જીવન-સફરમાં સફળ થવાની ચાવી બતાવતી ગઝલ: ‘ઊગી જવાના’
ઊગી જવાના
અમે રાખમાંથીયે બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ના લગીરે, તરી પણ જવાના ને તારી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !
- હર્ષ બ્રહ્મભટ્ટ
આ ગઝલ રચના છે કવિ હર્ષ બ્રહ્મભટ્ટની. આધુનિક ગુજરાતી ગઝલના બીજા દશકામાં જે થોડા નામો ઉભરી આવ્યા છે તેમાં હર્ષ બ્રહ્મભટ્ટ અગ્ર હરોળમાં છે. તેઓ ગુજરાતી અને ઉર્દૂ બન્ને ભાષાઓમાં લખતા સંવેદનશીલ ગઝલકાર, ગુજરાતી ભાષા અને સાહિત્યના શુભ ચિંતક અને કુશળ વહીવટ કર્તા છે. આ કવિનો જ્ન્મ તા. 31/07/1954માં મહેસાણામાં થયો છે. પ્રાથમિક, માધ્યમિક અને એમ.એસસી સુધીનું ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં લીધું. એમણે ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’, ‘જીવવાનો રિયાઝ’, ‘ખુદને ય ક્યાં મળ્યો છું ?’ નામના ગુજરાતી કાવ્યસંગ્રહો આપ્યા છે. તો ‘કંદીલ’, ‘સરગોશી,’ ‘મેરા અપના આસમાઁ’ નામે ઉર્દૂ ગઝલસંગ્રહો લખ્યા છે.
આ ગઝલનું શીર્ષક છે ‘ઊગી જવાના’. તે વાંચતાવેંત મનમાં પ્રશ્ન થાય કે માણસ ઊગે ખરો ? માણસ ઊગે તો કઈ રીતે? રમેશ પારેખની પેલી પંક્તિ યાદ આવે:
“ લીંબોળી વાવીને છાંયડો ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું. ”
માણસની વાવણી થઈ શકે ખરી ? ગઝલને માણવા- સમજવા માટે આ બધાં રહસ્યો પરથી પડદો ઉઠાવવો જ પડે. ઠીક, તો એવો પ્રયત્ન કરી લઈએ. સરળ ભાષા અને ઉમદા કલ્પનો એ આ ગઝલનું પ્રાણતત્વ છે. પ્રસ્તુત ગઝલમાં જીવનનાં ખમીર અને ખુમારી દાખવતા ભાવનું ઓજસ્વી નિરૂપણ થયું છે. આખી ગઝલ પ્રથમ પુરુષ બહુવચનમાં ‘અમે’ની ઉક્તિ રૂપે રજૂ થઈ છે. આ ગઝલમાં ‘જવાના’ ધ્રુવપદ (રદીફ) છે. કવિએ ‘જવાના’ રદીફ તરીકે પસંદ કરીને પોતાની અણનમતા, અડગતા અને દ્દઢ મનોબળનો પરિચય કરાવી દીધો છે. ‘જીવી’, ‘ઊગી’, ‘ખૂટી’, ‘તારી’ ને ‘ચૂકી’ એ કાફિયા છે. આ ગઝલમાં પાંચ શેર છે. પ્રત્યેક શેરમાં એક વિચારચક્ર પુરું થાય છે. વિષયની દૄષ્ટિ એ એ એક સાતત્યપૂર્ણ ગઝલ છે. આ કૃતિમાં ગઝલનું સ્વરૂપ અને મિજાજ બરોબર જળવાયાં છે.
જીવનમાર્ગમાં કંટકો ને સંકટો ડગલે ને પગલે હોય છે. જીવનપથમાં વિઘ્નો પેદા કરનારાઓ પણ જગતમાં મળી રહે છે. આ પ્રથમ શે’ર વિઘ્નકર્તાઓને ઉદેશીને લખાયો છે:
“અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોય જીવી જવાના.
