ગુજરાતી દીર્ઘ કવિતાઓ (૧૯૬૦થી ૨૦૧૦)
મહાકાવ્યોની સમૃદ્ધિ ધરાવતાં આ દેશમાં દીર્ઘ કાવ્યો રચાય તે સ્વભાવિક ગણાય. મધ્યકાળથી માંડી અર્વાચીનકાળ સુધી એમ બનતું પણ આવ્યું છે. દીર્ઘતા આપણને માફક આવી છે હંમેશા. કદાચ ભારતીયોની જીવનશૈલીનું એમાં પ્રતિબિંબ હોય, કદાચ સુદીર્ઘ એવી પરંપરાએ કવિઓને આપેલ સમૃદ્ધિ પણ કારણરૂપ હોય. મધ્યકાળમાં આખ્યાનોથી માંડી પદ્યવાર્તાઓ મોટા પટ પર આલેખાયાં છે અને ર્ઉિમગીતો જેવા પદો પણ પદમાળામાં વિસ્તરણ પામ્યાં છે. બીજી બાજુ દલપતરામ-નર્મદ પણ જરૂર પડ્યે વિસ્તારના રસ્તે ગયા છે. ન્હાનાલાલે મહાકાવ્યની શોધ ચલાવી અપદ્યાગદ્યની નવી ગલીએ નીકળી પડ્યા તો કાન્તે ખંડકાવ્યો દ્વારા વિસ્તરતાં કાવ્યપ્રકારની નવા પરંપરા સ્થાપી આપે છે. પંડિતયુગથી લઈને આજ સુધીના મોટાભાગના કવિઓ એક યા બીજા કારણે દીર્ઘ પટમાં કવિતાને વિસ્તારવાનો પ્રયત્ન કરી જોયો છે.
આખ્યાનો, ખંડકાવ્યો, કાવ્યગૂચ્છ, કથાકાવ્યો, ગદ્યકાવ્યો આદિની પરંપરાઓ આપણે ત્યાં રચાતી આવી છે. એમાં દીર્ઘકવિતા સંજ્ઞા પણ વપરાતી જોવા મળે છે. લોંગ પોએમ-નો સીધો અનુવાદ હશે કદાચ. પણ એનાથી કશું સ્પષ્ટ થાય તેવી સ્થિતિ આપણે ત્યાં રચાઈ નથી. જે કાવ્ય સમાન્ય લાગતા ગીત-ગઝલ, મુક્તકો, હાઈકુઓથી માડી પદ, ભજનોથી અલગ પડીને લંબાયા હોય તેને આપણે ત્યાં દીર્ઘકવિતા કહેવામાં આવી છે. પણ છેલ્લા પચાસ-સાઠ વર્ષો દરમિયાન દીર્ઘ કવિતા એટલે લાંબા કાવ્યો નહીં, કોઈ વિશિષ્ટ અને આગવા કહી શકાય તેવા સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે સ્થાપિત થઈ રહ્યાં છે, ભલે સ્વરૂપનો દરજજો પામે એટલી સૈદ્ધાંતિ પિઠિકા હજી નથી રચાઈ પણ આગવી ઓળખ, લાક્ષણિકતાઓ ધરાવે તેવું કાઠું તો આ પ્રકારના કાવ્યોએ કાઢ્યું છે એ હકીકત સ્વીકારવી રહી.
૦૦૦
સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત -ગુજરાતી સાહિત્ય કોશ-૩માં દીર્ઘકાવ્યની સમજૂતિ આ મુજબ આપવામાં આવી છે.
દીર્ઘકાવ્ય એ આખ્યાન, ખંડકાવ્ય,સાૅનેટ, હાઈકુ, ગીત, ગઝલ જેવી કોઈ સ્વરૂપલક્ષી સંજ્ઞા નથી. લાંબા કદના કાવ્યો જે ઉક્ત કોઈ સ્વરૂપમાં બંધ બેસતા નથી તેમની સાદી-સીધી રીતે દીર્ઘકાવ્યથી ઓળખવામાં આવે છે. સૈદ્ધાંતિક ભૂમિકા પર રહીને દીર્ઘકાવ્યનું સ્પષ્ટ ચિત્ર મળતું ન હોવાથી એની કોઈ વિભાવના બંધાવા પામી નથી. સર્જકના ચિત્તમાં આવા કાવ્યો રચવા પાછળ કોઈ ઉચ્ચ કોટિનો પરિપ્રેક્ષ્ય હોય એવું લાગે છે.
