જાત સાથે વાત (સામાને કહેવા) : સુમન શાહ
તા. 28 સપ્ટેમ્બર 2006
જાત સાથે વાત કરવાનું ઝાઝું બન્યું નથી. ચિત્ત વિચારો જોડે રમ્યા કરતું હોય છે. ધોળાં ધોળાં ગલુડિયાં જેવા વિચારો. જાત એટલે કોણ? નાસતો-ભાગતો ભભૂતી બાવો. સાવ નાગો. ફાડચાં જેવી આંખો ખૂણેથી લાલ. શામળા હોઠ. જટા એટલી લાંબી કે ધૂળમાં રોળાતી દોડે. જાત ને હું જુદાં છીએ? ખાસ ખબર નથી. ખબર એટલી છે કે સવાલો કરવાથી જુદા થવાય છે. સવાલની આરી ઘણું વ્હૅરી નાખનારી છે. એની કરકર-કરકર-ધાર મને ગમે છે. મને (આરી) મણિયો સુથાર બચપણનો દોસ્ત. એના ખભા ગોળ મજબૂત. હું માયકાંગલો. આરી સરડસરડ ચલાવતો તે વધતો ચાલતો કાપ હું જોયા કરતો. થાય, ચાલ્યા કરે તો મજા આવે...પણ, લાકડાના બે ગબ્બા પડે એટલે સારું લાગતું...
રાતે પથારીમાં વેરવિખેર હોઉં છું. બાજુમાં કોઈ હોય કે ન હોય ઊંઘવા માટે તો એકલો હોઉં છું. વિચારોને ધક્કા મારી આઘા કરું- હટો સાલ્લાઓ ! બધાં અંગોને ખોળી ખોળીને જોડી લઉં. ઊંઘ જેવું મોકળું મેદાન એક્કે નહીં. તરે એમાં કાયા-જાણે સાગરમાં સરે, ડબકડૂબક. સવારે ઊઠું છું ત્યારે અકબન્ધ હોઉં છું કેમકે હળવોફૂલ. પેસ્ટવાળા બ્રશને દાંતના દરેક જોઈન્ટમાં કાળજીથી ફેરવું. બધે ઘસી-ચોળીને ન્હાઉં છું. વ્હેમ, કે ક્યાંક તો વસતું હશે કોઈ રોગ જન્તુ. અદૃશ્ય. પોતનો રસ્તો કરવાને સળવળતું. અન્ડરવૅર ચોખ્ખાં પ્હૅરું. એ અંગ કે બીજાં-બધાં વ્હાલાં. વ્હાલાંહિમ. હજી અહીં કામનાં તો છે.
મને સામો માણસ હમેશાં ગમે. એની જોડે મલકાટથી વાતો કરું. એને બરાબર સમજી શકું એ માટે એ મને બરાબર સમજી શકે એવા શબ્દો વાપરું છું. મજા પડે છે. હસાહસી થાય. તમને મળવાથી સારું લાગે છે કહી એ ચાલ્યો જાય. એને સંભારતું સંભારતું મારું મન પાછું મને એકલો પાડે. આમ તો મારે કોઈનું કશું કામ નથી હોતું. તો ય ખરું કારણ વ્યવહારું છે. હું કોઈને કામ આવું એવો નથી. એને આવવું હોય તો એણે જ આવવું પડે. લિફ્ટ એણે જ વાપરવી પડે. બન્ધ હોય તો આઠ દાદરા એણે જ ચડવા પડે. મને જણાવવું હોય તો એણે જ જણાવવું પડે. કોઈ કોઈને કામ આવે એ વાત જ ભ્રમણા છે. ખાવુંપીવું ઊંઘવુંજાગવું હરવુંફરવું બધું મારે જ કરવાનું હોય છે. બસમાં મારે જ બેસવું પડે છે. બસ ડ્રાઈવરે જ ચલાવવી પડે છે. હું બેઠો હોઉં છું મારી રીતે. બાજુવાળો બેઠો હોય છે એની રીતે. મારું બગાસું મારે ખાવું પડે છે. એનું મારાથી નથી ખવાતું. સામો ને હું જુદા છીએ. વિચારોને ખસેડી નખાય છે, સામાને નહીં. એ હોય છે, જેમ હું હોઉં છું. અમે જુદાઈથી જોડાયેલા છીએ.
