કાવ્યાસ્વાદ - અણદીઠા-અનંગનો અંગે ખટકો
કેવડિયાનો કાંટો
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઇ રે એની મ્હેક, કલેજ દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેર-થોરના કાંટા
અમને કાંકરિયાળી ધૂળ,
આ તો અણદીઠાનો અંગે ખડકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી વેતરીએ,
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહ કહ ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
- રાજેન્દ્ર શાહ
સિતાંશુ યશશ્ચન્દ્રની એક કવિતાની પંકિતઓ છેઃ ‘ફરે, ચરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.’ આ સૃષ્ટિનો, જીવનનો ક્રમ છે, નિયતિ પણ કહેવાય. એક કુદરતી ક્રમિક ક્રિયા. પ્રકૃતિગત વૃત્તિ. અહીંથી શરૂ થાય ને અહીં જ પૂરું પણ થાય. જીવન અને મૃત્યુનાં બે અંતિમો. ધર્મશાસ્ત્રોમાં પણ ચાર પુરુષાર્થનું વર્ણન છેઃ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક કાળે ધર્મનું પ્રાધાન્ય હતું, આજની પેઢીમાં અર્થનું પ્રાધાન્ય છે. મોક્ષનું નામ-નિશાન કયાંય નથી - એટલે કદાચ, ‘કામ’ ઊછાંછળાપણાની જેમ સર્વત્ર છે. જોકે, આદ્ય કવિ નરસિંહે તત્ત્વ-અધ્યાત્મની કવિતા ગાઇ છે. ભકિતનાં પદોથી આરાધન કર્યું છે, પણ એમણે પણ કૃષ્ણને ગોપીભાવે ભજયા છે. સર્વ સર્મિપત કરવાની ભાવના એમનાં પદોમાં સાંભળવા મળેઃ ‘શિર સાટે નટવર વરિએ રે.’ નરસિંહ મહેતાએ સર્મિપત ભાવથી શૃંગાર કવિતા પણ ગાઇ છે. એનાં મૂળ સંસ્કૃત કાવ્યોમાંય મળે છે. ફાગુ-રાસા, વગેરેમાં એવાં વર્ણનો આવે છે. સુરેશ દલાલની એક કવિતામાં આવે - ‘અમસ્તી અમસ્તી અમસ્તી ગમે છે. આ લચકતાં સ્તનોની વસ્તી ગમે છે.’ એમાં બહુ છોછ કે ઊછાંછળાપણું નથી વરતાતું, કશી સૂગ નથી જન્મતી. ઘણાને મનના છાના ખૂણે આવી કવિતા માણ્યાનો હરખ પણ ઉમટે. વિનોદ જોશી પણ એક કવિતામાં રતિક્રિયાને શબ્દાકાર આપે છેઃ ‘ઝેરી કાળોતરો ડંખ્યો, કાંઇ મીઠો લાગ્યો, મારી આરપાર શેરડીનો સાંઠો રે લોલ..’
આવાં અન્ય ઊદાહરણ પણ નોંધી શકાય. ટૂંકમાં, સાહિત્યમાં આ પ્રકારની અભિવ્યકિતને ઘણીવાર સહજતાથી લેવાઇ છે. તો-
મહાતત્ત્વાચાર્ય ઓશો રજનીશે મનુષ્યની, પ્રાણીજીવમાત્રની આ વૃત્તિને, પ્રવૃત્તિને ઇશ્વરદત્ત ગણાવી છે. ‘સંભોગથી સમાધિ સુધી’ પુસ્તક એના વાચ્યાર્થમાં ઘણું બધું કહી જાય છે.
સૃષ્ટિનો નિયમ છેઃ ઊત્પત્તિ, સ્થિતિ અને લય. ઊત્પત્તિમાં રતિ છે. અને રતિ વગર તો માત્ર એકકોશી જીવો જ સંભવી શકે, મનુષ્ય નહીં, એ મૂળ મુદ્દાની વાત છે. એ રીતે પણ એનો નકાર કે છોછ ન હોવો જોઇએ.
‘કેવડિયાનો કાંટો’માં રતિભાવ છે. એક પ્રકારની એકસટસી. મુગ્ધા કન્યાની મદોન્મત્તતાનું આ ગીત છે. જેને અંગેઅંગ અનંગ ઉમટ્યો છે એવી કુંવારિકાની અનુભૂતિની અભિવ્યકિત છેઃ
‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઇ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.’
‘કેવડિયાનો કાંટો’ રતિભાવના પ્રતીક તરીકે અહીં પ્રયોજાયો છે. મુગ્ધા કન્યામાં જાગેલા રતિને એ પ્રકટ કરે છે. કેવડિયાનાં પાનની માદક સુગંધથી એનો ઊન્માદ વધે છે એ વાત ‘કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે’ દ્વારા કળી શકાય છે. આમ પણ જયારે રતિભાવ પ્રગટ થાય છે ત્યારે એના પ્રત્યક્ષ અનુભાવોમાંનો એક આ પણ છેઃ શરીરમાં ગરમાવો પ્રગટવો - અંદરની આગ.
‘કેવડિયાનો કાંટો’ અંતરમાં ખડકો કરે છે, બાહ્ય કશું નથી, જે છે તે અંદર છે. બહારથી દેખાતો હોત તો... નાયિકા કહે છેઃ
‘બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ.’