સ્વરૂપની દૃષ્ટિએ દીર્ઘકાવ્યમાં દીર્ઘતાનું મહત્વ વિશેષ લાગે. પણ દીર્ઘતા લાવવા ખાતર કવિ કાવ્ય નથી રચતો, પણ કલ્પના-શક્તિથી તેના ભાવવિશ્વને વ્યાપક ફલક પર મૂકી આપવા માટે દીર્ઘતા લાવે છે. તેના મનમાં વ્યાપક ભાવ રજૂ કરવાની મૂંઝવણ હોય છે. સમાજ કે વ્યક્તિના જીવનની મૂંઝવણ કે ગૂંચ કલા-પૂર્ણતાથી કવિ રજૂ કરી આપે છે. (નરોત્તમ પલાણ)
સુમન શાહ દીર્ઘ કવિતા વિશે પાયાના પ્રશ્નો ઉઠાવી સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરે છે, લખે છે ‘દીર્ઘત્વનું સ્વરૂપ શું ? ‘આત્માના ખંડેર’, ‘પાત્રો’, ‘બસ-કાવ્યો’, ‘ખમ્મા, આલા બાપુને’, ‘તાલ કાવ્યો’, ‘આઠ પતંગિયા’ - જેવી કૃતિઓમાં સ્વાયત્તપણે ટકી જાય એવા એકથી વધુ કાવ્યો છે અને સમગ્રકૃતિ તેની માત્ર માળા છે. એ માળાને દીર્ઘકાવ્ય ગણીએ તો તેના સમગ્રમાં ઉસ્ફુરતા કાવ્યબોધને લક્ષમાં લેવો પડે અને તે સંદર્ભે જ તેની દીર્ઘકાવ્ય તરીકેની પરીક્ષા થઈ શકે ‘અજામિલાખ્યાન’, ‘જટાયુ’, ‘બાહુક’, ‘શિખંડી’, જેવી કૃતિઓમાં તે તેના વિષયવસ્તુ દીર્ઘતત્ત્વનું સ્વરૂપ નક્કી કરતા હોય છે તે મોટાભાગે વસ્તુપરક હોય છે. પરન્તુ ‘ગાયત્રી’, ‘એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન’, ‘માણસની વાત’, ‘પ્રવાહણ’, ...કે ‘જાતિસ્મર’ સ્વ-સ્વરૂપે કરીને જ દીર્ઘ કાવ્યરચનાઓ છે. એને કદાચ શુદ્ધ અર્થમાં દીર્ઘકાવ્યો કહી શકાય.
આપણી સામે કેટલીક એવી રચનાઓ છે જે આગળની પરંપરાથી સાવ ભિન્નરૂપ લઈને આવી છે. જેમકે, અહીં જે કેટલા કાવ્યોના આધારે વાત કરવાનો છું એ કાવ્ય નીચેના કારણે જૂદાં પડે છે..( સ્વરૂપ વિચાર અને પરંપરા વિચારમાં ડાૅ. દીપક રાવલના સંશોધન ગ્રંથનો આધાર લેવામાં આવ્યો છે.)
૧. પદમાળા, ખંડકાવ્યો કે કથાકાવ્યોમાં કંઈક કથાનક આદિ છંદોબદ્ધ રીતે ઘૂંટાતું આવે છે.
૨. દીર્ઘકાવ્યમાં સળંગ કથા નહીં પણ એકાધિક કથાઓના ટૂકડાઓ સંદર્ભરૂપે વૅરાઈને કંઈક નવા અને કવિને અપેક્ષિત અર્થ નિપજાવતા હોય, કશોક વિચાર, દૃષ્ટિકોણ, લાગણીની પ્રધાનતા આવા કાવ્યોમાં છે. મોટાભાગે દીર્ઘકાવ્યોમાં છંદથી છૂટવાની મથામણ જોવા મળી છે. જો કે, એ અનિવાર્ય શરત નથી.
દીર્ઘ કાવ્ય જન્મવાના કારણો-
સ્વરૂપવિચાર
દીર્ઘ કવિતા વિશે આપણા વિવેચક પ્રમાણમાં ઉદાસિન જણાયા છે. સૌ પ્રથમ ડો. ચિનુ મોદીએ આ દીર્ઘકાવ્યો વિશે પ્રશ્ન ઉઠાવેલા. એમના કાવ્યસંગ્રહ ‘શાપિત વન’ની પ્રસ્તાવનામાં એ લખે છે કે ‘શા માટે આ દીર્ઘ રચનાઓ થઈ ? અછાંદસની સગવડ કારણરૂપ છે ? સંકુલ સંવેદનોના કારણે જ દીર્ઘ રચનાઓ થાય છે ? અને આ રચનાઓ લાંબા કાવ્યો છે ? એ પણ તપાસ માંગી લે તેમ છે. દીર્ઘ રચના માટે અ-નિવાર્ય એવી સજજતા આપણા આજના કેટલા કવિઓમાં ? સુઘટ્ટ ભાષાપોત, સંકુલ સંવેદનોની સ્વતંત્ર માવજત સાથે સાતત્યનો અનિરુદ્ધ પ્રવાહ, ઊંચું-ઊંડું અને શબ્દમાં શબ્દથી બૃહત્ વિશ્વ રચવા મહત્ શક્તિ તથા લાઘવયુક્ત અભિવ્યક્તિરીરિત એ આપણા કેટલા કવિઓમાં ?
