ગુજરાતી ભાષા-સાહિત્યનાં વિકાસમાં આધુનિક ટેકનોલોજીનું પ્રદાન
ભાષાને આપણે ‘ભાષાને શું વળગે ભૂર’ અને ‘ભાષા બિચારી બાપડી’ જેવી પંક્તિઓથી યાદ કરીને વારંવાર ભાષા વિશેનાં અટપટા અભિપ્રાયો પ્રગટ કરતા આવ્યા છીએ. ભાષા વિશેની ધારણા, વિચારણા, માન્યતા અને મતમતાંતરો રજૂ કરીને ભાષાનાં વિકાસમાં એન કેન પ્રકારે, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રદાન કરતા રહ્યા છીએ. ભાષાની માયાજાળ એવી ગૂંચવણભરી છે કે એને ઉકેલવાનો જેટલો પ્રયત્ન કરીએ તેટલી વધારે ઊંડાણથી ઉકેલાતી જાય છે. જો કે, એને ઉકેલવાનો સાચો પ્રયત્ન થાય તો તે વ્યર્થ જતો નથી. એમાંથી એવી અદભૂત કડીઓનો ઉકેલ મળે કે તે આપણા માટે કયારેક એક નવીન શોધનો વિષય બની જાય.
ભાષા અને તેના અંગ-ઉપાંગ વિશે શોધખોળ કરવાનું, એના ઉકેલો અને પરિણામો શોધવાનું કામ પ્રાચીનકાળથી થતું આવ્યું છે. એમ કહી શકાય કે જ્યારથી ભાષા બોલાવાની શરૂ થઇ હશે ત્યારથી એનાં વિશેનાં સંશોધનો પણ શરૂ થયા હશે. પ્રાચીનકાળમાં મહર્ષિ પાણિની, પતંજલિ, કાત્યાયન આદિએ ભાષાનાં નાનામાં નાના એકમ ધ્વનિથી માંડીને પદ, શબ્દ, પ્રત્યય, વાક્ય, વિભકિત, વિશેષણ વગેરે વિશે વિચારણા પ્રસ્તુત કરી ભાષા વિકાસની કેડી કંડારી આપી છે.
આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે, ‘ભાષા સતત પરિવર્તનશીલ છે’. આ બાબત સો ટકા સાચી પણ છે. પરંતું ભાષામાં પરિવર્તન એકદમ-એકસાથે-ઉતાવળે થયું નથી. એમાંતો કાળક્રમે-ધીમેધીમે પરિવર્તન થાય છે. જેની ખબર આપણને ઘણા સમય બાદ પડે છે. સંસ્કૃતને આપણે જનની-મૂળભાષા કહીએ છીએ. એમાંથી જ ભારતીય ભાષાઓ ઉદભવી એમ કહીએ છીએ. સંસ્કૃત ભાષા જ ભાષા પરિવર્તનશીલતાનું ઉતમ ઉદાહરણ છે. સંસ્કૃત ભાષા, એના ત્રણ વિભાગો-વૈદિક સંસ્કૃત, પ્રશિષ્ટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃત- તેમાંથી પ્રાકૃત ભાષા આવી. ત્યારબાદ અપભ્રંશ ભાષા આવી. અપભ્રંશમાંથી અનેક ભારતીય ભાષાઓનો આવિષ્કાર થયો. એટલે કે, સંસ્કૃત ભાષાથી ગુજરાતી ભાષા સુધી પહોંચતા કેટલોય લાંબો સમયગાળો વીતી ગયો. આ ઉદાહરણ જ ભાષાની કાળક્રમે –ધીમેધીમે થતી પરિવર્તનશીલતાને સૂચવે છે. હજુ હવે પછીનાં વર્ષોમાં ગુજરાતી ભાષાનું કે અન્ય ભારતીય ભાષાઓનું અસ્તિત્વ હશે કે નહી હોય એ જ મોટો પ્રશ્ર્ન છે. કારણકે આજે વિશ્ર્વની કેટલીય ભાષાઓ અને આદિવાસીઓની બોલીઓ મૃતઃપ્રાય થઇ ગઇ છે અને કેટલીય નષ્ટપ્રાય થવાને આરે છે. જે આપણી માટે ભાષા અસ્તિત્વની ચિંતા ઊભી કરે છે.
