જાત સાથે વાત (સામાને કહેવા) : સુમન શાહ
તા.6 ડિસેમ્બર 2006
જાત સાથે એકલા એકલા વાત કર્યા કરીએ, તો કર્યા કરીએ. કોઈને શું ?! મુનિ કે યોગી લાગીએ. કંઈ નહીં તો ગાંડા તો જરૂર. હોઠ બબડતા-ફફડતા હોય. એમાંથી ઊના ઊના શબ્દો મૂંગી ચાલમાં લથડતા, ગબડતા હોય. યાદ નથી પણ યાદ કરતાં યાદ આવે છે કે બે-ત્રણ દા’ડે એક-બે પળ માટે મારાથી આ બબડવા-ફફડવાનું થઈ જતું હશે. શબ્દો તો કેવા ? દ્રાક્ષની લૂમ જેવા વયસ્ક દ્રાક્ષોની વચ્ચે જોડે નીચે બે-ચાર નાની સુકુમાર પણ હોય. નાનપણમાં ઓટલે બેસી જતાં-આવતાંની મશ્કરીઓ કરતા. કોઈ કોઈને મેં એવો જોયેલો, બબડતો-ફફડતોઃ સાયકલ પર જતો હોય. ઝૂકી-ઝૂકીને પૅન્ડલ મારતો હોય. શી ખબર, જાતને શું ય ક્હેતો હશે. મને મળે તો પૂછું. પણ એ તો પૂંઠે નીકળી ગયો છે – દૂર દૂરના કશા વિજન રસ્તે...હવે તો રોડ પર દરેક ત્રીજું-ચોથું જણ સેલફોન પર બોલતું-બોલાવતું જોવા મળે છે. જાત જોડે વાત કરતું કોઈ કશે જડતું નથી. આપી સભ્યતાએ બબડાટ-ફફડાટ જાણે અભરાઈએ મેલ્યા છે...મને થાય એવું છે ત્યારે મારે શું કામ ખૂણામાં પડ્યા રહેવું ? જાત સાથે વાત જાહેરમાં શું કામ નહીં ? સામે જે મળે એને કીધા કરું છું- અમુક અમુક તારીખોની, ને તે ય અમુક તમુક, બધી નહીં...
સામાને કહેવાનું એટલે રીતેભાતે ક્હેવું રહેઃ પેલાને સંભળાય એવું. સાંભળે તો સમજાય એવું. એને વિશ્વાસ પડવો જોઈએ. એટલે, સાચેસાચું ક્હેવું રહે. અઘરું છે. સાચેસાચું કહી દેવું એ તો લક્ઝરી ક્હેવાય. કી ગાંધી માત્માને પોસાય, મને નહીં. જોકે બધું તો એમણે ય નથી કહ્યું. વળી પૂરું સાચું કેટલું ? કોને ખબર.
પિતાજીને અમે- કુલ પાંચ ભાઈ-બહેન- ‘કાકા’ કહેતા એમની એક શિખામણ કે ધાઈને ભેટવું નહીં ને છેટું પાડવું નહીં. એટલે એમ પણ ખરું કે ખરાખરી ન કરવી. પણ બાનું જુદું હતુઃ ઝડપથી ભઙેટે ને છેટુંય એટલી જ ઝડપથી પાડે. ખરા ને ખરું કહે, એક ઘા ને બે કટકા. હું મોટાભાગે બા-તરફી. હવે જોકે થોડો થોડો બદલાતો ચાલ્યો છું.
વાત એમ છે કે માણસ બીજાને તો ઠીક પણ જાતને હમેશાં ચાહતા હોય છે – નિરન્તર ભેટેલો રહે છે. આત્મરત. એવા લોકો અમુક હદ પછી બીજાઓને નથી ગમતા. ભલે. મારે આત્મરત નથી મટી જવું, એવા રહીને ગમતા થવું છે. જાત જોડે છેડો ફાડનારા વીરલા તો વિરલ હોય છે – સતત છેટા રહીને જોયા કરે. આત્મનીરખું. એવા લોકો સૌને ગમે છે. મારે એકદમના એવા નથી થઈ જવું. ભલે સૌને ન ગમું.
