ગુજરાતી સોનેટમાં ઉશનસનું વિષય વૈવિધ્ય


સારાંશ :

જીવન અને સાહિત્ય એક સિક્કાની બે બાજુઓ હોવાથી અન્યોન્યને પૂરક બનીને આવે છે. યુગનો પ્રભાવ જેટલો જીવન ઝીલે છે એટલો જ- કદાચ સાહિત્ય વધુ ઝીલે છે. યુંગપ્રભાવથી સર્જકની સર્જકતાની ધાર કસાય છે. સમાજ અને સહિત્યને નવી દિશા અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સાહિત્યભૂમિ રસાદ્ર બને છે- સાહિત્યના અવનવાં ક્લાસ્વરૂપોથી. વિશ્વસાહિત્યના પટ ઉપર નાટક, નવલકથા, નવલિકા વગેરે જેવાં કથા સાહિત્ય આવ્યા તો કવિતામાં ગઝલ, હાઈકુ, સોનેટ વગેરે જેવાં કાવ્યસ્વરૂપો મળે છે. ગુજરાતી સાહિત્યમાં સોનેટની રચના અને કાળક્રમ જોતા મજબૂત પીઠિકા પ્રાપ્ત થઇ છે. ગુજરાતી સાહિત્યમાં સહુપ્રથમ સોનેટ રચના બ.ક.ઠાકોર ખેડે છે. અનુગાંધી યુગમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, જયંત પાઠક અને ઉશનસની સોનેટ રચનાઓમાં વૈવિધ્ય અને સત્વતાના દર્શન થાય છે. ઉશનસને તો સોનેટના પિતા કહેવામાં આવે છે. ગુજરાતી સોનેટમાં ઉશનસનું વિષય વૈવિધ્ય વિષયક થોડી ચર્ચા મારા અભ્યાસના આધારે કરી છે.

પ્રસ્તાવના :

જીવન અને સાહિત્ય એક સિક્કાની બે બાજુઓ હોવાથી અન્યોન્યને પૂરક બનીને આવે છે.યુગનો પ્રભાવ જેટલો જીવન ઝીલે છે એટલો જ- કદાચ સાહિત્ય વધુ ઝીલે છે. યુંગપ્રભાવથી સર્જકની સર્જકતાની ધાર કસાય છે. સમાજ અને સહિત્યને નવી દિશા અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સાહિત્યભૂમિ રસાદ્ર બને છે- સાહિત્યના અવનવાં ક્લાસ્વરૂપોથી.વિશ્વસાહિત્યના પટ ઉપર નાટક, નવલકથા, નવલિકા વગેરે જેવાં કથા સાહિત્ય આવ્યા તો કવિતામાં ગઝલ, હાઈકુ, સોનેટ વગેરે જેવાં કાવ્યસ્વરૂપો મળે છે.

સોનેટ ઉત્પત્તિ અને પ્રકાર :

સાહિત્યના બધાં જ સ્વરૂપો સર્જકની આગવી વૈયક્તિકતા, પ્રતિભા, યુગપરિબળ વગેરેથી ઘડાય છે. જયારે નિશ્ચિત સીમાએ મોટાભાગના સર્જનમાં કોઈપણ પ્રકારને લગતાં આગવાં લક્ષણો દેખાય છે ત્યારે તેનું સ્વરૂપ બંધાય છે. કવિચેતનાનું સોનેટરૂપી મૂળ ઊગ્યું હતું સૈકા પૂર્વે  યુરોપના ઈટાલીમાં. સહુપ્રથમ સર્જન ઈટાલીના ગ્વીતોનીએ કરી પણ સોનેટ સર્જનમાં નામ જોડાઈ જાય તેવી રચનાઓ આપી પેટ્રાર્ક નામના સોનેટકારે.જે ‘પેટ્રાર્કશાહી’ સોનેટ નામ પામ્યું. સમગ્ર યુરોપમાં તેનો પ્રભાવ દેખાયો. આ જ સમયમાં શેક્સપિયરના હાથે સોનેટેઆગવી મુદ્રા પામી અને ‘શેક્સપિરીયનશાઈ’ સંજ્ઞા તરીકે અસ્તિત્વમાં આવ્યું. સોનેટનો ત્રીજો પ્રકાર છે અનિયમિત સોનેટ.અંગ્રેજી સાહિત્યમાં શેક્સપિયરના હાથે ઘડાઈને ગુજરાતી સાહિત્યમાં પંડિતયુગના બ.ક.ઠાકોરની સર્જક પ્રતિભાએ અવતરણ પામીને પરાકાષ્ઠાએ પહોચ્યું.

