ઘરબંધી | વિપુલ પુરોહિત
લોકડાઉન પછીનો આ સળંગ બત્રીસમો દિવસ. તેણે ક્યારેય વિચાર્યું જ નહોતું કે આવાં ય દિવસો જોવાનાં આવશે. ઘરની બહાર નીકળવાની વ્યવસ્થાતંત્રએ મનાઈ કરી છે. તેનું ઘર તો ગલીની સાવ છેવાડે. ઘરની બહાર નીકળ્યાં પછી આખી ગલી વીંધીને જાય ત્યારે મુખ્ય રસ્તો અને ચોક આવે. ત્યાં જ નાનકડી લશ્કરી છાવણીની જેમ રક્ષકો, ચોવીસ કલાકની ફરજ બજાવવા બેઠાં રહે છે. આખી ગલીનાં દરેક મકાનનાં દરવાજા પર ચાંપતી નજર રાખે છે. સવારે અને સાંજે દૂધ અને શાકભાજી કે દવા-કરિયાણું-જેવી વસ્તુ લેવાં એકલ દોકલ વ્યક્તિ, પહેરેદારોને કાકલૂદી કરતી બારીમાંથી દેખાય છે. t.v. અને મોબાઈલ દુનિયાભરની ખબર હાથવગી અને આંખવગી કરી રહ્યાં છે. ક્યાંય સ્થિતિ સારી તો નથી જ. પણ ઘરમાં ને ઘરમાં રહીને હવે કરવું શું? એ પ્રશ્ન બધાંની જેમ એને પણ મૂંજવી રહ્યો છે. આ કઠણાઈનો આરંભ થયો ત્યારે તો મહિનાનાં આખરી દિવસો હતા. ઘરમાં અને બેંકમાં રૂપિયા ગણી શકાય એટલા જ હતાં. મહિનો બદલાતાં શેઠે પગાર તો કર્યો પણ અડધો. કારણ. તો કે આ મહિનો તો હવે કામ બંધ છે. કામ નહી તો રૂપિયા ક્યાંથી? આ અડધો પગાર તો ઉદારી દેખાડવા જ. ખબર પડી કે બાજુની ગલીમાં કોઈ સેવાભાવી સંસ્થાનાં સ્વયંસેવકો ઘરમાં હોય તેટલાં માણસદીઠ શાક-રોટલાં અને ખીચડી-કઢી જરૂરિયાતમંદ ઘરે પહોંચાડે છે. પત્ની અને ત્રણ બાળકો સાથે એનાં ઘરમાં પાંચ સભ્યો છે તેમ વિચારતો તે કઢી-ખીચડી અને શાક-રોટલાંની કેટલી માત્રા મળી શકે તેની ગણતરી કરતો હતો. પણ પોતે જરુરિયાતવાળો છે તેવું કહેવું તેને ગમ્યું નહિ. જેમ તેમ કરીને બે પાંચ દિવસ કાઢી નાખીએ અને પરિસ્થિતિમાં સુધારો થાય તો કામ પર જઈ શકાય. શેઠ પાસે બાકીનો અડધો પગાર કે એડવાન્સ રૂપિયા માંગી શકાય. પણ એને ખબર નહોતી કે આ કઠણાઈ એમ ઝટ દઈ ને જાવાની નથી. બે ચાર દિવસમાં તો ચેપ ફેલાવના ભયે સેવાભાવી સ્વયંસેવકોએ પણ સેવાનું કામ બંધ કરી દીધું. મોતનો ભય કોને ન હોય?
તંત્રએ લોકોના જીવ બચાવવા આરોગ્યવિભાગની માર્ગદશિકા પ્રમાણે ઉપરનાં અધિકારીઓની સૂચનાઓનું પાલન કરાવવા કમર કસી. દંડસંહિતાનો કડક અમલ વધ્યો. ચેપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે તો આરોગ્યકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ પણ ચેપગ્રસ્ત થવા લાગ્યાં છે. માસ્ક, પીપીટી કીટ, સેનેટાઈઝર, ટેસ્ટ, પોઝીટિવ-નેગેટીવ –જેવાં શબ્દો હૈંયે ને હોઠે ઘૂમરાવા લાગ્યાં. તેની મનોદશા પણ આ શબ્દોની આસપાસ ચકરાવા લેતી રહે છે. સમાચારોમાં કેસોની સંખ્યાની સાથે મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધવા લાગી છે. અત્યાર સુધી પહેરેદારોની રહેમનજરે સાંજના થોડો સમય શેરીમાં રમવા નીકળતાં બાળકોને પણ ઘરની બહાર શેરીમાં જવાની એણે મના કરી દીધી. તેનાં ઘરમાં હવે ચૂલો એક ટંક જ સળગવા લાગ્યો. આ વરસનું અનાજ લેવાનું તો હજી બાકી હતું. મસાલા પણ ખૂટવા આવ્યાં. આ શહેરમાં કામ કરવા આવ્યે તેને તો હજી બે વરસ માંડ થયાં છે. અહીં કોઈ નજીકનું સગું-સંબંધી પણ નથી. આ ગલીમાં રહેતા એની જેવા જ દૂર દૂરથી પોતાનું ગામ છોડીને બે પૈસા કમાવા આવેલાં દહાડી મજૂરો જ એનાં ઓળખીતા-પડોશીઓ. એ બધાં પણ એની જેવાં જ. એની જેમ જ પેટિયું રળી ખાનારાં. હવે આ જીવનમરણની પરિસ્થિતિમાં અહીં રહેવું કે ગામ જવું એ તેનાંથી નક્કી નહોતું કરી શકાતું. અહીં રહે તો ભૂખે મરવામાં બહું ઝાઝાં દિવસો બાકી ન લાગ્યાં. ગામ જવાનું ય સરળ તો નહોતું. બસ, મોટર, રેલ્વે- બધું ય વ્યવસ્થાતંત્રએ બંધ કરી દીધુ છે. ચાલીને જવું પડે. પણ અહીંથી સાડા ચારસો કિલોમીટર ચાલીને જવું કેમ? વિચારમાં ને વિચારમાં તેણે બે દિવસ કાઢી નાખ્યાં.