‘કાકા’ની જેમ બાની એક ઑર શિખામણ યાદ આવે છે. માની-સ્વમાની વધારે હતી એટલે કાયમ કહેઃ કોઈ આગળ જાંઘ નહીં ખોલવાની. જાંઘ ખોલવી રૂઢિપ્રયોગ છે. બાની ભાષા જ એવી. અમને ભાઈઓને એ જાત-ભાતના સમ્બોધનોથી નવાજતીઃ લોખંડશંખ. દાધૂડિયો. જંગીભંગી. તિતાલિયો. તરકડો. તો સગાઓમાંના કોઈને કડકાબાલુસ કહેતી, કોઈને ગફૂર, તો કોઈને વળી ભૂખડીબારસ. આપણી આસપાસથી આ બધા શબ્દો આજે તો ચાલી ગયા છે- બબડતા-ફફડતા પેલા સાયકલવાળાની જેમ, દૂર દૂર...
જાંઘ ખોલવી એટલે પોતાનું બધું સામાને કશા સંકોચ વગર કહી દેવું. પટછૂટા થવું. બાની ભલે ના છે છતાં મારે એવા થવું છે. જોકે એવા કેટલા થવાશે તે નથી કહી શકતો. કદાચ નહીં થવાય. દહેશત રહે છે કે જાત સાથેની આ વાત બબડાટ-ફફડાટ બની હવામાં ઊડી તો નહીં જાય ને....
10 ડિસેમ્બર 2006
આજે એક મહાસૂઝ પડી – ભૂલ પડી કહીએ છીએ, એમ સૂઝ પડીઃ મેં બ્લેડને લાલ રંગની નાનકડી ફીત બાંધી. જેથી, જ્યાં હોય ત્યાંથી ઝટ દેખાય, મળી આવેઃ
ભણતો ત્યારે મારા હસ્તાક્ષર વધારે સુન્દર હતા. સન લિટ બૉન્ડ નામનો મોંઘો પેપર વાપરતો. કાર્યદક્ષ ફાઉન્ટન પેન વાપરતો. પાર્કરની બ્લૅક ઈન્ક. થોડા ક્રીમી વ્હાઈટ એ પેપરમાં વચ્ચે સન લિટ બૉન્ડનો વૉટરમાર્ક હોય. આખી સપાટી સરલતરલ. એ પર નિરાંતે લખવાની મજા સાવ ઑર હતી. આજે આવું બધું છે જ, પણ મને નિરાંત પોસાય એવું કશું રહ્યું નથી.
ગમતા લેખકમિત્રને ફાઉન્ટન વાપરવા કહું છુઃ બૉલપેનથી ન લખીશ, આંટણ પડી જશે. પટ પટ અક્ષરો પડે ચાલે દોડે – જાણે ઘેટાંબકરાંની માઈક્રો-લેવલ વણઝાર...કન્ટેન્ટ ફૉર્મમાં પરિણમે એ રૂપાન્તર તો સર્જનની વાત, અંદરની વાત, પણ શાહી નામના દ્રાવણનું અક્ષરોમાં થયે જતું એ ગમતીલું રૂપાન્તર જોતા જોતા લખવાની ખુશી જુદી જ હતી. છે. હશે. કમ્પ્યૂટર પર લખતાં અદૃશ્ય પ્રક્રિયા પોતે જ દૃશ્ય પરિણામરૂપે સ્કીન પર તડ તડ તડ તડ ફૂટતી ચાલે છે. પણ શું કરું ? ત્યાં અંગ્રેજી જ લખી જાણું છું...
