મહામારી ના સમયકાળમાં કળા-સર્જન દ્વારા અભિવ્યક્તિ- એક નજર
સારાંશ -
સાંપ્રત સમય ની પરિસ્થિતિ તથા કોવિદ-૧૯ મહામારી ના સમય કાળ માં જીવન અસ્ત-વ્યસ્ત થઇ રહેલ છે, ત્યારે કળા અને કલાકાર સમાજ વિષે શું વિચારે છે, આ એક વિચારવાન પ્રશ્ન છે. સમાજના અન્ય વર્ગ કર્મીઓથી કલાકાર, સાહિત્યકાર અને સર્જંનકાર્ય સાથે સ્ંક્ળાએલ વ્યક્તિઓ કેવી રીતે સામાન્ય વિચારસરણીથી આવી પરિસ્થિતિને જોવાની સંકલ્પના કરે છે, જેના દ્વારા માનવ સમાજ ઉપર કેવી અસર પડે છે, તેમના વિચાર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને કેટલી હદ સુધી જોડી શકે છે, તથા તેઓના વિચારો ઉપર વર્તમાન પરિસ્થિતી, સમાજ, સંસ્કૃતિ અને જીવન કેમ કરી પ્રભાવિત કરે છે, તે સમજવાનો મારો વિચાર અને ઉદ્દેશ્ય છે. વૈશ્વિક મહામારીએ સમાજમાં વર્ષો પૂર્વે પણ માનવ જીવનને ધ્વસ્ત કરી પ્રભાવિત કરેલ છે, ઇતિહાસ તેની ગવાહી પૂરે છે. જરૂરી નથી કે દરેક કલાકાર દરેક પરિસ્થિતિ ને પોતાના અંગત વિચારોથી પોતાની અભિવ્યક્તિ સાથે રજુ કરે, કદાચ દરેક કલાકાર માટે એ શક્ય પણ નથી, તેમ છતાં ઘણા કલાકારો આ વિષય પર પોતાના મંતવ્યો રૂપે પોતાની સામાજિક જવાબદારી રૂપે આ કાર્યમાં કાર્યરત થતાં હોય છે. જેમ ભૂતકાળમાં પણ અનેક કલાકારોએ પોતાની કલાકૃતિઓ મહામારીને કપરા કાળમાં સર્જન કરી સામાજિક જવાબદારી અર્થે પોતાનું સમાજ પ્ર્ત્યેનું ઋણ અદા કરેલ છે. અહીં મારો પ્રયાસ કલાકારોની સર્જનાત્મકતા મહામારીની પરિસ્થિતિમાં સમાજને કેવી રીતે સમજવા અને સમજાવવા તથા આવી કપરી ઘટનાઓને ચિત્રિત કરી પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે છે એ સમજવાનો અને ઉજાગર કરવાનો આશય છે.
મુખ્ય શબ્દો - મહામારી, વિષાણુ, કોવિદ-૧૯, કાળા મૃત્યુ, કલા જગત, એંગ્રેવિંગ, છાપકલા.
કોવિદ-૧૯, ૨૦૧૯ ના અંત સમય માં ચીન દેશના હુબેઇ પ્રાંતમાંથી સમગ્ર વિશ્વ માં પ્રસરયા બાદ અત્યાર સુધી લાખો ની સંખ્યા માં વિશ્વમાનવોને મોત ને ઘાટ ઉતારી અસંખ્ય વ્યક્તિઓને સંક્રમિત કરી હજી સુધી પોતાના અટ્ટહાસ્યથી કરોડો માનવ પરિવારોને દુખ અને વિષાદ ની પરિસ્થિતિ નો અનુભવ કરાવી રહેલ છે, તથા સમગ્ર દુનિયા ને તાળાબંધી કરવા માટે મજબૂર કરી દીધેલ છે, ત્યારે કળા અને કલાકાર દ્વારા આવા કપરા સમય માં પણ પોતાની સમાજિક જવાબદારી અથવા અન્ય પરિબળોને ધ્યાન માં રાખીને પોતાનું સર્જન કાર્ય આગળ ધપાવી સમાજ ને એક જાગૃત વ્યક્તિ તરીકે ની સમજ અને અનુભવ કરાવી રહેલ છે. ભૂખ, લાચારી, ભય અને અવિશ્વાસ રૂપી અનેક પરિબળ મનુષ્ય સમક્ષ દિન-પ્રતિદિન વધતા જોવા-સાંભળવા તથા આ અંગના અનેક કિસ્સાઓ સમાચાર પત્રોમાં, ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહેલ છે. સમાજ ના વિવિધ આર્થિક પરિસ્થિતિ વાળો માનવ સમાજ ભિન્ન ભિન્ન રીતે સમાજ ના લોકોને જેઓ વિષમ પરિસ્થિતિ નો સામનો કરી રહેલ છે તેમની બનતી મદદ કરવા તત્પર થઈ તેઓની વહારે પણ આવતા જોવા-સાંભળવા મળી રહેલ છે. સંપૂર્ણ તાળાબંધીના આ કદી ન જોયેલ રાત ના સન્નાટા જેવો જ સન્નાટો દિવસ માં પણ જોવા મળી રહેલ છે. બે દિવસ, પાંચ દિવસ, દસ, વીસ કે પચાસ દિવસ સુધી ઘર માં જ રહીને સામાન્યથી અસામાન્યતા( સામાજિક) ધરાવતા દરેક મનુષ્ય અન્યત્ર રીતે પોતનો કિંમતી સમય પસાર કરી રહ્યા છે.
