1. જાતભાઇ ગયા..
ગરથ લઇ ગાંઠનું ગાન ગાઇ ગયા,
કંઇક શૂરા અને સંત સાંઇ ગયા !
શ્વાસ-ઉચ્છવાસના ઝૂલણે ઝૂલતાં,
વખતના વાયરા કંઇક વાઇ ગયા !
ખખડધજ મ્હેલમાં ખરવખર બહુ હતું,
ખેટ-આખેટમાં ખેદ ખાઇ ગયા !
વ્હેણ ખળખળ છતાં થિર ઊભા રહ્યા,
આભની આંખમાં સહજ છાઇ ગયા !
સબદના સગપણે સહુ સહોદર હતા,
અર્થના મામલે જાતભાઇ ગયા !
પાઠ એવા પઢ્યા પંડ્ય સાથે લઢ્યા,
પંડિતાઇ ગઇ અખર ઢાઇ ગયા !
પાધરા પંથમાં પરહરા બહુ મળ્યા,
પરભવી પુણ્યથી પરમ પાઇ ગયા !
2. ચાકી આપી
ઊભી રેખા આંકી આપી,
ખુદને મેં ખોરાકી આપી !
આખો ચાંદો ક્યાંથી લાવું ?
બીજ તને મેં બાંકી આપી !
ના કંઇ આગળ ના કંઇ પાછળ,
શાશ્વત ક્ષણ એકાકી આપી !
એ જ ઉગારે ચકરાવેથી,
જેણે ચલતી ચાકી આપી !
એ જ બધું દેખાડે સીધું,
જેણે નજરું વાંકી આપી !
કોણ પીવે ને કોણ પીવાડે ?
ભીતર સુરા-સાકી આપી !
ખાંચાખૂંચી નડી ન અમને,
ખુદે ખાતરી પાકી આપી !
પૂરણ તો દેખાશે ત્યારે,
હાલ, અમસ્થી ઝાંકી આપી !
શ્રી હર્ષદ ત્રિવેદી, કવિ, વાર્તાકાર, સંપાદક અને મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર