મનોજ શાહ દિગ્દર્શિત નાટકો-એક અભ્યાસ
(૧) માસ્ટર ફૂલમણિ
જૂની ગુજરાતી રંગભૂમિનો માહૌલ, જૂની ગુજરાતી રંગભૂમિના ગીતો,ભાંગવાડી થિયેટર,દેશી નાટક સમાજ અને પુરુષ દ્વારા સ્ત્રીનો અભિનય અને આ બધા દ્વારા ઊભી થતી એક આધુનિક સંકુલતાનો અનુભવ કરવો હોય તો મનોજ શાહ દિગ્દર્શિત અને ચિરાગ વોરા, ઉત્કર્ષ મજુમદાર, પરાગ ઝવેરી અને મનોજ શાહ અભિનીત નાટક 'માસ્ટર ફૂલમણિ' જોવું રહ્યું.
રંગભૂમિ ઉપર દમદાર સ્ત્રી પાત્રોની ભૂમિકા ભજવવાની મહેચ્છા રાખતો મણિલાલ ફૂલમણિ તરીકે ઓળખાય છે અને સ્ત્રીની અદમ્ય ઝંખના એવી માતૃત્વની લાગણીને અનુભવવા માગે છે. જેનું થિયેટર બંધ પડ્યું છે એ ભાટિયા શેઠને ત્યાં એ રહે છે પણ સુમનલાલ સાથે લગ્ન કરે છે અને સુમનલાલ દ્વારા એને મહિના રહ્યા છે એવો અનુભવ કરે છે. સુમનલાલ પણ એને વનલતા માનીને ચાહે છે, અને સાચે જ પોતે પિતા બનવાનો છે એવા ભ્રમમાં રહે છે.આખરે, સુમનલાલના મિત્ર વસંતલાલ અને ભાટિયા શેઠ દ્વારા ભ્રમનું નિરસન થાય છે. સતત સ્ત્રીઓની ભૂમિકા ભજવતો મણિલાલ સ્ત્રૈણ ભાવ અનુભવે અને એ માતૃત્વની લાગણી સુધી પહોચે, આ આખી માનસિક-સંકુલ પ્રક્રિયા નાટકમાં હળવી રીતે સુપેરે ઉજાગર થાય છે.
ભૂપેન ખખ્ખરનાં ચિત્રોની મદદથી અને પડદાના ઉપયોગ દ્વારા સ્થળ-પરિવેશ બદલાતાં રહે છે પણ મૂળે તો ચારે કલાકારોના અભિનયથી જૂની રંગભૂમિનું વાતાવરણ જીવંત થાય છે એ આ નાટકનું મોટું જમા પાસું છે.'સાયબો, મારો ગુલાબનો છોડ','ઝટ જાઓ,ચંદન હાર લાવો',મીઠા લાગ્યા રે મને આજના ઉજાગરા' વગેરે વન્સમોર થાય એવા ગીતોની કલાકારો દ્વારા થતી જીવંત રજૂઆત આ નાટકનું વસ્તુ સંકુલ હોવા છતાં એનો ભાર વર્તાવા દેતું નથી.પોતાને સ્ત્રીનો અવતાર માનતો ફૂલમણિ પાણીનો ઘડો ભરીને આવે છે ત્યારે, સુમનલાલ દ્વારા મહિના રહ્યા છે ત્યારે, પોતે ગર્ભવતી છે એમ માનીને થતું એનું વર્તન-આ બધામાં સ્ત્રીનાં સ્ત્રૈણ અને નાજુક ભાવોને ચિરાગ વોરા આબેહૂબ રજૂ કરે છે.
