વિશ્વસાહિત્યની કૃતિઓમાં મહામારી
આજે આપણે કોરોના નામક મહામારીના કઠિન સમયમાથી પસાર થઈ રહ્યા છીએ. તેમાં આવતીકાલ કેવી હશે તે વિશે આપણે કશુંય જાણતા નથી. હાલ તો મહામારીનો ભય આપણા દિલોદિમાગ પર એવો છવાયેલો છે કે આપણે આપણા જ મૃત્યુના ઓથાર નીચે જીવવા લાગ્યા છીએ. સામાજિક સંપર્કથી દૂર રહીને અને મો પર માસ્ક પહેરીને આપણે પોતપોતાના ઘરોમાં કેદ છીએ. જેથી નવા કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.
આવા સમયમાં ઘરમાં કેદી બનીને કંટાળાને હડસેલવા સાહિત્યના ખોળે માથું મૂકવું એ ઉત્તમ ઉપાય છે. સાહિત્ય આપણને ઘડીભરની વાસ્તવિકતા ભૂલવીને દૂરના પ્રદેશોમાં લઇ જઇ આનંદવિહાર કરાવે છે. હાલના સમયમાં મહામારી એટલે કે રોગચાળા ઉપર લખાયેલી કૃતિઓની બોલબાલા વધી ગઈ છે. ગુજરાતી સાહિત્યમાં મહામારીને વિષય બનાવીને રચાયેલી કૃતિઓ ખાસ જોવા મળતી નથી.પરંતુ વિશ્વસાહિત્યમાં મહામારીને વિષય બનાવીને કેટલાક સર્જકોએ પોતાની કલમ ચલાવી છે. ભૂતકાળમાં આવી વૈશ્વિક મહામારીમાથી લોકો કવી રીતે ઉગર્યા? તેની કથા વિશ્વસાહિત્યની કૃતિઓ વાંચતાં જણાય છે. મારે અહી વાત કરવી છે મહામારી પર આધારીત વિશ્વ સાહિત્યની કૃતિઓની.
‘ધ પ્લેગ’ - લે.- આલ્બર્ટ કામૂ
આલ્બર્ટ કામૂએ ‘ધ પ્લેગ’ માં અલ્જિરીયાના ઓરા શહેરમાં ફેલાયેલ પ્લેગ નામક મહામારીની વાત કરી છે. ૧૯ મી સદીમાં ઓરા શહેર આ રોગચાળાથી કેવી રીતે વેરાન થઈ ગયું તેનું આબેહૂબ વર્ણન સર્જકે આ કૃતિમાં કર્યું છે. કથાના આરંભે હજારો ઉંદરો શેરીઓમાં મરેલા પડ્યા છે. સ્થાનિક અખબારો આ ઘટનાની જાણ કરે છે. પરંતુ અધિકારીઓ મરેલા ઉંદરોનો નિકાલ કરવામાં અસફળ રહે છે. જે પ્લેગનો રોગ ફેલાવા માટે ઉત્પ્રેરક બને છે. બીજા ભાગમાં પ્લેગ એટલી હદે વ્યાપક બની ચૂક્યો હોય છે કે આખા શહેરમાં લોકડાઉન થાય છે. એ સમયનું વર્ણન જુઓ :
“આ શહેર બંધ છે. નગરના દરવાજા બંધ છે. રેલ્વે મુસાફરી પ્રતિબંધિત છે. તમામ ઈંટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે.”
અને ધીમે ધીમે પ્લેગ આ કથાના મુખ્ય પાત્રોને અસર કરવાનું શરૂ કરે છે. હજારો નિર્દોષ લોકો મોતનો ભોગ બને છે. આવા સમયે આરોગ્ય અધિકારી ડૉ. બર્નાડ સ્વયંની ચિંતા કર્યા વગર અન્યની સેવાને પોતાનો જીવનધર્મ માને છે. એમનો સંવાદ જુઓ :
“મોત કઈ ઘડીએ મારી રાહ જોઈ રહ્યું હશે અને આખરે શું થશે એ હું જાણતો નથી. હાલ તો હું એટલું જ જાણું છુ કે લોકો બીમાર છે, અને તેમનો ઈલાજ જરૂરી છે.”
