જ્યારે પણ રાષ્ટ્રીયકક્ષાએ કવિતા વાંચવા કે એવા કોઈ પરિસંવાદમાં જવાનું બન્યું છે ત્યારે એક અનુભવ થયો છે, તે એ કે હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાની કવિતાને બાદ કરતાં ગુજરાતી કવિતા સ્વરૂપ, અભિવ્યક્તિ, નાવીન્ય, ચુસ્તી અને કાવ્યસૌન્દર્યની રીતે ઘણી આગળ છે. સામાજિક સમસ્યાઓ સાથે ગુજરાતી કવિતા કામ નથી પાડતી એમ નહીં, પરંતુ એ કાવ્યકળાની શરતે આગળ વધે છે. વધુ સૂક્ષ્મતાઓ પ્રગટ કરે છે. નારાબાજી, આક્રોશ અને ફક્ત સાંપ્રતનું નિરૂપણ એ ગુજરાતી કવિતાનો સ્વભાવ નથી. આમ, એક તરફ આપણી કવિતા વધુ સૌન્દર્યલક્ષી અને પુખ્ત લાગે છે તો બીજી તરફ ઘર આંગણાની દૃષ્ટિએ વિચારીએ તો એમ લાગે કે ગુજરાતી કવિતાને એકવિધતાએ જાણે ભરડો લીધો છે. આમ કહેવા પાછળનું કારણ એ છે કે આપણી જ ભાષામાં એવા સમર્થ અને પ્રયોગશીલ ઘણા કવિઓ છે, કે જેમની કવિતાએ અસાધારણ રીતે નવાં, ઊંચાં અને આગવાં નિશાનો તાક્યાં છે અને સફળતા પણ પ્રાપ્ત કરી છે. એ સમયે ગુજરાતી કવિ અને કવિતા ઉપર વારી જવાનું મન થાય છે.
સામાન્ય રીતે, કવિતા એટલે ગીત, ગઝલ, છાંદસ, અછાંદસ, પદ્યનાટક અથવા લોકઢાળ. વ્યાપક અર્થમાં જોઈએ તો પેલી એકવિધતામાં ગીત અને ગઝલનો મુખ્યફાળો છે અને બાકીનાંમાં આપણા સામાન્ય અને મોટી સંખ્યા ધરાવતા કવિઓનો, અનુભવ અને અભિવ્યક્તિ સંદર્ભે પનો ટૂંકો પડતો હોય એમ લાગે છે. કોઈ પણ કવિનો નવો અવાજ સાંભળીએ ત્યારે સ્વાભાવિક જ કશીક આગવી અનુભૂતિ અને નવીન અભિવ્યક્તિની અપેક્ષા રહે છે. ગુજરાતી ભાષામાં અત્યારે સૌથી વધુ ચલણી સ્વરૂપ એ ગીત-ગઝલ છે. વળી, છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો ગીત-ગઝલની વ્યાખ્યા જ જાણે કે બદલાઈ ગઈ છે. હવે, આ બંને સ્વરૂપો સિદ્ધ કાવ્યસ્વરૂપને બદલે, માત્ર રજૂઆતનો વિષય બનીને રહી ગયાં છે. રજૂઆત પણ કાચાપાકા શ્રોતાઓને રાજી કરવાથી વિશેષ કશું તાકતી ન હોય ત્યારે – કોઈ નવા કવિ માટે સાચી કવિતા લખવી એ આપોઆપ એક પડકાર બની જાય.
પહેલાં તો કાવ્યસંગ્રહ પ્રગટ થવો એ જ મોટી કસોટી ગણાતી. સાંપ્રત સમયમાં પ્રકાશનની સુવિધાઓ વધી છે અને ફેઇસબુક કે એવાં જાહેર માધ્યમોમાં કોઈ રોકટોક નથી. એટલે કવિતાને નામે ઊર્મિપ્રલાપો ખડકાયે જાય છે. લાઈક્સ એ ગુણવત્તાનો પર્યાય ગણાય છે. ગીતને નામે થયેલી અનેક રચનાઓમાં લય, પ્રાસાનુપ્રાસ કે ઇબારત સંદર્ભે ચુસ્તતા-સભાનતા ભાગ્યે જ જોવા મળે છે. ગીત હજી પણ રમેશ પારેખ – અનિલ જોશી કે એવા જાણીતા કવિઓના પ્રભાવમાંથી મુક્ત થયું નથી. સ્ત્રીસહજ ભાવો અને પ્રેમની ઉપરછલ્લી ઘાટા રંગોવાળી અભિવ્યક્તિને ગીત માની લેવામાં આવે છે. ગીત એ ઊર્મિકાવ્ય છે અને નાજુક અભિવ્યક્તિ એની વિશેષતા છે એ વાતને વિસારે પાડી દેવામાં આવી છે. કોઈ કવિના નિજી શ્વાસનું ગીત સંભળાતું નથી. બધાંની સંવેદનક્ષમતા, ભાષાભિવ્યક્તિ અને શિલ્પ-નિર્માણ એકસરખાં ભાસે છે. બધું એકબીજામાં જાણે સમ્મિલિત થઇ ગયું છે. એક કવિને બીજા કવિનો શબ્દ, શબ્દસમૂહો કે ભાષાના તાણાવાણા લઇ લેવાનું જુગતું લાગે છે. વધુમાં આપણા કવિઓને આધ્યાત્મિકતાનું એવું તો ઘેલું લાગ્યું છે કે એમાં ‘અનુભવ’ અને ‘કાવ્યાનુભવ’ વચ્ચે માઇલોનું અંતર ખડું થઇ ગયું છે. આ વિધાન માત્ર ગીતકવિતાને જ નહીં, સમગ્ર કાવ્યસ્વરૂપોને પણ લાગુ પાડી શકાય એવી સ્થિતિ છે.
ગઝલનું ખોખલાપણું વધ્યું છે. ગઝલોની ગઝલો વાંચ્યાં જ કરીએ, એક પણ શબ્દ પ્રતીતિકર લાગતો નથી. કૃત્રિમતાના સહારે, મોટાભાગના ગઝલકારો સમૂહગાન કરે છે. રદીફ અને કાફિયા એકબીજાથી મુખ મોડીને પ્રવર્તે છે. છંદોભંગ કે વજનદોષનો કોઈને છોછ નથી રહ્યો. જ્યાં સાભિપ્રાય, તોળીતોળીને નવીન રીતે શબ્દ મુકાય છે ત્યાં એની નોંધ લેવાય તે પહેલાં અર્ધદગ્ધ કવિઓ એની આવૃત્તિની આવૃત્તિઓ પોતાનામાં આમેજ કરી લે છે. અલ્પ સમયના કલદાર રળી પણ લે છે. કેટલેક ઠેકાણે તો કોઈ સર્જનાત્મક કારણ વિના, ભાષા-વ્યાકરણના નિયમો વિરુદ્ધ જઈ આપણો સર્જક શક્યતા તપાસવાને બદલે શબ્દના લીરા ઉતારે છે. કેટલાક તો શબ્દસિદ્ધિનાં વિકલ્પે પ્રસિદ્ધિનાં શિખરો સર કરવા નીકળ્યા છે.