એથી આપણને પ્રશ્ર્ન એ થાય છે કે, ભાષાને કે ભાષાનાં અસ્તિત્વને કઇ રીતે ટકાવી શકાય? ભાષાને કે ભાષાનાં અસ્તિત્વને ટકાવી રાખવા શું કરવું જોઇએ? તેનો જવાબ એ છે કે, ભાષા-સાહિત્યનો જેટલો બને તેટલો પ્રચાર-પ્રસાર કરવો, જે તે પ્રકારે વિકાસ કરવો. ભાષા-સાહિત્યનાં વિકાસમાં દરેકે પોતાનું યથાશક્તિ-યથાયોગ્ય યોગદાન આપવું. ભાષા-સાહિત્યનાં વિકાસમાં અનેક ભાષાવિદો, સાહિત્યકારો, ભાષા-સાહિત્યની અનેક સંસ્થાઓ, ભાષા-સાહિત્યરસિકો દ્વારા ઘણા પ્રયત્નો થયા છે, થાય છે અને થતા રહેવાના છે.
આપણે ભાષા-સાહિત્યને સદીઓ સુધી સાચવી રાખવા હશે, જાળવી રાખવા હશે તો ભાષા-સાહિત્યનાં વિકાસ બાબતે આજથી જ આપણે ચિંતા સેવવાની જરૂર છે. ભાષા-સાહિત્યનાં વિકાસમાં અનેક માધ્યમોએ અનન્ય અને અમૂલ્ય ફાળો આપ્યો છે અને હજુ આપવાની અત્યંત આવશ્યકતા છે.
ભાષા-સાહિત્યનાં વિકાસમાં સમુહ-સંચાર માધ્યમોનો અને આધુનિક ટેકનોલોજીનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે. હવે તો આધુનિક ટેકનોલોજીનો ઘણો સારો વિકાસ થયો છે. આજના માનવીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ભાષા-સાહિત્યનાં વિકાસમાં નોધપાત્ર યોગદાન આપ્યું છે. આવો, આપણે આ ગુજરાતી ભાષા-સાહિત્યનાં વિકાસમાં આધુનિક ટેકનોલોજીનાં પ્રદાનને મૂલવીએ.
મોબાઇલ (Mobile):-
મોબાઇલમાં વિવિધ પ્રકારનાં ગુજરાતી સોફટવેર ઇન્સ્ટોલ કરી ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર થઇ શકે છે. આજે તો ઘણી મોબાઇલ કંપનીઓ ગુજરાતી ભાષામાં લખી-વાંચી શકાય તેવા સોફટવેર ઇન્સ્ટોલ કરીને જ મોબાઇલ વેચે છે. જેની મદદથી મોબાઇલ દ્વારા વિવિધ પ્રકારનાં SMS રૂપે જોક્સ, કોટેશન, શાયરી વગેરે એકબીજાને મોકલી શકીએ છીએ. ઘણી સેલ્યુલર કંપનીઓ તો ફ્રી SMSની સ્કીમો આપે છે. જેને લીધે લોકો બને ત્યાં સુધી વાત કરવાને બદલે SMSથી જ કામ ચલાવે છે. એટલું જ નહીં વાત કરવા માટે જુદીજુદી કંપનીઓ ટોકટાઇમ પણ વધારે આપે છે. તેથી ગુજરાતીમાં ફાવે તેટલી વાત પણ કરી શકાય છે.
હવે તો કેટલીક સેલ્યુલર કંપનીઓ મોબાઇલમાં MSN, GPRS, WEB, INTERNETજેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે. આ સેવાઓનો લાભ લઇ ગુજરાતી ભાષા-સાહિત્યનાં વિવિધ પુસ્તકો, સાહિત્યપ્રકારો, સર્જનો અને સમાચારોની તત્કાળ માહિતી મેળવી શકાય છે. કોઇક નવીન જાણકારી પ્રાપ્ત થઇ હોય તો E-Mail દ્વારા એકબીજાને જણાવી પણ શકાય છે.
