સામાજિક બદલાવ સંદર્ભે કોરોના કાળની ભૂમિકા
26 ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં કોરોના નામના વાયરસે સૌપ્રથમ દસ્તક દીધી.સમગ્ર વિશ્વ ત્યારે કોરોના અને તેના લક્ષણોથી બિલકુલ અજાણ હતું.કોરોનાની દૂરોગામી અસરો અંગે કોઈને પણ એ સમયે કશી ખબર ન હતી.ખંધા ચીન દ્વારા વિશ્વને ખરા ટાણે ચેતવણીજનક ખબર ન આપવાના કારણે કોરોના મહામારી વિશ્વવ્યાપી બની છે.' વિશ્વ આરોગ્ય સંસ્થા' ની ભૂમિકા પણ શંકાના મજબૂત ઘેરામાં હોવાનું વિશ્વના અનેક રાજનેતાઓ જાહેરમાં કહી ચૂક્યા છે.આખી દુનિયાને સંક્રમિત કરનાર કોરોનાને Covid 19 નામ આપવામાં આવ્યું છે, જેણે વિશ્વને બે ભાગમાં વહેંચી દીધું છે.
કોરોના સામે લડવા હાલ વિશ્વ પાસે કોઈ રસી ઉપલબ્ધ નથી ત્યારે કેટલાક પ્રાથમિક ઉપચારો અને સામાજિક દૂરી તથા સ્વચ્છતાની વિશેષ કાળજી જ હાલ આપણા હથિયારો ગણી શકાય.કોરોનાએ આપણી પરંપરાગત જિંદગી અને વર્ષોથી ચાલી આવતી રીતભાતોને સમૂળગી બદલી નાંખી છે.હાથ મિલાવીને મળવું, ભેટીને મળવું, જાહેર મેળાવડાઓમાં હજારોની ભીડમાં એકઠાં થવું, સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં મોટી સંખ્યામાં ભાગ લેવો, રાજકીય કાર્યક્રમોમાં ભીડ થઈ ઊમટી પડવું વગેરેએ જેવી બાબતોથી ટેવાયેલા આપણને સૌને કોરોનાના અનિચ્છનીય આગમન પછી આખી વ્યવસ્થાઓ બદલવા મજબૂર બનવું પડ્યું છે.આપણી સામાજિક વ્યવસ્થાઓ અને રીતિરિવાજો ઉપર પણ કોરોનાનો મજબૂત, પ્રભાવક પંજો પડ્યો છે.
ભારતમાં અને ગુજરાતમાં કોરોનાના આગમનને આજે છ મહિના જેવો સમય થઈ ગયો છે.શરૂઆતી ધીમી રફતાર, લોકડાઉનનો વિકટ સમય, વતનની વાટ પકડવાનો અફડાતફડીનો માહોલ,ભયાનક માનસિક યાતનામાં ગરકાવ કોરોનાગ્રસ્ત વ્યક્તિ અને એના સમગ્ર પરિવારની ભયાવહ મનોદશા વગેરે જેવી બાબતોએ મનુષ્યને રીતસર હતપ્રત કરી નાંખ્યો છે.
આજે કોરોનાના કેસો ભારતમાં રોજના પચાસ હજારને પાર જઈ રહ્યા છે.ગુજરાતમાં પણ રોજના એક હજાર ઉપર કેસો આવી રહ્યા છે.હા, કોરોનાનો ડર થોડો ઓછો જરુર થયો છે.પણ, આપણી સામાજિક સ્થિતિ ખૂબ મોટી માત્રમાં બદલાવ પામી છે.
ગામડામાં રહેવા ન ટેવાયેલી નવી પેઢી લાંબો સમય સુધી ગામડે રોકાણી છે.ગામડાના અભાવ અને વાડી ખેતર તથા કૃષકાયાવાળા મા-બાપ પહેલીવાર બહુ લોકોને વહાલા લાગ્યા છે.દાદા-દાદીની ગોદ પૌત્ર-પૌત્રીનું સુખ બહુ સમયે પામી છે.ગામડાની સૂની શેરીઓ વર્ષો પછી ભાતીગળ જીવંતતાને પામી છે.મતલબ કે ગામડા પુનઃ જીવંત બન્યા છે.કદાચ શહેરનું ભારણ 10% જેવું ઘટશે.આવેલા બધા જ શહેરમાં પાછા ફરે એવું નથી બનવાનું.અમુક અંશે યુવાનો ખેતીમાં પ્રવૃત્ત બનશે.જે આગામી સમયમાં સામાજિક બદલાવ ક્ષેત્રે દૂરોગામી અસરો કરશે.