ગુજરાતીમાં સોનેટ : અવતરણ અને વિકાસ :

સોનેટ કાવ્ય યુરોપીય સાહિત્યમાંથી આપને ત્યાં આવ્યું અને કાળક્રમે કવિપ્રિય તથા ભાવકપ્રિય પણ બન્યું. ઊર્મિકવિતામાં સોનેટ વિલક્ષણરૂપ છે.આજસુધી રચાયેલા સોનેટ જોતાં જણાશે કે ગુજરાતી સોનેટે પોતાની સ્વકીય મુદ્રા ઊભી કરી છે.ગુજરાતી સાહિત્યમાં સોનેટની રચના અને કાળક્રમ જોતા મજબૂત પીઠિકા પ્રાપ્ત થઇ છે. ગુજરાતી સાહિત્યમાં સહુપ્રથમ સોનેટ રચના બ.ક.ઠાકોર ખેડે છે. કાન્ત, કલાપી, રામનારાયણ, ઉમાશંકર, સુન્દરમ, સ્નેહરશ્મિ, રામપ્રસાદ શુક્લા વગેરેના હાથમાં સોનેટનું સાતત્ય ઘડાતું રહ્યું છે. અનુગાંધી યુગમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, જયંત પાઠક અને ઉશનસની સોનેટ રચનાઓમાં વૈવિધ્ય અને સત્વતાના દર્શન થાય છે. ઉશનસને તો સોનેટના પિતા કહેવામાં આવે છે.

ગુજરાતી સોનેટમાં ઉશનસનું વિષય વૈવિધ્ય :

કવિ ઉશનસે સહુથી વધુ સંખ્યામાં અને સત્વદદ્રષ્ટિએ સોનેટ રચનાઓ આપી છે. તેમણે લગભગ ૪૦૦- ૪૨૫ થી વધુ સોનેટ રચ્યાં હોવાથી ‘સોનેટકવિ’ કહી શકાય.ગુજરાતી સોનેટ કવિતાના વિકાસમાં ઉશનસનું સ્થાન આગવું છે. અનુગાંધીયુગમાં સોનેટ સાહિત્યમાં તેમનું સ્થાન – પ્રદાન તેમના વિપુલ સોનેટસર્જન અને ગુણવત્તાને કારણે વિશિષ્ટ છે. પૂર્વે ના અનુભવેલાં અવનવાં પરિમાણો તેમનાં સોનેટમાંથી ઝળક્યાં કરે છે.

ઉશનસે એકબાજુ બ.ક.ઠાકોર પ્રકારના સોનેટ સ્વરૂપનો અને બીજી બાજુ તત્સમ પદાવલીનો અંગીકાર કર્યો છે. છંદમુક્તિનો પવન ફૂંકાયો હોવા છતાં શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા વગેરે છંદમાં ઉત્તમ સોનેટ રચનાઓ રચી છે. તો સામા પક્ષે છંદ નિરૂપણમાં અન્ય કવિઓ કરતાં ઘણી છૂટ લીધી છે. સોનેટની ભાષામાં ઠાવકાઈના દર્શન થાય છે. સમગ્રતયા ગુજરાતી સાહિત્યના અન્ય સોનેટ કવિઓથી તેઓ નિરાળા જણાય છે – પોતાની આંતરિક સંવેદનાની અનુભૂતિના રણકા દ્વારા.તેમની કાવ્યબાનીમાં સર્જનાત્મકતાનો વિશિષ્ટ ઉન્મેષ દાખવીને સોનેટમાં નૂતન શબ્દનિર્માણ કરે છે.

ઉશનસના સોનેટમાં વિષય અને નિરૂપણમાં વૈવિધ્ય અને વૈપુલ્યના દર્શન થાય છે. તેમનાં સોનેટમાં ભાવવાહિતા સોળે કળાએ ખીલે છે અને ઘાટ પણ પામે છે. ભાષાના અવનવાં વિલક્ષણ સ્વરૂપો દાખવી સોનેટ પરત્વે વિશેષ પરિમાણો આપ્યાં હોવાથી તેમનું નામ ગુજરાતી સોનેટ સાથે અવિનાશી  ભાવે જોડાઈ ગયું છે. ‘વળાવી બા આવી’ સોનેટ દ્વારા તો તેઓ શિક્ષણ જગત અને માનવભાવ સાથે અભિન્નતાથી જોડાઈ ગયા છે. તો ‘અનહદની સરહદે’ સોનેટમાળાના કવિ તરીકે સાહિત્યમાં વિવેચાતા રહ્યાં છે.