તકનીકી નિર્ભર ભદ્ર સમાજ જ્યારે પોતાની સર્વાંગી સંપન્નતાની ઝાંખી વિશ્વભરમાં ફેલાવી રહયો છે એવા આ કાળ માં મનુષ્ય તેમ જ તકનીકી સંપન્નતાઓનું વામનાપનુ નજરે ચડી રહ્યું છે. દરેક દેશ જ્યારે આ વિષમ વિષાણુ સામે લડવા તથા તેની વિરુદ્ધ તબીબી રીતે યુદ્ધ ના ધોરણે ઝઝૂમી રહ્યો છે,તથા મનુષ્ય ની જિંદગી બચાવવાના અથાક પ્રયત્ન કરી રહ્યા છે. સમયાંતરે સદીઓથી નવા-સવા વિષાણુઓ દ્વારા મનુષ્ય સમાજ ઉપર આવી પડેલી આપત્તિઓ જે અંગે ઇતિહાસ માં માહિતી ઉપલબ્ધ છે. કૉલેરા, ફ્લૂ , બર્ડફલૂ , સ્પૅનિશ ફ્લૂ, એચ.આઈ.વી, સાર્સ, મેર્સ કે ઇબોલા જેવા અસંખ્ય વિષાણુઓ માનવ શરીરોમાં પ્રવેશ કરી કરોડો લોકોને જાનથી મારી નાખવા સુધી આતંકિત રીતે સમાજમાં પોતાનો પ્રસાર કરેલ છે. તબીબી ક્ષેત્રે થતા રહેલ નવીન ઉપચાર પદ્ધતિઓના વિસ્તાર અને આધુનિક દવા ના ક્ષેત્ર માં થઈ રહેલ સંશોધન દ્વારા ઉપચાર પદ્ધતિઓ શોધી કાઢવામાં આવેલ છે. આ અંગે ભારત ઉપખંડ સિવાય યુરોપ, અમેરિકા, આરબ પ્રદેશ, એશિયા મહાદ્વીપ તથા રશિયા માં પણ આવી મહામારી ના કપરા સમય માં બહોળા માનવોનો મોટી સંખ્યામાં મૃત્યુ નોંધાયેલ સમયના ચોપડામાં અંકિત મળે છે.