કોરોનાના લીધે આપણી પરંપરાઓ છેદાણી છે.મૃત્યુ પછીની બધી વિધિઓની વિભાવનાઓ સંપૂર્ણ બદલાણી છે.અંતિમવિધિમાં બહુ ઓછા લોકો, બેસણામાં તો નજીકના બે- ચાર સિવાય કોઈ નહીં.ટેલિફોનિક બેસણાની નવી પરંપરા,વિડિઓ કોલથી સગાઈ થયાના દાખલા વગેરે નવા પ્રકારના બદલાવાની નિશાની છે.પહેલા જે બાબતે સગાવ્હાલા સંબંધ બગાડતા હતા એ બાબતે પરિસ્થિતિના કારણે હવે કોઈને ખોટું નથી લાગતું.લગ્નપ્રસંગમાં સીમિત લોકોની હાજરીને સૌ હસતા હસતા સ્વીકારી રહ્યાં છે.
દેખાદેખીમાં મોટી સ્કૂલોમાં મોંઘી ફી ભરી સામાજિક વટ પાડવાની માનસિકતામાંથી મજબૂરીના કારણે ઘણા લોકો બહાર આવશે.આવા લોકો સરકારી સ્કૂલોના હવે જાતે જાતે વખાણ કરશે.આર્થિક રીતે ટૂંકો પનો ધરાવનારા લોકો વાસ્તવિકતાનો સ્વીકાર કરતા થશે એટલે દેખાડા આપોઆપ ઘટશે.
સામાજિક અંતર અને સ્વચ્છતા વિષયક ખયાલ હવે મજબૂત થતા દેખાય રહ્યા છે.દર રવિવારે બહાર જ જમવાનું જ એવો નિર્ણય કરીને બેસેલા પરિવારો ઘરના ભોજનનો આગ્રહ કરી રહ્યાં છે.વિદેશી ફૂડના ચસ્કે ચડેલા યુવાન-યુવતીઓને પરંપરાગત ભોજન આકર્ષિત કરી રહયું છે.વાર તહેવારે કારણ વિના બિનજરૂરી ખર્ચા કરનાર લોકો નવી રીતે વિચારતા થયા છે.લોકડાઉનના સમય દરમ્યાન પારિવારિક નિકટતા વધવાથી પરિવારપ્રેમ અને લાગણીને નવી રીતે પ્રગટ થવાનો અવસર મળ્યો છે.દરેક ઉંમરના લોકોમાં રહેલી સંવેદનશીલતા અને સર્જનાત્મકતા અનેકરીતે ઊભરી આવી છે.વાચન,લેખન, ચિત્ર, ગાયન, વાદન, સજાવટ , ઇન્ડોર રમતો, નૃત્ય, સંગીત જેવી વિધવિધ કલાઓમાં રુચિ ધરાવતા વ્યક્તિઓ પોતાની કલા સોશિયલ મીડિયાના માધ્યમ થકી સાર્વજનિક કરતા થયા.માનસિક તણાવ ઘટતા વ્યક્તિગત અને સામૂહિક જીવન ક્ષેત્રે હકારાત્મક વાતાવરણ બનવું એ પણ સૌથી મોટો સામાજિક બદલાવ ગણી શકાય.
નાના બાળકો માટે કોરોના કાળ લગભગ વરદાનરૂપ સાબિત થયાનું માની શકાય.શિક્ષણનો ભાર અને લેસનની માથાકૂટથી ત્રસ્ત બાળકો આ સમયમાં પોતાને સૌથી વધું સુખી સમજી શકે એવો માહોલ રચાયો.ભણવાનું નહીં, મમ્મી પપ્પાનો ઠપકો નહીં, દાદા-દાદીનો પ્રેમ, મનોરંજન, ટી.વી., રમકડાં અને ધીંગામસ્તીમાં દિવસ આખો પસાર થાય એવું બાળકોના મનમાં સાતમે પાતાળ પણ નહોતું.
કોરોના બાળકોને એની સ્વપ્નિલ દુનિયામાં લઈ ગયો.
મારી પડોશમાં રહેતા અને જન્મથી ડાયાબિટીસથી પીડિત દસ વર્ષના બાળક ધૈર્યને રોજ સવાર-સાંજ બે-બે ઇન્શુલિન લેવા પડતા હતા છતાં ડાયાબિટીસ ઘણું રહેતું હતું . એક તો જન્મજાત ઉણપ અને ઉપરથી અભ્યાસનું ટેન્શન.પણ, આશ્ચર્ય કે લોકડાઉન દરમ્યાન ભણવાનું અને લેસન વગેરે બંધ થતા ભાર હળવો થવાથી આ બાળકના ડાયાબિટીસના લેવલમાં ધરખમ સુધારો નોંધાયો છે.
વેબિનારનું પ્લેટફોર્મ જ્ઞાનના આદાનપ્રદાન માટે મહત્વનું બન્યું.જાહેર ચર્ચા અને માહિતીની આપ-લે માટે આ માધ્યમ થકી હજારો લાખો લોકો જોડાયા.ઘેર બેઠા ઑફિસનું કામ કોઈ કલ્પી શકતું હતું ખરું ! ?