કામૂએ એ સમયે કરેલા પ્લેગના વર્ણનમાં આજના સામયની ઝલક જોઈ શકાય છે.
‘પેલ હોર્સ પેલ રાઈડર’ - લે. કેથરીન એન.પૉર્ટર
આપણે સૌ જાણીએ જ છીએ કે ઈ.સ.૧૯૧૮ માં સ્પેનિશ ફ્લૂ નામક રોગચાળાએ આખા વિશ્વને હચમચાવી મૂક્યું હતું. આ મહામારીમાં વિશ્વના પાંચ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. બ્રિટિશ લેખિકા કેથરીને ૧૯૩૯ માં પ્રકાશિત થયેલ આ કૃત્તિમાં સ્પેનિશ ફ્લૂના રોગચાળાનું વર્ણન કર્યું છે. કથાની નાયિકા મીરાંડા બીમાર પડે છે. મીરાંડા અને તેના દોસ્ત એડમના સંવાદ દ્વારા આપણે સ્પેનિશ ફ્લૂની મહામારી અને એ સમયની વિકરાળ પરિસ્થિતિને પામી શકીએ છીએ.
“આ અત્યંત ખતરનાક સમયગાળો છે, બધા થિયેટર્સ, દુકાનો અને રેસ્ટોરાં બંધ છે. ગલીઓમાં આખો દિવસ નનામીઓ નીકળતી રહે છે. આખી રાત એમ્બ્યુલન્સ દોડતી રહે છે.”
મીરાંડા આ જીવલેણ રોગચાળામાથી ઉગરી જાય છે. તે સ્વસ્થ થઈને બહાર નીકળી જુએ છે તો આખી દુનિયા બદલાઈ ગઈ હોય છે. પહેલા જેવુ કશુય હોતું નથી. એ જ ગલીઓ, એ જ રસ્તાઓ, એ જ ઘર, છતાય જાણે ચારે તરફ ઉદાસીનતા અને નીરાશા વ્યાપેલા છે. આપણે જાણીએ છીએ કે આ કૃતિનાં રચયિતા ખુદ કેથરીન પણ સ્પેનીશ ફ્લૂને કારણે મરતાં મરતાં બચેલાં. તેઓ આ મહામારીથી બચી તો જાય છે પણ,પછી ઘરની બહાર નીકળી લોકોને હળવામળવામાં અને સામાન્ય જિંદગી જીવવામાં તેમને ઘણો સમય લાગ્યો હતો.
‘ધ જર્નલ ઓફ ધ પ્લેગ યર’ – લે. ડેનિયલ ડેફો
ડેનિયલે આ કૃતિમાં ઈ.સ. ૧૯૬૫ માં બ્રિટનની રાજધાની લંડનમાં ફેલાયેલા પ્લેગના રોગચાળાનું વિગતે વર્ણન કર્યું છે. પ્લેગને કારણે લંડનમાં જાહેર કાર્યક્રમો, રેસ્ટોરાં, બાર, ધર્મશાળાઓ તેમજ ચર્ચમાં પણ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પ્લેગનું ભયાનક ચિત્રણ આજના સમયના કોરોના વાયરસના પ્રકોપ જેવુ છે. ઓગસ્ટ મહિનો આવતાં તો પ્લેગ વિકરાળ રૂપ ધારણ કરી લે છે. સંખ્યાબંધ પરીવારો અને આખેઆ ખા વિસ્તારોને પોતાનો કોળિયો બનાવી લે છે. લોકડાઉન લાદવામાં આવ્યું હોવા છતાં પણ લંડનવાસીઓ બેદરકારી છોડતા નથી. ઘરમાં રહેતા નથી. માલસામાન ખરીદવા બિનજરૂરી ભીડ ઊભી કરે છે. કથાને અંતે મહામારીમાંથી ઉગારી જતા શહેરનું વર્ણન જુઓ :
“ડિસેમ્બર ૧૬૬૫ સુધીમાં રોગચાળાનો પ્રકોપ ઓછો થયો હતો. હવે હવા સાફ અને ઠંડી હતી. જે લોકો બીમાર પડ્યા હતા એ પૈકીના ઘણા સાજા થઈ ગયા હતા.”