જોઈએ તો, અછાંદસ કાવ્યોમાં આંતરલયની કમી તરત દેખાય છે. વિચાર-સંભાર કાવ્યની શરતે સંવેદનમાં ભાગ્યે જ પરિણમે છે. જાણે કે આપણે લાભશંકરાદિ કવિઓની મથામણને કોરાણે મૂકીને ચાલીએ છીએ. અમુક કાવ્યો તો ગદ્યખંડ કે નિબંધાત્મક લાગે. જે કવિએ છંદની રિયાઝ કરીને અભિવ્યક્તિ પરત્વે બંધનનો અનુભવ જ નથી કર્યો એ અછાંદસ લખે ત્યારે કઈ દિશામાંથી બરકત આવે ? આ ગાળામાં સોનેટના સ્વતંત્ર કહેવાય એવા સંગ્રહો પણ પ્રગટ થયા છે. પરંતુ એમાં અમુક અપવાદો સિવાય, સજ્જતાના અભાવે માત્ર છંદનું ખોખું જ રહ્યું અને કવિતા સરકી ગઈ એવું ઘણે ઠેકાણે બન્યું છે. આપણા સાહિત્યિક સામયિકોના તંત્રીઓ પણ દિવસે ને દિવસે વધુ ને વધુ ઔદાર્ય પ્રગટ કરતા રહ્યા છે. સહુ પ્રથમ તો આ બધું એમના ધ્યાનમાં આવવું જોઈએ. પણ, કહેવાય છે કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે ! એમની પસંદગી, આપણી કવિતાના વર્તમાનને નિરાવૃત્ત કરી આપે છે. વિવિધ તરાહે કવિતાનાં સંપાદનો પણ થતાં રહ્યાં છે. પરંતુ એ મુખ્યત્વે તો જે સર્જક-વિવેચક નથી એવા અધ્યાપકોના કારકિર્દીઆલેખને અનુલક્ષીને અથવા કવિઓની વસતિગણતરીની રીતે દેખા દે છે. ટૂંકમાં, બાજરીનું મૂલ ઓછું ને ઢૂંઢાંનું વધારે એવો ઘાટ થયો છે. એમાંય પાછી જૂથબંધીની રાસલીલા તો અનેરી. મોટા માડુઓ પણ મામકા:થી મુક્ત નથી !
આવા માહોલમાં પણ આ દાયકામાં, જમે લેવા જેવા કવિઓ, કાવ્યો અને કાવ્યસંગ્રહો નથી જ એમ તો કેમ કહી શકાય ? ૨૦૧૧થી ૨૦૨૦ સુધીમાં અંદાજે પાંચસોથી વધુ નાનામોટા કાવ્યસંગ્રહો પ્રગટ થયા હશે. એ બધાનું સ્મરણ કરીને અહીં તો કંઇક અંશે નોંધપાત્ર અને જુદી અભિવ્યક્તિને ધ્યાનમાં લઈને કવિતાપ્રવાહને જોવાનો ઉપક્રમ છે. વિહંગાવલોકનની રીતે જ, પણ સ્પષ્ટ દેખાય છે તેની ઉચિત નોંધ લેવી જોઈએ. યાદ રહે કે- અહીં, છેલ્લાં દસ વર્ષમાં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહોની સૂચિ આપવાનો કે કાવ્યાસ્વાદ કરાવવાનો કે નામસ્મરણનો કોઈ ઈરાદો નથી જ નથી. માટે એ કામ ગણકઋષિઓને હવાલે છોડીને આગળ ચાલીએ.
દાયકાઓથી સર્જનાત્મકતાનાં અનેક પરિમાણો પ્રગટાવીને જેઓ ઘણું ઘણું આપી ચૂક્યા છે એવા આપણા જાણીતા અને મંજાયેલા કવિઓના અગિયાર કાવ્યસંગ્રહો ૨૦૧૨માં ઈમેજ પબ્લિકેશન્સ દ્વારા, એકસાથે પ્રગટ થયા છે. જોઈ શકાશે કે આ બધા સંગ્રહોને લાંબાગાળાની સાધના અને પ્રૌઢિનો આધાર છે. કવિશ્રી નિરંજન ભગતનો કાવ્યસંગ્રહ છે ‘૮૬મે’ (૨૦૧૨). એમાં પ્રણયના ભાવો લગભગ તો સંવાદરૂપે અથવા સ્ત્રી-પુરુષની ઉક્તિરૂપે પ્રગટ થયા છે. કવિની દ્વિધાઓ અહીં દર્શનમાં પરિણમી છે એટલે ઘણે ઠેકાણે એમનાં કાવ્યો કથનાત્મક રૂપ લઈને આવ્યાં છે. કવિચેતાનાની ઉડાન આ કાવ્યમાં અનુભવાઈ છે :
‘તુંથી તો શું, સ્વયં આ પૃથ્વીથી પણ પર અને પાર
એવી આ છે મારી અવિરત, અવિશ્રામ જીવનયાત્રા દુર્દમ્ય, દુર્નિવાર;
તેં મને પૂછ્યું હતું ને : ‘કહે માનવ, ક્યાં ચઢીશ તું ?’
હું માનવ, આજે તને કહું હવે અવકાશને માનવતાથી મઢીશ હું.’ (પૃ. ૩૬)
બાવીસમા કાવ્યસંગ્રહ ‘ઇન અને આઉટ’ (૨૦૧૨)ના નિવેદનમાં લાભશંકર ઠાકર લખે છે : ‘કોરો કાગળ અને પેન મને ‘હાથ’ની પ્રતીતિ કરાવે છે. શીઘ્ર દુર્નિવાર સિસૃક્ષા પ્રેરક બની જાય છે. હા, છું તો રમું છું.’ કવિએ શબ્દ સાથેનો સર્જનાત્મક ખેલ ચાલુ રાખ્યો છે અને એ નિમિત્તે, અસ્તિત્વગત પ્રશ્નો, રોજિંદા જીવનની વિટંબણાઓ અને ઓલ્ટર ઈગોની વાત કરી છે. પ્રશ્નો પૂછવાની એમની જૂની ટેવ અહીં પણ હાજર છે.
‘આ પગથિયાં કોણે રચ્યાં છે ?
આટલાં બધાં પગથિયાં ?
આમ પગથિયાં ચઢી રહ્યો છું તો –
ક્યારેક ક્યાંક પહોંચીશ ને ?
થયું કે નથી ચઢવાં પગથિયાં.
અટકી જાઉં.
આમ સતત પગથિયાં ચઢી ચઢીને
મારે ક્યાં પહોંચવાનું છે –
એની જ જો જાણ ન હોય
તો
હું શા માટે ચઢું પગથિયાં ?
અટકી જવાની ચાંપ મારામાં નથી ?
ઊષર સભાનતાને ઊંચકીને
સદીઓની સદીઓથી
હું ચઢી રહ્યો છું પગથિયાં. (પૃ. ૭)
આ ઉપરાંત, ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશને ગુજરાત ?’ જેવાં કાવ્યો તથા કવિનો જાત સાથેનો સતત ચાલતો તાર્કિક સંવાદ અર્થનર્થની રીતે મહત્ત્વપૂર્ણ છે.