કોરોનાએ માનો કે જૂની તમામ વ્યાખ્યાઓ બદલી નાંખી છે.નવી તરાહથી જીવન જીવવા લોકોએ તૈયાર કરી લીધી છે..
લાખો લોકો ધંધા રોજગાર વિના બેહાલ બન્યા.નાના અને ગરીબ માણસો માટે યાતનાદાયક પરિસ્થિતિ ઊભી થઈ.લાખો નોકરીઓ છીનવાઈ ગઈ.સામાજિક વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ.બસ, ટ્રેન, વિમાન સેવા બધું જ સ્થગિત થઈ ગયુ.ઘર,પરિવારથી અનેક લોકોને દિવસો સુધી લોક્ડાઉનના લીધે દૂર રહેવું પડ્યું.વિદેશમાં અનેક લોકો અટવાઈ પડ્યા.શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું કપરું થઈ પડે એવા સમયે માનવતા પૂર્ણ રૂપે ખીલી ઊઠી.હજારો સેવાયજ્ઞો થકી લાખો લોકોને સાચવી લેવાયા.સરકારે પણ આયોજનબદ્ધ રીતે આગોતરી વ્યવસ્થાઓ ગોઠવી.આ બધી બાબતોને કારણે વૈચારિક બદલાવો પણ આવ્યા.જે આખરે સામાજિક બદલાવો માટે નિમિત્ત બનશે.
શિક્ષણની પેટર્ન બદલાતા અનુકૂળતા અને પ્રતિકૂળતા બંને ઊભાં થયાં.ઓનલાઈન શિક્ષણ પર ભાર મૂકાતા શિક્ષણ મેળવવાની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું.શાલેય શિક્ષણ વર્ચ્યૂઅલ શિક્ષણમાં પરિવર્તિત થયું.નવા અનેક પ્રશ્નો ઊભાં થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા.પરીક્ષાઓ સ્થગિત થતાં અને ભરતીઓ અટકતા હોશિયાર વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી.એમની માનસિક સ્થિતિ ડામાડોળ થઈ.
કોરોનાકાળના વિશ્વવ્યાપક ભરડાને કારણે સામાન્ય માણસનું આર્થિક આયોજન ખોરવાઈ ગયું.રોજનું લાવી રોજ ખાનાર માણસ ભીંસમાં મૂકાયો.કોરોનાથી ગ્રસ્ત ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર પરિવારો લાખો રૂપિયાના બિલો ભરવા મજબૂર બન્યા.સરકારી નિયંત્રણો છતાં પણ લેભાગુ લોકોએ લૂંટ ચલાવી.લાખો પરિવારોની સામાજિક વ્યવસ્થાની મૂળભૂત વિભાવના બદલાતા એની અસરો લાંબા સમય સુધી આવા પરિવારો ઉપર પડતી રહેશે એ વાત નક્કી છે.
મહાનગરો અને નગરોમાં વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા સેંકડો વકીલોની આવક વિના કફોડી હાલત થતા એ પૈકીના કેટલાક વકીલોએ શાકભાજીની લારી, રીક્ષા ચલાવવી કે અન્ય નાનકડા વ્યવસાય વૈકલ્પિક રૂપે ચાલું કરવાની નોબત આવી.આવા પરિવારની માનસિક હાલત કેવી કપરી હશે એ સમજી શકાય છે.
ક્યારેય ન વીચારેલી સ્થિતિ સામે આવતા હજારો રત્નકલાકારો ગામડે ખેતીના કામમાં જોતરાયા.મજૂરોની હાલત સૌથી વધું ખરાબ બની.ઘરના કમાનાર મુખ્ય વ્યક્તિનું કોરોનામાં મોત થતા આવા પરિવારો નિ:સહાય થઈ ગયા.
કોરોનાએ પારાવાર પ્રશ્નો આપણી સામે મૂકી આપ્યા છે ત્યારે,આવનારા દિવસોમાં આપણામાં બહુ મોટા આમૂલ સામાજિક,વ્યાવહારિક અને સાંસ્કૃતિ ફેરફારો જોવા મળશે,જેની અસરો સદીઓ સુધી નથી જવાની.
સંદર્ભગ્રંથ
1. વિવિધ સમાચાર પત્રો
2. વિવિધ પત્ર-પત્રિકાઓ
3. વિવિધ ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય સમાચાર માધ્યમો
4 વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વેબિનાર
5 સામાજિક-સાહિત્યમૂલ્યાંકન- ડૉ.ગોપીકિશન પીતારા
6 ઇન્ડિયા ટુડે પત્રિકા
7 સર્વોત્તમ પત્રિકા
8 અભિયાન પત્રિકા
9 પાંચજન્ય પત્રિકા
10 ગુજરાત પાક્ષિક
*****
રવજી ગાબાણી, 9, સંકલ્પ બંગલોઝ, નાના ચિલોડા સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, અમદાવાદ -382330