ટી.વી.ચેનલ્સ (T.V.Chanels):-
આજનાં ટીવી ચેનલનાં યુગમાં કેટલીક ટીવી ચેનલ્સમાં ગુજરાતી સંસ્કૃતિ-સભ્યતાને ઉજાગર કરી તેની સાથે સાથે ગુજરાતી ભાષાનું ગૌરવ વધારતી કેટલીક ટીવી સિરિયલો પણ આવે છે. જેમકે, ‘સબ’ ટીવી ચેનલ પર આવતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘પાપડપોલ’ તેમજ સ્ટાર પ્લસ, સ્ટાર વન, સહારા વન, સોની, ઝી, ઇમેઝીન વગેરે ટીવી ચેનલમાં આવતી ‘ક્રિષ્નાબેન ખાખરાવાલા’, ‘મણિબેન ડોટકોમ’, ‘બા બહુ ઔર બેબી’, ‘રંગ બદલતી ઓઢણી’, ‘સાથ નિભાના સાથિયા’, ‘બહને’ અને ‘ગુલાલ’ જેવી અનેક સિરિયલો પ્રસારીત થાય છે. આ સિરિયલો સામાન્ય રીતે હિન્દી ભાષામાં રજૂ થાય છે, પણ તેમાં આવતાં કેટલાક ગુજરાતી વાક્યો, શબ્દો, કહેવતો ગુજરાતી ભાષાનાં પ્રચાર-પ્રસારમાં અતિ મહત્વનો ફાળો આપે છે. આજે તો મોટાભાગની ટીવી સિરિયલોમાં ઘણા ગુજરાતી શબ્દો વપરાવા લાગ્યા છે.
ગુજરાતી ભાષાને વરેલી ETV-Gujarati, Zee-Gujarati, TV9-Gujarati, DD-Girnar તેમજ ગુજરાતી સીટી ચેનલોમાં પ્રસ્તુત થતાં પ્રોગ્રામ, ફિલ્મો, સિરિયલો અને સમાચારો ગુજરાતી ભાષાનાં વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. એટલું જ નહીં આ ચેનલોમાં સાહિત્ય અને લોકસાહિત્યને લગતા અનેક કાર્યક્રમો પણ રજૂ થાય છે. જે ગુજરાતી ભાષા-સાહિત્યનાં વિકાસમાં આવશ્યક પરિબળ બની રહ્યા છે.
કેટલીક અંગ્રેજીભાષી માહિતીપ્રદ ચેનલ જેવી કે, Discovery, Animal Planet, Nat Geo, Fox History વગેરેમાં પ્રસારીત થતા કાર્યક્રમોનું હિન્દીમાં અને દક્ષિણ ભારતની કેટલીક ભાષાઓમાં ડબીંગ થઇ પ્રસારણ થાય છે, તેમજ કેટલીક ધાર્મિક ચેનલ જેવી કે, આસ્થા, સંસ્કાર, સાધના, ઝી, જાગરણ, શ્રદ્ધા વગેરે હિન્દી ભાષી ચેનલોમાં ધાર્મિક કાર્યક્રમો રજૂ થાય છે. જો આ ચેનલનાં પ્રોગ્રામને ગુજરાતીમાં ડબીંગ કરી પ્રસારીત કરવામાં આવે તો ગુજરાતી ભાષા વિકાસને વધારે વેગ મળી શકે.
ઓડિયો-વિડિયો (Audio-Video):-
આજે રેડિયો અને ટેપ રેકોર્ડરની જગ્યાએ FM, DVD અને Home Theatreઆવ્યા છે. જે પહેલા રેડિયો અને ટેપરેકોર્ડરમાં વાગતું હતું એનાં કરતા વધારે સારું અને વધારે ચોખ્ખું એફએમ, ડીવીડી અને હોમ થિયેટરમાં સાંભળવા મળે છે. એટલુ જ નહીં રેડિયો, ટેપ રેકોર્ડરને મુકાબલે એફએમ, ડીવીડી અને હોમ થિયેટરમાં સવલતો પણ વધારે છે. પહેલા તો આકાશવાણીની એકમાત્ર ચેનલ દ્વારા ગુજરાતી ગીતો અને ગુજરાતી સમાચારો રેડિયોમાં સાંભળવા મળતાં, પરંતું આજે તો એફએમની અનેક ગુજરાતી ચેનલો દ્વારા ગુજરાતી-હિન્દી-અંગ્રેજી મિશ્રિત ભાષામાં સમાચારો, જાહેરાતો અને ગીતો સાંભળી શકાય છે. ટેપ રેકોર્ડર અને કેસેટની જગ્યાએ હવે સીડી, વીસીડી અને ડીવીડી આવી ગયા છે. Pen drive & SD Card મળે છે. જેના થકી ગુજરાતી ભાષાનાં ગીતો, ભજનો, વાર્તાઓ, નાટકો કે ફિલ્મો માત્ર સાંભળી જ નહીં ટીવી સાથે જોડી જોઇ પણ શકાય છે. હવે તો LCD Projector પણ આવી ગયા છે, જેને કમ્પ્યુટર સાથે સાંકળી ગુજરાતી ભાષાનાં વિવિધ Presentetion નિહાળી શકાય છે.