જાત સાથે વાત કરવાનું ઝાઝું બન્યું નથી એવું જે કહ્યું તે કોને કહું તે કોને કહ્યું ? તમને ? ના. મને ? ના. જાત- સાથે- વાત- એમ શબ્દો જોડાતાં બનેલું એ એક વાક્ય છે. કેટલાંક વાક્યો હોય છે જ એવાં –અધ્ધરપધ્ધરિયાં. હૅલિકોપ્ટરને આદિવાસીઓ અધ્ધરપધ્ધરિયું કહે છે. નહીં નીચે, નહીં બહું ઊંચે. કેટલીકવાર એમાં બેઠેલું કોઈ હોય જ નહીં. ચલાવનારો એકલો જ હોય. અરે, એ ય કાં હોય છે ? પેલું તો પોતાની મેળે જ નથી ચાલતું હોતું ? મને એવાં સ્વસંચાલિત વાક્યો બહુ ગમે છે. બોલ્યો હું એટલે એમ લાગે છે કે એને મેં જોડ્યું છે. ખોટી વાત. વાક્યો પોતાની મેળે જ જોડાતાં હોય છે. એક જોડાય એટલે બીજાને બોલાવે. બીજું જોડાતું જોડાતું ત્રીજાને બોલાવે. એમ બધાં ટોળે વળતાં હોય છે. લખાય-છપાય લાઈનોમાં, બાકી હોતાં નથી. ડાળ-પાંદડાં સીધી લીટીમાં કાં હોય છે - ? મૂળિયાં પણ...
કેટલાક એમ કહે છે કે વિચારો વાક્યોમાં હોય છે. એટલે કે અધ્ધરપદ્ધરિયાંમાં મુસાફરો. ખરેખર તો એમાં ઊંચાનીચા જાડાપાતળા હલકાભારે અવાજો સિવાયનું કંઈ ખરું ? બીજા કેટલાક એમ કહે છે કે વિચારો મગજમાં હોય છે. ખરેખર તો ત્યાં પેશી તાંતણા કશાં પ્રવાહી –રસ- સિવાયનું કંઈ ખરું ? એક નારિયેળમાં –જવા દો- એક મોસમ્બી કેરી કે અનેનાસમાં શું હોય છે ? નારિયેળમાં નારિયેળ. મોસમ્બીમાં મોસમ્બી. કૅરીમાં કૅરી. અનેનાસમાં અનેનાસ. છતાં, બંને વાતો મને સાચી લાગે છે. જોકે ખોટી પણ એટલી જ લાગે છે. શું કરું ? હું છું જ એવો.
ગઈ કાલે મધરાત થઈ ગયેલી. ઉપલા ફ્લોરે એક પિતા દીકરીને કાલાવાલા કરી કહેતો તોઃ તું બેટા, જરા તો વિચાર કર. પેલી નીચે મૂંડી બેઠેલી- એને ગમતા છોકરાનો ફોટો જોતી. કે ના જોતી. કાલે મારે ત્યાં મીટિન્ગ બોલાવી છે. અમુક બુદ્ધિશાળીઓ વિચારોની આપ-લે કરવા આવવાના છે. કંઈ નહીં તો, આ લોકો સજ્જ બહુ. મને ખબર છે એટલે કહું છું. કોઈ પાસે આગલા ગજવામાં ચપ્પુ કે પાછલામાં કટારી હોય છે. કોઈ પાસે ન દેખાય તેવાં બાણ હોય છે. એક તો કાયમથી ખુલ્લી તલવારે જ ફરતો હોય છે. હું જાણું, અમુક મુદ્દો આવશે એટલે આ બધા મારું-મારું પર વી જશે. પણ એમાં સામાવાળા ય છે.એમાંનો કોઈ ફ્રર્સ્ટ-એઈડ બોક્સ લઈને ફરે છે. નાનપણમાં ફળિયામાં ચીમન વાળંદ આવતો- પેટી ઝુલાવતો. કોઈ પાસે નટ-બોલ્ટ ને આગળા-નકુચા છે. એનો જોડીદાર હાથમાં હથોડી રાખે છે, મુઠ્ઠીમાં ખીલા-ખીલીઓ. વિચારો એટલે શું ? વિચારોની આપ-લે એટલે શાની આપ લે ? મને નથી સમજાતું. કરવા માંડીએ એટલે થાય તેને વિચારો ક્હેવાય કે એ બધા પહેલેથી જ બેઠેલા હોય તળાવ પાસેના વડ નીચે ખાટલા ઢાળી હુક્કો પીતા-? હુક્કો ફરતો રહે ને ધુમાડાના ગોટા વડવાઈઓમાં ગૂંચવાતા એક પર એક ચડ્યા કરતા હોય. કોઈની મૂછમાં તણખો પડે. તમે દોડ્યા જાવ ખંખેરી નાંખો, ધમકાવો બધાને, ઠમઠોરો સીધા કરો પીતાં ને બેસતાં શીખવો. પછી જે ગોઠવણી થાય, તેને વિચારો કહેવાય ? જે પહેલેથી હોય તે પછીથી શી રીતે થાય ? ગોઠવાયેલાને ગોઠવાય શી રીતે ?
