સ્ત્રી-પુરુષ વચ્ચે રચાતા, તૂટતા મુખર-અમુખર સંબંધની કથા : ‘આ ઘેર પેલે ઘેર’
ગાંધીયુગના અંતિમ તબક્કાના મહત્ત્વના બે વાર્તાકારો, એક જયંતિ દલાલ અને બીજા જયંત ખત્રી. બન્નેય પરંપરાગત માળખાથી આગળ ગયા. આધુનિકયુગની વાર્તા માટે નવી ભોંય રચી. કહેવાય છે કે જયંતિ દલાલની વાર્તામાં ભાષા, પરિવેશ, સન્નિધિકરણ, કલ્પન-પ્રતીકનો વિનિયોગ જેવી બાબતો આધુનિકયુગ પહેલા જોવા મળે છે. તો ખત્રી પરિવેશ, ભાષાને કારણે જુદા પડે છે.
ગુજરાતી સાહિત્યમાં નાટ્યકાર, નવલકથાકાર, અનુવાદક અને વાર્તાકાર તરીકે દલાલ સાહેબ જાણીતા છે. (જયંતિ દલાલને નાટ્યમંડળીના પ્રેમાળ નટો દ્રારા ‘સાહેબ’ હુલામણું મળેલ છે.) નાટક વિશેની સૂઝ પરંપરામાં પિતાજી ઘેલભાઈ પાસે મળી હતી. તે નાટ્યસર્જનમાં દેખાય છે. તો અનુવાદક ક્ષેત્રેનું પ્રદાન જયંતિ દલાલનું ખૂબ મોટું છે. આ પ્રારંભિક ભૂમિકા બાદ મારે વાત કરવી છે. તેમની બહુચર્ચિત વાર્તા ‘આ ઘેર પેલે ઘેર’ વિશે.
‘આ ઘેર પેલે ઘેર’ વાર્તા વસ્તુ, વસ્તુસંકલન, ભાષા, નાટ્યાત્મકતા અને નારીની જુદી છબીને કારણે ગુજરાતી સાહિત્યમાં અનેક રીતે પોખાઈ છે. કદાચ ઘણા બધા ભાવકો દલાલસાહેબને આ વાર્તાને કારણે પણ જાણે છે. ‘આ ઘેર પેલે ઘેર’ વાર્તામાં લેખકે નારીની મન:સ્થિતિને આલેખી છે. વાર્તાનાયિકા સવિતાના સંવાદો તેની જાત સાથે થાય છે ને વાર્તા ઉઘડે છે. પ્રેમલગ્ન કરેલી સવિતાને એક વિક્રમ નામનું સંતાન છે. સુખરૂપ એક દાયકો વીત્યો છે. છેલ્લાં બેએક વર્ષથી પતિ-પુલિન પોતાની સાથે જોબ કરતી મનીષાના પ્રેમમાં છે ને તે સવિતાને છૂટાછેડા આપે છે. પુલિન સવિતાને ‘ઘર’-ઘરેણાં-ઝવેરાત આપે છે. એકલી સવિતાનો મેળાપ પોતાની જાત સાથે થાય છે. તેમાં પોતે સોદો કર્યો છે તેવું તેને લાગે છે. તે વિચારોનું આલેખન લેખકે ઝીણવટભર્યું કર્યું છે જુઓ-
"એના બાળકની માતા થવા બદલ... આ ઘર! ચાંદી-સોનાના ગોળ સિક્કા! જડતર અને હિરમોતીના દાગીના ! પાણી પીને હમણાં જ દોડી ગયેલો મારો બાળ વિક્રમ!