જગતમાં પીડા હરનારા કરતા પીડા આપનારાઓની હંમેશા બહુમતી રહી છે. પણ આપણો કાવ્યનાયક હિંમત હારે એવો નથી. તે તો આશા, આત્મવિશ્વાસ, શ્રધ્ધા અને ઉત્સાહથી થનગનતો છે. જીવનમાં વિકટમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરવા જતાં બળીને રાખ થઈ જવાય તોય એ રાખમાંથી દેવહુમા પંખીની જેમ બેઠા થતાં તેને આવડે છે તે વાત સાંકેતિક રીતે કવિએ કરી છે. આ પંક્તિઓમાં બીજો સંકેત એવો છે કે માનવીના અંતરનો નિર્મળ સ્નેહ એ એક એવું રસાયણ છે જે મૃતપ્રાય જીવનને પણ નવપલ્લવિત બનાવી શકે છે. કવિ શૂન્ય પાલનપુરીએ એક શે’રમાં પણ સંકટોનો સામનો કરવાનો નિરાળો માર્ગ બતાવ્યો છે:
“જગે અર્પણ કર્યા કાંટા, કશું વિપરીત વિચારીને, અમે એના વડે કીધી સુરક્ષિત પ્રાણ- ક્યારીને.”
જીવનમાં વિષમ પરિસ્થિતિ આવે તો તેને વેઠીને, તેનો સામનો કરીને અણનમતાથી ટકી રહેવાનો સંકલ્પ અહીં તેમજ અન્ય શે’રોમાં પણ રજૂ થયો છે. આ ગઝલનો આ બીજો શે’ર જુઓ:
“ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.”
ઘણીવાર જીવનની મુશ્કેલ ઘડીમાં આંસુ લૂછનાર, આશ્વાસન આપનાર કે મદદ કરનાર કોઈ હોતું નથી, આગ લાગી હોય ત્યારે પાણી રેડીને હોલવનાર કોઈ મળતું નથી. આવી પરિસ્થિતિમાંય કાવ્યનાયક નિરાશ કે નાહિમ્મત થતો નથી. કેમકે, તેની નજર સામે પૂરતા માટી, પાણી અને ખાતર વિના ભીંતમાં ઉગતો પીંપળો છે. ભીંત ફાડીને ઉગતા પીંપળાની જેમ કઠિન સમયમાં કોઈની હૂંફ કે મદદ આશા વગર કાવ્યનાયકને આત્મબળથી આગળ વધવાનો માર્ગ કાઢતાં આવડે છે.
ખમીર અને ખુમારીના વિચાર- ભાવનું સાતત્ય આગળના આ શે’રમાં પણ છે જુઓ:
ધખો તમતમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
કવિ ‘સૂર્ય’ અને ‘સમંદર’ એટલે કે અગ્નિ અને પાણીને એક સાથે મૂકીને કૉન્ટ્રાસ રચ છે. કોઈના જીવનમાં સુખ શાયબીનો સૂર્ય તપતો હોય તો કોઈનું જીવન દુ:ખના દરિયામાં ડૂબેલું હોય. કવિ ‘સૂર્ય’ અને ‘સમંદર’ દ્વારા સૂચવે છે કે જેમ સૂર્ય ગમે તેટલો તપે તો પણ એના તાપથી સમુદ્રનાં પાણી સુકાતાં કે ખૂટી જતાં નથી, તેમ જીવનમાં પણ ગમે તેટલી કપરી પરિસ્થિતિ આવે પણ માણસનાં મનોબળ, શ્રધ્ધા, હિંમત, ઉત્સાહ કે આત્મવિશ્વાસ સુકાવાં કે ખૂટવાં ન જોઈએ.
કાવ્યનાયકની શ્રધ્ધા અને આત્મવિશ્વાસ અડગ છે, માણસની શ્રધ્ધા જ કંટકોને ફુલ જેવા બનાવી દેવાની શક્તિ ધરાવે છે. શેખાદમ આબુવાલાની ગઝલનો ‘મત્લા’ જુઓ:
“આ જિંદગીમાં સેંકડો કૈં ભૂલ હું કરતો ગયો,
શ્રધ્ધા વડે જ્યાં કંટકોને ફૂલ હું કરતો ગયો.”