મને તો એના કરતાં વસ્તુઓની આપ-લે બહુ ગમે છે. મેં આપ્યા, તમે લીધા. ત્યારે શા આપ્યા, શા લીધા ? બધું ખાલીનું ખાલી જ હોય છે કે નહીં ? એના કરતાં હું તમને સાઈકલ આપું, તમે મને ટુવાલ આપો, એ કેટલું બધું સુન્દર છે ! આ મારી લૅમી પેન બરાબર નથી ચાલતી. તમે મને પાર્કર લાવી આપો. વડોદરાની પ્રતાપ પેનના જમાનાનો છું. તો હું તમને એક કૅલ્ક્યુલેટર આપું. મને એવો વિનિમય મજાનો દીસે છે. એક છે મારી પાસે કૅનન કમ્પનીનું. આ લૅમી પાર્કર પ્રતાપ કૅનનને નારિયેળ મોસમ્બી કૅરી ને અનેનાસ જોડે જોડી દો. એકદમનું સારું લાગશે.
મારું કૅલ્ક્યુલેટર જૂનું છે છતાં ઈકો-ફ્રેન્ડલિ છે કેમકે, બૅટરી નથી માગતું. મને કહે છે, એથી તો કાયમના પરોપજીવી થઈ જવાય છે. એ સોલર છે. સૂરજનો પ્રકાશ ખાઈને જીવે છે. નિશાળમાં આપણે નહીં શીખેલા પાંદડાની પ્રકાશસંશ્લેષણ ક્રિયા વિશે ? એ જ. પાંદડું જો જીવ છે- લીમડાનું કે પીપળાનું – તો મારું કૅલ્ક્યુલેટર પણ જીવ છે. કીડી કે પથરો, અહીં છે તે દરેક, જીવો છે પણ મારા કૅલ્ક્યુલેટર જેવા નહીં. કૂદકો મારીને માના ખોળામાં બાળક ગોઠવાઈ જાય એમ એ મારી હથેળીમાં ગોઠવાઈ જાય છે. ઝટ મારાં ટેરવાંને બોલાવે છે. પોતે ય પટ-પટ કે કટ-કટ કરતું ધમધમવા માંડે છે. કશો ગજબનો વિનિમય ચાલુ થઈ જાય છે. નાની ફૅક્ટરી જ સમજો. મોટા મોટા મંકોડા જેવા આંકડા શી ખબર કેવાયે દરમાંથી હાલ્યા આવે છે. આવતા જતા રહે, આઘાપાછા થાય, કૅલ્ક્યુલેટરને કંઈ નહીં. એ નથી કહેતું હોતું કે આંકડા મારી સરજત છે, મૌલિક સરજત છે.
વસ્તુઓ બેફિકર અને બેતમા હોય છે. એમને જાત નથી હોતી વાત નથી હોતી વિચારો નથી હોતા. એમને કોઈ જોડે કંઈ નહીં. સાવ સ્વાયત્ત. નરી નિર્વૈયક્તિક.
હું 2007માં વિદેશ ગયો હોઈશ કે હોઉં જ નહીં ત્યારે પણ મારું એ કૅલ્ક્યુલેટર તો હશે જ. મારા વિયોગથી નહીં મરે, તડકો નહીં ખાવાથી મરશે. જે સ્વાયત્ત હોય છે તે જ અકબન્ધ હોય છે પણ જે અકબન્ધ રહે છે તે જ મરે છે જેવો વિચાર અહીં કશા હિંસક પક્ષી જેમ ઊડી આવ્યો-વિકરાળ આંખો ને તીણી ચાંચ ખોલી ઊભો છે મારી સામે. મારું કંઈ થઈ જાય એ પ્હેલાં લાવ હું વસ્તુ બની જાઉં. પછી તમે લઈ જજોને પેલાને, મેં તો તમને આપ્યુ જ છે- તમને ને મને સારું લાગવું જોઈએ-છેવટે-કહેવાનો મૂળ મતલબ તો એ હતો.
