1. બદલાવ આવે...
અચાનક વહેણ માં બદલાવ આવે,
નદીમાં જો અમારી નાવ આવે !
અમુક ચેહરા વિષે એવું બને છે,
અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે !
કોઈ પણ પંખી જો માળો ન બાંધે !!
તો ક્યાંથી વૃક્ષનો ઊઠાવ આવે ?
નથી સાંભળતો વૃધ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.
ભર્યું આકાશ આંખોમાં ખીચોખીચ,
છતાં સપનામાં કાયમ વાવ આવે !!
2. સૌને...
ખુદ નો સંભળાતો નથી જ્યાં સાદ સૌને !!
છોડ સરવાળા, કરી દે, બાદ સૌને.
કેદ છે મારી ભીતર ખૂંખાર સત્યો,
તું કહે તો હું કરું આઝાદ સૌને !!
એ સળગતા ઘરમાં વરસોથી રહે છે !
છત ટપકવાની કરે ફરિયાદ સૌને !!
માત્ર એ દેખાય છે સંભળાય છે, બસ,
કેમ સમજાતો નથી વરસાદ સૌને ?
થઇ ગયો કેવો બધાનો લાડકો હું !
જ્યાર થી માની લીધા ઉસ્તાદ સૌને.
ભાવેશ ભટ્ટ