જયશંકર સુંદરીએ સુંદરી બનીને જે તરખાટ મચાવ્યો હતો એવી તરખાટ મચાવવાની જિજીવિષા એની રહી છે અને તખ્તા ઉપર એ તરખાટ મચાવે પણ છે. સુમનલાલ તરીકે ઉત્કર્ષ મજૂમદાર આધેડ વયે પિતા બનવાનો આનંદ વ્યક્ત કરે છે એમાં એમના અભિનયની બધી જ તાસીર પ્રગટ થાય છે. વળી, પ્રેક્ષકો સાથે સીધો સંવાદ રચવામાં એમની ત્વરિત પ્રત્યાયનક્ષમતા પણ અદભૂત! નાટકના પ્રારંભે ચાહ વિશેનું ગીત અને ચાહની રાહ જોતો વસંતલાલ નાટકનાં અંતે પણ ચાહની રાહ જુએ છે, એની પ્રતીક્ષાનો અંત નથી. એકથી વધુ ભૂમિકા ભજવનાર મનોજ શાહ સંવાદોની અદાયગી દ્વારા આખા નાટકને ધબકતું રાખે છે.કમલેશ મોતાનું પ્રકાશ આયોજન દરેક ગીત અને પ્રસંગના ભાવજગતને તીવ્ર રીતે ઉપસાવી આપે છે. દા.ત.મીઠા લાગ્યા ઉજાગરા ગીત કે નાટકનું અંતિમ દૃશ્ય. ચારે અભિનેતાઓ ગીતો જે રીતે રજૂ કરે છે એ કાબિલેતારીફ છે. ટોટલ એકટર દ્વારા ટોટલ થિયેટર ઊભું કરતુ આ નાટક ગુજરાતી રંગભૂમિનું સીમાચિહન છે, એમ કહીએ તો અતિશયોક્તિ નથી.
(૨) અમરફળ
રાજા ભર્તૃહરિની જાણીતી કથા પરથી રચાયું છે,અમરફળ. લેખક ભારત નાયક.સંબંધોમાં રહેલી સંકુલતા અને એક પછી થતાં વિશ્વાસભંગની કથા એટલે,અમરફળ. વિશ્વાસભંગને કારણે ભર્તૃહરિ વૈરાગ્યભાવ અનુભવે છે અને સંસાર ત્યાગવાનો નિર્ધાર કરી યોગી બનવા નીકળી પડે છે પણ નિયતિ એનો પીછો છોડતી નથી. જંગલમાં ચરપતિનાથ પાસેથી એને અમરફળ પાછું મળે છે. ભર્તૃહરિ અમરફળ ફેંકી દે છે. નિયતિ વૈરાગ્ય પછી પણ સુખેથી રહેવા દેતી નથી.બીજી બાજુ રાણી પિંગળા ભર્તૃહરિના વિરહમાં મહેલમાં રહીને જ વનવાસ વેઠે છે. ભર્તૃહરિ ભિક્ષા માગતો માગતો પિંગળા પાસે આવે છે અને પિંગળા ભિક્ષામાં પોતાનો પ્રાણ આપે છે, નાટક અહી પૂરું થાય છે.
પાતળા કથાવસ્તુ પર આધારિત આ નાટકનો પ્રથમ અંક એકદમ તીવ્ર ગતિએ ઘટનાપૂર્ણ બની રહે છે. વર્તમાન અને ભૂતકાળના દૃશ્યો અસરકારક સંગીત અને પ્રકાશ નિયોજનને કારણે પ્રભાવક રહ્યાં. એની સામે બીજો અંક વૈરાગ્યને કારણે ભિક્ષા માગતા રાજા ભર્તૃહરિથી સાધુ ભરથરી સુધીના પરિવર્તનનો હતો પણ એ પરિવર્તન એટલું પ્રભાવક બનતું નથી.વૈરાગ્યનો સ્વીકાર કરનાર ભર્તૃહરિ મનથી એ સ્વીકારી શકતો નથી અને એનામાં રહેલું રાજત્વ જતું નથી. ટૂંકમાં, ભર્તૃહરિમાંથી ભરથરી બનવાની આખી પ્રક્રિયા બીજા અંકમાંથી ઉજાગર થવી જોઈતી હતી એ એટલી અસરકારક રીતે થતી નથી.