ઉપરાન્ત ડો. સુમન શાહે ‘આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના’ ૧૯૮૮માં કેટલાંક ગુજરાતી દીર્ઘકાવ્યોને તપાસ્યાં છે.શ્રી પ્રમોદકુમાર પટેલ ગુજરાતી દીર્ઘકવિતા વિશે પ્રમાણમાં વિશદ્ ચર્ચા કરે છે. પણ તેઓ દીર્ઘકવિતાના સ્વરૂપને સ્પષ્ટ કરવાના પ્રયાસમાં પડ્યા નથી. એના કારણો આ પ્રમાણે આપ્યાં છે ‘ટૂંકા ર્ઊિમકાવ્યો, ટૂંકી ગઝલ-રચનાઓ અને ટૂંકી અછાંદસ કે પરંપરિત મેળની રચનાઓ સામે, અનેક કંડિકાઓમાં વિસ્તરતી અને ભિન્ન ભિન્ન ભાવદશાઓને આલેખવા ચાહતી દીર્ઘ-રચનાઓને અલગ તારવવાનું એટલું મુશ્કેલ નથી. પણ દીર્ઘ કવિતાને એક અલગ કોટિમાં મૂકવાને કેટલો વિસ્તાર જોઈએ કે કેટલી પંક્તિઓ જોઈએ તેનો સ્થૂળ ખ્યાલ બાંધી શકાય નહીં. એટલે અસંખ્ય દૃષ્ટાંતોમાં મધ્યમકદની રચના અને ખરેખરી દીર્ઘ રચના વચ્ચે ભેદ કરવાનું મુુશ્કેલ બને જ છે. જેમ કે, લાભશંકરની રચના ‘માણસની વાત’ને કે ‘પ્રવાહણ’ને દીર્ઘ કવિતા તરીકે ઓળખાવવામાં અને સ્વીકારવામાં ઝાઝી મુશ્કેલી નથી, પણ તેમના કાવ્યગ્રંથ ‘મારા નામને દરવાજે’ની ૧૭મી કૃતિ ‘સમી સાંઝનું ઘરડું પંખી’ એ દીર્ઘ કવિતા ગણાય કે કેમ એવો સહેજે પ્રશ્ન થાય...
૦૦૦
ભારતીયો માટે આઝાદી સ્વભાવિક જ અસ્વિસ્મરણિય ઘટના છે, પણ એની સાથે જોડાયેલી વિભાજનની વિભિષિકા, એ પછીના વર્ષોમાં સર્જાયેલી અતંત્રતાભરી સ્થિતિ ને આઝાદી પછીના જે સ્વપ્નો સામાન્ય માણસે જોયાં હતા તેની રાખ ઉડતી જોઈને કોઈ પણ કવિની શ્રદ્ધા ડગી જાય તેવો માહોલ રચાય છે. બે બે વિશ્વયુદ્ધોની થપાટ ખાઈને ખો ભૂલી ગયેલું વિશ્વ પણ ભયાનક સ્તબ્ધતા અનુભવી રહ્યું હતું. માનવને ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા ડગી ગયેલી, એકલા હોવાની અનુભૂતિએ એને નિર્ભાંત કરી દીધેલો. જયાં જુઓ ત્યાં અરાજકતા, વિષાદ, અને અસ્તિત્વ ટકાવવાની ગોઝારી મથામણ જ નજરે પડતી હોય ત્યાં કઈ રીતે મંગલનું ગાન પ્રગટી શકે ? આવી સ્થિતિમાં સ્વભાવિક જ ‘વિશ્વશાંતિ’ની ખેવના કરત સંવેદનશીલ કવિ પોતાની જ શાંતિ ગૂમાવી બેસે છે ને લખે છેઃ
છિન્નભિન્ન છું.
નિશ્ચ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો.
માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો,
ઘેર ઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ,
વિચ્છિન્ન છું.
દીર્ઘ કવિતાની શરૂઆત કરનાર છે ઉમાશંકર જોશી. ૧૯૫૬માં પ્રકાશિત થયેલ ‘છિન્નભિન્ન છું’-થી ગુજરાતી ભાષામાં અછાંદસ, સંવેદન અને વિચારને ઘૂટતી દીર્ઘ રચના લખાવાની શરૂ થઈ એમ કહી શકીએ. ઉમાશંકર જોશીના ‘છિન્નભિન્ન છું’ કાવ્ય વિશે ઘણું કહેવાયું છે, લખાયું છે એટલે હું એને પુનરાર્વિતત કર્યા વિના એટલું જ કહીશ કે આ કાવ્યએ એક નવી દિશા ખોલી આપી. આપણા કવિઓએ પ્રયોગો કરીને પોતાના અવાજને, પોતાની સંવેદનાને વાચા આપી શકે તેવા કાવ્યસ્વરૂપની શોધમાં તળપદા લય, રાગ, મધ્યકાલીન કથાઓથી માંડી મિથની વાટિકાઓમાં ઘૂમવાનું શરું કરી દીધેલું. એવામાં પ્રકાશિત થયેલા આ કાવ્યે એક નવી દિશા ચીંધી આપી. વિશ્વમાનવ અન વિશ્વઅૈક્યના પૂજારી ઉમાશંકર એનાથી તદ્દન વિરૂદ્ધની વાત રજૂ કરે છે
ઉમાશંકર જોશીની આ દીર્ઘ કવિતામાં માનવની છિન્નભિન્ન વ્યક્તિતાને આલેખવામાં આવી છે. ભારોભાર શ્રદ્ધા ધરાવનારાં આ કવિ માટે પણ આ આધુનિક સંવેદનો નવા છે, મનોવિશ્વને હચમચાવી નાંખનારાં છે ને વલોપાત ચાલે છે તેને આલેખવા પરંપરાગત છંદ, પરંપરાગત કાવ્ય કે અન્ય સ્વરૂપ અનુકૂળ આવતાં નથી. આમ પણ દીર્ઘ પટ પર લખવું એ ઉમાશંકર જોશી માટે નવાઈ નથી પણ નવાઈ છે નવા સ્વરૂપે લખવું તેની. પદ્યનાટક નિમિત્તે એમણે કવિતાના ત્રીજા વાૅઈસને શોધવાના સફળ પ્રયોગો આપ્યા છે. એ જ રીતે છંદ છોડીને, માત્ર લયને, ગદ્યલયને હાથવગો કરી આગવી અનુભૂતિને આલેખવાની શોધ અઢી દાયકા સુધી વિસ્તરી છે. ‘સપ્તપદી’ના સાત કાવ્યો દ્વારા એમણે દીર્ઘકવિતાને મજબૂત રીતે પ્રસ્થાપિત કરવા સાથે અનેક કવિઓને પ્રયોગ કરવા માર્ગ ખોલી આપ્યો છે.
