પુત્રની વાટ | ઝલક દિનેશભાઇ પટેલ
“બા, મારી કંપનીમાંથી મને રજા મળતી નથી, અને એકાદ દિવસ જો રજા પાડું તો પગાર કપાય. શહેરમાં રહીને છોકરાઓને ભણાવવાનાને ઉપરથી પગાર કપાય તે મને નહીં પોષાય. તું મને આમ વારંવાર કહી ગામ ન બોલાવ. હું ફોન કર તારી ખબર તો લઉ છું ને?” ઈશ્વર દર વખતે બાને આવા કંઈકને કંઈક બહાનાં કાઢી ગામ ન આવવા માટે સમજાવી દેતો.
ઈશ્વર નાનો હતો ત્યારે જ તેના બાપુજી ગુજરી ગયા હતા. ખૂબ ગરીબ પરિસ્થિતિમાં બાએ તેને ખેતમજૂરી કરી ભણાવી-ગણાવીને નોકરીએ ચઢાવ્યો, ને પરણાવી દીધો. ગામડાનાં જૂના ખખડધજ મકાનમાં બા એકલાં જ પોતાની જિંદગીના અંતિમ દિવસોમાં પોતાનો પરિવાર સાથે હોય એવી અપેક્ષાએ દિવસો પસાર કરતા. ઘણીવાર તો તેઓ ઈશ્વરના આવવાની રાહમાં ઘરની બહાર મોડી રાત સુધી બેસી પણ રહેતા. ગામમાં કોઈના ઘરે છોકરાઓ તેના દાદા-દાદી જોડે રમતાં એ જોઈ ઈશ્વરના બા ખૂબ જીવ બાળતાં. પરંતુ ઈશ્વરને ગામ આવવા કહી કહીને થાકેલાં બા હવે તો તેના ફોન આવવા માત્રથી ખુશ થઈ જતા.
એક દિવસ ઘરનું બારણું ખખડ્યું. ખાટલામાં સૂતા ઈશ્વરના બાએ દોરીથી બાંધેલા ચશ્મા શોધીને ધ્રુંજતા હાથે માંડ માંડ પહેર્યાં. ખાટલાની બાજુમાં મૂકેલી લાકડી પકડી તેના સહારે ધીરે-ધીરે બારણું ખોલ્યું. સામે જોયું તો ઈશ્વર તેના પરિવાર સાથે ઉભો હતો. ઈશ્વરે કહ્યું : “બા શહેરમાં કોરોના આવ્યો છે, જો હું અહીં ગામ તારી સાથે મારા પરિવાર સહિત રહેવા આવ્યો છું.” ઈશ્વરના માથે પોતાનો ધ્રૂજતો હાથ મૂકી ગળગળા અવાજે બોલ્યા: “કેટલા વર્ષે તને જોયો બેટા! ભલું થજો એ કોરોનાનું કે એ બહાને તું અહીં આવ્યો તો ખરો!” ને દરવાજા પર જ વર્ષોથી ઝંખતી પોતાના પુત્રના આવવાની રાહ જોવાની ક્ષણો પૂરી થતા બા ઈશ્વરમય થઈ ગયા.
*****