મેં આ લઈને મારી જાતને શું ઠરાવી ?” (જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ, સં. રાધેશ્યામ શર્મા અને અન્ય. પ્રકાશક-વોરા એન્ડ કંપની. અમદાવાદ, પુન:મુદ્રણ : જૂન:1994,પૃ. 83)
“પોતે વિક્રમની માતા બની! પોતે આ ઘર લીધું. માગી લીધું. રોકડ અને ઝવેરાત. સોદો કર્યો. બાઈ, તેં તો તારી જાતની કિંમત ઊપજાવી. કોક બજારે બેસે, તું ઘરમાં બેઠી. ગ્રહસ્થ બની. વાહ, શા ડોળ અને દંભ છે! પાપી પેટ ન ભરાતું હોય તો ફોડી નાખ, અને ઉપરથી પાછી લોકોની દયા પર ભીખવા નીકળી છે! નિર્લજ્જ, નફટ, બેશરમ, નટડી! પુલિનને બદનામ કરીને....” (એજન, પૃ.84)આ વિચારોથી સવિતાનો આત્મા જાગી જાય છે. તેને દાગીના, ચેકબુક, બધુજ પેટીમાં ભરીયું ને પહેરલ કપડે આ ઘરને તાળું મારીને ચાલી પેલે ઘરે. લેખકે લખ્યું છે કે “...આ ઘર અને પોતાની જાતને પોતાને હાથે હીણી અને બજારુ બનાવતા સોદાની રકમ પાછી આપી દેવા, એ પગથિયું ઊતરીને સડસડાટ ચાલી નીકળી...” ( એજન, પૃ. 85)
નારીની જાગૃતિ વાર્તામાં પ્રગટ થાય છે. લેખકે પ્રયોજેલો શબ્દ ‘સડસડાટ’ એ સવિતા હવે ક્યારેય નહીં આવે તેવો આત્મવિશ્વાસ છોડી જાય છે. રહેમ ન સ્વીકારતી આ સ્ત્રી ગાંધીયુગની છે. ગાંધીયુગમાં લખાયેલી વાર્તામાં વાર્તાકાર કેટલા આગળ છે. તે પણ જોઈ શકાય છે. વાર્તામાં સ્ત્રીનું જીવનની સાથે સ્ત્રી-પુરુષના સંબંધોમાં જોવા મળતી સંકુલતા નિરૂપાઈ છે. અંતે નારી પોતાનું સ્વમાન સાચવીન રાખે છે. તે અર્થમાં આ વાર્તાનો અંત જુદો છે.
પુલિન સાથેના પ્રેમને કારણે સવિતા પિતાનું ઘર છોડીને આવે છે. તેમના પ્રેમના પ્રતીક રૂપ વિક્રમ નામનું સંતાન પણ છે. લગ્નના બાર વર્ષ બાદ એમ અચાનક પુનિલને સ્ટાફની મનીષા સાથે પ્રેમ થઈ જાય છે. ને સવિતાને છૂટાછેડા આપે છે. જીવન-તેમાં સ્ત્રીના જીવનની કરુણતા રજૂ થઈ છે. જ્યારે સવિતા મનીષા વિશે છૂટાછેડા અગાઉ પૂછે છે ત્યારે તે પોતાના અને મનીષાનો શો સંબંધ છે? તે પુનિલ સ્પષ્ટ કરતો નથી. પરંતુ વર્ષેકના અબોલા બાદ તે કહે છે, તે સમયના સવિતા-પુનિલના સંવાદો જુઓ-
“સવિતા, મારે તને કાંક કહેવું છે.’સવિતા જ્યાં કહે છે ત્યાં છૂટાછેડા માટે સહી તો કરી દે છે પરંતુ અલગ થનાર પુલિનને તે સવાલ પૂછે છે કે, મે તારી પાસે – પૈસા, ઝવેરાત, હીરા-માણેક, કે કોઈ હઠ કરી હતી? મારો દોષ શો હતો? મારો વાંક શો હતો? સવિતાના આ પ્રશ્નોનો પુલિન જવાબ આપે છે – ‘સવિતા, મારું મન ઊઠી ગયું છે.’(એજન, પૃ.79)
વરસેક પછીના અબોલા પછી એ પહેલી વાર મારી સાથે બોલ્યો.
મે કહ્યું : ‘કહો’
‘તને નથી લાગતું કે આમ જીવવા કરતાં આપણે છૂટાં થઈએ એ વધારે સારી વાત છે?’
‘તમને એમ ઠીક લાગતું હોય તો મને વાંધો નથી.’ હું એમ બોલેલી, ખરું જ કહેને બાઈ! જાત આગળ પણ ઢોંગ શા સારુ કરે છે?
