સૌંદર્યની નદી નર્મદામાં સંસ્કૃતિ
માનવીની ગતિશીલતાનું પ્રમાણ ઇતિહાસમાં તેણે ખેડેલા પ્રવાસ દ્વારા મળે છે.નવી જગ્યાએ ફરવું, ત્યાંના લોકોને મળવું, પરંપરાને અનુભવવી,પ્રકૃતિનાં રહસ્યોને તાગવા એ સનાતનકાળથી મનુષ્યના કૂતુહલના વિષય રહ્યા છે. તેથી જ તો રવિન્દ્રનાથ ટાગોરે માનવીને ‘સનાતન યાત્રી’ કહ્યો છે અને ઐતરેય બ્રાહ્મણોમાં પણ ‘चरैवति चरैवति’ જેવા સૂત્રો જોવા મળે છે. સંસ્કૃત ભાષામાં એક ઊકિત છે. चराति चरतो भागः આ શબ્દનો અર્થ સતત ગતિ સૂચવી જાય છે.
પ્રવાસ મનુષ્યની અનુભવની અને જ્ઞાનની સીમાઓ વિસ્તારે છે. પ્રવાસ માત્ર દેહની જ આવશ્યકતાઓ સંતોષવાનું કારણ અને સાધન ન રહેતા મન અને આત્માની તૃપ્તિનું માધ્યમ પણ બને છે. કુદરતની ઋતુલીલા, ઊત્તુંગ ગિરિશૃંગો, ઊંડી અંધારી ખીણો, લીલા ગાઢ અરણ્યો,બળબળતા રણો, ચંચલ નદીઓ, નિર્ઝરો, છલછલતાં સરોવરો,પથ્થરોને ચીરતા ધોધ, મહાસાગરો તેમની વચ્ચે અને બીજી બાજુ વસતા વિવિધ માનવીઓએ અને પ્રકૃતિએ માણસને સદા મોહિત કર્યો છે. પ્રવાસ સંસ્કૃતિ એકતાનું સક્ષમ માધ્યમ છે, જેના દ્વારા વિવિધ પ્રકૃતિ ઊપરાંત સંસ્કૃતિથી પરિચય પામે છે. જુદાં જુદાં પ્રદેશોના પ્રજાજીવન,પહેરવેશ, રૂઢિ-માન્યતાઓના અનુભવો પ્રયાસ દ્વારા પામી શકાય છે. એ રીતે તેને જીવન જીવવાનું બળ અને જીવનભર સંગ્રહી શકાય એવું ભાથું મળે છે.
પ્રવાસ સાહિત્યમાં લેખકે પ્રવાસ કરતાં અનુભવેલા પ્રસંગો, જોયેલ સંસ્કૃતિ, પ્રકૃતિ, વાસ્તવિક અનુભવોનું વર્ણન કરવાનું હોય છે. કાકાસાહેબ કાલેલકર ‘હિમાલયના પ્રવાસ’માં લખે છે કે ‘આપણી વર્ણાર્શ્રમ વ્યવસ્થામાં પણ પ્રવાસનું મહત્ત્વ છે.’ દુનિયાના દરેક ધર્મમાં તીર્થયાત્રાની વ્યવસ્થા આ માટે જ કરવામાં આવી છે. એમાં પણ યાત્રાઓ તો ભારતીય સંસ્કૃતિની સમન્વયતા, સહિષ્ણુતા, કર્મફળ-શ્રદ્ધા, મોક્ષ,અનાસકિત, યોગ વગેરે દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું ઊત્કૃષ્ટ માધ્યમ છે.
