1
સામેના મેદાનમાં
ચોગમ ઊગ્યું છે ઘાસ
મનસ્વી રીતે
સાવ અસ્તવ્યસ્ત
ઘાસ કાપવાનું મોટું મશીન
એકધારું વ્યસ્ત છે
ઘરર...ઘરર...ઘરર...
મેદાનનું ઘાસ
પ્રમાણસર
સમથળ
એકસરખું બનાવવામાં
એનો અવિરત કોલાહલ
ઘાસની કૂંપળોનાં મુખ
મૂંગાં બનાવી દે છે.
કોઇ મેદાનમાં મશીન નાનું હોઇ
ક્યાંક કાતરથી ચાલી જાય
મોટેભાગે તો
ખુલ્લાં મેદાનોમાં
આખો બંધ કરીને ચર્યા કરતી
ક્ષુધાતુર બકરીઓ
પેટ ભરતાં ભરતાં આ કામ
સારી રીતે પતાવી દે છે.
પણ
એના ખાધા પછી
ઘાસ ઊગી શકતું નથી
જેમ જાણ્યું છે ત્યારથી
એની રોજે રોજની ભૂખ સામે
મારા જેવું કોઇક
વાંધો ઊઠાવે છે મનોમન
બીજી જ પળે થાય
કે ઘાસનું તો શું
બીજે ક્યાં પણ ઊગી શકે
અને
ન ઊગે તો શું?
ભલેને વેરાન રહેતાં મેદાનો
લૂખી અને
ભૂખરી જમીનને જોતાં રહીશું
તો ગમી જશે
એ પણ એકા’દ દિવસ
અને ત્યારે આ
ઘાસ કાપવાનાં યંત્રો
મૂંગાને નકામાં પડી રહેશે ખૂણામાં
ત્યારે
એનો ય અફસોસ કરીશું મનોમન
જો કે હર્યાં ભર્યાં મેદાનો જોવા
ટેવાયેલી આંખોને
ભરોસો છે કે
કૂંપળને જો ફૂટવું જ હશે
તો
એના રણકારને
કોણ દાબી શકશે?
2
જમીન પર દૂર દૂર સુધી
પથરાયેલાં ખખડતાં પાંદડાં
સ્થિર આંખે
ત્રાટક કરે છે
બાંધી લે છે નજરના તંતુઓને
સજ્જડ રીતે
પછે હવા ...... ફરફરે
અને સળવળે
ત્યાં તો-
ચારે બાજુ પથરાયેલાં પાંદડાં
વીંટળાતાં રહે
શ્વાસને ઊંચે ઊંચે ઘૂમરાવતાં.
ભીંસી દે
એની ભૂખરી બછટતાથી.
ધીરે ધીરે
એમાં ઓગળી ભળી જતી ત્વચાને
પછી ક્યારેય
ફાગણના પવનો બદલી શકશે નહીં
એની પૂરેપૂરી ખાતરી થયા પછી જ
એ
સૂકાં ખખડતાં પાંદડાં
પવનના ભીષણ સૂસવાટા સામે
સળવળવાનું ય
બંધ કરી દે છે,
લાગે
સાવ અમસ્તું જ જાણે.
સુસ્મીતા જોષી