ઉશનસના સોનેટમાં મુખ્યત્વે પ્રણય અને પ્રકૃતિના દર્શન ઊડીને આંખે વળગે છે. આ સાથે માનવસંવેદના, સ્વજનપ્રીતિ, વતનપ્રીતિ, સ્થળદર્શન,  વગેરે પણ નિરૂપણ પામ્યા છે. આમ સોનેટ રચનામાં પણ વિવિધતા દાખવે છે.

ઉશનસના પ્રણય વિષયક સોનેટ :

ઉશનસ ‘નજર’, ‘હવે તો’, ‘પ્રાર્થના’, ‘તમે સાથે રહેજો’, ‘સોહાગરાત અને પછી’, ‘અદ્વૈત’, ‘તેથી શું’, ‘મધુર નમણાં ચહેરા’, ‘શબ્દત્રયી’ વગેરે પ્રણય સોનેટમાંપ્રણયનો અનુનય, ઝંખના, આતુરતા, નિરાશા, હતાશા, વિરહ, સંયોગ-શૃંગાર, પરકીયા પ્રેમ, મિલનની બળકટતા, પ્રેમમાં સ્વાર્પણ અને પરિતૃપ્તિ જેવી અનેક ભાવગરીમાઓ આલેખન પામી છે. જેમકે- ‘હું જન્મ્યો છું કોઈ’ સોનેટમાં કવિ પ્રથમ નજરના વિરહના દર્દને એક પ્રશ્નાર્થમાં મૂકેછે કે-

“ન જાને આ કોનો વિરહ મુજ આ હાથ પકડી,
જતો દોરી? કોને ઘેર લઇ જશે અંતિમ ઘડી?

ઉશનસના પ્રકૃતિ વિષયક સોનેટ :

ગુજરાતી સોનેટમાં તેમના પ્રકૃતિ વિષયક સોનેટ કલ્પનાની તાજપથી અલગ તારી આવે છે. તેમની કવિશાક્તિના ઉત્કૃષ્ટ દર્શન પણ પ્રકૃતિવર્ણના સોનેટમાં નિહાળી શકાય છે. પ્રકૃતિના વિવિધરૂપોનું ચિત્રાત્મક, રમણીય, આહૂલાદક વર્ણન મળે છે. સોનેટમાં જંગલ, ઝાડ, નદી, તડકો, ગ્રીષ્મઋતુ, વર્ષાઋતુ, વસંતઋતુ વગેરેનું નિરૂપણ છે.પ્રકૃતિ તરફનો અનુરાગ અનવદ્યરૂપે પ્રગટ થયો છે.‘વસંતનું આગમન’, ‘વસંતપંચમી’, ‘બેસતા અષાઢે’, ‘પ્રથમ વર્ષા પછી’, ‘સૂક્કી હવામાં’ પ્રકૃતિના નવલારૂપ નીતરી રહ્યાં છે. ‘અનહદની સરહદે’ સોનેટ માળા તો પ્રકૃતિની આદીમતાનો ઉત્કૃષ્ટ આવિર્ભાવ ઝીલે છે. જેમ કે-

“હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી,
અનામી કો આદિ વનનું બસ છું સત્વ હું હવે”

ઉશનસના માનવસંવેદના વિષયક સોનેટ :

ઉશનસ પોતે સંવેદનશીલસર્જક હોવાથી માનવનાં આંતરચેતનાની રેખાઓ દોરી આપી છે. ‘વૃદ્ધ’,‘અપરાધ’, ‘આભાર’, ‘પિયેર ગામના જૂના ચંદ્રને’ જેવાં સોનેટમાં માનવસંવેદનાઓને ચોટદાર ઊઠાવ આપ્યો છે. નગરજીવનની યાંત્રિકતા, લાગણીઓનું સુકાવું, સંવેદનાઓ ભીંસાવવી,જીવનની ચિન્તાઓ, સંસ્કૃતિની બદલાતી પરિભાષા વગેરે આલેખન પામે છે.‘વૃદ્ધ’ માં વૃદ્ધાવસ્થાની તડપન તો જુઓ-

“ શકો જોઈ એની તરફડન ? એને ઊંઘવું છે,
બધું ભૂંસી, ભૂલી, નયન મીંચી જંપી જ જવું છે.”