માનવ મનની વ્યથા કવિ, કલાકાર તથા સાહિત્યકારોના મંથન તથા સર્જન માટે એક નવા અધ્યાય રૂપે હંમેશા પ્રેરણા રૂપ બની રહ્યું છે, પ્લેગ રોગ છ્ટ્ઠી સદીમાં શરૂ થયેલો તથા તે સામના બાયઝન્ટાઇન સામ્રાજ્યના શાસક જસ્ટિનિયનના નામ પરથી પ્લેગ નામ પડ્યું હતું. ૧૪મી સદીમાં પ્લેગની મહામારી યુરેસિયા અને નોર્થ આફ્રિકાના દેશોમાં વર્ષ ૧૩૪૭ થી ૧૩૫૧ દરમિયાન ૨૦ કરોડથી વધુ માનવ મૃત્યુ માટે જાણીતું છે, જેણે મધ્યયુગીન ‘કાળા મૃત્યુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વીસમી સદી ના ઈ.સ ૧૯૧૮ થી ડિસેંબર ૧૯૨૦ના ગાળા દરમિયાન ઈંફ્લુએન્ઝા મહામારી જે સ્પેનિશ ફ્લૂ ના નામથી પણ ઓળખાય છે, જેમાં ૧૭0 લાખથી ૫ કરોડ માનવોનો ભોગ લેવાયો. જે આજથી લગભગ સો વર્ષ પહેલાનો સમય હતો. વિશ્વના અનેક કલાકારોએ હમેશાં કપરા સમય અને પરિસ્થિતિનો ચિતાર પોતાની અભિવ્યક્તિ દ્વારા કરેલ છે, આજ નો કાળ કળાના ક્ષેત્રમાં આધુનિક દ્રષ્ટિએ આગળ વધી કલાકારો પોતાના વિચારો રજુ કરવા અનેક નવા માધ્યમોનો ઉપયોગ કરતા થયેલ છે, વિડીયો આર્ટ, ઇન્સ્ટોલેશન તથા ન્યુ મીડિયા જેવા નવા માધ્યમો, નવી તથા અતિ વાસ્તવિક રૂપે આધુનિક પ્રચાર માધ્યમ તથા નવીન વસ્તુઓનો ઉપયોગ કરી માનવીય લાગણીઓ, તથા મનના ઊંડાણ પૂર્વકના વિચારો થકી કલા જગત તથા કળા જાણકાર સમાજ સુધી વ્યક્ત કરતા રહેલ છે.
‘કાળા મૃત્યુ’ તરીકે પ્રખ્યાત કાળ દરમિયાન યુરોપ ના કલાકારોએ ‘મૃત્યુ’, ‘હાડપિંજર’ તથા ‘મૃત્યુ નું નૃત્ય’ જેવા વિષય રૂપે કળા કૃતિઓનું સર્જન કરેલ હતું, આ વિષય વસ્તુ કલાકારો દ્વારા સામાન્યરૂપે ખુબજ ચિત્રિત કરવામાં આવ્યા હતા, આ સમયે યુરોપની લગભગ ૩૦ ટકા વસ્તી મૃત્યુ પામી હતી. એકલા વેનિસ શહેરની ૬૦ ટકા વસ્તી મૃત્યુ ને ભેટી હતી, જ્યારે ફ્રાંસના પેરીસ શહેરની લગભગ અડધી વસ્તી એક લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
જીઓકોમો બારલોન, ‘ટ્રુમ્ફ ઓફ ડેથ’ (૧૫મી સદી)
ઇટાલિયન ચિત્રકાર જીઓકોમો બારલોન (૧૫ મી સદી) દ્વારા ચિત્રિત ‘ટ્રુમ્ફ ઓફ ડેથ’ એક દીવાલ ચિત્ર (માકાબ્રે ડાન્સ-૧૪૮૫) જેમાં ખ્રિસ્તી ભ્રાતૃભાવ, મૃત્યુ તથા અંત્યેષ્ટિ વિધિના રૂપે વ્યક્ત કરેલ છે, બે આડી પેનલમાં વહેચાયેલ આ ચિત્રનો ઉપરનો ભાગ ખ્રિસ્તી અંત્યેષ્ટિ વિધિ સમયે હાડપિંજર રૂપી નૃત્ય રૂપે દર્શાવવામાં આવેલ છે, તથા નીચેની પેનલમાં એક વ્યક્તિ તથા હાડપિંજરને એક હરોળબદ્ધ રૂપે દર્શાવાયેલ છે, અહી મૃત્યુ ને ભયદર્શક રૂપે દર્શાવેલ છે, ઉપરોક્ત ચિત્ર ‘કાળા મૃત્યુ’ દરમિયાન કાળા રમૂજ ચિત્ર રૂપે વ્યક્ત કરેલ છે. ૧૪૯૩માં માઈકલ વોલ્ગેમુટ દ્વારા ‘ન્યુરેમબર્ગ ક્રોનિકલ’ માં છપાયેલ વુડકટ માધ્યમ દ્વારા ‘ધ ડાન્સ ઓફ ડેથ’ રૂપે ચિત્રિત કરેલ છે. ચિત્ર માં હાડપિંજરો દ્વારા નૃત્ય તથા સંગીત વાદન ને ઉત્સવ રૂપે રજુ કરવામાં આવેલ છે.