ભારતમાં નદીઓને માતા કહી છે. આથી શ્રદ્ધાળુઓ નદીની પરિક્રમા કરે છે. આવા જ એક નર્મદા પરિક્રમાના પ્રવાસ પર લેખક અને ચિત્રકાર શ્રી અમૃતલાલ વેગડે પ્રથમ પુસ્તક ‘પરિક્રમા નર્મદા મૈયાની’અને બીજું પુસ્તક ‘સૌંદર્યની નદી નર્મદા’ પ્રગટ કર્યું છે. પ્રથમ પુસ્તકમાં ૧૮૦૦ કિ.મી. લાંબી પદયાત્રાના વર્ણનો છે. જયારે દ્વિતીય પુસ્તકમાં બાકી રહેલા ૮૦૦ કિ.મી.ની પદયાત્રાનું વર્ણન છે. અહીં ‘સૌંદર્યની નદી નર્મદા’ના સાંસ્કૃતિક પરિપેક્ષ્યમાં વાત મૂકવાની હોવાથી તે સંદર્ભમાં અહીં ગુજરાતના નારેશ્વરથી ગ્વારીઘાટ,જબલપુર(મધ્યપ્રદેશ) સુધીની નર્મદાના ઊત્તર કાંઠાની યાત્રાની અનુભવકથા વર્ણવી છે. લેખકની આ પરિક્રમા સળંગ નથી, ટૂકડે ટૂકડે કરેલી પરિક્રમા છે. તેનો ઊદ્દેશ ધાર્મિક નથી પણ સૌંદર્ય, કળા કે સાહિત્યની દૃષ્ટિથી કરી છે. ઋષિઓ કહે છે કે તપ નર્મદા તટે જ કરવું આ નર્મદાનો અર્થ નર્મ એટલે આનંદ આપનારી, સુખ આપનારી થાય જયારે તેનું બીજુ નામ ‘રેવા’નો અર્થ કૂદવું થાય, જેમાં તેની આરણ્યક સંસ્કૃતિની ઝલક મળે છે.
શ્રી ચંદ્રકાન્ત શેઠ લેખક અમૃતલાલ વેગડ વિશે કહે છે કે ‘નર્મદાના સાંસ્કૃતિક સંવાદદાતા, એવા આ સર્જક માટે નર્મદા જીવનચેતના, આધ્યાત્મચેતના અને સૌંદર્યચેતનાના ત્રિવેણી તીર્થરૂપ બની છે. સર્જકનો પ્રકૃતિપ્રેમ, માનવપ્રેમ, જીવનપ્રેમ,રાષ્ટ્રપ્રેમ ને કલાપ્રેમ નર્મદાના નિમિત્તે એમના વાક્પ્રવાહને બે કાંઠે સભર રાખે છે !’
નર્મદાને કાંઠે કાંઠે ચાલતા લેખક સવાર, સાંજ, રાત્રિ અને એ સાથે સમગ્ર પરિવેશના સૌંદર્યનું પણ આકંઠ પાન કરતા ગયા છે. એક કલાકાર તરીકે પ્રકૃતિક સાથેનું એમનું તાદાત્મ્ય કૃતિમાં આપણે ઠેર ઠેર અનુભવી શકીએ છીએ. નર્મદાના તટના પરિવેશના પ્રાકૃતિક મનોરમરૂપો સાથે અહીં આપણને જોવા મળે છે કે અદભુત માનવમેળો,સ્વયં લેખકે કહ્યું છે કે, ‘મને નર્મદાકાંઠે નિસર્ગની અપૂર્વ ભવ્યતા સાથે માનવતાનું સહજ સૌંદર્ય પણ જોવા મળ્યું.’ આ માનવીય સંસર્ગના કારણે તેમની પરિક્રમા અનેક રીતે સમૃદ્ધ બની છે. અને એમની અભિજ્ઞતાની ક્ષિતિજો વિસ્તરી છે. નર્મદા વિશે લેખકનું ચિંતન છે કે, "નર્મદા જયારે કમંડળમાં આવી જાય,ત્યારે એ નર્મદા નથી રહેતી, નર્મદાજળ બની જાય છે એ જળને જો પાછું નર્મદામાં પ્રવાહિત કરી દેવામાં આવે તો એ ફરી નર્મદા બની જાય."(પૃ.૧૧૪)
"સૌંદર્યની નદી નર્મદા" પુસ્તકમાં નર્મદા કિનારે વસતા આદિવાસીઓ તેમની પરિક્રમાવાસીઓ પ્રત્યેની શ્રદ્ધા, તેમના રીતરિવાજો અને ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં, અભાવોની વચ્ચે પણ હસતાં હસતાં જીવન વિતાવવાની ખુમારીના દર્શન પ્રસંગોપાત થતા રહે છે. પરિક્રમાવાશીઓને અને એમને અન્ન કે આશરો આપનારા નર્મદાકાંઠાના કોઇપણ પરિવારોની ભાવનામાં આપણી સંસ્કૃતિનાં મૂળ કેટલે ઊંડે ઊતરી ગયા છે ? અને તે રોજબરોજના વ્યવહારમાં કેવી રીતે ઝળકી ઊઠે છે ? તેનો અનેરો આસ્વાદ આ કૃતિ કરાવે છે. મૌનીમાતાના આશ્રમથી કરૌદી જતા લેખક એક બાબા સાથે રાત રોકાય છે ત્યાં આખું ગામ ગૌડ કુટુંબોનું છે. અહીં એક લગ્નના આમંત્રણનો સ્વીકાર કરી અમૃતલાલ લગ્નમાં જાય છે. ત્યારે જાણવા મળે છે કે, હવે અહીં રિવાજ બદલાય ગયો છે. નહીં તો પહેલા ગૌડ સમાજમાં છોકરીવાળા જાન લઇને છોકરાને ઘેર જતાં. છોકરીનો પિતા કન્યાદાન કરે કારણ કે દાતા છે અને દાતાની શોભા જાતે જઇને દાન કરવામાં છે કોઇને માંગવા માટે એના ઘેર આવવું ન પડે. અહીં આદિવાસીઓની માન્યતાઓ અને વિચારસરણીનો ઊચિત પરિચય મળે છે.