સુરેશ જોશી
આધુનિકોના અગ્રણી અને મુખ્યત્વે સિદ્ધાંત વિવેચન દ્વારા ગુજરાતી સાહિત્યને સમૂળગું પ્રભાવિત કરનારાં સુરેશ જોશી માતબર ગદ્યસર્જનના કારણે કવિ તરીકે ઓછાં જાણીતા છે. એમની બીજી રચનાઓને ધ્યાન પર ન લઈને માત્ર ‘એક રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન’ કાવ્યને જ આધાર બનાવીએ તો પણ એમની કવિ તરીકેની ક્ષમતાનો ખ્યાલ આવ્યા વિના ન રહે તેવું માતબર દીર્ઘ કાવ્ય છે. આ કાવ્યમાં કવિ કશા મોટા ફલકને તાકતા નથી. અહીં તો વ્યક્તિગત સંવેદન વિશ્વ ઝિલાયું છે. પરણી ગયેલી નાયિકાનો પ્રેમી જે રીતે ઝૂરે છે, એકથી એક ચડીયાતાં કલ્પનોથી એનું મનોવિશ્વ આપણી સામે ઉઘડતું જાય છે તે ખરેખર અપૂર્વ છે. ‘મૃણાલ, મૃણાલ તું સાંભળે છે મારો અવાજ ?’ના આવર્તનો આ કાવ્યને વચ્ચે વચ્ચે ગતિ આપતા રહે છે. સાદ્યંત જકડી રાખનારું આ દીર્ઘકાવ્ય કથા ન હોવા છતાં કથારસને પોષે છે, ભાવકને પળભર રેઢા મુક્યા વિના નાયકની મનઃસ્થિતિને ઉજાગર કરવા સાથે વર્તમાન સમયની યાંત્રિકતા, બહેરાપણું અને એમાં સંવેદનાઓને કશુય સ્થાન ન હોવાની વાત ઘૂંટાતી જાય છે. મૃત્યુ સીવાય કશો ઉગારો સ્વભાવિક જ વરતાતો નથી નાયકને.
એમાં રચાયેલા કલ્પનો ગુજરાતી ભાષાના ઉત્તંગ શિખરો સમાન છે, લયનો અભૂતપૂર્વ વિનિયોગ કાવ્યની સંરચનાને દૃઢિભૂત કરે છે. એક નખશીખ કલાકૃતિરૂપે અવતરેલું આ કાવ્ય દીર્ઘકવિતાની વાત કરતી વેળાએ ક્યારેય ઉવેખી નહીં શકાય એવું સ્થાન ધરાવે છે.
મૃણાલ પૂછું એક વાત ?
તારી આંખોના અંધારિયા ભોંયરામાં
કોણ લટકે છે ઊંધે મસ્તકે ?
તારી શિરાઓની ભુલભુલામણીમાં
કોણ સળગે છે જામગરીની જેમ ? તારા સ્પર્શના અડાબીડવનમાં
કેટલા તેં સંતાડ્યા છે મણિધર નાગ ?
તારી કાયાના આ સાગરમાં
કોના ડુબાડ્યા તેં કાફલા સાતેસાત ?
તારા શ્વાસના ખરલમાં
કોણ ઘૂંટી રહ્યું છે ગરલ ?
મૃણાલ, મૃણાલ
સાંભળે છે તું ?
પરિકથાઓ, પૌરાણિક સંદર્ભો, આસપાસનો યાંત્રિક બનતો જતો સમાજ, પ્રેમની ઊંડી અનુભૂતિની ઝંખના અને અહીં આઉટસાઈડર હોવાની, એકલા હોવાની કરૂણ હકીકત- તથા એ સૌને સાંકળનારી લયબદ્ધ ભાષાલીલા. તાજા કલ્પનોની હારમાળાથી સર્જાતું વિશિષ્ટ અનુભૂતિગમ્ય વિશ્વ એ આ કાવ્યના વિશેષો છે.