“શહેરનું સ્વાસ્થ્ય પણ સુધરવા લાગ્યું હતું. શહેરની છેલ્લી ગલી પણ રોગચાળાથી મુક્ત થઈ ગઈ ત્યારે લંડનવાસીઓએ રસ્તા પર નીકળીને ભગવાનનો આભાર માન્યો હતો.”
૪૦૦ વર્ષ પહેલા લંડનમાં ફેલાયેલા રોગચાળાનો માહોલ અને આજનો માહોલ આ બંને માહાલોમાં ઘણું સામ્ય જોવા મળે છે.
‘ ધ યર ઓફ ધ ફલડ’ - લે. માર્ગારેટ એટવુડ
૨૦૦૯ માં માર્ગારેટ એટવુડે ‘ ધ યર ઓફ ધ ફ્લડ’ નામની નવલકથામાં મહામારી પછી ખતમ થઈ ગયેલી માનવજાતિની કલ્પના કરી છે. નવલકથામાં આવતું ટોબી નામની માલણનું પાત્ર જે મહામારીમાંથી બચી જાય છે. તે વિચારે છે કે :
“ કોઈક તો જરૂર બચ્યું હશે આ ધરતી પર, તે એકલી નહી બચી હોય. બીજા લોકો પણ હશે. પણ એ દોસ્ત હશે કે દુશ્મન ? એ પૈકીના કોઈ સાથે મુલાકાત થાય તો તેણે શું સમજવાનું ?”
તો બીજું પણ એક પાત્ર છે જે આ રોગચાળામાંથી ઉગરી ગયું છે, તે છે રેન નામની નર્તકી. કોઈ ગ્રાહકના સંપર્કમાં આવતાં તે રોગથી સંક્રમિત થાય છે. પણ હોમ કોરનટાઈન થતાં તે બચી જાય છે. મહામારીમાથી ઉગરી ગયેલી રેન અનેક દિવસો સુધી એકલી સૂનમૂન બેસી રહે છે. પોતે કોણ છે એ વાસ્તવિકતા પણ ભૂલી જાય છે. આ કૃતિમાં કુદરત અને માનવ વચ્ચેનું સંતુલન કેવી રીતે બગડયું તે બતાવવા લેખિકાએ પીઠઝબકારની પધ્ધતિ પણ અપનાવી છે.
પાણી વિનાના પૂરની માફક આવી થોડાક જ સમયમાં આખા શહેરને તહેસનહેસ કરી નાખનાર રોગચાળાનું આબેહૂબ વર્ણન લેખિકાએ આ નવલકથામાં કર્યું છે.