પોતાના ઘરે આવવા કહેતો કિસાન સહજતાથી પરકમ્માવાસીઓને પોતાના કુટુંબીજનો માને છે. અને તેમાં એમનો હિસ્સો દર્શાવે છે. હજારો વર્ષોથી થતી આવી પરિક્રમાઓને ટકાવી રાખનારા ખરેખરા મહામાનવઓ આ નર્મદા કિનારાના અબુધ લોકો જ તો છે, ત્યાં તેમની પરિક્રમા પરની શ્રદ્ધાનો ડગલે ને પગલે અહેસાસ થાય છે. પોતાના એક રોટલામાંથી અડધો રોટલો આવેલ પરિક્રમાવાસીને આપી દેવો, નાની ઓરડીમાં અગવડ વેઠીને પણ આશરો આપવો, અને નર્મદાકાંઠે પામખેડીના ગાય-ભેંસ ચરાવતા અભાવગ્રસ્ત ગ્રામીણો કયા વિશ્વાસથી પોતાના છાપરાં જેવા ઘરોમાં પરિક્રમાવાસીઓને રહેવા આમંત્રણ આપતા હશે. આ બધુ શહેરી લોકોને નવાઇ પમાડે તેવું છે. આ સત્કાર એક દિવસ હોય તો સમજી શકાય પણ સતત આ પ્રકારનો આતિથ્યભાવ ટકાવી રાખવો ઘણો કપરો છે. એવી રીતે પોતાના ઘરના દરવાજા કાયમ ખુલ્લા રાખતા બે ભાઇઓ સ્મરણમાં રહી જાય છે, જે બધા પરિક્રમાવાસીઓને પોતાને ત્યાં ઊતારતા અને જમાડવામાં પોતાનું સદનસીબ ગણે છે. અહીં નર્મદાકાંઠે સદાવ્રત ન લેનારની પરિક્રમા અધૂરી છે એમ કહી આગ્રહપૂર્વક સદાવ્રત આપનારાં પણ મળી આવે છે.
આ આતિથ્યભાવની વાત કરતા લેખક બડેકેસરથી નીલકંઠ જતા એક યુવકના ઘરે ઊતારો કરે તે પ્રસંગને વર્ણવતા લખે છે કે, ‘બિલકુલ ઘરના સદસ્યોની જેમ રાખ્યાં, અજાણ્યાને આવો આવકાર ! કેમ જાણે આ લોકોને પોતીકું અને પારકું એવા ભેદ જ ન હોય. અમને આવો પ્રેમ અણધાર્યો મળતો’ આ બધાં અબુધ છતાં સદગૃહસ્થોના પરિવારોને કારણે જ તો આપણી સંસ્કૃતિની સદીઓ જૂની આ પરિક્રમાને જીવંત રાખી છે. નર્મદાના કિનારે ગામેગામ અનેક ધર્મશાળાઓ અને આશ્રમો તથા તેમાં રહેતા સંન્યાસીઓ કે સાધુ-સંતો ભારતીય સંસ્કૃતિના દ્યોતક છે.
