ત્રણ કાવ્યો
વારતા પૂરી થઇ
કોરા કાગળમાં વહેલી વારતા પૂરી થઇ
આખરે લ્યો, નહિ લખેલી વારતા પૂરી થઇ.
લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઇ.
તોપના રસ્તા બધાએ મઘમઘી ઉઠશે હવે,
રાજકુંવરીએ કહેલી વારતા પૂરી થઇ.
દોસ્ત, દસ માથાં હવે છાતી ઉપર ઉભા રહ્યાં,
સ્નેહને શરણે થયેલી વારતા પૂરી થઇ.
એક પ્રકરણ છાતીમાં અટકી ગયું છે, શું કરું?
જાત સોંસરવી ગયેલી વારતા પૂરી થઇ.
હવાના કિનારે
પ્રથમ શ્વાસ મુકું હવાના કિનારે,
પછી શંખ ફૂકું હવાના કિનારે.
તારી સાત સાગર હું આવ્યો છું કિન્તુ,
ઘડીમાં જ ડુંકુ, હવાના કિનારે.
પછી સૌ સમંદર છે મારે જ નામે,
કદમ જો ન ચુંકું, હવાના કિનારે.
રહે એક પીંછું ને પૂછે બધાને,
પડ્યું કેમ સુકું, હવાના કિનારે.
બધા ચાંદ તારા હવે હાથ પાસે,
ગગન સાવ ટુંકું, હવાના કિનારે.
ધુમાડામાં શયદા, ગની, સૈફ મળતા,
ચલમ કાં ન ફૂકું, હવાના કિનારે.
પાનખરની પરિક્ષા
ફૂલ સાથે ડાળ આખી આ ખરી,
પાનખરની છે પરિક્ષા આખરી.
મીન જેવી એ હતી ને ઓગળી,
સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી.
હું સતત ખેંચાઉ છું, ખેંચાઉ છું,
આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.
હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,
જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી.
મન હશે દરજી મને ન્હોતી ખબર,
ઝંખના હર એક કાયમ વેતરી.
એક અણમાનીતી રાણી શી પીડા,
હર જનમ ‘હરદ્વાર’ સાથે અવતરી.
હરદ્વાર ગોસ્વામી