‘સેવરન્સ’ - લે. લિંગ મા
ઈ.સ. ૨૦૧૮ માં રચાયેલી ચીની મૂળનાં અમેરીકન લેખિકા લિંગ મા કૃત ‘સેવરન્સ’ એ ૨૦૧૧ માં ન્યૂયોર્ક પર ત્રાટકેલા શેનફીવર નામક મહામારી પર આધારીત કૃતિ છે. આ રોગચાળામાંથી માત્ર નવ જ લોકો જીવતા બચે છે. આ નવમાંનો એક તે કેન્ડેસે. તે એક પ્રિન્ટિંગ કંપનીમાં કામ કરે છે. આ રોગચાળામાથી પોતે શા કારણે બચી ગયો તે વિચારતાં તેને પોતાના મિત્ર બોબે બનાવેલા નિયમો યાદ આવે છે. બોબ એક આઇ. ટી. પ્રોફેશનલ છે. મહામારીમાથી બચી ગયેલો કેન્ડેસ અને બચેલા અન્ય લોકો શિકાગોના ઉપનગરીય વિસ્તારમાં આવેલા એક મોલ તરફ જવા રવાના થાય છે. ત્યાં જઈ કાયમ માટે ત્યાં સ્થાયી થવા વિચારે છે. કેન્ડેસે પોતાના મરેલા સાથીઓ વિશે વિચારે છે તો તેને સમજાય છે કે તેઓ પોતાની ખરાબ આદતોને કારણે રોગનો ભોગ બની ગયા. અને પોતે રોગપ્રતિકારક શક્તિ અને ઈશ્વરકૃપાથી બચી ગયો. આ મહામારી વિશે લેખિકા જણાવે છે કે :
“આ રોગચાળા પછી શહેરનો માળખાકીય ઢાંચો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. વીજળીની ગ્રીડ પણ બંધ થઈ ગઈ છે.”
‘ઑડિપસ ધ કિંગ’ - લે. સોફોકલીસ
સોફોકલીસ એ ગ્રીક ટ્રેજેડી નાટ્ય લેખક હતો. ઈ.સ. પૂર્વે ૪૯૭ થી ૪૦૬ ની વચ્ચે સોફોક્લિસે ૧૨૫ જેટલા કરૂણ નાટકો લખ્યાં હતાં. ‘ઈડીપસ રેક્સ’, ‘ઈડીપસ એટ કોલોન’ અને ‘એંટીયાગો’, ‘એજેક્સ’, ‘વૂમન ઓફ ટ્રેચીસ’ – વગેરે જેવા નાટકોમાં ‘સમ્રાટ ઈડીપસ’ મોખરાનું સ્થાન ધરાવે છે. એરિસ્ટોટલે ટ્રેજેડીની વ્યાખ્યા કરતી વખતે આ નાટકનો ઉલ્લેખ કર્યો છે. ઈડીપસ એ થીબ્ઝના રાજા લાઇઅસ અને એની રાણી જાકોસ્ટાનો પુત્ર છે. તેના જન્મ સમયે એવી ભવિષ્યવાણી થઈ હોય છે કે તે તેના પિતાનું ખૂન કરશે અને તેની માતા સાથે લગ્ન કરશે. આ ભવિષ્યવાણીને ખોટી પાડવા તે અનેક પ્રયત્નો કરે છે પણ કુદરત સામે લાચાર બની જાય છે. અજાણતાં તે પોતાના પિતાની હત્યા કરી પોતાની માતા સાથે લગ્ન કરી લે છે. માતા થકી તે સંતાનોનો પિતા પણ બને છે. આ ઘટનાની જાકોસ્ટાને ખબર પડતાં તે આત્મહત્યા કરી લે છે. ઈડીપસ પશ્ચાતાપમાં પોતાની આંખો ફોડી દેશવટે ચાલ્યો જાય છે. આ ઘટનાના વર્ષો પછી થેમ્સમાં પ્લેગની મહામારી સર્જાય છે. હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામે છે.
અગમ્યગમન અને સપિંડસંભોગથી ઉત્પન્ન થતી સ્થિતિ તેમજ મહામારી અને ભૂખમરો આ નાટકને કરૂણ અંત આપે છે. આ કૃતિમાં મહામારીને દૈવીપ્રકોપ માનવામાં આવી છે. નાયક ગમે તેટલું ઇચ્છે તો પણ એ એના દુર્દેવને દૂર કરી શકતો નથી. આ કૃતિમાં મહામારી, ભૂખમરો તેમજ પાત્રલક્ષી કરૂણતા જોવા મળે છે.