ગલીમાં દાખલ થતાં જમણી બાજુમાં આવતું ત્રીજું મકાન એકાએક રોકકળ અને ચીસાચીસીથી ગૂંજવા લાગ્યું અને એનાં પેટમાં ફડકો પડ્યો. પીપીટી કીટ ધારણ કરેલાં રક્ષકોની મોટરગાડી સાથે સાયરન વગાડતી આરોગ્યસેવાની લાલ-પીળાં પટ્ટાવાળી એમ્બ્યુલન્સ આવતી તેને પોતાના દરવાજાની તિરાડમાંથી દેખાઈ. તે વિચારવા લાગ્યો નક્કી 'નારણના ઘરે કોઈ કેસ આવ્યો'. નારણના બાપા લછમનદાદાને વિદેશી ઝોળીમાં ઉપાડ્યાં હોય તેવું તેને લાગ્યું. થોડી મિનિટોમાં તો 'કેસ' હાથમાં આવી ગયો અને તંત્રએ આખી ગલીને કબ્જામાં લઈ લીધી. લછમનદાદાને ચેપ ક્યાંથી લાગ્યો હશે તેની તો તેને ખબર ન પડી. પણ હવે સિત્તેર ઉપરનું લછમનદાદાનું શરીર બીજા રોગોની સાથે ચેપની ઝીંક ક્યાં સુધી ઝીલશે? તેનો પણ તેને વિચાર આવ્યો. નારણ અને તેનાં બૈરી-છોકરાનું શું થશે? પહેરેદારો નારણના ઘરે જવા ય નહિ દે. અને એમ જ થયું. થોડીવારમાં તંત્રએ વ્યવસ્થા કરવા માંડી. પહેલાં તો નારણના ઘરને પતરાની કિલ્લેબંધી કરી દીધી. ઘરની કોઈ વ્યક્તિ બહાર ન નીકળી શકે તેવી જડબેસલાક વ્યવસ્થા. એક વધારોનો પહેરેદાર ખાસ તેનાં મકાનનાં દરવાજા પાસે જ પતરાની આડશને અઢેલીને ખુરશી નાખી ફરજ પર બેસી ગયો. ન કોઈએ અંદર જવાનું કે ન કોઈએ બહાર આવવાનું. કંઈ ચીજ –વસ્તુ જોઈતું હોય તો તંત્ર પહોંચાડશે એમ કહ્યું.. સાંજે મોટાસાહેબ નિરીક્ષણમાં આવ્યાં ને ગુસ્સાથી રાતાપીળા થઈ ઊઠ્યાં : ' આ એક જ ઘર કેમ કોર્ડન કર્યું? આખી ગલી બંધ કરવાનો ઓર્ડર છે. કોઈ ચૌદ દિવસ સુધી બહાર ન નીકળે તેની ખાસ તકેદારી રાખવાની છે. લાપરવાહી જરા ય નહિ ચાલે. મારે પણ ઉપર જવાબ દેવાનાં હોય છે.' 'જી સાહેબ, હમણાં કરી દઈશું'- સાથે આવેલાં જુનિયરે દબાતા અવાજે કહ્યું. થોડે દૂર જઈ મોબાઈલમાં વાત કરી. મોટાસાહેબે એક લાંબી નજર આખી ગલી પર નાંખી ને ધીમી મક્કમ ચાલે ચાલતાં ગાડીમાં બેસી ગયાં. તંત્રનાં બીજાં કર્મચારીઓ પણ બીજી ગાડીઓમાં ગોઠવાયા અને ધૂળ ઉડાડતી ગાડીઓ ગલીની બહાર નીકળી ગઈ. અડધોએક કલાક થયો હશે ને એક મોટા ખટારામાં પતરા અને અન્ય સામગ્રી મંડપ સર્વિસમાંથી આવી ગઈ. દસ-બાર માણસો આખી શેરીનાં એકેએકે ઘરને પતરા મઢવામાં લાગી ગયાં. થોડી વારમાં તો ગલીના દરેક ઘરનાં દરવાજા સામે ચળકતાં પતરા ચમકી રહ્યાં. તે ક્યારનો આ બંધુ બાવરી આંખે જોઈ રહ્યો છે. તેનાં ઘરને પણ પતરાથી જડી દેવામાં આવ્યું. પતરાની ઝીણી તિરાડમાં તેને આખી ગલી દેખાય છે. નારણના ઘર પાસે બેઠેલો પહેરેદાર પણ દેખાય છે. તેની આગળ દૂર ગલીના નાકે, ચોક પાસે નાનકડી છાવણી પણ દેખાય છે. હવે તો આવનારાં ચૌદ દિવસ આ તિરાડમાંથી જ જગત જોયાં કરવાનું. તેની આખી ગલીને ઘરબંધી કરવાનો તંત્રનો હુકમ સજ્જડ રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે. નારણ, લછમનદાદા અને ગલીના દરેક રહેવાસીની જેમ ચૌદ દિવસ પછી તે પણ આ ઘરબંધી જ નહિ સમૂળી દુનિયામાંથી ચેપબંધીની રાહ જોઈ રહ્યો છે.
*****