‘સેંજળ’ (૨૦૧૨)એ રાજેન્દ્ર શુક્લનો ‘ગઝલસંહિતા’ પછીનો અગત્યનો પડાવ છે. અહીં કવિ ગીત-ગઝલ અને અછાંદસ એમ ત્રણેય વિધાઓમાં વ્યક્ત થયા છે. વિશેષતા એ છે કે, ગઝલ સ્વરૂપને એમણે આપણા પરંપરિત કાવ્યપ્રકારોની ઝાંયમાં મૂકી જોવાનો મહાપુરુષાર્થ કર્યો છે અને એ રીતે ગઝલને વિશિષ્ટ પ્રકારની ગુજરાતીતા અર્પી છે. સોરઠા-દોહા, ભરથરીગાન, બાળવાર્તા-ગીત, સ્તવન અને આનંદના ગરબાની રીતિ અપનાવવાનું તો એમને જ સૂઝે. આપણે ત્યાં ‘ગઝલ કહેવી’ એવો પ્રયોગ છે. રાજેન્દ્ર શુક્લે ગઝલને કહેણીના બધા પ્રકારોના સીમાડા દેખાડ્યા છે. એમનેમ તો મોટા ગઝલકાર નહીં થવાતું હોય ને ? આટઆટલાં કાવ્યો લખ્યા પછીયે રાજેન્દ્ર શુક્લ કહી શકે છે :
‘સબદ સુરંગું ફૂટિયું, ઊડ્યા ધૂળના ઢેર;
કાળમીંઢ ફાટી પડ્યા, ફૂટી સેંજળ સેર !’ (ચોથું ટાઈટલ)
ચિનુ મોદી પોતાના લેખનમાં સતત પ્રયોગો કરતા રહ્યા હતા. આ શ્રેણીમાં એમની પાસેથી ‘ગતિભાસ’ (૨૦૧૨)નામે કાવ્યસંગ્રહ મળે છે. અહીં એમની કવિતાઓ અછાંદસ, પંડ માટે ગીત, પારકાં માટે ગીત, સોનેટ્સ, દુહા ને મુક્તક તથા ગઝલો એમ છ વિભાગમાં વહેંચાયેલી છે. જીવનનાં જળ હવે થોડાં છે એવું જાણી ગયેલા કવિનો આમાં નોખો મિજાજ છે. આ એક જ દુહામાંથી એમના કવિમાનસનો પરિચય મળી રહે છે :
સરયુ તીરે રામજી, જમુના કાંઠે રામ;
સાબરમતીની રેત પર લખ બંદાનું નામ.
‘ચિદાકાશનાં ચાંદરણાં’ (૨૦૧૨)માં કવિશ્રી ચંદ્રકાંત શેઠની કવિતાનો માત્ર વિસ્તાર થયેલો જોવા મળે છે. એમ કહીએ કે એમના ચાલતા રહેલા કાવ્યપ્રવાહનું આ અનુસંધાન છે. કોઈ નવા પ્રયોગને સ્થાને મૂળ માન્યતાને એમણે દૃઢાવી છે. એવું જ માધવ રામાનુજના કાવ્યસંગ્રહ ‘અનહદનું એકાંત’(૨૦૧૨)બાબતે કહી શકાય. આ બંને કવિઓએ પોતાની જે કવિમુદ્રા છે તેની હથોટીરેખાઓ બદલ્યા વિના સાતત્યનો મહિમા કર્યો છે.
‘બે સ્ટેશનની વચ્ચે’(૨૦૧૨)માં સુરેશ દલાલ કહે છે કે – ‘વેદના વિના જીવન નથી ને સંવેદના વિના કાવ્ય નથી.’ નીચે આપેલી પંક્તિઓ એમની આ કવિતાઓની પરિચાયક બની આવી છે :
‘ગઈ કાલે રાત પડી ત્યારે ઈશ્વરે સહી કર્યાં વિના કવિતા લખી
એ ઈશ્વરના ગીતના ઉપાડ જેવું આજે પ્રભાત ઊઘડ્યું છે
અમારે હવે રમવાના છે અંતરાય વિનાના અંતરા.
અને અનાયાસે ધ્રુવપંક્તિ સાથે પ્રાસ મેળવવાના છે’ (પૃ. ૨૩)
પન્ના નાયકના ‘ગુલમહોરથી ડેફોડિલ્સ’(૨૦૧૨)માં ‘વિ/ચિત્ર’, ‘કવિતા કરું છું’, હિંદુ સમાજ’, ‘ટોળાશાહી’ અને ‘બાને પ્રશ્ન’ જેવાં કાવ્યોમાં એમની કવિપ્રતિભા વિકસતી જ રહી છે એના પુરાવા પ્રાપ્ત થાય છે. તો અનિલ જોશી ‘પાણીમાં ગાંઠ પડી જોઈ’માં વિદેશ વસવાટ અને આવનજાવનના અનુભવમાંથી એમના જાણીતા લહેકા સાથે વ્યક્ત થયા છે. અમેરિકામાં પણ એ ગુજરાતી વાતાવરણને પોતાની સાથે રાખે છે. એમની અગાઉ લખાયેલી અને જાણીતી રચનાઓ અહીં મૂકવાનો લોભ એમણે જતો કર્યો નથી એ પણ નોધવું રહ્યું.
‘પરપોટાના કિલ્લા’(૨૦૧૨)માં જવાહર બક્ષી ‘પિપીલિકા-આખ્યાન’, ‘ત્રિપાદ કુંડળ’ ઉપરાંત ગઝલો, રૂબાઈ, મુક્તકો અને હાઈકુ લઈને ઉપસ્થિત થયા છે. એમણે પણ ભજનગઝલ, છપ્પાગઝલ અને ગરબાગઝલ લખીને ગઝલના સ્વરૂપ-વિસ્તારની શક્યતાઓ તપાસી છે. બીબાંઢાળ ગઝલોને સ્થાને એમના પ્રયોગો તરત ધ્યાને ચડે છે. કવિ હેમેન શાહનો ‘આખરે ઊકલ્યા જો અક્ષર’ (૨૦૧૨)મુખ્યત્વે ગઝલસંગ્રહ છે. એમાં પણ દુહા અને અન્ય કાવ્યો છે પણ ગઝલ એ એમનો ઇલાકો છે. એમની ગઝલોને સજવાની ચાવીરૂપ એક શે’ર :
‘નાકની દાંડીએ એનું ઘર હતું,
ક્યાંક વચમાં કેડી વંકાઈ ગઈ.’