નાટક ધર્મેન્દ્ર ગોહિલ,રીન્કુ પટેલ,મનોજ શાહ, વિમલ ઉપાધ્યાય વગેરેનાં અસરકારક અભિનયને કારણે પ્રેક્ષણીય બની રહે છે. એમાં સંગીત પણ દૃશ્યોની તીવ્રતા ઊભી કરવા મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રથમ અંકમાં મહેલનું સ્થળ અને બીજા અંકમાં જંગલ,ગુફા વગેરે સ્થળો સન્નિવેશની (સુભાષ આશર) સૂઝને કારણે ઊભાં થાય છે પણ વધારે તો મંચના કેન્દ્રમાં જ દૃશ્યો ભજવાય છે અને મંચનો પૂર્ણ ઉપયોગ થવો જોઈએ એ થતો નથી.
ભર્તૃહરિનું પિંગળાને અમરફળ આપવું, પિંગળાનું અશ્વપાલને અમરફળ આપવું,અશ્વપાલનું ગણિકાને અમરફળ આપવું અને ગણિકા પાસેથી ફરી ભર્તૃહરિ પાસે અમરફળ આવવું - આ ચક્ર વર્તમાન અને ભૂતકાળના દૃશ્યોની સંનિધિને કારણે અસરકારક રીતે ભજવાયાં.ભર્તૃહરિ પોતે પણ સ્વીકારે છે કે એ દૂધે ધોયેલો નથી અને પશ્ચાતાપ રૂપે વૈરાગ્યનો એને બોધ થાય છે, ત્યાં નાટક પૂરું થઇ જવું જોઈતું હતું, એવી પણ એક પ્રતીતિ થઇ હતી.
અસરકારક સંવાદો અને એની એટલી જ અસરકારક રજૂઆત પણ આ નાટકના જમા પક્ષે છે. 'કામદેવ તો મરેલાને પણ મારે' કે 'પાણી કૂવામાંથી ભરીએ કે દરિયામાંથી ઘડામાં જગ્યા હોય એટલું જ ભરાય' કે 'કાયાને કાળનો ભય લાગે છે'- અર્થસભર સંવાદો પ્રેક્ષકો સુધી પહોચાડવામાં ધર્મેન્દ્ર ગોહિલનો અભિનય કારણભૂત છે.
ટૂંકમાં, પાતળું પોત ધરાવતું અને સંકુલ હોવા છતાં આ નાટક એની અસરકારક રજૂઆતને કારણે પ્રેક્ષણીય બની રહે છે.
(૩) અપૂર્વ અવસર
ગાંધીજીએ જેમને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા હતા એ શ્રીમદ રાજચંદ્રનાં જીવન-કવન પર આધારિત નાટક હતું, 'અપૂર્વ અવસર.' 'અપૂર્વ અવસર એવો ક્યારે આવશે' શ્રીમદની કાવ્ય પંક્તિ પરથી આ શીર્ષક લીધું છે. રાજુ દવે અને મનોજ શાહે આ નાટકનું લેખન કર્યું છે.
આત્મજ્ઞાન દ્વારા આત્મકલ્યાણની ખોજ એ શ્રીમદની સમગ્ર જીવનશૈલીનું ચાલકબળ હતું. સાત વર્ષની ઉંમરથી એ શોધયાત્રા આરંભાઈ હતી. નાટકના સૂત્રધાર તરીકે પણ રાજચંદ્ર ભૂમિકા ભજવે છે. અહી ક્રિયા ઓછી અને વર્ણન વધારે છે. શ્રીમદ એક પછી એક પોતાના જીવનમાં બનેલી ઘટનાઓનું વર્ણન કર્યે જાય છે. એ વર્ણનમાંથી ક્યારેક ક્રિયા નીપજી આવે છે. પણ એવું બહુ ઓછું બને છે. રાજચંદ્રનું પોતાના વિષે થતું આત્મમંથન -આત્મચિંતન નાટકમાં સંભાષણ રૂપે વધારે આવે છે એથી નાટયરસ બહુ ઓછો પમાય છે.