તા. 30 સપ્ટેમ્બર 2006
જાત સાથે કરેલી વાત ગમતીલી ને રસદાર હોય છે પણ બેઢંગ હોય છે. સામા આગળ એને એવી ને એવી ન ધરાય. ગોરા ને સુડોળ હોઈએ તેથી બીજા સામે નાગા થોડું ઉભાય ? જાત સાથેની વાત જાત માટે જ હોય છે. બીજાને કહેવા માટે નહીં. છતાં કહેવાતી રહે છે. કોઈકે સળી કરી હોય છે. આ દાખલામાં બાબુ સુથારે. કોઈ સળી કરે એ દરેક વેળા ના-ગમતું નથી હોતું. કેટલીક વાર તો મૂંગી નજરે ઝંખતો હોઉં છું - કોઈ જરા પૂછે...
પણ બને છે જુદું. એ મૂંગારી તકનો લાભ લઈ ભાષા દોડી આવે છે. માથે એના મોઓટો ઈસ્કોતરો હોય છે. નીચે ઉતારે છે ને કહે છે, આમાં અઢળક ભરિયું છે ધન – લઈ લે. જાતને ઢાંક. ને શણગારી લે. એટલું એનાથી બોલાયું ન બોલાયું ત્યાં તો ઈસ્કોતરાનું ઢાંકણ અધ્ધર ઊઁચું. અનેકાનેક શબ્દોનાં હસતાં ડોકાં. બધાંની નજરો મને તાકે. ફટોફટ બધા બહાર કૂદ્યા. મારી મરજીની કે સમ્મતિની રાહ જોવા રોકાયા નહીં. એવી સભ્યાતા કાં મળે ? વીંટળાયા મને. કેટલાક ગાંડિયા હતા કેટલાક ડાહ્યા તો કેટલાક સરખા. મોઢાં જોવાથી જ ખબર પડી જાય છે મને. કહેઃ અમને પ્હેરાવી દો. નગ્નને સુન્દરમાં પલ્ટી નાખશું કેમકે અમે સુન્દર છીએ. રૂપાળા એવા લાગશો કે લોક ધ્રોડ્યું આવશે. હું મૂઝવણમાં હતો કેમકે મને દેખાતું‘તું કે અમુક અમુક તો ડોસલા છે, સાવ જર્જર, મરવાના વાંકે જીવતા. કેટલાક બેડોળ છે. કોઈનું નાક બૂચું છે. કોઈ તોતડાય છે. પેલો તો આંધળા ભિખારી જેવો છે. એની જોડમાં છે લૂલો-લંગડો. આજનું મારું ત્રીજું વાક્ય જુઓ. એમાં છેલ્લે ઊભો છે, ‘ઉભાય ?’ – એને જુઓ... બરાબર કીધું કે નહીં ?
સ્ત્રીઓ શરમીલી હોય છે. આ વિચાર હવે વાસી થઈ ગયો છે. ટીવી આવ્યા પછી આવ્યા પછી મને ઘણું જાણવા મળ્યું છે. એમાં એ પણ છે. એક બીજો વિચાર નકામો થઈ ગયો છે – કદરૂપતા કપડાંથી ઢંકાતી હોય છે. એને ઍન્કર ને મોડેલ બંને જાતિની છોકરીઓએ નકામો બનાવી દીધો છે. મેં ગઈકાલે એક ઍન્કર જોઈ. દુબળી હતી તોય ઍન્કર ! મને થાય, ક્યા વહાણને નાંગરી શકતી હશે... ? પગ ગાયના હોય એવા નીચેથી ઉપર લગી એકસરખા – એટલે કે હોવા જોઈએ ત્યાંથી ય માંસલ નહીં. એના ઉઘાડા હાથ મને પાતળી પણ કરમાયેલી દૂધી જેવા લગ્યા –ખભેથી હમણાં જ ખરી પડશે... ગોરું ને સુડોળ તો સુન્દર એ વિચાર તો આમે ય ભ્રાન્ત ગણાય કેમકે હું ગોરો નથી ને મારા જેવા લાખ્ખો છે. નગ્નતા પોતે જ આવરણ એ ઉક્તિ કાવ્યાત્મક છે છતાં સાવ વાસ્તવિક છે. – નથી ? મને લાગે છે આ સદીમાં ઉત્તરોત્તર આપણે એનો સાક્ષાત્કાર કરતા થઈ જવાના. સંસ્કૃતિ વાઘા ચડાવ્યે જાય, તો સભ્યતા ઉતારે પણ ખરી. ખરું કે નહીં ?