આ ઉપરાન્ત ‘પાંચ અંકનું નાટક’,‘ડુમ્મસઃસમુદ્ર દર્શન’,‘થાક’,અને‘કોઈક વાર’ જેવા દીર્ઘકાવ્યો એમની પાસેથી મળ્યા છે. એ કાવ્યોને માણવાની મજા છે. એમાંથી પ્રગટતો માનવ સતત જાત સાથે, સતત આસપાસ સાથે, સતત પરંપરાએ આપેલ બંધનો સાથે, સંદર્ભો સાથે ઝઝૂમે છે. આઉટસાઈડર હોવા સાથે બધા સાથે ઘનીષ્ટતાથી જોડાવાની શ્રદ્ધા તો ક્યાંક પડેલી અનુભવાય છે. વિસ્મયનો ભાવ સુ.જો.ના સાહિત્યમાં જેટલો અને જે રીતે ઘૂંટાયો છે તે અન્યત્ર ભાગ્યે જ જોવા મળે. અહીં એ બધા વિશે વિગતે વાત કરવી શક્ય નથી. દીર્ઘ કાવ્ય લખવું એટલે માત્ર વિસ્તારમાં વિહરવું તે નથી. સાદ્યંત નિર્વહન કરવું તે છે. કાવ્યને ક્યાંય અળપાવા દીધા સિવાય, ક્યાંય ખાલા-જાળા આવ્યા સિવાય અખંડરૂપે નિરુપવું, તેમા કવિની સિદ્ધિ રહેલી છે.
લાભશંકર ઠાકર
લાભશંકર ઠાકર પહેલેથી જ નિરાળા કવિ તરીકે પ્રસ્થાપિત થયાં છે. એમને ભાષા વડે ભાષા સાથે યુદ્ધ આદર્યું છે. પરંપરાગત સંદર્ભોને કાવ્યમાં વણી લઈ તેના પરના કટાક્ષ કવિને અલગ પાડે છે. એ નાટ્યકાર પણ છે, વિશ્વસાહિત્યના અભ્યાસી પણ છે, સાથો સાથે સભાન એવા પ્રયોગશીલ હોવાથી એમની કાવ્યબાની અનેક કવિઓને અનુકરણ કરવા પ્રેરે તેવી હોવા છતાં તેમ કરવું શક્ય નથી બન્યું એ આગવો વિશેષ છે આ કવિનો.
‘સ્વ’ સતત તાવતા રહેવું તે એમની મનગમતી પ્રવૃત્તિ રહી છે. દીર્ઘકાવ્યો રચતી વખતે એમના કેળવાયેલા કાન ભાષાના લયને, અર્થોની સમૃદ્ધિને તેઓ ખપમાં લે છે. એમની કવિતા મીઠી નથી, સ્પાઈસી છે. કરકરી છે. કોઈપણ ભાવકના સંવિત્ને ઝંઝોડીને ધારી અનુભૂતિની સમિપ લાવનારી છે. એમણે અનેક દીર્ઘ કવિતાઓ આપી છે. એમાંથી ‘માણસની વાત’, ‘પ્રવાહણ’,‘પુત્તમતાય પુત્તાજી’,‘હું અટકવાનો નથી આ શોધમાં’,‘નો ચોઈસ’,‘આમ ખેંચીએ જરાક જોરથી-- ’, ‘શોધ-૧-૩-૨’ જેવા કાવ્યોને લઈને વાત કરી શકાય.
દીપક રાવલ એમની કવિતા વિશે ઉચિત નોંધ કરતા લખે છે ‘એકમાંથી અનેક થઈને ફૂટતા પ્રાસ ફૂવારા કે પ્રાસગુબ્બારા લાભશંકરની લાક્ષણિકતા છે. મુક્તદ્રીડા-લીલા એમની મુક્ત દીર્ઘ કવિતાનું આગવું પણ લક્ષણ છે. આ વિશેષતા જ ઘણીવાર કેવળ શબ્દરમત તે ચાતુરી બનીને પણ આવે છે...ઘણીવાર માણસના જીવનની નિરર્થકતાની યાદી વધુ પડતી લંબાવાઈ હોય એમ લાગે છે. એ વાચાળ અભિવ્યક્તિ કાવ્યને શિથિલ બનાવે છે. કાવ્યમાં અનેક સ્થળે શબ્દોના ખડકલા પણ પમાય છે. જે નિવારી શકાયા હોત.’
