સ્ટે એટ યોર હોમ | યામિની વ્યાસ
ટીવી ચાલુ કરતાં જ હાઈ બીપી વાળા દાદીમાનાં કાન સરવાં થયાં, “હં..આજે કેટલાં નવા કેસ આવ્યાં?” “અરે આ તો બે દિવસ પહેલાનાં ન્યુઝ છે” કહી ટીવી બંધ કરી દેવું પડ્યું .એમની ચિંતા ય આજકાલ ઓવરટાઇમ કરતી.
મમ્મી અથાણાની બરણીમાંથી એક એક ચીરી કાઢી એ રીતે ચલાણામાં ગોઠવતી હતી જાણે એક એક આવતીકાલ ગોઠવતી હોય !
વાસણ માંજવાથી વાસણ સાથે ઘણું બધું મંજાતું હોય છે ને ચકચકિત થતું હોય છે એવી હવે પપ્પાને ખબર પડી ગઈ હતી.
કંટાળાના લાસ્ટ સ્ટેજમાં પહોંચેલા પીન્ટુએ જૂની બીન બેગમાં રેતી ગુંગળાઈ જાય એ હદે ભરી પંચિંગ બૅગ બનાવી.ને જોરજોરથી પંચ મારવા લાગ્યો, જાણે કોરોના ચીસ પાડીને કરગરે ત્યાં સુધી પંચ મારશે એવું લાગતું હતું.
વિડીયો ગેમ રમી રમીને થાકેલી નાની ગુડડુ કજીયો કરવા લાગી. "સ્ટે એટ યોર હોમમાં હવે કોની સાથે રમવા જાઉં? દાદી બોલ્યા,"જા આપણા મીઠ્ઠું પોપટ સાથે રમ." ગુડ્ડુ તરતજ ટહૂકી,"એને તો મેં હમણાં જ ઉડાડી દીધો ને કહ્યું,નાવ સ્ટે એટ યોર હોમ, જુઓ સામેના ઝાડ પર !"બધા જ બહાર જોવા દોડ્યા. કૉપી કેટ પોપટ બોલ્યો,"નાવ સ્ટે એટ યોર હોમ, સ્ટે એટ યોર હોમ!"
*****