અને પુલીને કહ્યું : ‘તમને ગમે તે ઘર રાખો. આ ઘર કે પેલું ઘર’
મને ગમે તે ઘર. ઘર ! ટાઢ, તાપ અને વરસાદમાં માથે છાંય ધરે, તેવું ઘર.” (એજન, પૃ. 78)
પુલિનનું મન ઊઠી જવાથી તે મનીષા સાથે રહેવા માગે છે. સર્વસ્વ છોડીને આવેલી સવિતાની સ્થિતિની સાથે નારીની સ્થિતિ આલેખાઈ છે. તો વાર્તાની પરાકાષ્ઠાનો બીજો પ્રસંગ પુલિન-સવિતા અને વિક્રમ વચ્ચેનો છે. જેમાં વિક્રમને કોની સાથે ને કયા ઘરે રહેવું તે પૂછવામાં આવે છે, તે છે. તે સમયના વિક્રમ-સવિતાના નાટ્યાત્મક સંવાદો જુઓ-
“પણ એ તો વિચિત્ર નીકળ્યો. મને પૂછે : ‘તું ક્યાં રહીશ?’વિક્રમના જવાબથી સવિતા હચમચી જાય છે. તેને પણ બાપ જેવો ગણે છે. પરંતુ જાત સાથેની વાતચીતમાં પોતે કેટલી ‘નઠોર’ થઈ ગઈ છે. તે દીકરાને પણ પારકો થઈ ગયો છે એમ કહ્યા કરે છે.
‘જો એ આ ઘેર રહેશે તો હું પેલે ઘેર રહીશ’, એ. એ. એ.
‘પણ તું આ ઘેર રહે અને હુંય આ ઘેર રહું તો તો પછી પેલે ઘેર ન જવાય ને ?’
‘ના, ન જ જવાય. જવા પણ ન દઉં. અને શું કામ તું નકટો થઈને ત્યાં જાય? લાજશરમ ન હોય તો કાંઈ નહીં, પણ મને આમ દગો દેનાર સાથે....’
‘પણ હેં મા, હું પેલે ઘેર રહું તો તો તારે ત્યાં, આ ઘેર, અવાયને ?’
ન હતો, મારી પાસે : કશો જવાબ ન હતો. પવન ધૂળને ચકરાવે ઘુમાવી ડમરી ચડાવે છે, ઊંચે અને ઊંચે ફંગોળે છે. પણ ભીતરમાં તો હોય છે. શૂન્ય અવકાશ !” ( એજન, પૃ,79-80)
વિક્રમના જવાબથી સવિતાને દુ:ખ પહોંચે છે. પરંતુ એક સંતાનરૂપે તેનો જવાબ સાચો છે. કેમકે તેને મા-બાપ બંનેયની જરૂર હોય છે. માટે તે બંનેયના ઘેર જાય છે. સવિતા એવું ઈચ્છે છે કે તે પુલિન પાસે ન જાય પણ તે વ્યાજબી નથી. આ વાર્તા મા-બાપના આ પ્રકારના વર્તનથી-સંબંધથી સંતાન પર કેવી અસરો પડે છે. તેની સંવેદના પણ છોડી જાય છે.
વાર્તામાં સ્ત્રીની છબી જુદી એ અર્થમાં પણ છે કે પુલીને સવિતાને છોડી દીધી છે તેમ છતાં સવિતાના હદયનો નાથ-પતિ તે(પુલિન) જ છે. હજુ પણ તેને જ પોતાનું સર્વસ્વ માને છે. તેના મનના વિચારો જુઓ-
“તું એને ચાહે છે. તારા મનના અણું અણુમાં એ તારો પ્રિયતમ વરસ્યો છે. તું એને નથી ભૂલી, સવિતા. અરે એના નખ, દાંત.. એટલું જ નહીં, એની ઝીણી ઝીણી વાત તને ગમે છે. કંજૂસની ધનદોલત જેમ તેં એને હૈયામાં સંઘર્યો છે. એ તારો પ્રિયતમ છે. તારા મન અને દેહનો સ્વામી છે. આજે અત્યારે આ ઘડીએ પણ એ તારો હદયનાથ છે” ( એજન, પૃ. 82)સવિતાના જાત સાથેના સંવાદોમાં –પુલીને સવિતાને છોડી દીધી છે પરંતુ બદલામાં ઘર-ઝવેરાત-દાગીના આપ્યાં છે. પોતે જાતને સોંપી, બદલામાં તેને વિક્રમ આપ્યો. આથી તેનું મન સ્વીકારતું નથી. તે માને છે કે પોતે સોદો કર્યો છે. ને માટે તે ઘર છોડીને સડસડાટ ચાલી જાય છે.