‘સ્ટેશન ઇલેવન’ - એમીલી સેંટ જોન મંડેલ
‘સ્ટેશન ઇલેવન’ એ એમીલી સેંટ જોન મંડેલની ૨૦૧૪ માં પ્રકાશિત થયેલી નવલકથા છે. આ કૃતિમાં સર્જકે જ્યોર્જિયા ફ્લૂ નામક રોગચાળાથી સર્જાતી મહામારીનું આલેખન કર્યું છે. જેમાં મોટાભાગના લોકો મૃત્યુ પામે છે. ૨૦૧૫ માં આ કૃતિને ‘ આર્થર સી ક્લાર્ક’ એવાર્ડથી નવાજવામાં આવી હતી. કોલંબિયાનો સફળ અભિનેતા આર્થર લિએન્ડરને હૃદયરોગનો હુમલો આવે છે. તેનો ડૉ.મિત્ર તેને શહેરમાથી બહાર ન નીકળવાની ચેતવણી આપે છે. કારણ કે તે જ્યોર્જિયન ફ્લૂ નામના રોગથી પીડાતો હોય છે. તે શહેરની બહાર જાય છે.ને ટૂંક જ સમયમાં ટોરેન્ટોના થિયેટરમાં મૃત્યુ પામે છે. આર્થરના મૃત્યુ પર શોક માટે ભેગા થયેલા કલાકારો, અભિનેત્રીઓ ને તેના અન્ય મિત્રો તેના સંક્રમણમાં આવતા ત્રણ અઠવાડિયામાં જ મૃત્યુ પામે છે. ને ધીમે ધીમે આ રોગ મહામારીનું સ્વરૂપ ધારણ કરે છે,ને હજારો લોકોને ભરખી જાય છે. લોકો ત્યાંથી ભાગી છૂટવા પ્રયત્ન કરે છે. પણ રોગ સામે સૌકોઈ લાચાર બની જાય છે. આમ એક અનન્ય પ્રસ્થાન કે જેનાથી સંસ્કૃતિના ઇતિહાસની, માનવજીવનના ભંગાણની તપાસ કરવી, સેલેબ્રિટી ગપસપ, અને ભયાનક ભાવિનું વિચિત્ર ફ્યુઝન મેંડેલેએ સુંદર રીતે કર્યું છે. ઝગમગાટ જીવન વચ્ચે જ્યોર્જિયન ફ્લૂ નામની મહામારી, જીવજંતુની માફક આડેધડ રોગનો ભોગ બની મૃત્યુ પામેલા લોકો – મહામારીની આ સઘળી ઘટનાઓ મેંડેલે એ સુંદર રીતે આલેખી છે.
‘ધ લાસ્ટ મેન’ - લે. મેરી શેલી
ફેબ્રુઆરી ૧૮૨૬ માં પ્રકાશિત થયેલી ‘ધ લાસ્ટ મેન’ એ મેરી શેલીની ૨૦૭૦ થી ૨૧૦૦ સુધીના સમયગાળાને આવરી લેતી ભાવનાપ્રધાન નવલકથા છે. આ કૃતિમાં તેઓ ઈતિહાસને વર્ણવે છે. પ્લેગ, યુરોપ અને અમેરિકામાં આગની જેમ ફેલાઈ જાય છે. વૈશ્વિક પ્લેગ નામક મહામારીમાથી ઉગરી ગયેલો માણસ તે લિયોનેલ વેર જે આ કૃતિનો નાયક છે. લિયોનેલ અને એડ્રીયન જીવ બચાવવા ભાગે છે, તેઓ સ્વિટઝરલેંડ પહોંચે ત્યાં સુધીમાં તો તેના મિત્રો એડ્રીયન, ક્લેરા અને એવલીન પણ મૃત્યુ પામે છે. મહામારીમાં મિત્રો અને સ્વજનોને ગુમાવ્યા બાદ એકલો બચેલો લાસ્ટમેન લિયોનલ શોકગ્રસ્ત જીવન જીવવા લાગે છે. અહી પ્લેગ રહસ્યમય છે. તે ક્યાંથી આવ્યો? કેવી રીતે આવ્યો? કોઈ જ તેને શોધી શકતું નથી. તેનો ઈલાજ પણ શક્ય નથી. આખા શહેરો માનવવિહોણા બની જાય છે. જ્યાં ત્યાં લાશોના ઢગ ખડકાય છે. આમ મહામારીનું ભયાનક વૃતાંત આ કૃતિમાં જોવા મળે છે.