કમ્પ્યુટર અને ઇન્ટરનેટ (Computer & Internet):-
આધુનિક ટેકનોલોજીની દષ્ટિએ વિચાર કરીએ તો ગુજરાતી ભાષા-સાહિત્યનાં વિકાસમાં અને પ્રચાર-પ્રસારમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું મહત્વનું યોગદાન રહ્યું છે. કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારનાં ગુજરાતીનાં મળતાં સોફટવેર ઇન્સ્ટોલ કરી શકાય છે. ઘણા ગુજરાતી ફોન્ટ પણ ઉપલબ્ધ છે. જેનાં દ્વારા ગુજરાતી લેખન-વાંચન થઇ શકે છે. ફોન્ટ ઘણા પ્રકારનાં છે. કેટલાંક ટાઇપરાઇટર પ્રકારનાં, કેટલાંક ટ્રાન્સલેટર પ્રકારનાં, કેટલાંક સ્વર-વ્યંજન પ્રમાણેનાં ફોન્ટ પ્રાપ્ય છે. ભાષાભારતી, ટેરાફોન્ટ, ગુજરાતી સરલ, ઇન્ડિક વગેરે તેમજ શ્રુતિ, ક્રિષ્ના, હરે ક્રિષ્ના, કલાપી, હિતાર્થ વગેરે ટ્રાન્સલેટેડ ફોન્ટ ઇન્સટોલ કરી ગુજરાતીમાં વાંચી-લખી શકાય છે. જો કે, અંગ્રેજી ફોન્ટની જેમ કોઇપણ ફોન્ટમાં લખી કોઇપણ ફોન્ટમાં વાંચી શકાય એવી સરળતા ગુજરાતી ફોન્ટમાં નથી. ગુજરાતીમાં તો જે ફોન્ટમાં લખો તેમાં જ વાંચી શકો. જો કે, કેટલાક યુનિકોડવાળા ફોન્ટ ઉપલબ્ધ છે, જેમાં આ સુવિધા પ્રાપ્ત છે.
ઇન્ટરનેટ પર Google સર્ચ એન્જિનમાં Guj. Gujarat, Gujarati, Gujarati Sahitya, Gujarati Language આદિ લખીને Enter આપો એટલે ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતી અનેક વેબસાઇટ ખૂલે છે. આ દરેક વેબસાઇટ પરથી ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશેની અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. અત્યારે તો ઇન્ટરનેટ પર એટલું બધું સાહિત્ય અપલોડ કરાય છે કે જેને જોતાં જોતાં જ આપણે થાકી જઇએ. ઘણું તો એટલું મહત્વનું હોય કે જેનો સંગ્રહ કરવાનું મન થઇ જાય. જો કે ડાઉનલોડ કરીને કે કોપી મારીને એને કાયમને માટે સંગ્રહી પણ શકાય છે. કેટલુંક કોપીરાઇટવાળું પણ હોય છે, જેને માત્ર જોઇ કે વાંચી જ શકાય છે.
આજે આપણને કોઇ ગીત, ગઝલ, પ્રાર્થના, ભજન, લોકગીત, નાટક, બાળગીત, ગરબા, લગ્નગીત, જોક્સ, શાયરી વગેરે જોઇતું હોય અથવા તો કોઇ સાહિત્યકૃતિ, સાહિત્યકાર કે સાહિત્યપ્રકાર વિશે માહિતી જોઇતી હોઇ તો સામાન્ય રીતે સહેલાઇથી ઉપલબ્ધ થતી નથી. ઘણા પુસ્તકાલયો ખંખોળવા પડે. પરંતું ઇન્ટરનેટ પર તો જે જોઇએ તેને લખી-ટાઇપ કરી Enterમારવાથી તરત જ તે માહિતી આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. આવી માહિતી મેળવવા જરૂર છે માત્ર એક કમ્પ્યુટરની અને ઇન્ટરનેટ જોડાણની. જો આટલું આપણી પાસે હોય તો ગુજરાતી ભાષા અને સાહિત્યનું સમસ્ત ઇ-પુસ્તકાલય આપણા ઘરમાં આવી જાય અને આપણી સાથે સાથે હરતું ફરતું થઇ જાય. એમાંય જો લેપટોપ કે નેટટોપ(Notebook ya Netbook) હોય તો ગમે ત્યાં, ગમે ત્યારે આ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.
