પારદર્શકતા
એણે પેલ્લે જ દિવસે સાંજે કહ્યું : આપણે આપણાં સંબંધ પારદર્શક રાખવા છે. કશું એકબીજાથી છુપાવવું નથી. તો જ આપણે પરસ્પરને પામી શકીશું. બધાં અંચળા ઉતારીને જીવીશું. આપીશને સાથ ? જવાબ આપું તે પહેલા તો એ પોતાના કપડાની સાથોસાથ જ એના ભૂતકાળ ઉપરથી અંચળો ઉતારવા લાગ્યા.
એનાં મિત્રોની અંગત લાક્ષણિકતા, મા-બાપ અને કુટુંબની અપેક્ષાઓ, પોતાનો ભૂતકાળ ને ભૂતકાળની એષણાઓ અને વર્તમાન.. રોજ એ ભૂતકાળમાંથી કોઈ ને કોઈ ઘટના ખોળી જ કાઢે. હું પણ મારા ઘરનાની અને બેનપણીઓની વાતો વચ્ચે વચ્ચે કરતી. એ તો એના જીવનની અંગતમાં અંગત વાતો કરે અને તરત ફસ્સ દઈ હસી કાઢે. એ હસે એટલે હું પણ હસતી. એણે તો એના જીવનમાં આવેલ અન્ય સ્ત્રીઓ સાથેની રંગીન રાતો પણ હોંશેહોંશે વર્ણવી. આવી વાતો કરે ત્યારે મને દુઃખ અને અણગમો થતો. છતાં અમે સુખી હતાં. એની નિખાલસતાના કારણે હું પણ હળવી બની. મેં પણ મારી સાથે બનેલી ઘટના સંભળાવી : હું ૧૧મા ધોરણમાં હતી ત્યારથી જ કાનજી રોજ મને જોયા કરતો, મારાથી પણ જોવાય જતું અવારનવાર. એકવાર સરના ઘરે ટ્યુશનમાં ગયેલી. દાદરા પાસેના ખૂણામાં ઊભી હતી. કાનજીએ આવતાની સાથે સીધી જ બાથમાં ભીંસી દીધેલી. કંઇ બોલું એ પહેલા જ મારા હોઠે... આજે ય એ ગરમાગરમ ડામ યાદ આવે છે.
પછી અમારી વાતો-રાતોનો ઉજાસ ઓલવાઈ ગયેલો. આજે અમારાં ગતને પારદર્શકતાપૂર્વક ખોલી રહ્યાં છે વકીલો.