‘ઇલિયડ’ – લે. હોમર
ઇ.સ. પૂર્વે ૮ મી સદીમાં રચાયેલ ‘ઇલિયડ’ એ હોમર કૃત મહાકાવ્ય છે.ગ્રીક અને ટ્રોયની લડાઈ દસ વર્ષ સુધી ચાલી હતી તેનું વર્ણન આ મહાકાવ્યમાં છે. મેન્યૂએસની પત્ની અને ગ્રીસની રાણી હેલનને ટ્રોયનો રાજકુમાર ભગાડી પોતાના નગરમાં લઈ જાય છે. ગ્રીસની સેના ટ્રોયના રાજાને યુદ્ધ માટે લલકારે છે. પરંતુ ટ્રોયની મજબૂત દીવાલો ભેદી ન શકાતા અંતે ગ્રીસની સેના ત્યાંજ તંબૂ તાણી આજુબાજુના પ્રદેશોમાથી સંપત્તિ અને સુંદરી જે હાથ લાગે તેને કબજે કરી લે છે. એગેમેમ્નોન એપોલોના પૂજારીની દીકરી ક્રાઇસિઝને શૈયાસંગિની તરીકે રાખે છે. એના પિતાની આજીજી છતાં પણ તેઓ ક્રાઇસીઝને પાછી સોંપતા નથી. દીકરી ન મળતાં ક્રાયસસ પોતાના ઇષ્ટદેવતા એપોલો થકી ચારે તરફ અંધાધૂધ અને મહામારી ફેલાવે છે. ગ્રીસની સેનાને મરકીનો રોગ લાગુ પડે છે ને હજારો સૈનિકો ને મહાયોધ્ધાઓ મૃત્યુ પામે છે. એ પછી તો અનેક ઘટનાઓ ઘટે છે. પરંતુ અહી આવતું મહામારીનું વર્ણન કંપારી છૂટાવે તેવું છે. જીવજંતુઓની જેમ લાશોના ઢગ ખડકાય છે.
હજારો વર્ષો પહેલાં પ્લેગ અને કોલેરા જેવા ચેપી રોગો કેવી રીતે ફેલાયા તે વિશે કેટલાક સર્જકોએ સુંદર અને તર્કસંગત કૃતિઓ રચી છે. હોમરથી સ્ટીફન કિંગ સુધીની સફર કરતાં જણાય છે કે પાશ્ચાત્ય સાહિત્યની શરૂઆત પ્લેગની મહામારીથી થયેલી છે. કોલેરા અને પ્લેગ વારંવાર આવતી મહામારીઓ હતી. આ બધી મહામારીઓ પ્રકૃતિના અસંતુલન તરફ ભારપૂર્વક નિર્દેશ કરે છે. મોટાભાગે પર્યાવરણ, પ્રાણીઓ, અને મનુષ્ય વચ્ચે જે તકરાર થાય છે તે આવી મહામારીઓને જન્મ આપે છે. જેના કારણે લાખો કરોડો નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઇ જાય છે.આજે આપણે પણ આવી જ એક મહામારીના સકંજામાં ફસાયા છીએ. મહામારી આજે જીવાતા જીવનનો હિસ્સો બની ગઈ છે. આજે સાવચેતી રાખીશું તો આવતીકાલનો સૂરજ ચોક્કસ એ જ આનંદભર્યું જીવન, નવી આશાઓ, અને નવા જ ઉમંગો લાવશે.
*****
Dr. Vandana Rami, Assistant Professor, Government Arts College, Mandal, Mobile: +91-9924818600 Email: drvandanarami@gmail.com