હાથથી લખેલા મારા કોઈ પણ લખાણમાં મને એક પણ છૅંકો ન ગમે- કેમકે હું કંઈ દેરિદા નથી. ડૂચોવાળી ફૅંકી દઉં, નવો કાગળ લઉં. કાગળ અને અક્ષરોનું સાયુજ્ય રચાવું જોઈએ. દરેક અક્ષરે શિસ્તથી પોતાની જગ્યાએ રહેવાનું અને એ રીતે સમગ્રની શોભાના ભાગીદાર બનવાનું. આખું કોઈ સુન્દરીના ચહેરા જેવું લાગવું જોઈએ. મેકઅપ હોય પણ માપમાં. વાળ ઘસી-ઘૂંટીને ઓળ્યો હોય. કસીને અમ્બોડો વાળ્યો હોય – એટલા તો હોવા જોઈએ, મિનિમમ ગણાય-? અમ્બોડા પર બેએક લીલી પાંદડી સહિતનો મોગરો ખોસ્યો હોય, જેની સુવાસ બીજો તો ઠીક, પણ પેલીની આસપાસ આરામથી ચકરાતી હોય. મારા લખાણનાં શીર્ષકો એવા મોગરાં જેવા હોય તો કેવું સારું – એવું મને થતું, બહું થતું.
પછી લખાણો સમ્પાદકોને મોકલવાના રૂડા દા’ડા આવ્યા. ટલે કૉપી તો રાખવી પડે. કાર્બન પેપર વાપરવા માંડ્યો. પણ ફાઉન્ટન એવો ખમવાની ના પાડે. એલે બૉલપેનો અજમાવા લાગ્યો. એક એકથી ચડિયાતી લેવી પડતી. પરિણામે જમણા હાથના જમણા અંગૂઠે જમણી તરફ આંટણ પડ્યું. એમ ને એમ વર્ષો વીત્યાં ને એકા એક આપણે ઝેરોક્ષના જમાનામાં આવી ગયા. એટલે પછી વળી પાછી ફાઉન્ટનને વ્હાલી કરી શકાઈ. જોકે, સાથોસાથ, લખવાનું વધતું ચાલ્યું. હસ્તાક્ષરો દોડતા થયા. ધીરજ ફાસ્ટ વપરાવા લાગી. છતાં લખાણ મોગરાના અમ્બોડાવાળીના જેવું સુઘડ સુન્દર તો હોવું જ જોઈએ - એ આગ્રહ ન ગયો તે ન જ ગયો, બલકે દુરાગ્રહ બની રહ્યો. કદાચ, અંદરથી એને વધુ ને વધુ ચોખ્ખું કરવાની હઠ હશે. કદાચ, જેને માટે હોય તે વિચાર। સંવેદનને તન્તોતન્ત રજૂ કરવાની જિદ્દ હશે. નથી ખબર.
પરિણામે વાક્યમાં શબ્દો કે શબ્દગુચ્છો બદલવાના પ્રસંગો ચાલુ જ છે. આખાં ને આખાં વાક્યો, છૅંકવા જેવાં જણાયા કરે છે. ડૂચા વાળી ફેંકવાની નાદાની 68ની આ ઉમરે શું કરવી, એમ થાય છે. એટલે વાક્ય બગડ્યું હોય તો એને ત્યાંનું ત્યાં છોડી દઉં છું – આજે પણ- આ લેખમાં પણ – પછી નીચે એને ફરીથી લખું છું. છેલ્લે કાપીકૂપી ફેવિસ્ટિકથી ચૉંટાડી સાંધો કરી લઉં છું. એવો સાંધો ચલાવી લેવાની મર્યાદા સ્વીકારી છે. પણ સારા વાક્યમાં નકામા શબ્દોનું શું કરવું ? સફેદ પ્રવાહી કે શાહીનું ઈરેઝર મળે છે. પરન્તુ મને તો એના ય વાંધા છે. એટલે બ્લેડ વાપરું છું. નકામા શબ્દ પર બ્લેડ સિફતથી પણ ફાસ્ટ ઘસવાનું. શબ્દ અને એને ધારણ કરતી કાગળની એટલી સપાટી અદૃશ્ય ! પછી મૂકવાનો એ અદૃશ્ય પર ગમતો શબ્દ – દૃશ્ય!