પીટર બ્રૂઘેલ ધ એલ્ડર ‘ધ ટ્રુમ્ફ ઓફ ડેથ’ ૧૬મી સદી, તૈલ ચિત્ર
એક ખૂબ જ ઉત્કૃષ્ટ સુંદર ચિત્ર વર્ષ ૧૫૬૨ માં ડચ અને ફલેમિશ રેનેશા ચિત્રકાર પીટર બ્રૂઘેલ ધ એલ્ડર દ્વારા ચિત્રિત તૈલ ચિત્ર ‘ધ ટ્રુમ્ફ ઓફ ડેથ’ ૧૬ મી સદી ના મધ્યમાં વૈશ્વિક મહામારી પ્લેગ અને તેના જોખમોને ધ્યાન માં લઈને મૃત્યુ અંગેની ભયાનકતા દર્શાવાયેલ, કોફીન ની અંદર મૃતદેહ, શ્વાન, મનુષ્ય ખોપરીઓ ભરેલ ઘોડાગાડી, તથા તેના પૈડા નીચે પીસાઈ રહેલ ઝુંડભેર મનુષ્યો તથા નિર્દયી રીતે માનવ સંહાર કરતાં હાડપિંજર જે, મહામારી ના પ્રતીક રૂપે ચિત્રિત કરાયેલ જોવા મળે છે, જ્યાં ભક્તિભાવ તથા કોઈ શક્તિ જ તેઓને મૃત્યુથી મુક્ત કરી શકે એમ દર્શાવાયૅલ છે. વાસ્તવ માં ‘મૃત્યુ’ મહામારી વિશે એક રૂપક ના અર્થ માં ઇટાલિયન અને જર્મન કલાજગતમાં હંમેશા કલાકારોનો પ્રિય વિષય રહ્યો છે, જે દ્વારા ખ્રિસ્ત સમાજ, ધાર્મિકતા, અંધશ્રદ્ધા તથા કુરીતિને પણ રમૂજ રુપે જોડી, મૃત્યુ ને જીવનના એક અંતિમ લક્ષ્ય ના રૂપ માં જોવામાં આવેલ છે. હેન્સ હોલેબીન તથા બ્રેન્ટ નોટકે જેવા અનેક વિખ્યાત ચિત્રકારોએ વુડકટ શૈલી દ્વારા મૃત્યુની ભયાનકતા પોતાના ચિત્રો માં રજુ કરેલ છે.
પાઉલુસ ફુર્સ્ટ, ‘ડૉક્ટર શનાબેલ વોન રોમ’ એંગ્રેવિંગ (૧૬૫૬)
જર્મન કલાકાર પાઉલુસ ફુર્સ્ટ દ્વારા નિર્મિત એંગ્રેવિંગ ‘ડૉક્ટર શનાબેલ વોન રોમ’ (૧૬૫૬) ચિત્ર માં ડૉક્ટરો અને પ્લેગ સામેના તેમના રક્ષણાત્મક વસ્ત્રો, જેવા કે લાંબો કોટ, હાથ મોજા, માસ્ક અને ટોપી સજ્જ ડૉક્ટર આકૃતિ જેણે જમણા હાથ માં એક પાંખ વાળા ઘડિયાળની લાકડી પકડેલ જે સમય સૂચકતાના ભાગરૂપે દર્શાવાચેલ, તથા પૃષ્ઠભૂમિમાં ઇટાલી દેશના કોઈ શહેરનું દ્દશ્ય નજરે પડે છે. જેણે આજના કોવિદ-૧૯ ના ડોક્ટરો તથા સ્વાસ્થ્ય કર્મી ની સંભાળ પૂર્વક ની ચીવટતા, જેનાથી ખુદ સ્વાસ્થ્ય કર્મી બચી શકે એવી માનસિકતા ઉભી થઈ રહેલ છે. ચિત્ર ખૂબ જ ચીવટતાથી બનાવવામાં આવેલ છે.