હું વાત કરતો હતો જાતની ને એમાં ઈસ્કોતરો લઈ ટપકી પડતી ભાષાની. મેં સૂચવ્યું કે એમાં ધન અઢળક ભરિયું છે એ સાચું પણ એમાનું ઘણુંક ઘણું તો જર્જર મૃતઃપ્રાય ને તૂટલફૂટલ છે. શ્રદ્ધેય નથી. પ્રેમ શાન્તિ લોકશાહી ચૂંટણી માણસાઈ – જેવા કેટલાયે શબ્દો વાપરવા જેવા નથી રહ્યા. એ ડિસ્ચાર્જ થઈ ગયેલા બૅટરી શેલ છે. આજકાલ કે નજીકના ભવિષ્યમાં શબ્દો બોમ્બશેલ જેવા તો જડવા મુશ્કેલ. જરૂર પણ શી ? બોમ્બશેલ પોતે જ સસ્તામાં મળતા થઈ ગયા છે. નથી ફૂટતા ઠેકઠેકાણે ?
ભાષા વડે જાતની વાત ચલાવવી આમ સ્હેલી છે. પણ આમ અઘરી છે. કેટલાયે પ્રયોગો ઠોડા છેઃ પાશવી બળાત્કાર. આપણાં છાપાઓમાં બળાત્કાર હમેશાં પશવી હોય છે. વિશેષણોને આગળ કરીને બોલનારા। લખનારા જાણતા નથી કે વ્યાકરણમાં એ કોટિની ખાસ મહત્તા કશી નથી. ગરમી હમેશાં કાળઝાળ શું કામ ? સારું, કાળઝાળ એટલે શું ? માંડ 8-10 ડીગ્રી સૅન્ટિગ્રેડ પર પહોંચી હોય તો ય ઠંડી આપણે ત્યાં કાતિલ હોય છે. વીજળીવાળા ધાંધિયા જ હોય છે. વરસાદ થોડો જ વધારે પડ્યો હોય તો ય લખનારા એની આગળ મૂસળધાર મૂકી દે છે. હમણાંહમણાં, સાંબેલાધાર. આજનું બાળક પૂછે છેઃ પપ્પા, મૂસળધાર એટલે શું ?, મમ્મી સાંબેલાધાર તે કેવી ધાર ?
વસ્તુઓનું નસીબ વપરાઈને ખોવાઈ જવું તે છે. વિચારોનું પણ એવું જ કમભાગ્ય છે – કોઈ કહેતું છે ખરું આજકાલ, સત્યમેવ જયતે - ? હું નાનો હતો ત્યારે અંદરના ઓરડાની બારસાખે લાલ-પીળી ચોકથી લખતો ખરો. દાખલો ઈસ્કોતરાનો જ ઉમેરીએ. કોને ખબર છે, એ કઈ બલાની વાત છે - ? સૅલફોન કમ્પ્યૂટર ઈસ્કોતરા જાતિના છે. એમને વાપરનારા કોક દિ ઈસ્કોતરાને ય સમજશે.
બીજા ફકરામાં તકને મેં મૂંગારી કહી છે. જોડણીકોશમાં નથી. મેં મૂંગા પરથી બનાવી કાઢી. ગુજરાતીમાં મુઝારી હોય તો મૂંગારી શા સારુ નહીં ? કોઈ પણ ભાષાનો કોઈ પણ શબ્દ બનાવી કાઢેલો તો છે ! જાત સાથે વાત ભાષા વડે અઘરી ખરી પણ ક્યારેક આમ લાભદાયી બની જાય – એટલે કે ઈસ્કોતરામાં મૂંગારી જેવી કોઈ નવી જણસ ઉમેરાઈ જાય. એથી જોકે જાત વીસરાઈ જાય ને વાત આગળ થાય – એવા પ્રકારની છેતરપિંડી તો ખરી જ. પણ શું કરીએ ? જર્જરને જર્જર ન રખાય, જુવાન બનાવી લેવું પડે. મૃતઃપ્રાયને સજીવન કરી લેવું પડે. તૂટલફૂટલને નવેસર જોડી જોવું પડે. એ આપણી જવાબદારી છે. હાથમોં ધોઈએ છીએ. કપડાં ધોઈએ છીએ. તો શબ્દોને ય ધોઈએ. કેમ નહીં - ? પછાડી પછાડીને ધોઈએ...