લેખક હેતનીસંગમથી ધરમપુરી જતા નમતે પહોર કાતરખેડા ગામમાં રોકાય છે. ત્યાં તેમણે ચારણ લોકો મળે છે. આ ભીલો, ભિલાલા અને નાયકોના વિસ્તારમાં સૌરાષ્ટ્રના ચારણોને જોઇ સર્જક આશ્ચર્યચકિત થઇ જાય છે.નર્મદાના નિતનિરાળા સ્વરૂપો છે, તેમ તેના કાંઢે વસતી સંસ્કૃતિઓ પણ નિરાળી છે. શૂલપાણેશ્વરની ઝાડીઓ સૌથી ખતરનાક પ્રદેશમાં આ ગુજરાતી કુટુંબો સો વર્ષ પહેલા ગુજરાતથી અહીં આવીને વસ્યા. છતાંય તેમણે પોતાની માતૃભાષા, વેશભૂષા ટકાવી રાખી છે. તેથી જ તો ત્યાંનો એક ચારણ, લેખક પાસેથી તેમનું પરિક્રમા વિશેનું પુસ્તક માંગે છે ?જેના દ્વારા ગુજરાતી સાથેનો તે ચારણોનો નાતો ગુજરાત સાથે જળવાય રહે અને એમનું ગુજરાતી પાકું થઇ શકે. આ લોકો અહીં આવી વસ્યા અને અહીંના ભીલો ગુજરાતમાં વસી રહ્યા છે. વૃક્ષોને સજીવ સમજી તેમની સાથે વાતો કરતા, વૃક્ષની ઓળખ આપી દિશાની એંધાણી આપવા વૃક્ષચાલીસા બોલતી વ્યકિતઓ, વૃક્ષોને અને પશુ-પક્ષીનો ખ્યાલ રાખતા લોકો વચ્ચે આપણી સમન્વયતા અને સહિષ્ણુતાની ભારતીય સંસ્કૃતિની પરંપરા છતી થાય છે. પોતાની સાથે ગાય અને વાછરડાને લઇ પરિક્રમા કરતા અને તેમની ભાષા, વ્યકિતઓ જ તો આપણી સંસ્કૃતિના ગૌરવવંતા પાત્રો છે.પોતાના નામ પહેલા ગુરુ અને જન્મભૂમિનું નામ લખતા સંતો આપણી સંસ્કૃતિના જમા પાસે છે. નેમાવર જેવા નાના અંતરિયાળ ગામમાં નાની સાથે રહેતી તે દૌહિત્રીઓ અસંખ્ય સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરી ગાઇ શકે એ જ આપણી સંસ્કૃતિ !
અહીં આજે પણ નર્મદા કાંઠે બૈગા, ગૌડ, ભીલ વગેરે આદિવાસી જનજાતિઓ નિવાસ કરે છે. એમની જીવનશૈલી, એમના નૃત્યો ને ગીતો ! તથા પ્રથાઓનો આછો-પાતળો પરિચય આ કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. નર્મદાના કાંઠે ઊત્તરના આર્યોની વિચારપ્રધાન સંસ્કૃતિ અને દક્ષિણના દ્રવિડોની આચારપ્રધાન સંસ્કૃતિનો સમન્વય થતો જણાય છે. નર્મદા કેવળ નદી નથી પણ સાધુ-સંતોની તપોભૂમિ, પરિક્રમાવાસીઓની આરાધ્યા, ખેતરોની પ્યાસ બુઝાવનાર જળભંડાર, યુવકોનું તરણતાલ,સ્ત્રીઓનું મિલનસ્થળ, પોતાના રેતાળ પટમાં ભરાતા મેળાઓની યજમાન અને બીજું ઘણું છે. બસ એક જ શબ્દમાં કહીએ તો નર્મદા નદી નહીં પણ ‘મા’ છે. જેના પર ત્યાંના લોકો અને પરિક્રમાવાસીઓને આંધળો વિશ્વાસ છે. આ નર્મદા મૈયા તેમની સાથે કદી કોઇ મુશ્કેલી આપી જ ન શકે અને દરેક મુસીબતમાંથી ઊગારનારી ‘મા’ છે. જે નદી ચોમાસામાં પૂરની ભયંકર સ્થિતિનું નિર્માણ કરે છે. પરંતુ તેની સાથે ખેંચી લાવેલા કાંપના થરના થર પાથરી શિયાળામાં મબલખ પાક પણ આપી જાય છે. આ નવો દૃષ્ટિકોણ હકારાત્મક ચિંતન આપી જાય છે, જે આપણી સંસ્કૃતિનું કર્મ શ્રધ્ધા અને અર્થ બાહુલ્યનું દ્યોતક છે. આ એ ભવ્ય ભારતીય સંસ્કૃતિ દર્શાવે છે. જેમાં એક પાગલ થયેલ વ્યકિત કૃતિનો લેખક શિક્ષક છે એ જાણી પોતાનું અવ્યવહારુ વર્તન સુધારી ગુરુને માન આપે, પગ દબાવે.