આર્નોલ્ડ બોકલીન, ‘પ્લેગ’ (૧૮૯૮) લાકડા ઉપર ટેમ્પરા ચિત્ર
સ્વિસ પ્રતીક વાદી કલાકાર બોકલીન દ્વારા ૧૮૯૮માં નિર્મિત લાકડા ઉપર ટેમ્પરા ચિત્ર ‘પ્લેગ’ માં ચામાચીડિયાના પાંખ વાળા પ્રાણી ઉપર મૃત્યુ ને સવાર થયેલ દર્શાવાયું છે, જે મધ્યયુગીન યુરોપ શહેર ની ગલી માં પ્રવાસ કરતું બતાવાયેલ છે. ચિત્રમાં પ્લેગને નિસ્તેજ લીલા, કાળા અને કથ્થાઈ રંગ માં દર્શાવાયેલ છે. મધ્ય અગ્ર ભૂમિ માં બતાવેલ સ્ત્રી ને લાલ રંગ ના કપડામાં દર્શાવેલ છે, જે કળા ઇતિહાસકારો ના મત મુજબ બોકલીન ને ભારત ના મુંબઈ માં ૧૮૯૮માં પ્લેગ ના પ્રસાર વિશે માહિતી મળી, ત્યાર બાદ તેમણે સંભવિત ચિત્રનું સર્જન કર્યું, જોકે આ અંગેનાં ભારતીય પ્રેરણા ના કોઈ સીધા દૃશ્યમાન પુરાવા મળેલ નથી.
૧૯૧૮માં ઈગોન શીલે દ્વારા ત્યારે પ્રસાર થયેલ સ્પૅનિશ ફ્લૂથી પ્રભાવિત લગભગ દસ કરોડ અસરગ્રસ્તો મૃત્યુ પામ્યા, શીલે ખુદ પણ સ્પૅનિશ ફ્લૂથી મૃત્યુ પામ્યા, તેમના દર્શાવાયેલ અંતિમ ચિત્રમાં પોતે પોતાની સગર્ભા પત્ની તથા બાળક સાથે ચિત્રિત કરેલ જોવા મળે છે. શીલેના અજન્મા બાળક એડિથ પણ છઠ્ઠા મહિના ની સગર્ભા અવસ્થામાં મૃત્યુ પામ્યુ, જે શીલેના મૃત્યુ પર્યંત ત્રણ દિવસના ગાળામાં જ મૃત્યુ પામ્યુ, આ અંગે તે એક પત્રમાં માતાને સંબોધન કરે છે, “એડિથને આઠ દિવસ પહેલાં સ્પૅનિશ ફ્લૂ થયો છે, અને તેણીની સગર્ભા છે, આ રોગ ખૂબ જ ગંભીર તથા જીવલેણ છે, તથા હું મારી જાતને સૌથી ખરાબ સમય માટે તૈયાર કરી રહ્યો છું” ચિત્ર નું નામ હતું ‘બેઠેલું દંપતી’.
એડવર્ડ મુંખ, ‘સેલ્ફ પૉર્ટ્રેટ આફ્ટર સ્પૅનિશ ફ્લૂ’ (૧૯૧૯)
પ્રખ્યાત અભિવ્યક્તિ વાદી ચિત્રકાર એડવર્ડ મુંખ દ્વારા વીસમી સદીમાં સ્પૅનિશ ફ્લૂ ના પ્રસાર સમયે ઘણાં અભ્યાસ ચિત્રો, સ્કૅચ અને ચિત્રો બનાવાયા, જેમાં મુખ્યત્વે મૃત્યુનું માનવ સાથે નું નજીકપણુ દર્શાવેલ હતું. પોતે પણ ફ્લૂ રોગથી પીડાયા બાદ આ ચિત્ર બનાવાયુ હતું, જે ‘સેલ્ફ પૉર્ટ્રેટ આફ્ટર સ્પૅનિશ ફ્લૂ’ ૧૯૧૯ થી જાણીતું છે. વીસમી સદીમાં કેઇથ હેરીંગ દ્વારા નિર્મિત ચિત્ર ‘ઇગ્નોરન્સ-ફિયર’ ૧૯૮૯ માં બનાવાયેલ ચિત્ર આધુનિક માનવ રોગ એચઆઇવી અને એઇડ્સ ને ધ્યાનમાં રાખીને બનાવાયું હતું, જેના દ્વારા વૈશ્વિક લગભગ સાડા ત્રણ કરોડ માનવ મૃત્યુ થયેલ હતા. ૧૯૮૦ના શરૂઆતના તબક્કામાં એઇડ્ઝ રોગ ‘ગે ડિસીઝ’ તરીકે ઓળખાયો, જેણે ‘ગે પ્લેગ’ તરીકે પણ કહેવામાં આવેલ હતો.