પણ મારા જીવનના એક-ના-એક બનાવોમાંનો એક હમેશાં બનતો હતો – બ્લેડ મળે નહીં ! અણીને વખતે જ ગૂમ હોય ! ઘરનાને થોડું પૂછાય ? છતાં રશ્મીતાને પૂછી બેસતો- મારું બ્લેડ જોયું છે ? એ એવી રીતનું હસી આપે, જેનો અર્થ એમ થાય કે હું કેવો બુદ્ધુ છું... એ દરમ્યાન આગળ લખવાની તલપ વહ્યે જાય. ડાયરીઓ કોરા કાગળો પત્રો મેગેઝિનો ચોપડીઓ વગેરેના કાયમી પથારામાં ક્યાંક છુપાયું હોય. હું ઘાંઘો થઈ બધું ઉથલાવ્યા કરું. (એ મને જોતું-જોતું મલક્યા કરતું હશે.) આજે આ નિત્યની દુર્ઘટનાનો અન્ત આવ્યો છે. માન્યામાં ન આવે એવું છે છતાં સાચું છે કે આ સિલસિલો નહીં નહીં પોત પાંચ-સાત વર્ષથી ચાલતો હતો. પરન્તુ જે એનો અન્ત આવ્યો છે. આજે મને મહા સૂઝ પડી છે- મેં એને લાલ રંગની નાનકડી ફીત બાંધી છે. એ મને હસતું જોઈ રહ્યું છે. જાણે મૅક્રો-લેવલ ગલુડિયું, પાળેલું. લાગે છે કે હવે નહીં ખોવાય. જોકે મુક્ત થઈ સ્વાયત્ત રહેવું વસ્તુ માત્રનો સ્વ-ભાવ છે એટેલ કંઈ કહેવાય નહીં...જોઈએ...
12 ડિસેમ્બર 2006
15 ડિસેમ્બર, 2006
સપનું વહેલી સવારનું હતું. વહેલી સવારનાં સપનાં સાચાં પડે છે.
એમાં મેં જોયાં ફૂટબૉલ જેવડાં, મસ મોટાં સીતાફળ. લાકડાનાં લાગતાં’તાં. એમની પશીઓનાં ઉપલાં પડ મોટી લીલી-બદામ જેવાં હતાં. રંગેલાં લાગે. ઊંટલારીમાં હતાં. લારી કોઈ એક્સપ્રેસ-વે પર હતી. દૂરથી ઘણાં લાગેલાં. નજીક ગયો, તો ખાલી ત્રણ ! પેલો ક્હેઃ વેચાઈ ગયાં. હાઈ-વે પર ચાલતો ચાલતો હું અટક્યો તે ઘર રૅસિડેન્સી બન્ગલો હતું. ગુલામ મહમ્મદ શેખનું જૂનું ઘર. ઊંટે ગાંગરડો કર્યે તે બારણું આપોઆપ ખૂલી ગયું. એ બોલતા’તાઃ લઈ લો એકાદ, સરસ હોય છે. પછી એમણે હથેલી મૉં પાસે લઈ આંગળી ને ડોકું આમતેમ કર્યું. – જેનો અર્થ એવો હતો કે ખાશું આપણે બંને જણાં. મેં મસ્તક ઝટપટ ભમાવેલું – જેનો અર્થ એવો કે શક્ય નથી, આવિયો ના પાડે છે. ત્યાં કોઈ બરાડ્યુઃ હવે તો ત્રણ પણ નથી. ઝૂંપડા પાસે એક સ્ત્રી – એની જ હોવી જોઈએ- ને બે છોકરાં – એના જ લાગતાં’તાં- સીતાફળને મુક્કો મારતાં’તા. ભચાક્ દરેક ફાટી પડતું’તું. પણ કશું નીકળતું ન્હૉતું. ઘા પર ઘા ને તેના પડઘા ઉઘરાવતો ઉઘરાવતો હું ચાલ્યા કરતો’તો. ત્યાં પેલાએ મને ઊભો રાખ્યો, ક્હેઃ થોભો, એકાદ પડ્યું હોય... કહેતો એ માળિયે ચડવા લાગ્યો મેં નિસરણી લઈ લીધી એ પહોંચી ગયોતો. માળિયું મને જાણીતું હતું. – વડોદરા પાસેના ડભોઈના અમારા ઘરનું માળિયું. પછી એ પૃથ્વીનો, કાગળનો એક જૂનો ગોળો લઈ ધબાક્ નીચે કૂદેલો, સાચવીને જોકે. ઊડેલી ધૂળ હટાવતાં મેં શેખને કહેલુઃ ડાયાબીટીસ છે. એ ક્હેઃ એમાં શું, ઘણાને હોય છે. પછી ખડખડાટ હસેલા હાલી હાલીને હમેંશની જેમ. હમ્મેશની જેમ ચ્હેરો એમનો લાલ લાલ થઈ ગયેલો. હું કંઈક બોલેલો – જેનો સૂર એવો હતો કે આ ઉમ્મરે આટલા લાલ છો કે બધાને તમારી ઈર્ષ્યા થાય છે, હસો છો શું. એ વળી હસેલા. પછી હું સીતાફળને હથોડીથી તોડવા ફાંફાં મારતો’તો. મને નહીં જડેલી તે મુક્કા મારતો’તો. – તો પેલા છોકરાંના ચાળા પાડતો હું મને જોતો’તો તે જોતો રહી ગયેલો. મારી હથેળી દુખતી’તી કેમકે એ પર હું કેટલીક જૂની ચોપડીઓનું બન્ડલ ઊંચકી લાવેલો. હથેળીને મસળીને સરખી કરતાં રાત પડી ગયેલી. એકાદ ચૉપડીનાં પાનાં પલટાવતો’તો, કે પલટતાં જોતો હોઈશ, તે ધીમે ધીમે વિચારોનો ગોટો થવા લાગ્યો હશે... સવારે એક ઊંટ મારા બારણે માથું પછાડતુંતું. ડોરબેલની એને ખબર નહૉતી...
સપનાં આટલાં સુબોધ સુબદ્ધ નથી હોતાં. આટલાં લાંબાં પણ નહીં. એ તો ભાષા કરતાં ઘણાં ફાસ્ટ હોય છે, વિચાર કે લાગણી કરતાં પણ, અતિ ઝડપી. જરાક જ પજવીને ઊડી જતી રમણીનાં લ્હેરિયાં જેવાં મેં ઘણાં સંઘરી રાખ્યાં છે. વર્ણ શબ્દ વાક્ય ફકરો વગેરે વ્યવસ્થાઓ વાર્તા લખતી વખતે કામ આવે છે.
23 ડિસેમ્બર, 2006
આ ઈન્ટરનેટના જમાનામાં સ્થળ અને કાળને વિશેની મારી કે આપણી ચીલાચાલુ સમજો પર આક્રમણ થઈ રહ્યું છે. તકાજો એવો છે કે હું કે આપણે એ સમાજોને ફગાવી દઈએ તો સારું છે.
અંગ્રેજીમાં જેને આપણે પ્લેસ કહીએ છીએ તે સ્થળની રીતે ભલે અકબન્ધ હોય. તેનો મહિમા નામશેષ થવા લાગ્યો છે- એટલીસ્ટ, એવું લાગે છે. ગૂગળ-અર્થ પર ઈન્ડિયા અમદાવાદ વસ્ત્રાપુર અને શબરી ટાવર જોયા પછી મને મારું એ સરનામું ઝાઝા મહત્ત્વનું નથી લાગતું. વિરાટ પૃથ્વી પર હું કેટલું નાનું ટપકું છું એ સમજાય છે. સ્થળ હવે સ્પેશ છે, અવકાશ. આઠમા માળે રહ્યે રહ્યે હું અવકાશમાં તરતોસરતો થઈ ગયો છું. મારું કમ્પ્યૂટર બારી પાસે છે પણ કમ્પ્યૂટર પોતે બારી છે – જ્યાંથી વિશ્વ આખામાં જવાય છે, પાછા પણ અવાય છે.