લાભશંકર ઠાકરના કાવ્યોમાં ક્ષણના વિવિધ રૂપો, કમાૅડ, મુતરડી, લિંગ, અંગ્રેજી શબ્દો, દેશ-વિદેશના સંદર્ભો, બાળપણના સંદર્ભો, નિરર્થક સંબંધો, સ્વ-ની પોકળતા, લીલયા જ વહી જતી શબ્દોની હારમાળાઓ, પ્રાસના આવર્તનો, દેશી લય-ઢાળના ઉપયોગો, પૂર્વજ કવિઓની પંક્તિઓના જૂદા જ અર્થો સાથેના ઉલ્લેખો કંઈક નવા જ રૂપ ધરીને ઉભરી આવે છે. ભાવક એમના કાવ્યના અર્થ સુધી પછી પહોંચે, જો ગજુ હોય તો જ પહોંચે પણ એ પહેલા એના લલચામણાં, ઠમઠોરતા સંદર્ભો અને લયટૂકડાઓના પ્રવાહમાં તણાયા વિના રહેતો નથી. એ એમના કાવ્યસર્જનની આગવી લાક્ષણિકતા બની રહે છે. ચંદ્રકાન્ત ટોપીવાળા એટલે જ અકળાઈને લખે છેઃ ‘લાભશંકરનો, પૂર્વ ર્નિિણત વિષયના અભાવમાં લક્ષ્યહીન કાવ્યવૃત્તિ સાથે રજૂ થયેલો શબ્દસંનિપાત આ જ રીતે વિવિધ વસ્તુઓને હડફેટમાં લે છે. અલબત્ત સિમ્બોલ-ફિમ્બોલની વાત કરતાં ઈન્દ્રિયસંતર્પક વર્ણનોમાં એમની રૂચિ(ચિત્રકલાના સંસર્ગથી) વિશેષ રીતે સક્રિય હોઈ, વીગતો પર વીગતોના ખડકલા અહીં બે લગામ ખડક્યા કર્યા છે. જાણે કે અહીં ઉડાવગીરી છે. વ્યાસશૈલી છે, ફેરવી ફેરવીને વાત કરવાની વાચાળ રીત છે. એમ કહોને કે કવિતા અહીં પ્રલાપનો બીજો ભાઈ છે.’ એમના કાવ્યો તત્ત્કાળ કદાચેય સ્પર્શે, પણ ચિત્ત પર અમીટ છાપ છોડતા નથી એ હકીકત નોંધવી રહી.
સિતાંશુ યશશ્ચંદ્ર
સિતાંશું યશશ્ચંદ્રની ‘મોએ-જો-દડોઃ એક સર્રિયલ અકસ્માત’, ‘મનુ યમ અને જળઃ એક સર્રિયલ પુરાણકથા’, ‘દા.ત. મુંબઈઃ હયાતીની તપાસનો એક સર્રિયલ અહેવાલ’ અને -ઘેરો- જેવી રચનાઓ દીર્ઘ કવિતાઓ તરીકે જાણીતી છે. સિતાંશુ યશશ્ચંદ્રએ પોતાની કવિતાના શીર્ષક સાથે સર્રિયલ શબ્દને જોડીને ભાવકનું ખાસ ધ્યાન દોરવા ચાહ્યું છે. આ રચનાઓ પરાવાસ્તવવાદી છે, વાસ્તવથી ઊંચે ઊઠીને રચાતા વિશ્વમાં વાચકે જવાનું છે એવી અપેક્ષા કવિએ શરુઆતથી જ મુકી છે. જો કે, સુરેશ દલાલ જેવા કવિ-વિવેચકોએ એમના આ કાવ્યો સર્રિયલ પ્રકારના ન હોવાની ચર્ચા પણ આધારો સાથે કરી છે. ઓટોમેટિક રાઈટિંગ એક મહત્વની ટૅકનિક તરીકે પરાવાસ્તવવાદીઓએ સ્વીકારેલ હોવાથી એમાં સભાનતાને ગાળવાની વાત છે. જયારે સિતાંશુની કવિતામાં નરી સભાનતા જણાયા વિના રહેતી નથી.
સિતાંશુ યશશ્ચંદ્ર ભાષાના સામર્થ્યનો કસ કાઢનારાં સબળ કવિ છે. એમની પાસે અવનવા લય-નાદનો ખજાનો છે. એ ઉપરાન્ત નાટ્યાત્મક રજૂઆત કરવામાં એ માહિર છે. વાતચિતની લઢણ, ફેરિયા,સમાચારની ભાષા, ભાષણોની ભાષા, વિવિધ મૂડને અભિવ્યક્ત કરતી ભાષાને એ સહજ રીતે પોતાના કાવ્યોમાં વણે છે. શહેરી જીવનની જટિલતા, સ્વ સાથેની લડત અને મૂંઝવણ, સમયના પરિમાણો એમના કાવ્યોમાં ઝિલાયા છે.
‘ઘેરો’ કાવ્ય એમના અન્ય દીર્ઘકવિતાથી અલગ પડે છે. એમાં ગઢની બહાર ને ગઢની અંદર ચાલતા આંતરસંઘર્ષને આલેખવામાં આવ્યો છે. ગઢ શું છે ? છેલ્લે વહી આવેલી નદી શું છે ? બહાર અને અંદર શું છે ? આ કાવ્ય વધારે સુઘટ્ટ અને ખરા અર્થમાં એકમેવ સંવેદન વિશ્વને એના પૂરા પરિમાણો સાથે પ્રગટાવી આપતું સુનિયોજિત દીર્ઘકાવ્ય લાગ્યું.
ચિનુ મોદી
ચિનુ મોદી (હથેળી, કાચીંડો,વિ-નાયક)ના દીર્ઘ કાવ્ય પૈકી વિ-નાયક વિશે રાજેશ પંડ્યાએ નિદાન કર્યું છે તે જ સીધું મુકી રહ્યો છું. ‘દીર્ઘ કવિતા અને છંદોબદ્ધ એમ બંને રીતે રસપ્રદ કૃતિ છે... ‘વિ-નાયક’ પૂર્વેની ગુજરાતી દીર્ઘ કવિતામાં આવી રીતે સાહિત્યિક સંદર્ભો ખપમાં લેવાયા નથી. આ આખો મોરચો, સમગ્ર રચના પ્રક્રિયા, આધુનિકતાવાદી વિશેષ લાગે છે. કાવ્યના શીર્ષક દ્વારા પણ એ જ સૂચવાય છે. તેથી આ કૃતિને ‘અનુઆધુનિકતાવાદની નાંદી’ કહેવાને બદલે ‘આધુનિકતાવાદનું ભરતવાક્ય’ ગણવી વધારે ઉચિત લાગે છે.’