શ્રધ્ધાના તાંતણે અને આશાનાં સોનેરી કિરણોની અપેક્ષાએ સૌ કોઈનાં જીવન ટકી રહ્યાં છે. પણ ક્યારેક સાચા માણસ પ્રત્યે પણ સંશય કે અશ્રધ્ધા ચંચળ મનમાં જન્મે છે. જ્યાં શંકા હોય ત્યાં ભય હોય. શંકા કરવી પણ કુશંકા ના કરવી. કેમકે શ્રધ્ધામાં જે શક્તિ છે એવી બીજા કોઈમાં નથી. શ્રધ્ધા હોય ત્યાં શરણાગતિ સંભવી શકે છે. માટે કવિ કહે છે:
“ચલો હાથ સોંપો, ડરો ના લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.”
વિશ્વાસ તો અડીખમ હોવો જોઈએ. મેરુ પર્વત ચળે પણ જેનાં મન ના ચળે એના પર વિશ્વાસ મૂકી શકાય. આવા દઢ આત્મવિશ્વાસથી કવિ સામેની વ્યક્તિને એનો હાથ પોતાના હાથમાં જરાય ડર્યા વગર સોંપી દેવા કહે છે. કવિને આશા છે કે ગમે તેવા વિકટ સંજોગો હશે તો પણ તેમાંથી ઊગરી જશે અને પોતાના પર ભરોસો રાખીને હાથ સોંપનારને ઉગારી લેશે. કવિના હ્રદયમાં શુધ્ધ અને નિર્મળ સ્નેહ છે. આવો સ્નેહ “તરી જવાની” અને “તારી જવાની” શક્તિ ધરાવે છે. હ્રદયમાં શુધ્ધ અને નિર્મળ સ્નેહ હોય તો વ્યક્તિ ગમે તેવા કપરા સંજોગો સામે પણ પૂરા ઉત્સાહ અને ખમીર સાથે ટટ્ટાર ઊભી રહે છે. એ સંજોગો સામે ઝૂકી જતી નથી પણ એમાંથી હેમખેમ બહાર નીકળી જાય છે.
મક્તાના અંતિમ શે’રમાં કવિ ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવાની મનોકામના વ્યક્ત કરે છે:
“અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !”
અહીં ‘પંખી’ શબ્દ જીવનના ઉચ્ચ ધ્યેયને સૂચવતું પ્રતીક છે. વ્યક્તિમાં આત્મવિશ્વાસ, આશા, શ્રધ્ધા, હિંમત અને ઉત્સાહ હોય તો જીવનનાં બધાં ઉચ્ચ શિખરો સર કરી શકાય. આખા આકશને ઝાલતાં એકેય પંખી ચૂકી ન જવાય એવી ભાવના વ્યક્ત થઈ છે. આકાશને આંબી જવા માટેનાં હિંમત અને ઉત્સાહ સાથે ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવાની અફર આશા આ શે’રમાં સરસ રીતે વ્યક્ત થઈ છે.
આખીય ગઝલમાં એવી ખુમારી ભરી વાતો છે કે મન જો કશે જરા નબળું પડે તો આ પંકિતઓ વાંચતા જુસ્સો ફરી પાછો આવી જાય. સરળ જણાતા આ કાવ્યમાં હતાશા કે નિરાશા ભર્યા જીવનમાં પરિવર્તન લાવી શકે તેવી પ્રેરણા શક્તિ રહેલી છે.
સંદર્ભ ગ્રંથ:
- 1. ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ સંપા. ચિનુ મોદી, પ્રથમ આવૃતિ: 1996, પ્રકાશક: સાહિત્ય અકાદેમી, દિલ્હી
- 2. ગુફતગૂ’ સંપા. રમેશ પુરોહિત, પ્રથમ આવૃતિ: 1990, પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- 3. ‘શબ્દસૃષ્ટિ’ સામયિક સંપા. હર્ષદ ત્રિવેદી , સળંગ અંક:255, ડિસેમ્બર: 2004