તો ય, કાનમાં કહું -? વાતમાં કઈ માલ નથી. શબ્દોને ધોવાના તે શેનાથી ? શબ્દોથી ! ડસ્ટરથી ડસ્ટર સાફ કરવા જેવું છે. સાબુથી સાબુને ધોવાનો...
તા. 1 નવેમ્બર 2006
આજે પહેલી નવેમ્બર. મારો જન્મદિવસ – બર્થ-ડે. ઐશ્વર્યા રાયનો પણ છે. એને કારણે પણ અમુકોને મારો યાદ રહી ગયેલો છે. મારાને કારણે એનાને કોઈ યાદ નહીં કરે એ નોંધવા જેવું છે.
મૂળ શબ્દ છે જનમગાંઠ. જનમવું તે કશાકથી છૂટા પડવું પણ જનમવું તે કશાક જોડે જોડાવું પણ ખરું. છૂટા પડાય ને જોડાવાય ને જે ગાંઠ પડે તે જનમગાંઠ. બા લાડુ કે કંસાર બનાવે. મને યાદ નથી કે કોઈને પગે લાગતો હોઈશ. કે મન્દિરે જતો હોઈશ. કંસારમાં દળેલી ખાંડ ને ઘી વધારે નાખતો. એ ગરમાગરમ કોળિયાનું સ્મરણ થતાં મોંમાં પાણી આવી જાય છે. ખબર નહોતી કે એ ડાયાબીટિસનાં વધામણાંની પૂર્વતૈયારી હતી. અરમાનો ને અધીરાઈઓનો એ યુવાકાળ ખીચોખીચ ભરેલી બસ ના હોય ! જરા ખસોને કરતાં બેની સીટમાં ત્રણ કે ત્રણનીમાં ચાર અડોઅડ – તો વળી પૅસેજમાં ય ઊભાં હોય ઉપલો દાંડો પકડી. આંચકા ખાતાં, પણ ચોંટેલાં. મુકામે પહોંચવાની ઉતાવળ વિનાનું એકેય નહીં. જન્મદિવસે ઉમ્મરમાં વર્ષ ઉમેરાય તે બહુ સારું લાગે. પૂરી ચોકસાઈથી ગણી લઉં. બધાં પૂછેઃ કેટલાં થયાં-? આંકડો ઠાવકાઈથી કહું. એવું થાય, બીજાં બે બાકી છે. પછી બધ્ધાં દુઃખ ટળશે. હવે તો આ એક જ રહ્યું. પછી એકદમ બધું સરસ થઈ જશે. જનમગાંઠને દા’ડે નવું ખમીસ પ્હૅર્યું હોય. ખાસ દોસ્તારને લઈ ગયો હોઉં. ત્યાંથી તળાવ જોયું હોય. ક્યાંક ક્યાંક કમળ દેખાય. એના ભણી ઠીકરી મોકલું. છલછલ કરતી જો કેવી પ્હોંચી- પેલાને કહું – આખો વખત અંદર આશાઓ ઊમલાતી. બહાર બધું ખુલ્લું ચમકીલું ને સંવાદી અનુભવાતું. એટલે કે ઍબ્સર્ડ કશું નહીં – ચિત્ત અને વિશ્વ સંયુક્ત. કશી પણ કડીનો અભાવ નહીં.