વાર્તામાં ‘ઘર’નો સંદર્ભ જુદો છે. તેનો એક અર્થ બે વ્યક્તિનો પ્રેમભર્યો નિવાસ થાય છે ત્યારે ઘર બને છે. પુલીને સવિતાને ‘ઘર’ આપ્યું પરંતુ તે પોતાની હાજરી વિનાનું. નાયિકા પુલિનને જોઈને આવેલી, તેના પ્રેમને કારણે આવેલી, નહિ કે તેનું ઘર-ઝવેરાત જોઈને. પરંતુ પ્રેમ ન મળતાં તે ઘર છોડીને ચાલી જાય છે. તો શીર્ષકમાં પ્રયોજાયેલ ‘આ ઘેર પેલે ઘેર’ શબ્દોમાં ‘ઘર’નો એક સંદર્ભ ઉપરનો પણ છે. તે ઉપરાંત આ ઘેર પેલે ઘેર સવિતાનું મન જાય છે. તો આ ઘેર પેલે ઘેર વિક્રમ પણ જાય છે. તે અર્થમાં શીર્ષક ઉચિત છે.
પુલિન વિનાના ઘરમાં સવિતા રહેતી નથી. ઘર-મિલકત છોડીને ચાલી જાય છે. તે અર્થમાં તેને સોદો કર્યો નથી. પરંતુ સવિતા જે રીતે ઘર છોડીને જાય છે તેમાં નારીની જાગૃતિ દેખાય છે. પતિની રહેમ, કૃપા, સંપત્તિ છોડીને ચાલી જતી આ સ્ત્રી અન્ય સ્ત્રી-નારી કરતાં જુદી છે. અન્ય નારી ચેતનાની નવલિકાઓ કરતાં જયંતિ દલાલની આ વાર્તા એ અર્થમાં જુદી છે.
વાર્તામાં સવિતા અને તેના મન –જાત સાથેના સંવાદો દ્રારા કહેવાઈ છે. વાર્તા ફ્લેશ બેકમાં રજૂ થઈ છે તો મોટાભાગની વાર્તા ભૂતકાળ-વર્તમાનમાં ચાલતી કલાત્મક રીતે રજૂ થઈ છે. તેની ટેકનીક ધ્યાનપાત્ર બની છે. તો વાર્તાની ભાષા વાર્તાનું જમા પાસું છે તેના થોડાક ઉ.દા. જોઈએ.
-“ઘટાદાર ઝાડ ઘાટને પોતાની શોભા અને વિશેષ તો શોભાથીય પોતાનો પરમ રક્ષક માને છે, પણ પેલો બેશરમ અને દયાહીન પવન ઘટાને પીંખીને કેવો ડાળ ડાળને હાલમલાવીને સીધો થડ પાસે પહોંચી જાય છે.! આછાં કે ઘેરાં સ્પંદન જગાડી પવન તો પાછો બીજા કોક સાથે ટોળતોફાન કરવા નીકળી પડે છે, પણ શોભા, સ્વસ્થતા અને સુરક્ષા બધુંય ગુમાવી બેઠેલા ઝાડનું શું?” (એજન, પૃ.75)પુલિનને પવન સાથે અને પોતાને ઝાડ સાથે સરખાવીને અહીં પ્રતીકાત્મક રીતે બંનેયના સંબંધોને (સ્ત્રી-પુરુષના સંબંધોને) રજૂ કર્યા છે. તો બીજી એક જગ્યાએ પોતાને વાદળ સાથે અને પુલિનને મેઘ સાથે સરખાવ્યો છે. તેમાં મેઘ કયારેય મન મૂકીને વરસ્યો નથી અને જમીન તરસી છે. તેનો વસવસો રજૂ થયો છે.