આજ પ્રકારે અગિયાર કવયિત્રીઓના કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. એ રીતે જોઈએ તો ૨૦૧૨નું વર્ષ કાવ્યોત્સવનું વર્ષ લાગે છે. ‘શ્યામ પંખી અવ આવ’(૨૦૧૨) ઉષા ઉપાધ્યાય, ‘અઢી વત્તા ત્રણ’(૨૦૧૨) માલા કાપડિયા, ‘અદીઠ અક્ષર’(૨૦૧૨) નયના જાની, ‘અંતિમે’(૨૦૧૨) પન્ના નાયક, ‘છાબ ભરીને’(૨૦૧૨) મનોજ્ઞા દેસાઈ, ‘છોળ અને છાલક’(૨૦૧૨) ધીરુબહેન પટેલ, ‘એક સહિયારો કપ’(૨૦૧૨) નલિની માડગાંવકર, ‘જન્મારો’(૨૦૧૨) એષા દાદાવાળા, ‘જાસૂદનાં ફૂલ’(૨૦૧૨) નીતા રામૈયા, ‘કંદમૂળ’(૨૦૧૨) મનીષા જોષી તથા ‘નાદ નિરંતર જગવ્યા કરે છે’(૨૦૧૨) જયા મહેતા. આ અગાઉ આ બધી કવયિત્રીઓના એક કે એકથી વધુ કાવ્યસંગ્રહો પ્રગટ થઇ ચૂક્યા છે. સામયિકો અને કવિસંમેલનોમાં આપણે વાંચ્યાં-સાંભળ્યાં છે. ગીત-ગઝલ અને અછાંદસમાં વ્યક્ત થતાં રહ્યાં છે. બધા સંગ્રહો, સંજોગોને કારણે મને હાથ લાગ્યા નથી.એટલે વિગતે વાત થઇ શકતી નથી. પરંતુ એમની કાવ્યયાત્રાના સાતત્યે આ રચનાઓ વધુ સંતર્પક બની આવી હશે એમ માનવાને ઘણાં કારણો છે.
પ્રેમ, પ્રકૃતિ, કૃષિ-ઋષિજીવન, માટીની માયા અને જીવનદર્શનને ઉજાગર કરતો રઘુવીર ચૌધરીનો કાવ્યસંગ્રહ ‘ધરાધામ’ (૨૦૧૪) કાવ્યભાવકને વૈચારિક ભાથું આપવાની સાથે સ્નેહસિક્ત પણ કરે છે. અહીં એમની કટાક્ષની ધારને બદલે અખિલનું દર્શન અને માનવજાત પ્રત્યેનો સમભાવ વધુ સઘન રીતે પ્રગટી આવ્યો છે.
અત્યંત મહત્ત્વનો સંગ્રહ છે કવિ જયદેવ શુક્લનો ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ (૨૦૧૩). જયદેવ શુક્લની અછાંદસ કવિતા પર્યાવરણ, પ્રકૃતિ, નિજી ઊર્મિ-ઉદ્રેક અને અંગત અનુભવો તથા સૂક્ષ્મ સંવેદનાઓને અનેક કળાઓનાં પરિમાણ સાથે વ્યક્ત કરે છે. આ કાવ્યોમાંની સૂક્ષ્મતાઓ કવિઓના અભ્યાસનો પણ વિષય બની શકે.
અર્ધશતકની સાહસયાત્રા : નવો પડાવ ‘મહાભોજ’ (૨૦૧૯) લઈને આવ્યા છે કવિ સિતાંશુ યશશ્ચન્દ્ર. આ સંગ્રહ પણ આમ તો ‘ઓડિસ્યુસનું હલેસું’નો જ વિશિષ્ટ વિસ્તાર છે. પરંતુ બદલાયેલા સમયને અનેક સંદર્ભો સાથે કવિ કેવી રીતે જુએ છે તે જોવું રસપ્રદ છે. સામાજિક અભિજ્ઞતા અને વૈયક્તિકતાના નિસ્બતપૂર્વકના સંકેતો આ કાવ્યોનો વિશેષ છે.
સામાન્ય રીતે ગીતકાર તરીકે જાણીતા કવિ વિનોદ જોશીનું વિરાટ પગલું છે ચોપાઈ અને દોહામાં બદ્ધ એવું પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’(૨૦૧૮). વર્ષો સુધી મનમાં ને મનમાં સેવાઈ રહેલું આ કાવ્ય અત્યારની ગુજરાતી કવિતાનું એક જુદું અને મહત્ત્વનું સ્થિત્યંતર છે. મહાભારતના વિરાટપર્વમાં આવતા સૈરન્ધ્રીના કથાનકનો આછો આધાર લઈને કવિએ નિજતાથી વિખૂટી પડેલી સૈરન્ધ્રીના આંતરબાહ્ય સંઘર્ષને વિષય બનાવીને નારીનું એક નવું રૂપ પ્રગટાવ્યું છે. ગીત-ગઝલના આ લપટા સમયમાં આ પ્રબંધકાવ્ય રચાનારીતિ, ભાષા અને સ્વરૂપ પરત્વે તથા પાત્રોનાં આલેખન સંદર્ભે પણ અનોખું છે. કહો કે કવિનું આ એક નૂતન પરિયાણ છે.
કવિ હરીશ મીનાશ્રુનું વણથંભ્યું કાવ્યવહેણ પણ આ સમયનું સિદ્ધશિખર છે. ‘પંખીપદારથ’(૨૦૧૧), શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’(૨૦૧૧), ‘સૂનો ભાઈ સાધો’(૨૦૧૧), ‘નાચિકેત સૂત્ર’(૨૦૧૭) અને ‘બનારસ ડાયરી’(૨૦૧૬)માં કવિનાં અને ગુજરાતી કવિતાનાં એકાધિક રૂપ પ્રગટી આવ્યાં છે. આ કવિની ભાષાભિવ્યક્તિને હું એક વિસ્ફોટની રીતે જોઉં છું. અધ્યાત્મ, અભૂતપૂર્વ કલ્પનો, પ્રકૃતિ સાથેનું અનુસંધાન, ઇન્દ્રિયગ્રાહ્યતા અને અરૂઢ રચનારીતિ આ કવિને ઉચ્ચાસને બેસાડે છે. એમના જ શબ્દો લઈને કહીએ કે –
‘એ જ હકદાર છે અનહદનો અસલમાં, સાધો
શબ્દની સરહદે હદથી વધારે બેઠો છે.’
ગુજરાતી ભાષામાં ને કવિતામાં જે કંઈ શક્ય છે તે બધું જ ગઝલમાં પણ થઇ શકે છે એવું માનતા કવિ સંજુ વાળા જાણે કે આ વાતનો પરચો આપતા હોય એમ ‘કવિતા નામે સંજીવની’(૨૦૧૪) ગઝલસંગ્રહ લઇ આવ્યા છે. આ સંગ્રહમાં આપણી આધ્યાત્મિક પરંપરાઓ, ભાષાના વળોટો અને નિજી સંવેદનાના તાણાવાણા ગૂંથાયા છે. ગુજરાતી ગઝલનું આ નવું રૂપ ઘડવામાં અન્ય કવિઓની સાથે સંજુનું પણ મહત્ત્વનું પ્રદાન છે. જ્યારે પણ ગઝલની વિકાસરેખાઓ આલેખવાની થશે ત્યારે આ રચનાઓની ઊલટભેર નોંધ લેવાની થશે. હાલ તો એની એક ગઝલમાંથી બે-ત્રણ શે’ર :
‘ધીમા પરંતુ મક્કમ એ ડગ ભરે નિરાળા,
દૃષ્ટિમાં સ્વપ્નસૃષ્ટિ, મન મારતું ઉછાળા.
ઉઘાડવા દીવાલો બિલકુલ હતા જે સક્ષમ,
એ ટેરવાંને કોણે મારી દીધાં છે તાળાં ?