આજે મને થાય છે, ત્યારે નાડીમાં ધબકારા મોટા થતા હશે. ચણીબોર જેવડા તો નહીં પણ કંથારાં જેવડા તો ખરા. કંથારા ખાઈએ એટલે મોં સ્વાદિષ્ટ થઈ જાય. એવાં જ ચારોળાં હતાં. એનો ઠળિયો તોડીએ એટલે મહીંથી ચારોળી નીકળે. કમરખ હતાં. રાયણ હતાં. ગોરસામલી હતી. આમલીના કાતરા ને એના મોર માટે ઝાડ પર ચડતાં શીખેલો. કૂણાં ગુલમોર વીણી વણીને ખાતાખાતા અમે ભાઈબંધો સીમમાં દૂર દૂર ચાલી જતા. કોઈ છોકરીની વાતો ફેરવીફેરવીને કરતા રહેતા...બધું ગયું લાગે. પણ કાં ? જોડે તો છે. જાત એથી તો વણાઈ છે...
વિચારેલું એવું કે મિત્રોને બોલવશું. રશ્મીતા કશી વાનગી બનાવશે. હું વાર્તા વાંચીશ – ધજા- જે હમણાં જ પૂરી થઈ શકી છે. પણ પછી ચિત્તમાં કોઈ પડછાયો લંબાયો હશે. એવું ઠસ્યું કે કંઈ નથી કરવું. ચોક્કસ વ્યક્તિઓના હૅપી-બર્થ-ડેના ફોન સવારથી આવ્યા કરે છે. વિદેશથી દીકરાઓના આવશે. રાત-દા’ડાના એ ફરક હવે કોઠે પડી ગયા છે. પણ આવા દિવસે બધું ઉલટાવી – સુલટાવી દે છે...
એક મિત્રે કહ્યુઃ આજે ઐશ્વર્યાનો ય બર્થ-ડે છે, તમને કેવું લાગે છે ? મેં કહ્યુઃ સારું લાગે છે, ગર્વ થાય છે. તમને મળે તો શું કરો ? મેં કહ્યુઃ હૅપી-બર્થ-ડે કહું, બીજું તો શું ? પિતાજી ભવિષ્યવેત્તા હતા. હસ્તરેખાશાસ્ત્ર જાણતા. પણ એમને કે મને ખબર ન્હોતી કે હું સ્કોર્પિયન છું. ત્યારે વિદેશી પંચાગમાં કોઈ કશું સમજતું ન્હોતું. એ તો ટ્રાન્ઝિસ્ટર કે ટ્રૅકટરની જોડેજોડે આવ્યાં હશે. સ્કોર્પિયનો કલાજગતમાં ઘણા હોય છે. સામાન્ય લોકો એમને ડંખીલા ગણે છે. મને થાય, ડંખ દીધો ? કોને ? વાત તો એવી છે કે બીધેલાઓ ભગાડ્યા કરે છે, બાકી વીંછી કરડવા નથી નીકળતા. દૃષ્ટિ હોય તો દેખાય કે એ બધેથી બહુ આકર્ષક જીવ છે. એના વાંકડા પૂંછડી પગ દરેકમાં એક લય હોય છે. એને કાયમ માટે ભગાડી નહીં શકો. એ અવારનવાર સામે આવ્યા કરશે. એને ચાહે તે ભરપૂર ચાહી શકે છે.
ઐશ્વર્યા રાય ખરેખર મળે તો શું કરું ? મારી સ્ટુડન્ટ બનાવું. એને કહું કે લક્સની જાહેરાતમાં છેલ્લે તું આંખ મારે છે ત્યારે બહુ ભદ્દી લાગે છે. તારે ક્ષેમેન્દ્રનો ‘ઔચિત્ય વિચાર’ ભણવાની જરૂર છે. એનું અંગ્રેજી ઘણું સારું છે. સંસ્કૃતની ખબર નથી. પણ એટલે એને ઍરિસ્ટોટલનું ‘પોએટિક્સ’ શીખવવાની મજા આવે. ખાસ તો ટ્રૅજેડીની વ્યાખ્યા. સાહિત્યકારો સમેતના સૌ કલાકારોએ એ સમજી લેવી જરૂરી છે. એ મારી જોડે હળી જાય પછી કહું કે તારા છે એમ ઍન્જલિના જોલીના હોઠ પણ સુન્દર છે, પણ ખરેખરી ‘પક્વબિમ્બાધરોષ્ઠી’ એ છે. એટલે શું એમ પૂછે તો કશું ના કહું... છોકરીઓને બધું ના કહેવાય... (13 નવેમ્બર 2006)
( હવે પછીના અંકોમાં આગળના પ્રકરણો ચાલુ...)
ડો. સુમન શાહ, ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક, વાર્તાકાર અને નવલકથાકાર છે.