ઇન્ટરનેટ પર માત્ર ગુજરાતી ભાષા કે સાહિત્ય વિશેની માહિતી જ નહીં પણ ગુજરાતની સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતી સાહિત્યકૃતિઓનું પ્રકાશન કરતાં પ્રકાશનો, ગુજરાતી ડિક્ષનરી, ગુજરાતી કિવઝ, ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ડિક્ષનરી, ગુજરાતી આલ્ફાબેટ, ગુજરાતી વર્ડ(શબ્દો), ગુજરાતી ભાષાનાં સોફ્ટવેર, ગુજરાતી ભાષા કન્વર્ટર, ગુજરાતી ટ્રાન્સલેશન, ગુજરાતી ભાષા વીકીપીડિયા, ગુજરાતી ભાષા ઇન્સાઇકલોપીડિયા, ગુજરાતી સાહિત્ય ઓનલાઇન અને લર્ન ગુજરાતી ઓનલાઇન વગેરે વિશેની જાણકારી અઢળક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
ઇન્ટરનેટ પર E-Mail કે Chat દ્વારા વાતચીતનું આદાનપ્રદાન પણ થઇ શકે છે. હવે તો ઇન્ટરનેટ પર blog, twiter, facebook ઉપલબ્ધ છે. જેના દ્વારા આપણા વિચારો, લાગણીઓ અને ઇચ્છાઓને ગુજરાતી ભાષામાં વાચા આપી શકાય છે.
આટલું ઓછું હોય એમ હવે તો રોજબરોજ ગુજરાતી ભાષા-સાહિત્યને લગતી ઢગલાબંધ સાહિત્યિક સામગ્રી ઇન્ટરનેટ પર ઠલવાતી જાય છે. દરરોજ કેટલીય ગુજરાતી વેબસાઇટ, બ્લોગ અને ફેશબુક બને છે. આપણે પણ હવે જાગવાની જરૂર છે. ભલે ‘દેર સે આયે પર દુરસ્ત આયે’ અથવા તો ‘જાગ્યા ત્યારથી સવાર’માની આ નીતનવીન માહિતીથી માહિતગાર થવાનું છે. આજના આપણા ગુજરાતમાં વસતા કેટલાક ગુજરાતી કે ગુજ્જુ શિક્ષકો, અધ્યાપકો અને સર્જકો શું કરે છે? એનાં કરતાં તો વધારે મહત્વનું કામ ગુજરાતમાં, ગુજરાત બહાર બીજા રાજ્યમાં કે વિદેશમાં વસતાં બિનશિક્ષકો, બિનઅધ્યાપકો અને બિનસર્જકો કરે છે. તેઓ ગુજરાતી ભાષા-સાહિત્યની અનેક વેબસાઇટ, બ્લોગ અને ઇ-જર્નલ ચલાવે છે. દા.ત. હ્યુસ્ટનથી દીપક ભટ્ટ, રસિક મેઘાણી, રસેશ દલાલ, ચીમન પટેલ, વિશ્વદીપ બરાડ અને વિજય શાહ સાથે મળીને ‘ગુજરાતીસાહિત્યસરિતા’ નામની વેબસાઇટ ચલાવે છે. ફલોરિડા-અમેરિકાથી ચિરાગ ઝા ‘ઝાઝી.કૉમ’,વિશાલ મોણપરાની ‘ગુર્જરદેશ.કૉમ’ અને વડોદરાનાં મૃગેશ શાહની ‘રીડગુજરાતી.કૉમ’ જેવી અનેક વેબસાઇટ આપણે જોઇ શકીએ છીએ.
ડો. હિંમત ભાલોડિયા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી આર્ટ઼સ એન્ડ કોમર્સ કૉલેજ, કડોલી (હિમ્મતનગર), ગુજરાત.