નાટકમાં બહુ ઓછા બનાવો બનતા જોવા મળે છે પણ જે બને છે એ અસરકારક રીતે બને છે. રાજચંદ્રનું સુખની શોધમાં નીકળવું અને શ્રેષ્ઠીને ત્યાં આશરો લેવો, ગાંધીજી સાથેનો પ્રસંગ કે સેવકને બારી ખોલી આસપાસ ચાલતી નાટ્યલીલા અને એ દ્વારા બ્રહ્માંડલીલાના દર્શન કરાવવા, આનંદઘન અને હેમચંદ્રાચાર્ય સાથેનો પ્રસંગ, મુંબઈમાં શતાવધાનનો પ્રયોગ કરવો - આ બધા જ દૃશ્યો અસરકારક અભિનય અને પ્રકાશઆયોજનને કારણે પ્રમાણમાં અઘરી અને ચિંતનાત્મક લાગતી વાતો પણ સરળ અને નાટ્યાત્મક રીતે રજૂ થાય છે. શ્રીમદની ભૂમિકા ધર્મેન્દ્ર ગોહિલ ભજવે છે એ સિવાયની ગાંધીજી, અંબાલાલભાઈ, શ્રેષ્ઠી , સેવક, આનંદઘન, હેમચંદ્રાચાર્ય, વગેરે પાત્રો ભજવતા બે કલાકારો પણ સતત બદલાતી જતી ભૂમિકાઓને પણ યોગ્ય ન્યાય આપે છે. વિશાલ વૃક્ષની તળે બેઠા બેઠા રાજચંદ્ર પોતાની કથા કહે છે. અહી પણ મંચના કેન્દ્રમાં વૃક્ષ નીચે પાટ પર બેસીને કથા કહેવાને કારણે અને મોટા ભાગના સંવાદો બેસીને બોલવાને કારણે પણ મંચના વિવિધ ભાગોનો ઉપયોગ થઇ શકતો નથી.
સુરેશ જોશી અને ઉદય મજૂમદારના અવાજમાં રજૂ થતા પદો પણ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવામાં મોટો ભાગ ભજવે છે. આત્મકલ્યાણની ખોજની યાત્રાને નાટકનો વિષય બનાવવો, પડકારજનક છે. એ પડકાર ઉપાડવા બદલ પણ આ ટીમ અભિનંદનની અધિકારી છે. સામાન્ય રીતે લાલ કે કેસરી - ભડક ગણાતા રંગોનો ઉપયોગ પ્રકાશ આયોજનમાં બહુ ઓછો કરવામાં આવે છે. પરંતુ 'અમરફળ' અને 'અપૂર્વ અવસર' આ બંને નાટકોમાં લાલ-કેસરી રંગના સંયોજન અને એમાં ક્યાંક લીલા રંગનો તો ક્યાંક ભૂરા રંગના" ઉપયોગ દ્વારા" દૃશ્યમાં રહેલી તીવ્રતા વધુ સારી રીતે ઉપસાવી હતી. પ્રકાશ આયોજન 'અમરફળ' અને 'અપૂર્વ અવસર' બંને નાટકોનું જમા પાસું છે.
