Editorial - સંપાદકીય
સમય સતત બદલાયાં કરે છે. સમય પ્રમાણે માનવસમુદાય પણ પરિવર્તન પામતો રહે છે. માનવોના વિકાસમાં વિવિધ કળાપ્રવૃત્તિઓ એ જે ફાળો આપ્યો છે તેને કોઈ રીતે અવગણી શકાય તેમ નથી. સાહિત્ય આદિ કળાઓમાં સર્જાતી રચનાઓ એમના માધ્યમોમાં પણ સતત બદલાવ આવતા રહ્યાં છે. એ વિશેની શાસ્ત્રીય વિચારણાઓ, સંશોધનો અને અન્ય શાખાઓમાં થતાં સંશોધનોને પણ આ કળાઓએ ખપમાં લીધા છે. સર્જક ભાવક સાથે જોડાવા ઈચ્છે છે એની પ્રતીતિ પ્રકાશિત થતાં પુસ્તકો, સામયિકોથી માંડી અનેક સમુહમાધ્યમોમાં પ્રગટ થતી રચનાઓને જોઈને થાય છે. છેલ્લા વર્ષોમાં આ કમ્પ્યૂટર, ઈન્ટરનેટ, વેબસાઈટ આદિના જગવ્યાપી માળખાથી અવગત થવાનું બન્યું. ક્રમશઃ એની શક્તિઓનો પરિચય થતો ગયો. મોટા ભૌગોલિક વ્યાપને એ સાવ સહજ રીતે પહોંચી વળવા સાથે વિશ્વભરના માનવોને એકસાંકળે બાંધવા સમર્થ છે.
એક બાજું ગુજરાતીભાષા અને બીજી બાજું આ વૈશ્વિક સંદર્ભને નજરમાં રાખીને કશુંક કરવા માટે સૌ મિત્રો અવાર-નવાર વિચાર કરતાં રહ્યાં. આ જ મિત્રોએ આજથી દસ વર્ષ પહેલા વિદ્યાર્થી અવસ્થામાં અનુભવ્યું હતું કે ગુજરાતી સાહિત્યજગતમાં કશીક ન સમજાય એવી સ્થગિતતા અનુભવાય છે. રચનાઓમાં પ્રગટતો સંસાર કશાય વિશેષ કે નાવિન્યને તાકતો નથી એવું એ સમયે પણ અનુભવાતું હતું. આજે પણ પરિસ્થિતિમાં ખાસ ફેર પડ્યો નથી. સાહિત્યજગત હોય કે ગુજરાતનું કલાજગત... નાનાં નાનાં વર્તુળોમાં ‘વિસ્તરું છું’-ની રમત રમવામાં વ્યસ્ત છે. વિવિધ કાર્યક્રમો યોજાય છે, એના સ્ટેજની સજાવટ, ભવ્ય ભોજનો, ભીડથી માંડી, કાર્યક્રમોની સંખ્યાઓને લઈને આનંદ અનુભવાય છે. બધા વ્યસ્ત બહુ જણાય છે. કંઈકને કંઈક લખ્યાં કરે છે, રચ્યાં કરે છે. એના વિશેની ચર્વક-ચર્વણા ચાલ્યાં કરે છે.
આ યુગનું પ્રધાન લક્ષણ જ બનતું જાય છે આ ધમધમાટી, ઉધામા કર્યે જાય છે સહુ. કેટલીએ માહિતીઓ, કેટલીએ રચનાઓ પ્રગટે છે, કેટલુંક નજરે ચડે, કેટલુંક એમ જ કાળમાં વિલિન થઈ જાય, કેટલુંક સચવાઈ રહે ક્યાંક ઢબૂરાઈને. જમાનો જ ગતિકેન્દ્રી થઈ ગયો છે. માનવસ્વભાવ આ પૂર્વે ક્યારેય નહોતો એટલો ચંચળ થતો અનુભવાય છે ત્યારે કરવું શું..? કઈ બાબતોને હાથવગી રાખવી, કશુંક નવું, કશુંક ચિત્ત-હ્દયને સ્પર્શી રહે તેવું સંચિત કરી રાખવાના અનેક પ્રયત્નો ચાલે છે એમાં અમે પણ આ સ્વરુપે જોડાઈ રહ્યાં છીએ. ખબર નથી, અમે કેટલું કરી શકીશું. પણ આશા છે- કંઈક કરવાની. વિવિધ દેશોમાં વસતા ગુજરાતીઓ, કળારસિકો માટે અમે આ રીતે થોડી રચનાઓનો થાળ ધરતા રહીશું. એટલી જ અપેક્ષા છે. વિશ્વભરમાં પથરાયેલાં કળાપ્રેમીઓ માટે સાહિત્યસેતુ કંઈક સક્ષમ માધ્યમ બની રહે તે માટેના અમારા પ્રયત્નો રહેશે. આખરે તો એ બધું સંવેદનશીલ ભાવકો, એવા જ સમૃદ્ધ કવિઓ, લેખકો, અને વિચારકોના સહકારથી શક્ય બનશે. અમે હાથ લંબાવ્યો છે...તમારા હાથની અપેક્ષાએ...
પહેલા જ અંકથી અમને ઉમળકાભર્યો આવકાર આપનારાં અત્યંત પ્રસિદ્ધ કવિ, વિવેચકો, સમીક્ષકોનો સહકાર મળ્યો છે એ બદલ એમના આભારી છીએ.
આપના પ્રતિભાવો, સૂચનો, રચનાઓ અમને પ્રોત્સાહક નીવડવા સાથે એક વિશિષ્ટ નાતો રચી આપશે ને એનો અમને અપાર આનંદ હશે.
ડો. નરેશ શુક્લ
અને સંપાદક મંડળ.