(૧)
ઇચ્છા થાય છે મને, ઓળખવાની બધાને,
પણ ખુદ શું પોતાને ઓળખી શક્યો છું?
આમ તો દુનિયાના રંગો છે અનેક,
પણ પાર એકેયનો પામી શક્યો છું?
કલ્પનાઓ છે વિશ્વ તણી અનેક,
પણ આકાર કેટલાને આપી શક્યો છું?
ઇશ્વરીય લીલાઓ છે અનેક આ જગમાં,
પણ મનભરી માણી શક્યો છું?
બધું જ મળતું નથી બધાને આ દુનિયામા ‘કશ્મકશ’
પણ જે મળ્યું છે એમાં સંતોષ માની શક્યો છું?
(૨)
વર્ષાની જેમ મારે પણ મનભેર વરસવું હતું,
પણ ધરાની જેમ એ ઝીલે જ નહી તો હું શું કરું?
કોયલની જેમ મારે પણ મધુર ટહુકવું હતું,
પણ પ્રકૃતિની જેમ એ સુણે જ નહી તો હું શું કરુ?
વાસંતીની જેમ મારે પણ છોડ પર મહેકવું હતું,
પણ પાનખરની જેમ એ ખરી જ પડે તો હું શું કરું?
ચંદ્રની જેમ મારે પણ અંબર પર ચમકવું હતું,
પણ અમાસની જેમ એ ઘોર જ રહે તો હું શું કરું?
નદીઓની જેમ મારે પણ ખળખળ વહેવું હતું,
પણ પહાડોની જેમ એ ગ્રહે જ નહી તો હું શું કરું?
(૩)
ખુશીની પળો કંઇ કહેવાય નહી બધાને,
એ તો મનમાં માણવાની મજા હોય છે.
છલકતાં આસુંઓ કંઇ રોકાય નહી બધાના,
આંસુની પણ કંઇક અનોખી મજા હોય છે.
વેદના વિરહની કંઇ વર્ણવાય નહીં બધાને,
વિરહને પણ વિરહની મજા હોય છે.
માગ્યું શું ? એ પુછાય નહીં બધાને,
માંગવાની પણ પોતાની મજા હોય છે.
શું છે ‘કશ્મકશ’ એ કહેવાય નહીં બધાને,
એ તો ભીતરની મજા હોય છે.
ખુશ્બુ (માંડવી-ભૂજ)