઝાદી ક્યાં આવી છે ? સવર્ણના દરબારમાં ? તો તે માત્ર રાજકીય આઝાદી છે. માનસિક-સામાજિક આઝાદી હજુ આવવી બાકી છે. ગુપ્તા એક વ્યાપારી હોવા છતાં જ્યારે આભડછેટનું ભૂત ધૂણવા લાગે છે ત્યારે પોતાના વ્યાપારની પણ ફિકર કર્યા વગર રામવીર સિંહને મકાન ખાલી કરવાનો નિર્દેશ આપી દે છે –
“संविधान से देश चलता है साहब, समाज नहीं ! समाज परंपराओं से चलता हैं. इस पुरे मोहल्ले में ब्राह्मण-बनिए रहते हैं – धरम-करम से चलते वाले. आपको मेरी बात नहीं चंच रही है तो आप देख लीजिए साहब आप ही. आप रामबती से ही खाना बनवाना चाहते हैं तो आपको मकान खाली करना पडेगा.”[7]
રામવીર સિંહ પોતાની જાતિ અને સંવિધાનના અપમાનને પી જાય છે. તે અહીં આંતરિક સંઘર્ષ અનુભવે છે. રામવીર સિંહ પણ જાતિભેદને ચાખી લેવા તૈયાર નથી. તે સામાજિક આંતરિક સંઘર્ષ અનુભવે છે. આમ છતાં, તેના મનોસંચલનો જાતિભેદને માન્યતા આપવા કે જાતિભેદને ચલાવી લેવા તૈયાર નથી. તે વિચારે છે કે –
“कोई एसी बात हो तो मानी जा सकती है जैसे – वह गन्दी रहती हो, उसमे चोरी-चकारी की आदत हो या उसे खाना ठीक से बनाना नहीं आता हो. पर रामबती में ऐसी कोई बात नहीं है. वह खाना बनाने में कुशल और इमानदारी महिला है. इसलिए केवल इस आधार पर उससे खाना नहीं बनवाने का कोई औचित्य नहीं है कि वह जाति से चूहडी है. ऐसा करना तो जातिवाद को बढ़ावा देना है. गुप्ता कि बात मानकर रामबती से खाना बनवाना बंद कर देना तो छुआछूत और जातिवाद के सामने हथियार दाल देना होगा जो समाज का सबसे बड़ा दुश्मन हैं और इसका विरोध मैं आज तक करता आया हूँ.”[8]
માત્ર જન્મ ને કારણે ભેદ અને વિષમતા ને નાયક નકારે છે અને તે જાતિવાદ સામે ન નમવાનો નિર્ધાર કરતા ગુપ્તા ને કહે છે કે –
“यदि यह बात है तो मैं आपका मकान खाली करने के लिए तैयार हूँ. लेकिन जातिगत भेदभाव के आधार पर मैं रामबती से खाना बनवाना बंद नहीं करूँगा.”[9]
રામવીર સિંહ પોતાનો નિર્ણય કહીં બીજું મકાન શોધવા નીકળી પડે છે. જે તલાશ સમતાવાદી સમાજની તલાશ છે. પરંતુ શોધ હજુ આરંભી છે તેની સફળતા શહેર કેટલું પ્રગતિશીલ છે એના આધાર પર નહી પરંતુ તેનો સામાજિક વિકાસ કેટલો થયો છે તે આધાર પર છે.
પ્રસ્તુત વાર્તામાં આર્થિક સધ્ધરતાને કારણે નાયકની જાતિ અંત સુધી છુપાયેલી રહે છે. પરંતુ બીજી તરફ દલિત સમાજનું પ્રતિબિંબ રામબતી દ્વારા પ્રકાશમાં આવે. છે. એક પરોક્ષ વ્યક્તિ રામબતી દ્વારા પરોક્ષ દલિત સમાજની આર્થિક સ્થિતિનો ખ્યાલ અહીં આવે છે. રામવીર સિંહ દરિયામાં દેખાતી બરફની ટોચ માત્ર છે. પાણીની અંદરનો ભાગ હજુ પણ આદિમ આર્થિક સ્થિતિમાં જ જીવવા લાચાર છે. રામબતીને કોઈપણ કામ મળે તે સહજ આનાકાની વગર સ્વીકારી લે છે. જે તેની આર્થિક લાચારી પર પ્રકાશ પાડે છે. પરંતુ જન્મના આધાર પર જાતિભેદના કારણે દલિત સમાજ આર્થિક રીતે સમૃદ્ધ બની નથી શકતો. ત્યાં સુધી તેના પર પ્રતિબંધ છે કે તે કોઈ સંમાન જનક કાર્ય સવર્ણ સમાજના વિસ્તારમાં નથી કરી શકતા. રામબતીને રોજગાર પણ એક દલિત અધિકારી આપે છે અને રમબતીના રોજગાર તેમજ આત્મસંમાન માટે પોતે બીજા મકાનની શોધ પણ આરંભી દે છે. દલિત સમાજ અન્ય સફાઈ કામ તો કરી શકે જેમ કે મેલું ઉપાડવું, ગટર સાફ કરવી, કચરો ઉપાડવો વગેરે. પણ તે ઘરકામ ન કરી શકે તેમજ રસોઈ માટે પણ પ્રતિબંધ, વિશેષ પરિસ્થિતિ સિવાય દલિતો માટે ગૃહ-પ્રવેશ પ્રતિબંધિત છે. આમ, આર્થિક સંઘર્ષનું કારણ આર્થિક વિષમતા અને જાતિભેદ પણ છે.
પ્રસ્તુત બંને વાર્તાનું તુલનાત્મક અધ્યયન કરીએ તો, ગુજરાતી પટ્ટી અને હિન્દી પટ્ટી બંનેમાં જાતિભેદ, સામાજિક વિષમતા, દલિત સમાજ પ્રત્યેનો પરંપરાવાદી વ્યવહાર, આર્થિક બેહાલી, સવર્ણ સમાજની નિષ્ઠુરતા વગેરે પક્ષ સમાન છે. બંને વાર્તાઓનું અધ્યયન કરતા જણાય છે કે શહેરમાં વસતા દલિત સમાજની હાલત કફોડી છે. તે કોઈ પણ કામ કરવા માટે તૈયાર હોય છે કારણ કે રોજગારનો અભાવ તેને કોઈ પણ કામ કરવા માટે લાચાર બનાવે છે. આઝાદી પછી પણ સમાનતાનો અભાવ અને રૂઢિ-પરંપરાનો પ્રભાવ બળવત્તર બની દેશને કોરી ખાય છે. બંને વાર્તાઓમાં દલિત આંતરિક સામાજિક સંઘર્ષમાંથી પસાર થાય છે.
પ્રસ્તુત બંને વાર્તાઓમાં અસમાનતા પણ વર્તાય છે. જેમાં કે દલો પોતાની જાતિ જાણીબૂજીને છૂપાવે છે, જ્યારે રામવીર સિંહની જાતિ આપોઆપ છૂપાય જાય છે. દલો ઉર્ફે દલસિંહ વાર્તામાં દલિત સમાજની બેહાલી અને પરિસ્થિતિજન્ય લાચારીનું આલેખન સુદ્રઢ રીતે અભિવ્યક્ત થયું છે. તલાશ વાર્તામાં નાયકની આર્થિક સધ્ધરતા એ રમબતી દ્વારા પરોક્ષ રીતે આલેખાયેલો ગરીબ દલિત સમાજને કારણે દલિત જીવનની સૂક્ષ્મ બાબતોનો અહીં ઉઠાવ નથી થઇ શક્યો. દલો ઉર્ફે દલસિંહ વાર્તામાં અંત સમય પર આવતા દલાને શહેર છોડી ભાગવું પડે છે જ્યારે તલાશ વાર્તામાં નાયક મકાન બદલાવવા માટે જાય છે અને પરિવર્તનની વાત કરી દલિત ચેતના પ્રત્યક્ષ રીતે આલેખાય છે.