ઉશનસના સ્વજનપ્રીતિ વિષયક સોનેટ :

સ્વજનો માટેનો પ્રેમ સોનેટમાં તીવ્રતાએ પહોંચ્યો છે.સ્વજનો પ્રત્યેનો પ્રેમ, આત્મીયતા, વિખૂટા પડવાની વેદના,માતૃપ્રેમ, વાત્સલ્યપ્રેમ, પિતૃપ્રેમ જેવી લાગણીઓનું સુંદર નિરૂપણ કર્યું છે.‘વળાવી બા આવી’, ‘પ્રથમ શિશુ’, ‘વિદાય શિશુને’, ‘નવોઢામાંથી માતા’ જેવાં સોનેટમાં સ્વજનપ્રીતિ ભાવનાં બંધનોમાં વહે છે. પોતાનાં વ્હાલસોયાં સંતાનોને વિદાય આપી ભાંગી પડેલી બાની કરૂણ છબી અમૂર્તતાને મૂર્તતા બક્ષે છે –

“વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
ગ્રહવ્યાપી જોયો વિરહ, પાડી બેસી પગથિયે.”

ઉશનસના વતનપ્રીતિ વિષયક સોનેટ :

ઉશનસના વતનપ્રીતિ વિષયક સોનેટમાં મુખ્યત્વે બે સૂર જોવા મળે છે. એક સૂર છે - વતનની પ્રકૃતિનું અદમ્ય ખેંચાણ અને અતીતની ઝંખના. બીજો સૂર છે –કુટુંબજીવનના રેખાંકનો. ‘વળી પાછા વતનમાં’, હવે ઘર ભણી’, ‘દિવાળીની રજાઓમાં વતન તરફ’, ‘મારું વતન વસિયતનામું’ માં પ્રબળ વતન પ્રત્યેના પ્રેમની આસક્તિ છે. જેમ કે- ‘ગૃહપ્રવેશે’ સોનેટમાં

“ ગઈ જ્યાં પેઢીઓ ઊછરી, ઊડી ગૈ ચકૂચક કરી...
-અરે, કંઈ પેઢીઓ ઊછરી, ઊડી ગૈ ચકૂચક કરી...

ઉશનસના સ્થળદર્શન વિષયક સોનેટ :

કવિએ પ્રવાસ નિમિત્તેથયેલું દર્શન ચિંતન ઊર્મિઓ સાથે રસાઈને આવે છે. ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશો ઉપરાંત વિદેશનાં સ્થળોનો પણ પરિચય આપે છે.‘મુંબઈ’, ‘ભારતદર્શન’, ‘ઇતિહાસની આ બાજુએથી’, ‘સાસણગીરમાં રાત્રિ’, ‘રાજસ્થાન’, ‘કાળતખ્ત દિલ્હી’, ‘ઉપરકોટના ખંડેરોમાં ફરતાં’ સોનેટમાં સ્થળનું રમણીય, ચિત્રાત્મક વર્ણન, દિલચસ્પ નિરૂપણઅને પ્રાકૃતિક સૌંદર્ય આલેખાયું છે. જેમ કે – ‘શિવનગરીમાં’ સોનેટમાં-

“અહો શંભુની આ રચિત પરમા નર્તનસ્થલી.”

સમાપન :

શ્રી રમણલાલ સોનીનું આ વિધાન સાથે ઉપરોક્ત સોનેટનાં ખેડાણ જોયા બાદ આપને પણ સહમત થઈએ જ કે - “કવિશ્રી ઉશનસની સંવેદનાઓ એકધારી રીતે વિવિધ કાવ્યવિષયોને એના પૂરાં વ્યાપ અને ઊંડાણ સમેત આશ્લેષ્યા છે.” ઊંડાણથી સોનેટને માણીએ અને અભ્યાસ કરીએ તો વિષય વૈવિધ્યની જેમ અભિવ્યક્તિનું વૈવિધ્ય પણ ધ્યાન ખેંચે છે. આથી જ ગુજરાતી કવિતામાં તેમનાં સોનેટથી કાવ્યસાહિત્ય સમૃદ્ધ બન્યું છે એમ નિઃશંકપણે કહી શકાય.

સંદર્ભસૂચિ :

1. પટેલ.જગુભાઈ બી., “ઉશનસ સમસ્ત કવિતા”, કવિશ્રી ઉશનસ અમૃત મહોત્સવ સન્માન સમિતિ, વલસાડ,૧૯૯૬.

જેનીફર એ. ક્રિશ્ચિયન 
આસિસ્ટન્ટ પ્રોફેસર
આણંદ કૉલેજ ઓફ એજ્યુકેશન, આણંદ
E-MAIL: jenifar.a.christian@gmail.com
(M) 97371 77671

*******************************