Editorial - સંપાદકીય
સાહિત્યસેતુ- નો આ નવો અંક આપની સામે પ્રકાશિત કરતાં આનંદ અનુભવીએ છીએ. પ્રતિષ્ઠિત એવા સર્જકો, લેખકોની સાથે નવા-નવાં કવિ-લેખકો અને આસ્વાદકો સામેલ થતાં જાય છે. સામે પક્ષે ભાવકોની શુભેચ્છાઓ, પ્રતિભાવો પણ અમારા ઉત્સાહને બેવડાવે છે.
ગુજરાતમાં ઈન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે એ હકીકત છે. દેશ અને દુનિયામાં પણ આમ જ બની રહ્યું છે. આ માધ્યમની સાથે વિવિધ કલાઓ પણ તાલ મિલાવતી જાય છે. ફિલ્મ, સંગીત, નાટ્ય, ચિત્ર, ફોટોગ્રાફી- આ બધું એના નવા નવા પરિમાણો અને વ્યાપ સાથે આપણી સામે આવી રહ્યું છે. શબ્દ અને અર્થની સાહિત્યસૃષ્ટિમાં પણ વ્યાપક બદલાવ આવ્યા વિના રહી શકે તેમ નથી. એ બદલાવો શરૂ થઈ ગયા છે. પરંપરાગત રીતે લખાતું, વંચાતું અને વિચારાતું સાહિત્યજગત હવે જો એના એ જ સ્વરૂપે રહે તો દૃશ્ય-શ્રાવ્ય અને ત્રિ-પરિમાણીય સમુહમાધ્યમોના આ યુગમાં ટકવું અશક્ય નહીં તોય મુશ્કેલ તો જરૂર બનવાનું છે.
નવી પેઢી જે સહજતાથી આઈ-પૉડ તરફ વળે છે એ સહજતાથી વાંચી શકતી નથી. ઈન્ટરનેટ, ટી.વી. આદિ સાધનો એની કૂતુહલવૃત્તિથી માંડી કલ્પનાઓને વિસ્તારે અને પોષે પણ છે. પણ એક બાબત ખૂટતી જણાય છે તે છે ધીરજ !વાંચતી વેળાએ ભાવક ચિત્તનું જે ઈન્વોલ્વમેન્ટ હોય છે વાચનસૃષ્ટિ સાથે, તે કદાચ ખોવાઈ રહ્યું છે. હવે એણે તૈયાર ભાણે બેસી જોવા-સાંભળવાનું માત્ર છે. પોતે કિનારે જ રહી જાય છે. વાચન વેળાએ એના દ્વારા અજાણપણે જ થતું રહેતું અનુસર્જન- પોતાની સમજ પ્રમાણેના અર્થઘટનની મથામણ, કલ્પેલા વિશ્વને માણવાની નિકટતા,મમળાવવાની એની તલબ, રિ-વાઈન્ડ કરી કરીને મનગમતું ચગળવાની મજા આજના આ નવા માધ્યમોના ભાવક ગુમાવી રહ્યાં છે, એકબાજુ અઢળક એવી સામગ્રીની ભરમાળ છે, બધું જ એટલું તો આકર્ષક, કશાય આયાસ વિના સામે ખુલી જતું ભવ્ય, કલ્પનાતિત જગત એના ચિત્તને સ્તબ્ધ કરી મુકે, વિચારવાનો વખત પણ ન આપે.મમળાવવાની તો વાત જ ક્યાં...?
દરેક પેઢીને એની પોતાની મજા હોય, દરેક પેઢીને એનું સંગીત, એની કલ્પનાઓ, એની ઈચ્છાઓ અને અપેક્ષાઓ હોય એ સ્વાભાવિક હોય, હોવું પણ જોઈએ. પણ અત્યારે તો જે ઝડપે જનરેશન બદલાઈ રહી છે... એ હજી કશું સમજે, વિચારે કે સ્થિર થાય તે પહેલા તો સમય રૉકેટગતિએ આગળ વધી જાય છે ! – વર્તમાન સમયે નિરાંતવું ભાવન ગુમાવ્યું છે. કશાક શબ્દોથી, કશાક ઈંગિતોથી, કશાક સૌંદર્યબોધનો નાનકડો ટૂકડો લઈને પોતાની અંદર અંદર વિસ્તરી જતાં ભાવકો ઘટતા જાય છે ! એવું લાગે છે તે હકીકત છે કે પછી મનુષ્યની ભાવનશક્તિ એનું રૂપ બદલીને નવા રૂપમાં પરિણમી રહી છે ?
અત્યારે તો ખબર નથી પડતી.
સમયને સરતો જોવો એ જ તો આપણી હકીકત અને ધર્મ છે!
સંપાદક મંડળ