જુવાનીના હુફાળા દિવસોને યાદ કરીને તે કહે છે કે-
“પેલું બોરસલીનું ઝાડ જોયું? પાંદડે પાંદડે લાખ લાખ ફૂલ હશે, પણ એ રાહ જોઈ રહ્યાં છે.વાર્તાના આરંભમાં સાંડસીમાં ભરાવેલી વઘારની વાડકી છડકી જાય છે ને ગરમ તેલથી માંડ બચે છે. તેમાંથી ‘એકાદ છાંટો તો ઉડયોય ખરો’ તે બાબત સવિતાના જીવન સાથે સંબંધ ધરાવે છે. પોતે દાઝી છે. ગરમ તેલની જેમ ગરમ યાદો તેને દઝાડે છે તો મનને આ બધુ યાદ કરવાનું ના પાડતી સવિતા માટે કહ્યું છે કે ‘ઊભી થઈને સવિતાએ વઘારની વાડકીની કોર પાછી સાંડસીમાં દબાવી, પણ મનને દબાવવા, ઊછળી પડતી યાદોને દબાવવા ક્યાંથીય શું લાવવું ?” (એજન, પૃ.74) જેવા શબ્દો સાંકેતિક છે. પ્રતીકાત્મક ભાષાનો વિનિયોગ ઉપરના તમામ ઉ.દા.માં જોઈ શકાય છે. આ વાર્તાના ભાષાકર્મને બિરદાવતા ઉમાશંકર જોશીએ ‘જયંતિ દલાલની પ્રીતિનિધિ વાર્તાઓ’(સં. રાધેશ્યામ શર્મા અને અન્ય) નામના પુસ્તકની પ્રસ્થાવનામાં (શીર્ષક- ‘વાર્તા, મનનો માળો’) નોંધે છે કે– “ભર્યાભાદર્યા નગર-સમાજની એક એકાકિની નારીની આંતરચેતના પ્રગટ કરવા માટેની પૂરતી ભાષાશક્તિ લેખક પાસે છે. સરળતા, સહજતા, આરોહઅવરોહ, નાજુક ભાવભંગિઓની માવજત- બધું તરત ધ્યાન ખેંચે છે.” (એજન, પૃ.2) ઉપરના ઉ.દા. જોતા ઉમાશંકર જોશીના શબ્દો ઉચિત છે.
પવનની આછી ફૂંકની...’ પવનની આછી ફૂંક ! પથ્થરમાં પ્રાણ પૂરે તેવી જિંદગીની, ચેતનની આછી ફૂંક.” (એજન, પૃ. 76) તો વાર્તામાં પ્રયોજાયેલ શબ્દો(ગાળો)- જે પુલિન માટે સવિતા પ્રયોજે છે – ‘પાજી, નફટ, બેશરમ, લબાડ, બદમાશ, વગેરે ધ્યાનપાત્ર છે.
‘આ ઘેર પેલે ઘેર’ વાર્તામાં સવિતા અને તેના મન સાથેના સંવાદો દરમિયાન સવિતાના આત્માની જાગૃતિ- પોતે ઘર, ઝવેરાત લીધું છે. સોદો કર્યો છે. તેવા વિચારો આવે છે, તે પ્રસંગથી આવે છે. વાર્તાના આ પ્રસંગ બાદ જે મહત્ત્વનો વળાંક આવે છે. તે વિશે અનિરુધ્ધ બ્રહ્મભટ્ટનો મત જુઓ-
“વાર્તાએ વચ્ચે જબરો વળાંક લીધો છે, ‘પેલું’ ઘર ‘આ’ ઘર થઈ ગયા પછી સવિતાને પુલિન માટે નફરત થઈ. પણ પછી મનની ઊથલપાથલો એને આ ક્ષણ સુધી લઈ આવી: ‘નહિ કહું એને લબાડ, નફટ-બેશરમ નહિ કહું. મારા બાળકનો પિતા! મનમાન્યો. નહિ કહું એને ચોટ્ટો. નહિ કહું એને દુષ્ટ.’ પણ પછી સ્વમાન ઉપર આવ્યું અને મન બીજી ડાળે જઈને બેઠું : ‘કોક બજારે બેસે, તું ઘરમાં બેઠી, ગ્રહસ્થ બની.’ હવે એ ‘સવલી’માંથી પાછી ‘સવિતા’ બની. ને એક વેળા સોંપેલી પોતાની જાત સિવાય બીજું બધું સોંપી દેવા એ આ ઘેરથી પેલે ઘેર જવા નીકડી પડી...”(એજન, પૃ. 247)જ્યારે વાર્તાના અંત, મધ્ય અને નારીની જાગૃતિ વિશે રમેશ ર. દવે ‘વ્યક્તિલક્ષી વાર્તાકાર’ નામના જયંતિ દલાલની વાર્તા વિશેના લેખમાં નોંધે છે કે –
“માણસ જાગે છે ત્યારે કેવું જાગે છે એનું સુભગ દષ્ટાંત આ વાર્તાનો અંત છે. પણ માણસ જાગે છે શી રીતે? – એ વાત તો વાર્તાના મધ્ય ભાગે, સાવ સ્વાભાવિક રીતે, ફરજ બજાવીને મેળવેલા હક- અધિકારને વાજબી ઠેરવતી લેતીદેતીની યાદીમાં જ્યારે ‘અને એને વિક્રમ આપ્યો-’ એ ઉમેરણ થાય છે-ત્યાં સ્પષ્ટ થઈ છે. શું શું આપ્યું ને બદલામાં શું મેળવ્યું-નું સમીકરણ મુકતાં સવિતા જાગી જાય છે: ‘મેં એને વિક્રમ આપ્યો અને એણે મને ઘર આપ્યું! રોકડ આપી! ઘરેણાં આપ્યાં !રમેશ ર. દવેએ વાર્તાના મહત્ત્વના હાર્દ વિશે વાત કરી છે. સવિતાની મન:સ્થિતિ બદલાય છે તેમાં આ પ્રસંગ મહત્ત્વનો છે. સવિતાને ભાન થાય છે ને તે ચાલી જાય છે. તેનાથી વાર્તા અન્ય વાર્તાઓથી જુદી બને છે.
આ ‘વિક્રમ આપ્યો’- વાળી વાત પેલી કિડીના પગે વાજતાં નેપુર જેવી ઝીણી છે પણ જો સંવેદના નરવી અને સરવી હોય તો એ વાત સંભળાયા વિના રહેતી નથી” (ચૂંટેલી વાર્તાઓ : જયંતિ દલાલ, સં. રમેશ ર. દવે, પ્રકાશક-ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રા.આ. 2003, પૃ. 12)
ઈબ્સનની ‘A Doll’S House’ નામની કૃતિની નાયિકા ‘નોરા’ બારણું પછાડીને નીકળી જાય છે. તેનો પડઘો આખા યુરોપમાં સંભળાય છે. અહીં સવિતા પણ પુલિનનો અહેસાન, રહેમ છોડીને ચાલી જાય છે.
જે સમયે નારિવાદ આંદોલનો ફૂકાયા નહોતા તે સમયે જયંતિ દલાલની આ વાર્તાની નાયિકા એક સમયે પ્રેમ પામીને તથા એના સંતાનની માતા થવા બદલ ધન્ય ભાગ્ય સમજી રહી હતી તે નાયિકા પતિએ બીજા લગ્ન કર્યા ને પોતાને છૂટાછેડા આપ્યા તેની સાથે ઘર –ઝવેરાત, મિલકત આપી. તે બધું છોડીને ‘તારા આપેલા ઘરમાં મારે રહેવું નથી’ તેવું કહીને સડસડાટ ચાલી જતી સ્ત્રીમાં, જાગી ગયેલી ગુજરાતી સ્ત્રીના દર્શન થાય છે. તે અર્થમાં ‘આ ઘેર પેલે ઘેર’ સંગ્રહની વાર્તાઓ- ‘રસરૂચિમાં અને પ્રજાજીવનમાં ગમે તેવાં અને ગમે તેટલાં પરિવર્તનો થશે પણ એની વચમાં જયંતિભાઈની કેટલીક ટૂંકી વાર્તાઓ વાંચશે, જીવશે” (લેખનું નામ –‘અખાના કુળનો અમદાવાદી’- નિરંજન ભગત, પુસ્તક –‘જગભેરુ જયંતિ દલાલ’-સં. રઘુવીર ચૌધરી અને અન્ય, પ્રકાશક. ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રા.આ. ઑગષ્ટ-1986, પૃ. 61) જેવા નિરંજન ભગતના શબ્દો આજે પણ પ્રસ્તુત છે.
સંદર્ભ-
- (1) જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ, સં. રાધેશ્યામ શર્મા અને અન્ય. પ્રકાશક- વોરા એન્ડ કંપની. અમદાવાદ, પુન:મુદ્રણ : જૂન:1994
- (2) ચૂંટેલી વાર્તાઓ : જયંતિ દલાલ, સં. રમેશ ર. દવે, પ્રકાશક-ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રા.આ. 2003
- (3) જગભેરુ જયંતિ દલાલ- સં. રઘુવીર ચૌધરી અને અન્ય, પ્રકાશક. ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રા.આ. -1986
- (4) પ્રશિષ્ટ નવલિકાઓ-ભાગ-1, સં.- રઘુવીર ચૌધરી, અરુણોદય પ્રકાશન, અમદાવાદ, બીજી આવૃત્તિ- જૂન-2012