અંદર રહી ઊછરતી ઉત્કંઠ કામનાઓ,
દેખાડવા છે તત્પર કૈં આકરા ઉનાળા’ (પૃ. ૯)
‘ઇથરના સમુદ્ર’ (૨૦૧૩) અને ‘કોઈ જાગે છે’ (૨૦૧૬) એ બે સંગ્રહો મહેન્દ્ર જોશીએ આપ્યા છે. અપવાદરૂપે અછાંદસને બાદ કરતાં મુખ્યત્વે બંને ગઝલસંગ્રહો છે. સંજુ વાળા, મહેન્દ્ર જોશી અને લલિત ત્રિવેદી. રાજકોટની આ ત્રિપુટી હંમેશા સર્જનરત રહે છે. ગઝલના સ્વરૂપને સારી રીતે સમજે છે એટલું જ નહીં, તોળીતોળીને લખવાવાળા છે. લલિત ત્રિવેદીના બે સંગ્રહો છે : ‘બીજી બાજુ હજી મેં જોઈ નથી’ (૨૦૧૩) અને ‘બેઠો છું તણખલા પર’ (૨૦૧૮). આ ગઝલકારો એકબીજાના પ્રભાવમાં આવ્યા વિના નિજગતિએ ચાલે છે. ત્રણેયની આગવી મથામણો ને એવી જ અભિવ્યક્તિ છે. ગઝલને એક સાહિત્યસ્વરૂપ તરીકે સ્વીકારીને, પરંપરાને પચાવીને અનેક અર્થમાં પ્રયોગો કરતા રહે છે. વિગતે વિવેચન કરવાનો કે આસ્વાદ કરાવવાનો અહીં અવકાશ નથી પણ બંને કવિઓના થોડા શે’ર ઉતારીએ :
‘દિવસો અને એ રાતો મનમાં ફરી ફરીને,
ચચરી રહી છે વાતો મનમાં ફરી ફરીને.
જળથી જુદાં થયા છે ભીનાશથી થયા નહિ,
જળનો રહ્યો તે નાતો મનમાં ફરી ફરીને.’ - મહેન્દ્ર જોશી (કોઈ જાગે છે, પૃ.૪૧)
** **
‘હે ગઝલ ! તું ઈન્દ્રિયાતીતની સનાતન આકૃતિ,
તું જ શાશ્વત પીરના કાંઠે વસેલી સંસ્કૃતિ !
હે ગઝલ ! તારાં નૂપુરમાંથી રણકતી ઝંકૃતિ,
પેનને અડકે તો આકાશેથી ઝબકે છે દ્યુતિ ! – લલિત ત્રિવેદી (બેઠો છું તણખલા પર, પૃ. ૩૧)
તો એ જ રીતે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ પણ ગઝલના એકનિષ્ઠ ઉપાસક છે. એકાધિક સંગ્રહો એમની પાસેથી મળ્યા છે. ‘એ ઓરડો જુદો છે’ (૨૦૧૩), ‘પાણિયારાં ક્યાં ગયાં?’ (૨૦૧૫), ‘એ સમથિંગ છે’ (૨૦૧૬) તથા ‘મળેલાં જ મળે છે’ (૨૦૧૭). એમની ગઝલમાં જેટલા સાંસારિક સંદર્ભો આવે છે એટલા જ આધ્યાત્મિક પણ આવે છે. ભાષાકર્મ, રદીફ-કાફિયા અને છંદોવિધાનની દૃષ્ટિએ એમની ગઝલો આગવી મુદ્રા ધારણ કરે છે એટલું જ નહીં, પણ એકમેકથી ભિન્ન રચના એ લાક્ષણિકતા પણ છે. પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધતા કવિ ‘મિસ્કીન’ની એક ગઝલના બે શે’ર :
ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે,
બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે.
એકેક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે,
ઘરમાં છતાંય બેઘર એ ઓરડો જુદો છે ! (એ ઓરડો જુદો છે પૃ. ૧)
ભરત વિંઝુડા એ આ સમયની ગઝલનું નમણું આશ્ચર્ય છે. ભરત ગઝલની બાબતે એકરાગી છે. ગજબનું સાતત્ય છે એમનું. આ દસ વર્ષમાં, ‘આવવું અથવા જવું’(૨૦૧૩), ‘લાલ લીલી જાંબલી’(૨૦૧૫), ‘તો અને તો જ’(૨૦૧૬), ‘તારા કારણે’(૨૦૧૮), અને ‘તમે કવિતા છો’(૨૦૧૯) એમ એમના પાંચ ગઝલ-સંગ્રહો પ્રગટ થયા છે. બધી ગઝલોને ભેગી કરીને એક સંચય થયો તે ‘ભરતકામ’(૨૦૨૦). લાઘવ અને તિર્યકતા એ એમનો ગુણ છે. મોટેભાગે ગઝલને સદે એવો પ્રેમ અને એનાં વિવિધ રૂપો એ એમનો વિષય છે. ક્યારેક ક્યારેક સામાજિક અભિજ્ઞતા પણ ડોકાઈ જાય. ટૂંકી અને લાંબી બન્ને બહેર એમને હાથવગી છે. ભરતની ગઝલો ઉતાવળે વાંચી ન શકાય, કેમકે એની અર્થછાયાઓ કેન્દ્રથી છૂટીને છેક પરિઘ સુધી પહોંચે છે. ‘લાલ લીલી જાંબલી’માંથી એક જ ગઝલના ત્રણેક શે’ર જોઈએ :
‘એક બાજુ છે દિવસ ને બીજી બાજુ રાત છે,
બેઉની વચ્ચે ઊભેલી ક્યાંક મારી જાત છે.
શું હતી કેવી હતી એ જાણીએ બસ આપણે,
ગામ લોકોએ તો કેવળ સાંભળેલી વાત છે.
હું તને મનમાંથી કાઢી નાંખી મૂકું જીવમાં,
આ મરણમૂડીને સાચવવાની કેવળ વાત છે’ (પૃ. ૩૭)
કવિ હર્ષ બ્રહ્મભટ્ટ પાસેથી ત્રણ ગઝલસંગ્રહો પ્રાપ્ત થયા છે : ‘ખુદને ય ક્યાં મળ્યો છું ?’ (૨૦૧૨), ‘આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો’તો’ (૨૦૧૫) તથા ‘કોડિયામાં પેટાવી રાત’ (૨૦૧૫). આ સંગ્રહોની બહુ ટૂંકા ગાળામાં એકાધિક આવૃત્તિઓ થઈ છે. હર્ષ બ્રહ્મભટ્ટ ઉર્દૂ અને ગુજરાતી બંને ભાષામાં ગઝલો લખે છે. એમની ગઝલમાં નિજી પીડાગત ઊર્મિઓ ઉપરાંત સામાજિક સંપ્રજ્ઞતા અને ક્યારેક હળવા હાસ્ય-કટાક્ષની ધાર જોવા મળે છે. સાતત્યપૂર્વક લખતા આ સર્જક સાહિત્યિક પ્રવૃત્તિને પણ સતત પોષણ આપતા રહ્યા છે. એમની જાણીતી ગઝલના ત્રણ શે’ર :
‘જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ના સમજાય તો ચિંતાનો વિષય છે.
“જા તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.
દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.’ (આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો, પૃ. ૫)
કવિ આકાશ ઠક્કર અમેરિકામાં વસે છે. ‘સાચવેલી ક્ષણો’ (૨૦૧૯ )માં તે ગીત-ગઝલ અને અછાંદસ ત્રણેય વિધામાં વિહાર કરે છે. ગઝલકાર-અછાંદસકાર તરીકે એણે પૂર્વગામીઓ અને સમકાલીનોથી અલગ પડવાની સભાન મથામણ અને હિંમત કરી છે. આધુનિકકાળના કવિઓના સંસ્કાર ઝીલ્યા છે ખરા, પણ નિજી સંવેદનોને એના મૂળ સ્વરૂપે, કવિતાની શરતે આકાર્યા છે. શબ્દોની જલ્પના કરી નથી. ઘરઝુરાપો, પ્રણયની ઝંખના અને નિષ્ફળતાના સગડ અહીં અનેક ઠેકાણે જોવા મળે છે. અમેરિકા ગયા પછીનો વતનરાગ પણ એનામાં ભળ્યો છે.
રવીન્દ્ર પારેખ સવ્યસાચી સર્જક છે. લેખનમાં એમણે સાહિત્યનો લગભગ કોઈ પ્રકાર બાકી રાખ્યો નથી. કવિતા એ એમનો પ્રથમ પ્રેમ છે. ગઝલ એમની પ્રાથમિકતા છે. ‘અરસપરસનું’(૨૦૧૭) અને ‘મને તું જોઈએ છે શ્વાસ માટે’(૨૦૧૭) બન્ને સંગ્રહોમાં ગઝલ જ ગઝલ. પ્રણય સંદર્ભે પોતીકી પીડા, ગઝલનો મિજાજ, વક્રતા અને વિડંબના એ એમનો મુખ્ય વિષય. ગઝલની ગલીકૂંચીને બરોબર જાણે. કવિતાનું સાતત્ય એ એમનો સ્વભાવ. નમૂનાદાખલ બેએક શે’ર જોઈએ :
‘તને મળવા હું આગળ જાઉં ને પાછળ તું બોલાવે,
મને તું પ્રેમિકા છે કે પ્રભુ, તે સ્હેજ સમજાવે ?
મને અજવાસની એવી સખત આદત પડી છે કે,
બળે છે જાત તો પણ થાય ના કે કોઈ હોલાવે !’
અત્યંત લોકપ્રિય અને રજૂઆતના રાજા એવા ખલીલ ધનતેજવીના બે ગઝલસંગ્રહો છે સોગાત’ (૨૦૧૨) તથા ‘સરોવર’ (૨૦૧૮). વૈચારિકભાથું અને સામાન્યજન સુધી પહોંચે એવી વેદનાયુક્ત બોલચાલની ભાષા, ગઝલના મિજાજને અનુકૂળ એવી સ્થાપના-ઉથાપના તેઓ સહજ રીતે કરતા આવ્યા છે. એમની એક ગઝલના બે શે’ર :
‘મારા દીવા સામે વાવંટોળ પણ હાંફી ગયાં,
દીવા ઝળહળતા રહ્યા ને વાયરા ખૂટી ગયાં !
ગામના ખેતરથી માંડી શહેરની ગાલીઓ સુધી,
સાવ અથડાતાં કૂટાતાં અહીં સુધી આવી ગયાં ! (સરોવર, પૃ. ૩૧)
નવોદિત ગઝલકાર કિશોર જીકાદરા ‘પાંપણ વચ્ચે’ (૨૦૧૯) નામે પ્રથમ સંગ્રહ લઇ આવ્યા છે. પ્રથમ સંગ્રહમાં જ એમની પ્રૌઢિ જોવા મળે છે. છંદ અને અભિવ્યક્તિ સાફસૂથરી છે. આ કવિનો વિશેષ એ છે કે પોતાના હૃદયની વાત સીધી રીતે કરવાને બદલે પ્રકૃતિના કોઈ તત્ત્વનો આધાર લઈને અથવા તો કોઈ જાણ્યાં-અજાણ્યાં પ્રતીકને આધાર બનાવીને વાત કરી શકે છે. એ કારણે અભિવ્યક્તિમાં વળ અને વજન બંનેનો અનુભવ કરાવે છે. કહેવું જોઈએ કે આજના સભારંજનિયા અને ચાટુક્તિકાર ગઝલકારોથી અવાજ જરા હટકે તો ખરો જ, પણ વધારે તાજગી અને તિર્યક્તાવાળો પણ છે.
અછાંદસ કવિતામાં ત્રણ સંગ્રહો એવા છે કે જેની નોંધ લેવી જ પડે. ‘ધરતીનાં વચન’(૨૦૧૨) કાનજી પટેલ, ‘વિચરણ’ (૨૦૧૯) ભરત નાયક અને ‘વહેતું તેજ’ (૨૦૧૯) ગીતા નાયક. કવિ કાનજી પટેલ માત્ર મનુષ્યભાવોને જ આલેખાવાને બદલે સમગ્ર સૃષ્ટિનાં તત્ત્વોને સાથે લઈને ચાલે છે. કુદરતને જોવી અને ગાવી એ એનો સ્વભાવ છે. કાનજીની કવિતાના આદિસળ ઉકેલવા માટે આપણી ચેતનાને પણ સંનદ્ધ કરવી રહી. ભરત નાયકનું વિચરણ અજબ પ્રકારનું છે. એ પ્રકૃતિને પોતાની અંદર ઉતારે છે ને પછી જે ઉથલપાથલ થાય છે એને અરૂઢ- અણકથી રીતે આલેખે છે. સમુદ્ર, પહાડ, રણ, અરણ્ય બધું જ એમની કવિતામાં એના આદિમ સ્વરૂપે આવે છે. આ કવિ ક્યારેક નગરવાસી તો ક્યારેક વનવાસી બનીને આપણી સામે આવે છે. જ્યારે ગીતાબહેનનું અહીં કવયિત્રી તરીકે જે વ્યક્તિત્વ પ્રગટે છે તે, વિદગ્ધ ભારતીય નારીની ઠરેલી આંતરચેતના, વૈચારિક દ્વંદ્વ, જીવનની ક્ષણોના, સંબંધોના આગવાં સમીકરણો અને આકાંક્ષા-અપેક્ષાઓના પુદ્ગલમાંથી સર્જાયું હોય એવું લાગે છે. પોતાની અને જગતની પ્રકૃતિ સાથે કદમતાલ મેળવતાં મેળવતાં જે પ્રાપ્ત થાય તેનું સૌન્દાર્યાત્મક પ્રાગટ્ય એટલે ‘વહેતું તેજ’ની કવિતાઓ.
