વરસતાં વાદળને લાગી છે, વાર હવે ભીંજવ તું હૈયાની હેલીએ
આષાઢી મેઘ તો આવે છે એકવાર ઢાંક મને હૈયાની વાદળીએ.
ગરજતાં વાદળો બહેકાવે ક્યારેક તો થાતું'તું જોવાનું ચાંદને
ટહૂકા તે મોરના સાંભળતા થાય મને દેવાનું સાદ આજ તુજને.
ચમકારાં વીજળીના ચીરે અંધારું પણ ભીતરતમ અંધારૂં મારે
ભીંજાયા બાદ પણ લાગી છે આગ હજુ વર્ષાની વાટ છે ભારે.
તારલાનાં અજવાળાં ખોવાયા ચોમાસે ખોવાયો આખો છે ચાંદ
આભલાં ચુંદડીના તારા કેમે છુપાય નહીં આવે છે રોજ મને યાદ.
ખળખળતાં નીરમાં તરતી મૂકીને હોડી પહોંચું હું આજ તારે ધામ
આજના વ્હેણને બદલાવું પાલવે ના, તરતું મુક્યું છે તુજ નામ.
દીવાદાંડીની મારે પરવા જરાયે ના હલ્લેસા વાગે ખૂબ હામ
મેહૂલને સાદ દે કે રહેજે વરસતો હું પહોંચું હમણાં તુજ ગામ.
વરતારે વરસાદી ખુશ છે લોક ને રહ્યો હું સાવ છું કોરો
ભીંજાવી આજ મને દે તો હું માનું કે મેહુલિયો સાવ છે ઓરો.
બ્રિજેશ ભટ્ટ- કવિ, અનુવાદક, સંશોધક- અમદાવાદ