આ ઉપરાન્ત રઘુવીર ચૌધરીની દીર્ઘ કવિતા ‘મને કેમ ના વાર્યો ?’, અન્યથી તદ્દન જૂદું પડતું ઓછા વિસ્તારમાં આલેખાયેલું દીર્ઘકાવ્ય છે. પહેલા અર્થમાં એ બાળપણનું વતન છોડીને છૂટતી વેળાએ જે જે તત્ત્વો સાથે મનથી નાતો જોડેલો તેણે નીકળતી વેળાએ કેમ ન વાર્યો ? કહીને ફરિયાદનો સૂર છે. પોતાને રોકાવું છે, કોઈક સહેજ અમથું રોકાવા કહે એની રાહ છે પણ અંતે જતાં ચિત્ત દ્વન્દ્વમાં ફસાય છે કે પાછો વળી પહોંચી જાઉ કે નહીં ? વળીને જઈશ ત્યારે બધું જેમના તેમ સ્વરૂપે જ મળશે કે કેમ એની શંકા છે. સામેના તત્ત્વો બદલાયા કે પોતે ? એમાંથી વિસ્તરીને જન્મો જન્મના ચક્રમાં ક્યાં સુધી પાછા જવું ? - કાવ્ય અંદરથી વિસ્તરતું જાય છે. અતિતરાગને ઘૂંટતા આ કાવ્યની આકૃતિ પણ ચૂસ્ત છે.
રાવજી (સંબંધ, ચણોઠી રક્ત ને ગોકળગાય), રાજેન્દ્ર શુક્લ (સ્વવાચકની શોધ), હરીશ મિનાશ્રુ(મૂવિંગ ઓન માય આૅન મેલ્ટિંગ), દિલિપ ઝવેરી(મુંબઈઃ એક પાંડુ પ્રહેલિકા), ઈન્દુ પુવાર આદિ કવિઓ પાસેથી આપણને પ્રમાણમાં સુદૃઢ કહી શકીએ એવી દીર્ઘ કવિતાઓ મળી છે. કવિ વિનોદ જોશી(તુણ્ડિલ તુણ્ડિકા, શિખંડી), મણિલાલ હ. પટેલ(માણસ ઊર્ફે મણિલાલાખ્યાન), કાનજી પટેલ, યોગેશ જોશી, સંજુ વાળા (પાશ, પ્રવાહ, કિલ્લેબંધી, ખનનન્), જયદેવ શુક્લ (તાલ કાવ્યો), પુરુરાજ જોશી(પુરુષસૂક્ત), વગેરે પાસેથી લાંબા કાવ્યો ને ક્યારેક દીર્ઘ કવિતાઓ ગણવા પ્રેરાઈએ તેવી કવિતા મળતી રહી છે. એ બધા વિશે વિગતે વાત કરવી આ સમયમર્યાદામાં શક્ય નથી એટલે ઉલ્લેખ માત્ર કરી અટકું છું.
સભાનતાથી દીર્ઘ કાવ્યની રચના કરતા યજ્ઞેશ દવે(જળની આંખે, જાતિસ્મર)ની કવિતાઓ સમૃદ્ધ છે. ખાસ કરીને ‘મારી શેરી’, ‘મૃત શિશુની માતાને’, અને ‘મૃત શિશુને’ મને વધારે સમૃદ્ધ અને નોંધપાત્ર લાગ્યાં છે. એમાં ઉપસતાં ચિત્રો, ઘૂંટાતો અર્થવ્યાપ, વિસ્તરતા વર્તુળમાં આકારિત થતી સંવેદના આસ્વાદ્ય છે. આ કાવ્યોમાં એ જેટલી ચૂસ્તી દાખવી શક્યા છે - કદાચ એનું કદ પ્રમાણમાં નાનું છે તે પણ હોઈ શકે.- તેટલું બધી રચનાઓમાં શક્ય બન્યું નથી. રાજેશ પંડ્યાએ એટલે જ એમના કાવ્યો વિશે કહ્યું છે- ‘યજ્ઞેશ દવેની સર્જનાત્મકતાને સામગ્રીનું એક ચોક્કસ પ્રકારનું સંયોજન અને અભિવ્યક્તિની એક જ શૈલી વધુ અનુકૂળ આવે છે. દીર્ઘકવિતા માટે જરૂરી એવી કથનાત્મક-નાટ્યાત્મક પ્રયુક્તિઓને પણ તેઓ ખપમાં લે છે. જો કે, તેમાં અન્વયનું વૈવિધ્ય જોવા મળતું નથી અને પુનરુક્તિના દોષથી તેઓ હંમેશા મુક્ત રહ્યાં નથી. આ રીતે ભાષારૂપ પામતી તેમની કવિતા શક્ય હોય તેટલા સંદર્ભો પ્રગટાવવામાં વિશેષ પ્રવૃત્ત રહેલી છે...ખાસ તો, કવિતામાં વ્યાપક ભૂમિકા ઊભી કરી આપવાની સભાનતા અને ક્યારેક તો દીર્ઘકવિતા જ લખવી છે તેવું ગૃહીત એ બંનેને લીધે કૃતિ સાદ્યંત આસ્વાદ્ય બનવાને બદલે ક્વચિત્ લંબાણનો અનુભવ કરાવે છે.’