(૪) મરીઝ
ગુજરાતના ગાલિબ તરીકેનું બિરુદ જેમને મળ્યું છે એવા ગુજરાતી ગઝલનાં શિરમોર ગઝલકાર અબ્બાસ વાસી 'મરીઝ'નાં જીવન-કવન પર આધારિત નાટક હતું,'મરીઝ.' રઈશ મનીઆરના 'મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ' પુસ્તકને આધારે વિનીત શુક્લે નાટ્યલેખન કર્યું હતું.અસહ્ય દારુણ ગરીબી, પ્રિયતમા રબાબને ન મેળવી શક્યાનો રંજ, ભણતર પ્રત્યે અશ્રદ્ધા અને દારૂની ખરાબ લતને કારણે મરીઝને દર્દ સિવાય કશું મળતું નથી.નાટકમાં મરીઝના જીવનના એવા પ્રસંગો રજૂ થયા છે, કે જે આંખે ઝળઝળિયાં લાવી દે અને એમાંય ધર્મેન્દ્ર ગોહિલનો એટલો જ હૃદયસ્પર્શી અભિનય ભળે પછી પૂછવું જ શું?
બાળકો ઘરમાં ભૂખ્યા હોય તોય દારૂની લત છૂટતી નથી. મુંબઈમાં મોટાભાઈને આશરે રહેનાર મરીઝ પોતાની ગઝલો વેચીને ઘરનું ગાડું ગબડાવવાનો પ્રયત્ન કરે છે. પણ "મરીઝમાં કૈક એવું છે જે એને અન્યથી અલગ પાડે છે અને એટલે જ પત્ની સોના અને સંતાનો ભલે ભૂખે મરવું પડે પણ ગઝલ વેચવાની ના પાડે છે. આ દૃશ્યમાં રહેલી કરુણતા કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને ક્ષુબ્ધ કરી શકે છે. નાટકના અંતિમ દૃશ્યમાં ભ્રમણારૂપે રબાબ પાછી દેખાય છે એ દૃશ્ય પણ" શાયરના જીવનની વેદનાને તાદૃશ કરે છે.
બે દૃશ્યો વચ્ચેના બ્લેક આઉટ મધ્યે કબીર, રસખાન, અમીર ખુસરો, મીર તકી મીર, ગાલિબ વગેરેની પંક્તિઓ સંભળાય છે અને છેલ્લે મરીઝની પંક્તિઓ સંભળાય છે. કવિ તરીકે મરીઝની પ્રતિભા એમને આ કવિઓની પંક્તિમાં બેસાડે છે. બેગમ અખ્તરનાં કંઠે ગવાયેલ'મેં તજી તારી તમન્ના એનો આ અંજામ છે' ગઝલનાં શબ્દો સંભળાતા રહે છે અને પડદો પડે છે. સઆદત હસન મંટોથી લઈને પીઠામાં દારૂ વેચનાર સદુભાઉ સહિત સૌ કોઈ મરીઝની પ્રતિભાને જાણે છે,વખાણે છે. એક દૃશ્યમાં ઇન્દ્ર પણ એની પ્રતિભાથી અંજાઈને એને મળવા આવે છે. મરીઝના દીકરાને આવેલા સ્વપ્ન રૂપે આ દૃશ્ય ભજવાય છે પણ આખરે આ બધી જ પ્રયુક્તિઓ મરીઝની શાયર તરીકેની પ્રતિભાને ઉજાગર કરે છે.
સુરતમાં અમીન આઝાદની સાઈકલની દુકાને બેસીને ગઝલનાં પાઠ શીખનાર મરીઝને નાટકના અંતે અમીન મળવા આવે છે અને પોતે ઉસ્તાદ હોવા છતાં મરીઝને શાયર તરીકે પોતાનાથી આગળ મૂકે છે ને કહે છે, મરીઝની ગઝલોને હવે ઇસ્લાહની જરૂર નથી. પીઠામાં મરીઝનું મૃત્યુ બતાવ્યું છે અને શાગિર્દને સાચી અંજલિ મદિરા પાનથી જ આપી શકાય એમ લાગતા પાક્કા નમાઝી અમીન મદિરા પાન કરે છે.