‘જટાયુ’ અને ‘બાહુક’ની પરંપરાના પગ દબાવતું કાવ્ય છે ‘સુવર્ણમૃગ’(૨૦૧૩). રામાયણ અંતર્ગત સુવર્ણમૃગવાળી કથા તો જાણીતી છે. પણ એને વિષય કરીને કવિતા રચે છે રાજેશ પંડ્યા. આ ‘સુવર્ણમૃગ’માં કવિએ લોકલય અને લોકભાષા ખપમાં લીધાં છે. રામ અને સીતા તો ખરાં જ, પણ અહીં કવિ કાળિયાર વિહોણી મૃગલી પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરે છે તે હૃદયદ્રાવક લાગે છે. કાવ્યનો અંત વેદનાની એક લકીર મૂકી જાય છે :
‘એવા અગનિ તાપીને બા’ર નીસર્યાં સીતાજી
લેવા આવ્યાં ત્યાં તો ફૂલનાં વિમાન રે
સીતાને મળ્યા છે એના રામ
પણ હજી ઓલી મૃગલી ભટકે છે રાનેરાન રે’
‘અનિત્ય’(૨૦૧૪)માં નગરજીવનની મિશ્ર અને સંકુલ વાસ્તવિકતાને કલ્પન અને પ્રતીકોને સહારે વ્યક્ત કરે છે નીતિન મહેતા. પોતાની ઓળખ ઓગાળીને નવી ઓળખ રચવાની એમની મથામણ અને મૂંઝવણ આ કાવ્યોમાં વ્યક્ત થઇ છે. ક્યારેક એમ લાગે કે નીતિનભાઈમાં બેઠેલો આધુનિક વિવેચક કવિ ઉપર સરસાઈ ભોગવે છે. પરંતુ અનુભવને કવિતામાં મૂકવાની એમની કશ્મકશ ભાવક સુધી બરાબર પહોંચે છે.
‘જળની આંખે’ અને ‘જાતિસ્મર’ના કવિ યજ્ઞેશ દવેનો કાવ્યસંગ્રહ છે ‘ગંધમંજુષા’(૨૦૧૫). આ કવિને છંદ નથી આવડતા, પરંતુ પોતાનો લય શોધી શક્યા છે. આ કાવ્યોનું વિષયવૈવિધ્ય આકર્ષક છે. ઇકોલોજીના અભ્યાસને કારણે, કોઈપણ વસ્તુ કે સમસ્યાને અનેક કોણથી જોવા તપાસવાની ટેવનો એમની કવિતાને લાભ મળ્યો છે. સંદર્ભો પણ આપોઆપ જાણે કે આવી મળે છે. ‘વારાણસી’, ‘માતૃમુદ્રા’, ‘ઘર’, અને ‘મહાપ્રસ્થાન(પદ્યનાટક)’ વગેરે રચનાઓ કવિનું આરોહણ સૂચવે છે.
ભાષાવિજ્ઞાનના અભ્યાસી અને હવે કવિ અજય સરવૈયા ‘આમ હોવું’(૨૦૧૮)માં કોની સાથે હોવું ? ક્યાં હોવું ? ક્યારે હોવું ? એ કોયડાના ઉત્તર જાત સાથે સંવાદ કરીને મેળવવાનો પ્રયત્ન કરે છે. પ્રેમ, અંધારું, નદી, ઘાસ, પુસ્તકો લાઈબ્રેરી, સમય, કવિ અને કવિતાના વિવિધ ખંડકોમાં આ કવિ આવનજાવન કરે છે. રઘુવીર ચૌધરીએ લખ્યું છે કે –‘અજયની મોટા ભાગની કવિતા જેટલી નવી છે એટલી અઘરી નથી.’
‘ટકોરા મારું છું આકાશને’ (૨૦૧૧) યોગેશ જોષીની અછાંદસ કવિતાઓનો સંગ્રહ છે. પ્રકૃતિને સહારે, અંગત છતાં બિનંગત બની રહેતી નાની નાની સંવેદના-લાગણીઓને વ્યક્ત કરતી કવિતા યોગેશ જોષીની લાક્ષણિકતા છે. સંદર્ભખચિત દીર્ઘ કાવ્ય લખી શકે છે એટલીજ સજ્જતાથી તેઓ લઘુકાવ્યો પણ આપે છે. ક્યારેક એમની કવિતા વધુ પડતો સંવેદનભાર ઉઠાવે છે એવું કોઈને લાગે, પણ કદાચ એ એમનો સર્જકવિશેષ છે. એમનું એક નાનકડું કાવ્ય ‘જરીક મોડું થયું’ જોઈએ :
‘કઈ તરફ જવું ?
એક દીવો
પ્રગટાવવામાં
જરીક મોડું થયું
ને
બધા જ રસ્તાઓ
હોલવાઈ ગયા....’
ઝાલાવાડી પરિવેશ અને ભાષાનો લહેજો લઈને આવતા કવિ રમેશ આચાર્યનો અછાંદસ કવિતાનો સંગ્રહ ‘ઘર બદલવાનું કારણ’ (૨૦૧૩) એમાંના લાઘવ અને વ્યંજનાને કારણે આસ્વાદ્ય બની રહ્યો છે. એમાંનાં ‘ઘર બદલવાનું કારણ’, ‘શેઢો’, ‘અંધારું અને પ્રેમ’ તથા ‘મારા પડોશીઓ’ જેવાં કાવ્યો નોંધપાત્ર છે.
‘સીમાડે ઊગેલું ઝાડવું’(૨૦૧૧) કવિ મણિલાલ હ. પટેલનો કાવ્યસંગ્રહ વધુ તો અછાંદસ કવિતાઓનો છે. આમાં વખતોવખત લખાયેલી અછાંદસ રચનાઓ ઉપરાંત ‘યુ.એસ.ડાયરી’ અને ‘પિતાજીને : ચાર સોનેટ’, ‘તરસ વિશેનાં ત્રણ સોનેટ’ તથા કેટલીક છાંદસ રચનાઓ અને ગીત છે. મણિલાલ હ. પટેલ મૂળે પ્રકૃતિપ્રેમી જીવ. અહીં, આ કાવ્યોમાં ભરપૂર પ્રકૃતિ છે - કુદરતની અને માનવની. પિતાજીવાળા એક સોનેટના અંતિમ ભાગમાં કવિ લખે છે :
‘તમે ચાલ્યા જાણે કમળ પરથી ઝાકળ ગર્યું
અરે પેઢીઓના રથ ઉપરથી તોરણ ખર્યું...
અને મેં જાણ્યું ત્યાં હૃદય થડકારો ચૂકી ગયું
અચિંત્યું આવીને મરણ સૂનકારો મૂકી ગયું...
તમારા જેવું જો મરણ જગમાં હોય મળતું :
ક્ષમા ભાવે દેજો : અવર કશું ના ચાહું વળતું !’ (પૃ. ૮૭)
છેલ્લાં વર્ષોમાં એકાધિક કવયિત્રીઓની સક્રિયતા દેખાઈ છે. અંગત દુઃખોને સ્થાને કવિતાની શરતે ખરી કવિતા કરનારની સંખ્યા સ્વાભાવિક જ ઓછી હોય. ધ્યાને આવે છે પારુલ ખખ્ખર, રક્ષા શુક્લ, રાધિકા પટેલ, ભાર્ગવી પંડ્યા અને ગોપાલી બૂચ. પારુલ ખખ્ખર મોટેભાગે ગઝલો-ગીતો લખે છે. હવે વાર્તાઓ પણ લખે છે એ જુદી વાત. તેમના સંગ્રહ ‘કલમને ડાળખી ફૂટી’(૨૦૧૮)માં સિત્તેર ગઝલો છે. આ કવયિત્રી ગઝલના પ્રકારને અને સ્વભાવને જાણે છે તેથી જ એને વશવર્તીને લખે છે. રોદણાં રડ્યા વિના પણ નારીહૃદયના ભાવો વ્યક્ત થઇ શકે એવી સમતુલા એમની ગઝલોમાં જોવા મળે છે. પરિચયની રીતે એમની એક ગઝલના ત્રણેક શે’ર :
‘મને કાગળ, કલમ ને અક્ષરો સૂવા નથી દેતા,
કવિતાના અમોલા અવસરો સૂવા નથી દેતા.
અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતા.
હજારો વાર ધોઈ છે છતાયે જાત મહેકે છે,
ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતા. (પૃ. ૩૦)
રક્ષા શુક્લના ‘આલ્લે લે’(૨૦૧૯) સંગ્રહમાં ગીત, ગઝલ અને અછાંદસ છે. ગીતોનો વિભાગ મોટો છે. પ્રસ્તાવનામાં કવિ અનિલ જોશીએ નોંધ્યું છે કે – ‘રક્ષાની ભાષામાં કોઈને ઈમ્પ્રેસ કરવાની કોઈ ચતુરાઈ નથી. મનોરંજક હેતુ નથી. ભાષા વિવેક છે. એટલે સહેજ પણ લાઉડ બનતી નથી......રક્ષાની કવિતામાં નારીવાદ કે ફેમિનિઝમની મશાલ નથી, પણ એક મહિલાનો મૂંઝારો છે.’ રક્ષા શુક્લના એક ગીતના આરંભની બે પંક્તિ :
‘મૂંઝારાના મ્હેલ વચાળે, સોડ અમે તો તાણી;
પીડાનાં પટકૂળ પ્હેરેલી, હું જ મને અણજાણી.’ (પૃ. ૩)
‘હું લાગણી’(૨૦૧૭) નામે અછાંદસ કાવ્યોનો સંગ્રહ મળે છે રાધિકા પટેલ પાસેથી. આ કાવ્યોની વિશેષતા એ છે કે એમાં દેખાદેખી નથી. જે કંઈ છે તે, ભલે આછુંપાતળું, પણ પોતાનું છે. એક સ્ત્રીનાં મનોસંચલનો, સ્ત્રીસહજ કલ્પનો અને પ્રતીકો સહજ રીતે આવે છે. કેટલાંક કાવ્યોમાં શબ્દાળુતા પ્રવેશી ગઈ છે, પરંતુ અભિવ્યક્તિમાં તાજગીનો સ્પર્શ થાય છે.
ભાર્ગવી પંડ્યાનો ગઝલસંગ્રહ છે ‘હોવાપણાના છાંયડે’(૨૦૨૦). એમની ગઝલો જોતાં એમ લાગે કે તેઓ ગઝલના મિજાજવાળા પ્રભાવમાં આવ્યા વિના માનવમનની સંકુલતાઓને પ્રતીકાત્મક રીતે આકારવા ચાહે છે. એ માટે એમની પાસે પોતાની ભાષા છે, જે કોઈપણ ભાવને સહજ અને સરળ રીતે ઝીલી શકે છે. એમના બે શે’ર જોઈએ :
‘બંધ આંખે રોજ સ્પર્શીને અછડતાં નીકળે,
ને સવારે જોઉં તો ભીનાં એ પગલાં નીકળે.
ડાળ ઝૂકી લીમડાની એ નદીના જળ મહીં,
પાંદડું તો ઠીક, પડછાયાય કડવા નીકળે !’ (પૃ. ૪૮)
ગોપાલી બૂચનાં અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે ‘બીજને ઝરૂખેથી’(૨૦૨૦). કાવ્યવિષયની રીતે જોઈએ તો આ કવયિત્રીની સંવેદનાનો વ્યાપ મોટો છે. અંગત ગમા-અણગમા અને અકળામણને તેઓ એકથી વધુ પરિમાણમાં જોઈ શકે છે. અભિવ્યક્તિમાં તિર્યકતા સાથે, અનુભવના દોદળાપણાને ઓછું કરીને કાવ્યરૂપ આપી શકે છે. જુઓ, આધુનિક નારી આ રીતે પણ વ્યક્ત થઇ શકે છે. ‘મુક્તિ’ કાવ્યનો આરંભ જોઈએ :
‘એણે સૌથી પહેલાં મંગળસૂત્ર ઉતાર્યું.
પછી કાંડાં પરથી લાલ-લીલી ચૂડી,
માથેથી સિંદૂર લૂછ્યું,
કપાળ પરનો મોટો લાલચટ્ટાક ચાંદલો પણ.
એનાં તમામ પગલાંની ચાડી ખાતી પાયલ પણ.
એણે ઉતારી બાજુ પર મૂકી દીધી,
એ ઊઠી અને માથાબોળ સ્નાન તરફ આગળ વધી.
પતિના સ્પર્શને એણે શરીર ઉપરથી ઘસી ઘસીને ધોયો,
હા, મનની ચિંતા ન હતી, ત્યાં સુધી તો આમ પણ ક્યાં કશું પહોંચ્યું હતું !’ (પૃ. ૮૪)
અહીં જે કાવ્યગ્રંથોની વાત થઈ શકી તે સિવાય પણ સેંકડોની સંખ્યામાં પુસ્તકો પ્રગટ થયાં છે. એ રીતે જોઈએ તો આ આલેખ ક્યારેય પૂર્ણ ન બની શકે. તમામેતમામની નોંધ લેવાનું સ્વાભાવિક જ શક્ય નથી. પરંતુ હજીય કેટલાક કવિઓ અને સંગ્રહો એવા છે કે જેને યાદીની રીતે પણ સમાવિષ્ટ કરી શકાય. એમાં પણ ભાષા, અભિવ્યક્તિ, વળ-વળોટો અને યાદ રહી જાય એવાં કાવ્યો હોય જ. એ બધાંનાં ગમે તેટલાં નામો અહીં મૂકીએ તો પણ વાત અધૂરી જ રહેવાની. એટલે ક્ષમાયાચના સાથે એ ઉપચાર કરવાનો લોભ જતો કરીએ. આ સમયમાં અનેક રીતે સંપાદનો પણ થતાં રહ્યાં છે.
દાયકાની કવિતાનું આ રીતે વિહંગાવલોકન કરતાં છેવટે મૂળ વાત પર આવીએ. કવિઓનો એક વર્ગ એવો છે કે જેઓ હંમેશા ખાસ પ્રકારની સભાનતા સાથે લખે છે અને એમની નિસ્બત માત્ર અને માત્ર કવિતાસિદ્ધિ પરત્વે છે. બીજો એક વર્ગ એવો છે જે સતત અને પ્રામાણિક મથામણ કરે છે. પરંતુ સર્જકતા ને સજ્જતા ઓછી પડે છે અને એમને હાથે ક્યારેક કોઈ અનવદ્ય કૃતિ ઊતરી આવે છે. ત્રીજા વર્ગમાં સંખ્યા અને અપેક્ષા ઘણી મોટી છે અને એમને માત્ર અને માત્ર વાહવાહીમાં ને પ્રસિદ્ધિમાં જ રસ પડે છે. બધે ઠેકાણે ને બધી ભાષામાં આવું જ હોય. પરંતુ આપણે તો પેલું યાદ રાખવાનું કે જ્યારે પણ રાષ્ટ્રિય કક્ષાએ અન્ય ભાષાઓની સરખામણીએ આપણી ઉત્તમ, હા ઉત્તમ કવિતાઓ જોઈએ છીએ ત્યારે તો ગૌરવનો જ અનુભવ થાય છે.