ચક્રવ્યૂહમાં...
મારો અટકેલો શ્વાસ
અણધાર્યો છૂટ્યો ત્યારે
આખેઆખું બ્રહ્માંડ વ્યાપ્યું હતું મારામાં.
માટીમાં માટી બની
ઓગળી ગયા પછી જ
હું મને ઓળખી શકી હતી.
મારા એક હાથમાં
શ્વાસોના સાત હણહણતા ઘોડાની લગામ હતી.
ને
બીજા હાથની બંધ મુઠ્ઠીમાં
સ્વપ્નાઓની રાખ
ધીમું ધીમું હાંફતી હતી.
મારા દેહ પર
દોડતી કીડીનો ભાર વર્તાતો હતો મને
કરોળિયાના જાળા વચ્ચે
અટવાયેલા વાળમાં
કેટકેટલી ય ગાંઠો ઊપસી આવી હતી
વણઉકલી.
લંબાયેલા પગના અંગૂઠામાં
થીજેલો રક્તકંપ
ગૂંગળાતો હતો
ખોડંગાતા શ્વાસની ક્ષણોને ખંખેરી
હજુ હળવાશ પહેરું ત્યાં તો
બે આંખોમાં
ગોરંભાયેલું વાદળ
કૂદકો મારી બહાર દોડી ગયું
ચોર્યાસી લાખ ફેરાના ચક્રવ્યૂહમાં...
પૂર્વી ઓઝા, કવયિત્રી,સંપાદક-તાદર્થ્ય, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એલિસબ્રિજ, અમદાવાદ