સુરત અને મુંબઈના જે તે વિસ્તારના વિશાળ ફોટોગ્રાફ્સ બેક ગ્રાઉન્ડમાં મૂકીને જે તે સ્થળનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. પોતાની જાત પર અને ખુદા ઉપર સતત હસતો આ શાયર એવી સંવેદનશીલ ગઝલો આપે છે કે એ ચિરસ્મરણીય બની જાય છે. "વોરા ગુજરાતી અને સુરતી બોલીના મિશ્રણ જેવી ભાષા કલાકાર તરીકે ધર્મેન્દ્ર ગોહિલે" આત્મસાત કરી છે તો અન્ય કલાકારો પણ એ બોલીને સહજ રીતે પ્રગટ કરી શકે છે. તબીબને ત્રણ ત્રણ રૂપિયામાં ગઝલો વેચનાર આ શાયરનું સન્માન થાય છે ત્યારે જે રકમ આપવામાં આવે છે એ પણ એના સુધી પહોચતી નથી અને દુનિયાની રીત-રસમો માટે અવ્યવહારું શાયર ગરીબીને જ જીવન માની જીવ્યે જાય છે.
શાયર મરીઝને તખ્તા દ્વારા જીવંત કરવાનું સાહસ દિગ્દર્શક તરીકે મનોજ શાહ અને અભિનેતા તરીકે ધર્મેન્દ્ર ગોહિલે કર્યું છે અને એ સાહસ ગુજરાતી રંગભૂમિ માટે અને મરીઝપ્રેમીઓ માટે યાદગાર બની રહેશે.
(૫) જીતે હૈ શાન સે
શિશિર રામાવત લિખિત હિન્દી નાટક હતું,' જીતે હૈ શાન સે.' સવા કલાકના આ નાટકમાં વાત પ્રાણીઓ પર થતાં અત્યાચારની હતી.ડૉ કલ્યાણકર પોતાની લેબોરેટરીમાં પ્રાણીઓ પર વિવિધ પ્રયોગો કરતા રહે છે. એમની લેબોરેટરીમાં સ્વીટી(કૂતરી), મોતી(કૂતરો), મંગલ(મુર્ગા), ભોંદુ(ડુક્કર), વાનર, સસલું અને ડૉ. રેટ(ઊંદર) રહે છે. ડૉ. રેટ આ બધામાં વરિષ્ઠ છે.એમનું કામ અન્ય પ્રાણીઓને પ્રયોગો માટે તૈયાર કરવાનું છે. આ પ્રયોગ દરમ્યાન પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે એમનો જીવ જાય તો પણ હસતાં મોંઢે સહન કરવાનું, કારણકે માણસોની સેવા કરવી એ જ આ પ્રાણીઓનો પરમધર્મ હોવો જોઈએ, એવું ડૉ.રેટ અન્ય પ્રાણીઓના મગજમાં ઠસાવે છે. મનુષ્યના સ્વાસ્થ્ય માટે આ પ્રાણીઓ પોતાનો જીવ પણ આપે છે ને એમાં જ એમના જીવવાની શાન રહેલી છે, જીતે હૈ શાન સે.
આ પ્રયોગો દરમ્યાન એક પછી એક પ્રાણીઓ પર અત્યાચાર થતાં રહે છે. મોતીને નપુંસક બનાવવામાં આવે છે, સ્વીટી ગર્ભવતી હોય છે તો પણ એના પર પ્રયોગો કરવામાં આવે છે, નિર્દોષ સસલાને ડામ આપવામાં આવે છે. એક પછી એક બધા ખતમ થતાં રહે છે અને છેલ્લે વારો આવે છે ડૉ.રેટનો. ડૉ.રેટ ઉંમરલાયક હોવા છતાં એમના ઉપર પણ જોખમી પ્રયોગ કરવામાં આવે છે.