અહીંના લોકોમાં નર્મદા નદી નહીં પણ પરંપરા છે જે તેમના અંતરતમ ઉતરી ગઇ છે. આ એ સંસ્કૃતિ છે જયા યુવાનો ચિંતન કરી આધ્યાત્મિક માર્ગ અપનાવી, સંન્યાસી બની લોકોની સેવા કરે છે. જીંદગીના બધા સુખ વૈભવ ત્યાગી, આત્માની ખોજ અર્થે કઠિન વ્રતો કરે છે. જયાં નાની બાળકી અજાણ્યા પરિક્રમાવાસીની વિશ્વાસપૂર્વક આગળી પકડી ચાલી શકતી હોય!; જયાં પ્રચંડ ભૂખના લીધે અને લાકડાના અગ્નિથી રાંધેલું અનાજ કંઇક અમૃત સમાન લાગતું હોય!;જયાં મૌનની સંસ્કૃતિનું અધિપત્ય હોય;જયાં અજાણ્યો ભરવાડ ૭૦ વર્ષના લેખકને ‘ડોહા, થાકી ગયા છો બેહી જાવ; એમ કહી આત્મીયતા બતાવતો હોય !; જયાં પરિક્રમાવાસીઓ પરની શ્રદ્ધા અને અહોભાવને કારણે ટોળેટોળા તેમના દર્શનાર્થે આવતા હોય; આ સંસ્કૃતિના શબ્દચિત્રો અહીં લેખકે ચિત્રકારની પછાના આછા લસરકે ઊત્તમ રીતે આલેખ્યાં છે.’
કૃતિમાં લેખકે ૧૯૩૩ના વર્ષનો સાંભળેલો બરમાનઘાટનો ગાંધીજીના સત્કાર વિશે બનેલા પ્રસંગોમાં એક નાવિક ગાંધીજીને જોઇ તેમના પગ ધોવાની જીદ કરે ને પછી જ સામે પાર લઇ જવાની વાત કરે છે. તે ગાંધીજીના વ્યકિતત્વથી ખાસ પરિચય નથી છતાં પણ જીદ માન્યા પછી જ આગળ વધે છે. તે વિશે લેખક નોંધે છે કે, ‘આ અભણ દેહાતી નાવિકોએ કેમ કરીને સમજી લીધું કે આ દૂબળો-પાતળો માણસ કોઇ સાધારણ માનવ નથી પણ એક લોકોત્તર પુરુષ છે અને એમનું એમને યોગ્ય સન્માન કરવું જોઇએ...આજકાલની ભાષામાં આને જ અંતદૃષ્ટિ કહે છે જે આપોઆપ ઉગે..."(પૃ.૧૧૩)
પરિક્રમા કરતા લેખકના મિત્રની પત્ની જયારે યાત્રા દરમ્યાન પતિના પગ દબાવે છે ત્યારે દંડ સ્વામી નારાજ થઇ બોલ્યા, "પરિક્રમામાં કોઇ પતિ નથી, કોઇ પત્ની નથી, બધા પરિક્રમાવાસી છે. આવી રીતે સેવા લેવી સરાસર ગલત છે."(પૃ.૧૬૯) આ રીતે સ્ત્રી-પુરુષ વચ્ચેનો સમભાવ, ત્યાગ અને તપસ્યાના મહિમાની પરંપરાના દર્શન થાય છે.
પરિક્રમાની સાચી પરંપરા દર્શાવતા લેખક આ પુસ્તકમાં નોંધે છે કે, પરિક્રમા આસ્થાનું જ અભિયાન છે. એક જ નદીનું ધ્યાન કરતા વર્ષો સુધી ચાલવું, નિયમાનુસાર પરિક્રમા કરવામાં ૩ વરસ, ૩ મહિના અને ૧૩ દિવસ લાગે. એ કઇ નાનીસૂની તપસ્યા નથી." (પૃ.૧૯૨) આ શબ્દો ભારતીય પરંપરા અને તેમાં આધ્યાત્મિક જ્ઞાનની પૃષ્ઠભૂમિરૂપ છે. ઘણા વ્યકિતઓ એક વખત પરિક્રમા શરૂ કર્યા બાદ આખી પરિક્રમા દરમ્યાન કોઇપણ સ્થળેથી પાછા ફરતા નથી. આવી તો અનેક માન્યતાઓ, રૂઢિઓનો આ કૃતિ પરિચય કરાવે છે.