૧૯૮૯માં તેમણે બનાવેલ પોસ્ટર બાદ, પોતે પણ બીજા વર્ષે એઇડ્સ સંક્રામિત થયેલ નિદાન થયા, તથા ૧૯૯૧ના વર્ષમાં લગભગ એક લાખ અમેરિકન લોકો જેનાથી મૃત્યુ પામ્યા, કેઈથ દ્વારા બનાવાયેલ આ પોસ્ટરમાં ત્રણ આકૃતિઓ દર્શાવાઈ છે જેમાં “કઈ જોયું નહીં, કંઈ બોલો નહીં, કંઈ સાંભળ્યું નહીં” એમ ઇશારાથી દર્શાવવામાં આવેલ છે, એનાથી એઇડ્સ સાથે જીવિત વ્યક્તિઓ દ્વારા કરાયેલા સંઘર્ષોને વ્યક્તિ અથવા જૂથ દ્વારા કરાયેલા પડકારોનો સંકેત મળે છે, જે લોકો આ રોગચાળાને યોગ્ય રીતે સ્વીકારતા અને માન આપતા નથી. ૧૯૮૦નો સમયકાળ આ રોગ માટે કપરો સમય હતો, તથા માનવીય સહકારનો પ્રતિસાદ શરમજનક અને અપૂર્તિ રૂપ હતો, તથા દવા અને તબીબી સંભાળ ખૂબ જ ખરચાળ હતી. કેઇથ હેરીંગનું ૩૧ વર્ષની ઉંમરમાં વર્ષ ૧૯૮૦ માં અવસાન થયું.
અન્ય એક કલાકાર ડેવિડ વોજ્નારોવિઝ દ્વારા નિર્મિત ‘અનટાઇટલ્ડ-ફોલિંગ બફેલોઝ’ ( ૧૯૮૮-૮૯) જે તેઓની ખૂબ જાણીતી કળાકૃતિ છે, અને કદાચ ૧૯૮૦ના દાયકામાં એઇડ્સની કટોકટી સમયની સૌથી ભૂતિયા કલાત્મક પ્રતિભાવોમાંની એક છે. આ એક ફોટોમોન્ટેજ ચિત્ર છે, જેમાં ભેંસોનું ટોળું મોતને ભેટે છે, અહી પડતી ભેંસ એ પ્રારબ્ધ અને નિરાશા ની લાગણીઓને ઉત્તેજિત કરે છે.
હાલમાં પ્રવર્તમાન નૉવેલ કોરોના વાયરસ કોવિદ-૧૯ વિષાણુએ પુરા વિશ્વના લગભગ બધા જ દેશોને સંક્રામિત કર્યા છે. શરૂઆતના તબક્કામાં ચીન દેશ સિવાય અન્ય દેશો અને પ્રાન્તોમાં કોરોના વિષયની અપૂર્તિ માહિતી તથા અન્ય દેશોમાં પ્રસારણ પહેલાનો સમય વ્યક્તિઓને, સમૂહને તથા સમાજને અનેક રમૂજ પ્રવૃત્તિ તરફ દોરે છે ત્યાર બાદ વિશ્વના આધુનિકતાના ક્ષેત્ર માં ખૂબ જ અગ્રગણ્ય દેશો જેવા કે ઇટાલી, સ્પેન અમેરિકા, ઇંગ્લૈંડ, ઈરાન અને ફાંસ વગેરે દેશો આ રોગ ના સંક્રમણ ની ભયાનક ચપેટ માં આવી ગયા, તેની સાથે સાથે અન્ય ઊભરતા દેશો પણ આ રોગ ની ભયાનકતા તથા કાળને ભરખી જનાર સાબિત થતાં પુરા વિશ્વને સંપૂર્ણ તાળાબંધી કરવા માટે મજબૂર થવું પડ્યુ. હાલના તબક્કે આ રોગ નિર્ધારિત તબીબી ઉપલબ્ધિઑ ના અભાવે સંક્રમણનો ખતરો ખૂબ જ ચરમસીમાએ પહોચેલ છે.
કોરોના સંક્રમણના આ વિનાશક કાળમાં પણ ૨૧મી સદીમાં કલાકારોને એક નવી દ્રષ્ટિથી વિચાર કરવાનો તથા જીવન અને ભૌતિકતા તરફની માનવ દોડ, ખાન-પાનની નીજી રીતભાતો, કુદરતી આપદાઑ અને સમયની માંગ ને અનુરૂપ કળાસર્જન પણ સમાજ ને નવી પ્રેરણા અને વિચારણા માટે ઉત્તેજિત કરી રહેલ છે.