ડૉ.કલ્યાણકર અને એમના બે સાથીઓને બાદ કરતા આખી પાત્રસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ છે. પ્રાણીઓ જેવી જ એમની બોડી લેન્ગવેજ અને ભાષાને કારણે બધા જ કલાકારોનો અભિનય પ્રશંસનીય રહ્યો હતો. એમાં પણ ડૉ. રેટ(ધર્મેન્દ્ર ગોહિલ), સ્વીટી(શ્રુતિ ઘોલપ), મંગલ મુર્ગા(નયન શુક્લા)નો અભિનય વધુ સરાહનીય હતો. મંચ પર પાંચ મોટા શ્વેત પડદાને ભૂરો, કેસરી, લાલ, ગુલાબી અને લીલા રંગના પ્રકાશ આયોજન દ્વારા આ પ્રાણીઓની કેબિન બનાવવામાં આવી હતી. કૃષ્ણ-કન્હૈયાનુ સંગીત પણ દૃશ્યોને અનુરૂપ હતું.
ડૉ.કલ્યાણકર મનુષ્ય સમાજના કલ્યાણાર્થે નિર્દોષ પ્રાણીઓ ઉપર પ્રયોગો કરતા રહે છે અને મનુષ્ય સમાજ માટે જીવવામાં જ શાન રહેલી છે એમ માનીને આ પ્રાણીઓ જીવ્યે-મર્યે જાય છે. સમગ્ર મનુષ્ય સમાજ ઉપર અહીં તીવ્ર કટાક્ષ કરવામાં આવ્યો છે.પોતાના સ્વાર્થ ખાતર મનુષ્ય આ પ્રાણીઓ પર અખતરા કરે છે અને બુદ્ધિશાળી પ્રાણી હોવાનું ગૌરવ અનુભવે છે પણ આ પ્રાણીઓ જ્યારે બળવો કરશે ત્યારે? પોતાને સંવેદનશીલ ગણાતા મનુષ્યે આ પણ વિચારવું રહ્યું.
અમદાવાદના જયશંકર સુંદરી હોલમાં શતાયુ થિયેટર ફેસ્ટિવલ(૨૧-૨૫ માર્ચ,૨૦૧૧) દરમ્યાન મનોજ શાહ દિગ્દર્શિત પાંચ નાટકોએ જલસાનો અનુભવ કરાવ્યો. કઈ સ્થિતિમાં આ ફેસ્ટિવલ થયો એની ચર્ચા ન કરતા મનોજ શાહની ટીમે આ ફેસ્ટિવલ કર્યો એ રંગભૂમિની એક યાદગાર ઘટના ગણાવી જોઈએ. એક બીજાથી જુદા વિષયને સ્પર્શતા એક બીજાથી જુદી રજૂઆતને કારણે દિગ્દર્શક મનોજ શાહના વ્યાપ અને ઊંડાણનો પણ ખ્યાલ આવે છે તો પહેલા નાટકને બાદ કરતા ધર્મેન્દ્ર ગોહિલનો-ભર્તૃહરિ, શ્રીમદ રાજચંદ્ર, મરીઝ અને ડૉ.રેટ તરીકેની વિવિધ ભૂમિકાને કારણે એમની અભિનયક્ષમતાનો પણ સુપેરે પરિચય થાય છે. ગુજરાતી રંગભૂમિ પાસે મનોજ શાહ અને ધર્મેન્દ્ર ગોહિલ છે, એ એક ઊજળી બાબત છે. 'ઊંચા માયલો પરોગરામ' શીર્ષક હેઠળ આ પાંચ નાટકોની રજૂઆત થઇ હતી. આ રજૂઆત પછી ખરેખર કહેવું પડે કે 'ઊંચા માયલો પરોગરામ.'
ધ્વનિલ પારેખ, ૪૨ આનંદનગર સોસા. સેક્ટર-૨૭, ગાંધીનગર ૩૮૨૦૨૭ મો.-૯૪૨૬૨૮૬૨૬૧ મ.દે.ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરા, ગાંધીનગર, 382320