મૂળ સમેત ઊખેડી, ખેંચી કાઢીએ. કેર-થોરના કાંટાય સામાન્ય ગણાય. એનોય ઈલાજ છે. એ નક્કર છે. નક્કર કાંટા. આ જે ડંખ લાગ્યો છે તે તો સૂક્ષ્મ છે, અદૃશ્ય છે. કહે છેઃ
‘આ તો અણદીઠાનો અંગે ખડકો જાલિમ જાગ્યો રે’
આ પંકિત દ્વારા નાયિકા મુખરપણે ઊન્માદાવસ્થા વ્યકત કરે છે. આ પંકિતમાં રતિભાવ સ્પષ્ટ વંચાય છે. ‘અણદીઠાનો’ શબ્દ દ્વારા અનંગ, કામદેવની ઊપસ્થિતિ સમજાય છે. અનંગનો અંગેઅંગ ખટકો જાગ્યો છે. ખટકો પાછો ઓછો નથી, ‘જાલિમ’ છે. પીડાદાયક.
કાવ્યનાયિકાના કલેજે અનંગનો રંગ લાગ્યો છે, કલેજે એનો દવ લાગ્યો છે, એનું અંગાંગ કામદાહથી તપી રહ્યું છે, એટલે,
‘તાવ હોય તો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ’
આંતર-બાહ્ય બંને દેહમાં ‘આગ’ ‘દાહ’ છે. શરીર ગરમ છે એટલે તાવની કલ્પના કરી શકાય. નાયિકા તાવનો નકાર કરે છે. ના, તાવ નથી. હોત તો એનો ઈલાજ ‘કવાથ’ પી લેત.
રતિભાવના અનુભાવો, બાહ્ય લક્ષણોમાં એક તે, અંગોનું ગરમ થવું અને બીજું તે, ધ્રુજારી, કંપ. ધ્રુજારીને વળગાડરૂપે કલ્પીને પંકિતઓ આવે છેઃ
‘વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી વેતરીએ’
નાયિકાને ખબર છે, વળગાડ નથી. વનવગડામાંથી ‘મામો’ વળગ્યો હોય એવી કલ્પના અહીં કામ લાગે, પણ ના, આ જુદો ‘મામો’ વળગ્યો છે, એટલે ભૂવો પણ આમાં કશું કરી શકે નહીં.
કાવ્યના અંતે નાયિકા કહે છેઃ
‘રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહીં કહીં ભાંગ્યો રે.’
રતિભાવની રોમ રોમ પીડા છે. આ પીડા એવી છે કે એને કયાંય ભાંગી શકાય તેમ નથી. કારણ, નાયિકા ભલે મુગ્ધા હોય, ગામડાની છે. સમાજનાં કેટલાંક નીતિનિયમો, બંધનો મનના ઉમટતા ભાવોને નડતાં હોય છે. ‘કુંવારકા કન્યા’ને માટે અનંગના ઊન્માદને ભાંગવાનું, આગને ઠારવાનું શકય નથી. એની પીડ તો એણે વેઠવી જ રહી. છૂટકો નથી - એ ભાવ આ પંકિત દ્વારા વ્યકત થયો છે.
તળપદ ભાવ-ભાષા-લયમાં, પ્રતીકાત્મક રીતિથી રતિ, ઊન્માદ અવસ્થાનું નિરૂપણ કવિત્વશકિતનું જમાપાસું છે. વધારે મુખર બન્યા વગર ભાવાભિવ્યકિત એ આ કવિતાની વિશેષતા છે.
કાવ્યમાં વનવગડો, મ્હેક, કલેજે, દવ, બાવળિયો, કેર થોર, ખડકો, કુલડી, વાંતરિયો વળગાડ, વેતરીએ, રૂંવે રૂંવે જેવા શબ્દોમાં લોકબોલી, તળ ગુજરાતી ઝળકે છે. આ તળપદા શબ્દો અને ગીતમાં રહેલી ગેયતા સુહૃદ છે.
‘મૂઇ રે એની મ્હેક’માં ‘મૂઇ રે’ એ સંબોધન છે કે વિશેષણ છે, એ જાણવા-સમજવા ક્ષણેકવાર થોભવું, વિચારવું પડે. ‘મૂઇ રે’નો અહ પ્રગટતો અર્થ ‘અરે’ જેવો ભાવ વ્યકત કરે છે.
રાજેન્દ્ર શાહનું નામ ગુજરાતી કવિતા સાહિત્યમાં પ્રથમ પંકિતમાં લેવાય છે. એમના સમગ્ર કવિતાના સંગ્રહમાં હજારથી પણ વધુ કવિતા હશે. સંસ્કૃત તત્સમ્ શબ્દોનો વિનિયોગ એમની કવિતામાં આગવો લયહિલ્લોળ રચે છે, એવું એમની કવિતાઓ વાંચતાં સહજ અનુભવાય. તો, લોકબોલીનાં અને લોકઢાળનાં, ઊર્મિથી ભર્યાં ગીતોની એમની ભાવાભિવ્યકિતથી ગુજરાતી કવિતા સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. એમનાં કેટલાંક ગીતોએ લોકગીતનું સ્વરૂપ ધારણ કરી લીધું છેઃ ‘ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર’, ને આ, ‘કેવડિયાનો કાંટો’ પણ લોકગીતની કક્ષા સુધી પહોંચી ગયું છે.
અજિત મકવાણા, સેકટર નં. ૧૩-એ, પ્લોટ નં. ૬૬૨-૨, ગાંધીનગર-૩૮૨૦૧૩ મો. ૯૩૭૪૬૦૬૫૫૪