સીન યોરો, સ્ટ્રીટ આર્ટ, વોલ મ્યુરલ, (૨૦૨૦)
સીન યોરો, હવાઈ પ્રાંતના કલાકાર છે, જે પોતે આપશિખેલ કલાકાર છે, જેમની મુખ્ય કળા પ્રવૃત્તિ સ્ટ્રીટ આર્ટ, વોલ મ્યુરલ છે. જેઓ દ્વારા મિયામીના મેયર દ્વારા દરિયાકિનારાનો વિસ્તાર બંધ કરતા પહેલાં સામાજિક અંતર ની જાહેર માંગ હોવા છતાં લોકો તે તોડી રહ્યા હતા, આ અંગે સીન યોરો પોતાની કલાકૃતિ એક કિનારા પાસે પડેલ બાંધકામના નિકંદનની જગ્યા છે, ત્યાં એક રેકિંગ બોલ ને કોરોના વિષાણુ નો સેલ બનાવી પોતાની સામાજિક અભિવ્યક્તિ રૂપે દર્શાવેલ છે, જે દ્વારા કલાકાર કહે છે કે હાલ ની દુનિયામાં અંધાધૂંધી અને વિનાશ નું એક સંપૂર્ણ પ્રતીક જે અત્યારે વિશ્વભરમાં પ્રસરેલ છે, ક્ષીણ થઈ રહેલા ફાઉન્ડેશન અને કાટમાળ નો ઉપયોગ કરીને આ વિષાણુ આપના જીવનના દરેક પાસા પર જે અભૂતપૂર્વ પ્રભાવ પાડી રહ્યો છે, તેના ઉપર ભાર મૂકવા માગે છે. તેમના મુજબ આપની વૈશ્વિક પ્રણાલીની નાજુકતાનો પર્દાફાશ થયો છે અને માનવ સમાજ આવી ઘટનાઓ દ્વારા બંને વિચારો અને કાર્યોમાં આગળ વધવા પર ભારે પ્રભાવ પાડશે.
બેંકસી, સ્ટેન્સિલ્ડ ચિત્ર,(૨૦૨૦)
પ્રપંચી કલાકાર બેંકસીએ તેના બાથરૂમ માં નવું કળા કાર્ય કરીને કોરોના વાયરસ ના સંકટના સમયમાં ઘરે રહેવા ની સત્તાવાર સલાહને અનુસરણ કરી બતાવે છે, તેમના ટ્રેડમાર્ક સ્ટેન્સિલ્ડ ચિત્રિત ઉંદરો સિંક અને શૌચાલય ની આસપાસ દોડી ને રમૂજ કરી રહ્યા છે. જલદ પાગલ ઉંદર ટૂથપેસ્ટ ની નળી ને સ્કવીઝ કરતી વખતે લાઇટ સ્વિચને લટકાવીને શૌચાલયના ટીશ્યુ ગોળાને ઉતારીને અને શૌચાલયની બેઠક ઉપર પેશાબ કરતા દર્શાવાયેલ છે. કલાકાર બેન્કસી જેણી ઓળખ ગુપ્ત રહે છે તથા જેઓ ગ્રાફિટી આર્ટ માટે ખૂબ જ વિશ્વ વિખ્યાત છે.
પ્રવીણ મારીપલ્લી, લેટ્સ બીટ ધ કોરોના વાઇરસ વિથ નમસ્તે, વૂડકુટ (૨૦૨૦)
ભારતીય કલાકારોની વાત કરીએ તો વડોદરા સ્થિત છાપ કળાકાર પ્રવીણ મારીપલ્લી દ્વારા કોવિદ-૧૯ ના સંપૂર્ણ તાળાબંધી ના સમયમાં સામાજિક સભાનતા હેતુ તથા કળાની અભિવ્યક્તિ હેતુ પોતાની છાપકળા ચિત્રોમાં વૂડકુટ માધ્યમના સર્જન થકી સુંદર આયોજન કરવામાં આવેલ છે, રોગ થી બચવા તથા સમુચિત કાળજી હેતુ વ્યક્તિ તથા સમાજે શું કરવું, શું ન કરવું તથા રોગની સંક્રમક્તા અને સામાજિક ચેતના લક્ષી વિષયોનું આલેખન કરવાની સાથે સાથે સામાજિક માધ્યમો જેવા ફેસબુક કે વોટ્સેપ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવેલ જેનાથી બહોળા માનવ સમાજ સુધી આ અંગેનો સંદેશો પહોચાડી શકાય. અહી કળા એક માત્ર આર્થિક ઉપાર્જન માટે નહીં પણ કલાકાર ની નૈતિક-સામાજિક જવાબદારી અને અભિવ્યક્તિ દ્વારા આવા કાર્ય થકી ઉજાગર થતી જોવા મળે છે.