મારી ઈન્ટરનેટ-વ્યવસ્થાથી હું અવકાશ પાર કરું છું ને અન્યની ઈન્ટરનેટ-વ્યવસ્થા દ્વારા અન્ય લગી પહોંચી શકું છું. એમાં મારા શરીરે કશો નાનો કે મોટો પ્રયાસ કરવો જરૂરી નથી. ચૅટ દરમ્યાનની અમારા બંનેની સૂચક તલ્લીનતા અનોખું સાયુજ્ય રચે છે. વેબ-કેમ પરની અમારી આપ-લે ચોક્કસ, વળી ગરજભરી હોય છે. પરિણામે પેલા સાયુજ્યનો રસિક પરચો મળવા લાગે છે. (એટલું સારું તો લાઈવ મિટિન્ગોમાં ય નથી થતું. કેમકે મળનારાં પોત પોતાની દાનત પર આવતાં નથી – ઘણી વાર લગાડે છે.) એ દરમ્યાનની મારી શારીરિક અવસ્થા કેવી છે તે જણાવવું જરૂરી નથી હોતું. હું માંદો કે સાજો હોઉં, શેપમાં- એટલે કે પૂરાં વસ્ત્રોમાં – હોઉં પણ ખરો, ન પણ હોઉં. કોઈ ફર્ક નથી પડતો. એ વીગતોએ પોતાનું મહત્ત્વ ગુમાવ્યું છે. એટલે લગી કે એટલા પૂરતી મારી વૈયક્તિતાએ પણ પોતાનો મહિમા ગુમાવ્યો છે. મારાં તમામ વૈશિષ્ટ્ય એટલાં પૂરતાં વ્યર્થ હોય છે. અમે બંને ચોખ્ખા આશયથી શુદ્ધ મનથી વ્યવસ્થાબદ્ધ રહીને મળીએ છીએ. અમારું મિલન, દરેક મિલન અર્થપૂર્ણ- તેથી સન્તોષપ્રદ – ને તેથી આનન્દદાયક – તેમજ તેથી પ્રસન્નતાવર્ધક હોય છે.
સ્થળ કે સ્થળવિશેષને વિશેની ઉપર કહી તે આખી વાત કાલ કે સમયને- સમયવિશેષને- એટલી જ લાગુ પડે છે. એટલે એવું ને એવું વિવરણ કરવાની જરૂર નથી, જાતે વિચારી શકાય છે, દરેકથી વિચારી શકાય છે. છતાં કહું કે સમયનો હવે ગોટો વળી ગયો છે. એ પોતે જ હવે અવકાશ છે. બપોરના 2થી 4 દરમ્યાન સામાન ને ઘરે ફોન ન કરાય, પણ ઈ-મેઈલ કરાય. વૉઈસ-મેઈલ મૂકાય. અમુકોને રાતના 10 પછી ભલે ન જગાડાય, પણ એટેચમેન્ટ મોકલી શકાય. કોઈ પણ બિલ કોઈ પણ પેમેન્ટ ઓફિસઅવર્સ પછી પણ ભરી શકાય, વગેરે વગેરે.
દીવાલ પરનું ક્લૉક આવતાં, તોતિંગ પબ્લિક ટાવર ડાબું થઈ ગયું. ડાબું એટલે ઉપેક્ષિત. કાંડા પરનું વૉચ આવતાં, વૉલ-ક્લૉક ફાલતું થઈ ગયું. પણ ઈન્ટરનેટ આવતાં, બધાંનો બધો સમય સાર્વત્રિક થઈ ગયો છે. બધા ટાઈમઝોનની બધી દીવાલો ગબડી પડી છે. કહે છે, કાંડા પર ઘડિયળ પ્હૅરવું હવે આઉટ ઑવ્ ફૅશન છે...
( 7 જાન્યુઆરી, 2007)
(આવતા અંકે ચાલું...)
ડો. સુમન શાહ, જી । 730 શબરી ટાવર, વસ્ત્રાપુર અમદાવાદ-380015 ફોન- 079-26749635. મેઈલ આઈ.ડી. suman_g_shah@yahoo.com