સાધુ સંતો, સંન્યાસીઓ કે મહાત્માઓ પણ અજીબોગરીબ પ્રકૃતિના હોય છે. આ કૃતિમાં લેખક આ લોકોની વિલક્ષણતાઓને વ્યંગ, રમૂજ કે ગંભીર શૈલીમાં આલેખતા ગયા છે. નીમખેડાની ગુરુગુફામાં રહેતા બે યુવા મહાત્મા જેવા એક સાવ દિગમ્બર અવસ્થામાં રહે છે; ગુજરાતી મૌનીબાબા ગણેશપૂરી, શિષ્ય સાથે નિર્જન એકાંતમાં રહેતા સ્વામી ગોપાલ સ્વરૂપતીર્થ, સદગત પતિ સાથે પરિક્રમા બાદ નર્મમદા કાંઠાને કર્મભૂમિ બનાવતી મૌનીમાતા, નર્મદાશંકર નામ ધારણ કરી ૧૪ વર્ષથી નર્મદાને કાંઠે રહેતા ઑસ્ટ્રિયાના વિદેશી સાધુ, કેતુધામ મંદિરના વૃદ્ધ પૂજારીજી, મીઠાબોલા બોલતા વિનોદપ્રવણ, સરપૂકાન્તજી અને પ્રેમદાસ, કવિ હૃદય ગોડબાલાજી, પૈસા અને અગ્નિનો સ્પર્શ ન કરનાર ડાગર ગાંવના પરમહેસી સાધુ, કોઇ કંઇ ભેટ આપે તો સાંજ સુધીમાં બીજાને આપી દઇ શાંતિ પામતા કિટીના ત્યાગી મહાત્મા-આવા તો કંઇ કેટલાય નામો કૃતિમાં અંકિત છે. આથી જ તો લેખક કહે છે કે આ પરિક્રમા ‘આસ્થાનું જ અભિયાન’ છે. જેમાં ઓમકારેશ્વરમાં રહેતા મહાત્મા શૂલપાણ ઝાડીમાં ભીલોની લૂંટફાટ વિશે નવો દૃષ્ટિકોણ જણાવતાં કહે છે, "ખરી રીતે તો ઝાડીમાં પરિક્રમાવાસીની પરીક્ષા લેવામાં આવે છે - એના અપરિગ્રહની, ત્યાગની અને સૌથી વિશેષ તો એની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાની શરણાગતિની" (પૃ.૨૨) આ પરિપેક્ષ્યમાં લેખકની સાથે નીકળેલા ભાગરથી બહેનનું વિધાન સાચું લાગે છે કે, "જે રીતે નર્મદાએ બંદરકૂદ ચટ્ટાનોને પોતાના જળથી ધોઇને ઊજજવળ કરી છે. એવી જ રીતે આપણા આત્માને ધ્યાનના સુગંધિત જળથી ધોઇને સ્વચ્છ કરવો જોઇએ." (પૃ.૧૭૯)
આમ, નર્મદા એક નદી ન રહેતા પુરાતન સંસ્કૃતિની પોષક અને ઊદઘોષક સાથે જ તેના આશ્રિત લોકોની આસ્થાનું પ્રતીક બની રહે છે. લેખકની યાત્રા માત્ર સૌંદર્યયાત્રા ન રહેતા સંસ્કારયાત્રા પણ બને છે. આ આખી કૃતિનો અભ્યાસ કર્યા પછી અનુભવાય છે કે સંસ્કૃતિના સંપર્કમાં આવીને પ્રકૃતિ પોતાની સ્થિરતા ગુમાવી રહી છે. જે પ્રકૃતિનો પરિષ્કાર કરવાથી સંસ્કૃતિનો જન્મ થયો છે. તો આજે સંસ્કૃતિની એટલે કે આપણી ફરજ છે કે પ્રકૃતિની રક્ષા કરવી.
* પુસ્તક- સૌંદર્યની નદી નર્મદા - શ્રી અમૃતલાલ વેગડ
ડૉ. હેતલ કિરીટભાઇ ગાંધી, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, જાદર. તા ઇડર, જિ. સાબરકાંઠા