પ્રસ્તુત બંને વાર્તાઓ ભિન્ન પ્રદેશમાં અને ભાષામાં સર્જાઈ હોવા છતાં તેની સંવેદના એક છે. દલિત વાર્તા સંદર્ભે તેમજ દલિત સમાજ પર થતા અત્યાચારોને હિંદી લેખિકા રમણિકા ગુપ્તા કહે છે કે –
“सवर्ण-संहिता के अनुसार दलितों का इलाज पत्थर ही करते है. चेतना की सजा चेतनाशून्य, पत्थर से बढकर और कौन दे सकता था भला संवेदनहीन सवर्ण-संहिता की नजर में ?”[10]
જન્મના આધાર પર જ્યારે દલાની ઓળખાણ થાય છે ત્યારે પથ્થર હૃદય સવર્ણ સમાજ પથ્થર લઈને પાછળ પડે છે. અમાનવીય અને બર્બર હકીકત હવે સાહિત્યના માધ્યમ દ્વારા દલિત સાહિત્યમાં આલેખાય છે. જે માત્ર ત્રાસદી ન રહેતા જે સમાજ આ ત્રાસદી ભોગવે છે તેને માટે ચેતના અને હિમ્મત બની જાય છે. દલિત સાહિત્ય માત્ર સમસ્યા નથી પણ સમસ્યા સામે ઝઝૂમતા પાત્રોની સંઘર્ષગાથા છે. અહીં આપણે સામાજિક-આર્થિક સંઘર્ષને ભોગવતા દલિત સમાજને જોયો છે. જે સામાજિક-આર્થિક સંઘર્ષની સાથે રાજનૈતિક, શૈક્ષિક, ધાર્મિક, સાંસ્કૃતિક વગેરે સંઘર્ષનો અનુભવ પણ કરે છે. બંને વાર્તાઓને જોતા ડૉ. આંબેડકરનો પ્રસંગ પણ જોડાય જાય છે જે વડોદરામાં નોકરી અર્થે આવે છે અને પારસીની વીશીમાં નામ અને જાતિ છુપાવીને રહે છે. જાતિ ખુલ્લી પડી જતા ડૉ. આંબેડકરને અપમાનિત થઇ ગુજરાત છોડવું પડે છે. બાબુરાવ બાગુલની વાર્તા ‘જ્યારે મેં જાત છુપાવી’ પણ ગુજરાતના પ્રદેશ સંદર્ભે રચવામાં આવી જે મહાત્મા ગાંધીના શાંતિપ્રિય અને અહિંસક ગુજરાતની હિંસક જાતિવાદીતાને ખુલ્લી પાડે છે. આઝાદી કોને મળી છે ? દલિતોને માટે આઝાદી મેળવવાનો સંઘર્ષ હજુ જારી છે. સવર્ણ સમાજનો આઝાદી પછીનો દલિતો પ્રત્યેનો વ્યવહાર પણ ‘જૈસે થે’ જેવી સ્થિતિ દર્શાવે છે ત્યારે દલિત સાહિત્ય પ્રાસંગિક બની પાઠક વર્ગને સંવેદનાની સાથે વાસ્તવિકતાનો પરિચય કરાવે છે. ભારતીય સમાજ રચનામાં આમૂલચૂલ પરિવર્તન માટે ડૉ. આંબેડકર આજીવન લડતા રહ્યા, જ્યાં સવર્ણ સમાજમાં કોઈ પરિવર્તન નથી દેખાતું ત્યાં ડૉ. આંબેડકર પોતાના સમાજને શીખ આપતા કહે છે કે -
“सामाजिक तथा आर्थिक पुननिर्माण के आमूल परिवर्तनवादी कार्यक्रम के बिना अश्पृश्य कभी भी अपनी दशा में सुधार नहीं कर सकते.’[11]
અન્ય સમાજ માટે જેમ સામાજિક – આર્થિક બાબત વિકાસ માટે જરૂરી છે તેમ દલિત સમાજ માટે પણ તે પાયાની જરૂરિયાત છે.
Haresh Parmar, Research and Teaching Assistant in Gujarati (RTA in Gujarati), School of Humanities, Block – F, Room 47, Tagore Bhawan, Indira Gandhi National Open University, Maidan Garhi, New Delhi – 110068 Mo. 0 9716104937 Email – hareshgujarati@gmail.com