૦૦૦
કવિ પાસે છંદ અને લયનું પ્રભુત્વ હોય, કશોક વિચાર કે સંવેદન અનુભૂતિ હોય તો દીર્ઘ કાવ્ય લખવું કદાચ અઘરું નથી. ખંડડકાવ્ય કે કથા કાવ્યો જેમ કથાના વળાંકો દ્વારા અહીં કાવ્યને વિકસાવવાનું નથી. અહીં વિચારને ઘૂંટવાનો છે, દૃઢાવવાનો છે. સાથો સાથ એમાંથી આકારિત કરવાનું છે સ્વયંમપર્યાપ્ત એવું ભાવજગત. આમ કરવામાં કેટલીકવાર ભાષા પોતે જ સક્રિય બની કવિની મદદે આવતી અનુભવાય છે. પણ એ પછીએ જે પ્રશ્ન રહે છે તે છે કવિની વિશિષ્ટ એવી એકત્વ સાધવાની સજજતાનો. ‘મૃણાલ’ કાવ્યમાં જે રીતે લય, કલ્પનોની હારમાળા, વિચારનું સાતત્ય, ભાવ ઘૂટતા આવર્તનો, ભાષાના કાકૂઓ, લહેકાઓ, વિધાનો અને વાક્યોના પ્રયોગોનું વૈવિધ્ય છે તે તો એનો વિશેષ છે જ પણ કાવ્ય પૂર્ણ થયા પછી વાચકના ચિત્ત પર સ્વયંસંપૂર્ણ એવું ભાવ-વિશ્વ સર્જી આપે છે તે એ કાવ્યની સિદ્ધિ. દીર્ઘકાવ્યમાં એ અભિપ્રેત છે. દીર્ઘ કાવ્ય એ કોઈ નાનકડી ર્ઉિમ કે વિચારને નહીં પણ એક સંકુલ, સ્વયંપૂર્ણ એવું વિચારવિશ્વ છે, ભાવવિશ્વ છે. ઉમાશંકરના દીર્ઘ કાવ્ય ‘છિન્નભિન્ન છું’- માં એ અનુભૂતિ સર્જાય છે. ‘મારી શેરી’, ‘ઘેરો’, ‘વિ-નાયક’ કે ‘મને કેમ ના વાર્યો’ ? જેવી રચનાઓ દીર્ઘકવિતાના સ્વરૂપને બાંધવામાં ઉપયોગી નીવડશે. પણ એવું લાભશંકર ઠાકરના કાવ્યોમાં કે યજ્ઞેશ દવેના ‘સિદ્ધપુરના કબ્રસ્તાન’માં કાવ્યોમાં દરેક વખતે નથી અનુભવાતું. એમાં અધધ થઈ જાય એટલા સંદર્ભોની ભરમાળ છે, એ સંદર્ભો એક-મેકમાં રસાઈને એકરૂપ ધરતા નથી એટલે અનુભૂતિ પણ વેરણછેરણ થઈ જાય છે. રમેશ પારેખની રચના ‘લાખા સરખી વાર્તા’ કાવ્યમાં એક તરફ દંતકથાની ભવ્ય લાગતી સૃષ્ટિ અને વાસ્તવનો વેરાન પટ સાથોસાથ આલેખાતો આવે છે. એના પઠન વખતે લયના વિવિધ આવર્તનો, દેશી ઢાળોના પ્રયોગો ને એમાંથી રચાતા ગતિવંત ચિત્રોથી મજા કરાવે છે પણ કોઈએક સુગ્રથિત એવી એકમેવ છાપ ચિત્તમાં છોડતા નથી. બધું છૂટું છવાયું થઈ ચિત્તને અનેકરૂપોમાં ઝીલવા મજબૂર કરે છે. દીર્ઘ કવિતાના કવિએ વિસ્તાર કરતા સંકુલતા, સ્વયંપર્યાપ્ત એવું ભાવ-સંવેદન-વિચાર વિશ્વ સર્જવાનું છે અને એ સર્જવા માટે મોટો પડકાર આ સ્વરૂપ આપે છે, સાથો સાથ અમાપ શક્યતાઓની મોકળાશ પણ કવિને અહીં મળી રહે છે.
સંદર્ભ ગ્રંથો-
(તા. ૧૩-૧૪ ડિસે.૨૦૧૦. ગુજ.સા.પરિષદ, ગુ.સા.અકાદમી અને સૌરા.યુનિ.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ-ર્સ્વિણમ ગુજરાતી કવિતા (કવિતાસત્ર)માં આપેલ વ્યાખ્યાન.)
ડો. નરેશ શુક્લ, ૫૩-એ., હરિનગર સોસાયટી, મુ.પો.વાવોલ. જિ. ગાંધીનગર-૩૮૨૦૧૬. ફોન-૯૪૨૮૦૪૯૨૩૫.