રાજકુમાર મજીન્દર, ચિત્રકળાપોથી (૨૦૨૦)
આ સિવાય અન્ય આસામ રાજ્ય ના એક કલાકાર રાજકુમાર મજીન્દર દ્વારા કોવિદ-19 રોગચાળા વિષય લઈને ચિત્ર આલેખન કરવામાં આવેલ છે. તેઓ દ્વારા ચિત્રકળાપોથી નું પણ આયોજન કરી આ રોગના સંક્રમણ અને તે અંગે પોતાના વિચારોનું આલેખન કરેલ છે. દેશના અનેક રાજયોના ઘણા કલાકાર મિત્રો પોતાની આગવી વિચાર શક્તિ દ્વારા મહામારીના આ કાળમાં કલાકૃતિઓનું સર્જન કરી રહેલ છે. જે ભૂતકાળ માં અનુભવાયેલ અને સાંપ્રત સમય ને અનુલક્ષીને ચિત્રાંકિત કરી સમાજ ને પોતાનો આયનો દેખાડવાનો પ્રયત્ન કરી રહેલ છે, સાથે સાથે આજના સમય, પરિસ્થિતિ અને વ્યક્તિગત તથા સામાજિક હાડમારીઓને પ્રદર્શિત કરવાના હેતુરૂપ સર્જન કાર્ય કરી રહેલ છે.
નિષ્કર્ષ- મૃત્યુ તથા તેનો ભય સમાજમાં હમેશાં ઉપેક્ષિત વિષયની દ્રષ્ટિએ જોવાયેલ છે. જન્મ-મૃત્યુ એક સિક્કાની બે બાજુ હોવા સમાન છે, છતાં પણ મહામારી જેવા સમયમાં મૃત્યુ ભયાનક રૂપ ધારણ કરી આવતું હોવાથી વ્યક્તિ તથા સમાજ પોતાને અછુતા કરી બીજા વ્યક્તિથી દૂરી બનાવવા મજબૂર કરી લે છે, ખાસ કરીને એકબીજાના સંપર્કથી થતા ચેપી રોગો જ્યારે પણ મહામારીના રૂપમાં વિશ્વ સમાજમાં પ્રસરતા જોવા મળ્યા છે, ત્યારે આવી પરિસ્થિતી ઉત્પન્ન થયેલ જોવા મળેલ છે. આજના આધુનિક સમયમાં માનવ સમાજ, તબીબી વિજ્ઞાન, તથા સમાજ ના અન્ય કાર્યરત વ્યક્તિ જેઓ પોતાની સામાજિક જવાબદારી રૂપે માનવ સમાજ ની સેવામાં કાર્યરત જોવા મળી રહેલ છે, ત્યારે આજનો કલાકાર પોતાની કલાને મહામારી સાથે કેવી રીતે જોડે છે, તેના વિશે શું વિચારે છે, ભૂતકાળના પ્રસંગોથી કલાકારો કેવી રીતે અભિભૂત થઈ પોતાની કળા દ્વારા સર્જનાત્મકતા બતાવી સમાજ માટે તે કઈ રીતે ઉપયોગી થઈ પડે, અને જેનાથી તેમની કળા ઉત્તમ અર્થે અર્થસભર બની સમાજને વિવિધ રીતે ઉપયોગી થઈ પડે.
સંદર્ભ-
*****
સુનિલ દરજી, સહાયક અધ્યાપક, ગ્રાફીક આર્ટ વિભાગ, ધ એમ.એસ.યુનિવર્સીટી ઓફ બરોડા, વડોદરા-૩૯૦૦૦૨. ઈમેલ- sunildarji@gmail.com ફોન.- ૯૮૯૮૦૬૫૯૯૨